યુરોપ-અનુભવ/બરફના પહાડનું સાચું પડતું સપનું

From Ekatra Wiki
Revision as of 11:31, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બરફના પહાડનું સાચું પડતું સપનું

હું તો નીચે આવીને પ્રો. બાખના અભ્યાસખંડની પેલી બારીમાંથી જોઉં છું: સ્તબ્ધ સરોવરમાં સરતી નૌકાઓ સાથે જાણે સરું છું.

પ્રો. બાખ આવીને કહે : થોડી વારમાં આપણે નીકળીએ છીએ. બપોર પહેલાં અમારા આ સ્પિએઝને જોઈ લઈએ. સાંજે પછી દૂર સુધી જઈશું. અમે ચાલતાં જ નીકળ્યાં. અમારા સૌના ચહેરા પર ઉત્સાહની અપૂર્વ પ્રસન્નતા હતી. પ્રો. બાખ સાચા અધ્યાપકના જીવ. એ અમને આ સુંદર દેશની સુંદરતા જ બતાવવા ઇચ્છતા નહોતા, એની પ્રકૃતિની વાત પણ જણાવવા માગતા હતા. એની એમણે જાણે બધી તૈયારી કરી રાખી હતી. એમને પંખીઓમાં પણ રસ, વૃક્ષોમાં પણ રસ, કિચનગાર્ડનમાં પણ. ઇતિહાસના તો એ અધ્યાપક હતા જ. વિનોદવૃત્તિ પણ એટલી પ્રબળ.

ઢોળાવવાળા વળાંકો ચઢતાં થોડાં ઘર વટાવી અમે એક ઊંચે સ્થળે પહોંચ્યાં. એમનો પુત્ર એન્ડ્રિયાસ પણ અમારી સાથે હતો. એને પણ આવોબધો રસ. ટેકરી પછી શરૂ થયું જંગલ. વિયેનાવુડ્જની જેમ સ્પિએઝનો એ ગ્રીનબેલ્ટ અભયારણ્યનો ભાગ હતો. નાનો નૅશનલ પાર્ક છે. શિયાળ, હરણ ઘણાં છે. વૃક્ષછેદન કે શિકાર વર્જિત. કહે : આ મૅપલનાં ઝાડ છે. કૅનેડાના રાષ્ટ્રધ્વજમાં આ મૅપલનું પાંદડું પ્રતીક છે. આ વાલનટ-અખરોટ છે, આ શંકુ-આકારનાં વૃક્ષ તે લાર્ચ. જંગલમાં પંખીઓનું વૃન્દગાન થતું હતું, ત્યાં એક પંખીનો અવાજ જુદો તરી આવ્યો. કહે :- આ છે મિલાન. ગ્રીષ્મમાં દક્ષિણમાંથી આવી અહીં માળા બાંધે છે. આ પંખી મત્સ્યભોજી છે. જૂના ઓકનાં ઝાડ, રેડવુડ ઝાડ, સાચે જ પહાડી પર ચઢતું ભીનું ગાઢ અરણ્ય.

ઊંચી પહાડીની ટોચ પછી જ ઢોળાવ શરૂ થયો, ત્યાં તો જુદું જ દૃશ્ય. દૂર સુધી દ્રાક્ષની ઢળકતી વાડીઓ અને દૂર નીચે દેખાય નગરનો રસ્તો અને ઘર. એક ટ્રેન દોડી જતી હતી. કહે : મધ્યકાળથી અહીં દ્રાક્ષ વવાતી આવે છે. લચકે – લૂમખે દ્રાક્ષ બેસી ગઈ છે, લીલમલીલાં ઝૂમખાં.

જરા દૂર આલ્પ્સની ગિરિમાળામાં બેત્રણ ઊંચાં શિખર દેખાતાં હતાં. ઉપર ધુમ્મસ તરે. બે દ્રાક્ષની વાડીઓ વચ્ચેનાં ઊતરવાનાં પગથિયેથી ઢાળ ઊતરતાં હતાં કે છેડે સ્પિએઝના જૂના કિલ્લાનો મિનારો અને ભૂરા સરોવરનો એક ખંડ દેખાયાં. હવે અમે ઘરો વચ્ચેના માર્ગ ઉપર હતાં. સ્વિસ લોકોને કિચનગાર્ડન બહુ ગમે છે. અમે જોયાં : ચેરી, સફરજન, રાસ્પબેરી, સ્ટ્રૉબેરી, કાંદા પણ. પ્રો. બાખ અમને સ્વિસ ઘરોની રચના સમજાવતા હતા. તેમાં લાકડાનો ઉપયોગ, લાકડાના ઝરૂખા, ઘર બનાવનાર મિસ્ત્રી-કડિયાનું નામ પણ કોતરેલું હોય. કહે : સાંજે આપણે જૂનાં ઘરોવાળું ગામ જોવા જવાનાં છીએ. ટાવરમાં અગિયારના ટકોરા થયા. સ્વચ્છ સુઘડ માર્ગ પર મોટરગાડીઓની આછીપાતળી અવરજવર. થોડાંક પ્રવાસીઓ દેખાતાં હતાં. અમે સરોવરખૂણે ઊભેલા ‘શાતાં દી સ્પિએઝ’ – સ્પિએઝના જૂના દુર્ગ પાસે આવી ઊભાં.

બહુ વર્ષો પહેલાં એ મિનેસિંગર એટલે કે ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડની સરહદોના વિસ્તારના એક દરબારી કવિનું ઘર હતું. એઝરા પાઉન્ડે આ મિનેસિંગર– ત્રાઉબેદુર્સ કવિઓ અને એમની કવિતાની વાત કરી છે. મિનેસિંગરના મિનેસાન્ગ એટલે રીતસરની પ્રેમકવિતા, સામંતવર્ગે વિકસાવેલી – આપણા મધ્યકાલીન પ્રેમશૌર્યના દુહા જેવી.

આ સ્પિએઝના આ પુરાણા દુર્ગમાં એક કાળે કોઈ કવિ રહેતા હતા. સાચે જ કવિને રહેવાયોગ્ય આ સ્થળ છે તો! બાજુમાં જૂનું ચર્ચ છે અને તરત પછી સરોવર. અમે કિનારે જઈ ઊભાં. કિનારે ઊભેલો આ કૅસલ ચિત્રાત્મક છે.

પ્રો. બાખ કહે, શિયાળામાં અહીં બધું ઠરી જાય છે. પણ આ થુનર લેક ઠરતું નથી. માત્ર ઈ.સ. ૧૫૩૦માં એક વાર ઠરી ગયું હતું. એ ૨૯૦ મીટર ઊંડું છે, એટલે ઠરતું નથી.

આરે નદીનાં પાણી આ સરોવરમાંથી વહે છે જે આગળ જઈ રાઇન નદીને મળે છે.

આ પુરાણા દુર્ગની આજુબાજુમાં હવે થોડાં આધુનિક શૈલીનાં ઘર બન્યાં છે. એક ઢોળાવ પર ચેરી ઊગેલ છે. એ જોઈ બાખ કહે: ચેરીનો દારૂ બહુ સ્ટ્રૉન્ગ હોય છે. લાલ ફૂલવાળાં રોડેડ્રેનડ્રનનાં ઝાડ દાર્જિલિંગમાં જોયાં હતાં, અહીં એની ઝાડીઓ જોઈ.

નિસેન — આલ્પ્સનું એક હિમાચ્છાદિત પિરામીડનુમા શિખર છે, ત્યાં અત્યારે તો આસપાસ થોડાં વાદળ છે. અમે પાછાં વળીએ છીએ. ચર્ચના ટાવરમાં બારના ટકોરા થાય છે. પ્રો. બાખ કહે : ઈ.સ. ૧૬૬૩નો ઘંટ છે, તિરાડ પડી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ છઠ્ઠી સદીમાં થયો છે.

અમે ગામ વચ્ચે થઈ નીકળ્યા. સ્વચ્છ, સુંદર આ બે વિશેષણો વારંવાર પ્રયોજવાં પડે. રેગનવેગ થઈ અમે ઘેર પાછાં આવી ગયાં. હળવું લંચ લીધા પછી પહાડોની અંતરિયાળ આવેલા બ્લ્યૂ લેક — નીલ સરોવરે જવાનું હતું. તે પહેલાં પ્રો. બાખ અમને સ્વિટ્ઝર્લૅન્ડનું ગામ અને ગામનાં પરંપરાગત પદ્ધતિનાં ઘર બતાવવા માગતા હતા.

એમની ગાડીમાં અમે ગોઠવાયાં. રૂપા-દીપ્તિ લગેજ રાખવાને સ્થાને બેસી ગયાં. વિનોદ કરતાં બાખ કહે : આ આપણું લગેજ જ! સડકને કોરે એક ગામ – રાઇખ્ય. બાખે એક ઘર બતાવ્યું. આપણા ગામડાનાં જેવો મોભારો અને બન્ને બાજુ ઘરનો ઢાળ, પણ બીજે માળથી બધું લાકડાંનું, નાની નાની બારીઓ.. ઈ.સ. ૧૭૪૪માં એ ઘર બનેલું. એક છે તે ઈ.સ. ૧૫૪રનું ઘર. હવે તે આ દેશની સૌથી જૂની લાકડાની હોટલ છે.

બાખે, જે ઘરમાં એમની માતાનો જન્મ થયેલો તે ઘર બતાવ્યું. જૂનાં ઘર બધાં જાળવી રાખવામાં સરકાર પણ અનુદાન આપે છે. બાખે કહ્યું કે, અમારા વડવા રશિયામાંથી આવેલા. ચીઝ બનાવવાનો અમારો વ્યવસાય હતો. એક ઘરે ઘૂઘરા જોયા. અહીં ગાયોને કંઠે આવા ઘૂઘરા બાંધે છે.

ઘૂઘરા + ક્રોસના પટ્ટાવાળા હોય. ઘણાં ઘરોની બારસાખે ગૉથિક લિપિમાં સુવાક્યો લખ્યાં હોય. સુથારો પાસે સુવાક્યોની ચોપડી રહેતી. ઘર બાંધનાર સુથાર પોતાનું નામ પણ કોતરતો. એક ઘરે સુવાક્ય છે :

‘ઈશ્વરના આશીર્વાદ વિના મનુષ્ય કંઈ કરી શકતો નથી.’

એક બીજા ઘરે મકાનમાલિકે આવું કોતરાવ્યું છે :

‘કોઈ એવો ડાહ્યો પાક્યો નથી જે બધાંને ગમે એવું ઘર બંધાવી શકે. આ ઘર મેં મારા પૈસામાંથી બંધાવ્યું છે અને એ મને ગમે એ પ્રમાણે બંધાવ્યું છે.’

ગામનાં પડતર ખેતરોમાં ઘૂઘરા બાંધેલી, ચરતી, હૃષ્ટપુષ્ટ ગાયો જોઈ અને ગોપૂજક ભારતની ગૌમાતાનું સ્મરણ થયું.

રસ્તાની ધારે નદી વહેતી જાય છે. અમે સ્વિટ્ઝર્લૅન્ડના તળગામમાં થઈ જતાં હતાં.

સ્વિસ લોકો માટે આલ્પ્સનું ઘણું આકર્ષણ. મોટાભાગના સ્વિસ લોકો સ્વિસ આલ્પાઇન ક્લબના મેમ્બર હોય. અનેક શિખરો ચઢી આવ્યા હોય. રાત્રે બે વાગ્યે શિખર ભણી ચાલવા માંડે. જ્યારે બરફ સખત હોય, બધા સ્કીઇંગ પણ કરતા હોય.

રસ્તે ઘાસનાં ખેતર છે. ઘાસ (‘Hey’) કાપવાની આ ઋતુ છે. યંત્રથી ઘાસ કપાય છે.

અમારી ગાડી એક સ્વચ્છ – સુંદર નદી ઓળંગી પહાડોની અંતરિયાળ ગાઢ જંગલ વચ્ચેના માર્ગે થતી આવી ઊભી, તો જાણે ધરતી પર ભૂરા આકાશનો એક તરલ ખંડ. આ પેલું બ્લ લેક-નીલસર.

પ્રાકૃતિક સૌન્દર્યની દૃષ્ટિએ સ્વિટ્ઝર્લૅન્ડ જો વિશ્વનો સૌથી સુંદર દેશ હોય તો નીલસર સ્વિટ્ઝર્લૅન્ડનું એક સૌથી સુંદર પ્રાકૃતિક દૃશ્ય છે.

પંદર હજાર વર્ષ પહેલાં આલ્પ્સના ફીસીસ્ટોકે શિખરના હિમખંડો અને સખત ખડકો કેન્ડર નદીની ખીણમાં ઢગલે ઢગલા થઈ તૂટી પડેલા. ખડકો વચ્ચે બરફના ખંડો. ખડકો તો ખડકો રહ્યા, પણ બરફ તો ઓગળ્યો એટલે ખાલી જગામાં પાણી ભરાતાં ગયાં અને એ રીતે બન્યું નીલ સરોવર – Blue Lake. એને અહીં જર્મનમાં Blausee કહે છે. અઢી એકરના વિસ્તારના આ સરોવરની વધુમાં વધુ ઊંડાઈ ૯૦ ફૂટ છે. આ સરોવરની સૌથી મોટી ખૂબી એ છે કે તેનાં પાણી નીતરેલાં જળ કરતાં પણ નીતર્યાં – સ્વચ્છ છે. એની ચારેબાજુનાં ગાઢ અરણ્યો, લીલ બાઝેલા શિલાખંડો અને પ્રકાશનાં પરાવર્તનોથી એ જળનો એવો તો ભૂરો રંગ દેખાય છે કે એવો બીજે ક્યાંય જોવા ન મળે.

આ સરોવર માનવ-નજરોથી અદૃષ્ટ હતું. લગભગ બસો વર્ષ પહેલાં ૧૮૭૮માં લીમાન નામના ઝોલીકોનના એક વેપારીની નજરે પડ્યું અને પછી તો એના સૌન્દર્યથી દુનિયાભરના પ્રવાસીઓને એ ખેંચવા લાગ્યું.

જાણે પ્રકૃતિદેવીનું દર્પણ! એનો ભૂરો રંગ આંખમાં અંજાઈ ગયો છે. સરોવરમાં થોડી વાર નૌકાવિહાર કર્યો, એ વળી બીજો સઘન અનુભવ. એકબીજા પર થોડું પાણી છાંટવાનો પણ આનંદ લૂંટ્યો. પછી ‘વૉન્ડરવેગ’ દ્વારા જૂની ગુફાઓ — ખડકો વચ્ચેથી નીકળી બહાર આવ્યાં. પ્રાકૃતિક સુષમાનો એક વિરલ અનુભવ!

સાંજ ઢળતાં અમે પાછાં આવ્યાં. શ્રીમતી બાખે એમનું રસોડું અમારાં મહિલાસભ્યોને સોંપી દીધું હતું. હજી તો આજે સવારે મળ્યાં છીએ, પણ જાણે કેટલાં પરિચિત! રાત્રે સૌ સાથે જમવા બેઠાં. આજે સમગ્ર બાખ પરિવારે ગુજરાતી ખાણું (જેવું અહીં બની શકે) ખાધું. મગ, ભાત, રોટલી. કુમારી ક્રિશ્ચિયાના પણ આવી ગઈ હતી. અમે સૌએ જોયું કે, એક સુદઢ પારિવારિક ભાવ માબાપ અને સંતાનો વચ્ચે છે.

જમ્યા પછી કિશ્ચિયાનાએ હાર્પ પર એક તર્જ વગાડી અને પ્રો. બાખે અને શ્રીમતી બાખે પોતપોતાના પિયાનો પર તર્કો વગાડી. અમને લાગ્યું કે, સ્વિટ્ઝર્લૅન્ડના એક સુખી પરિવારના સાન્નિધ્યમાં અમે બેઠાં છીએ. પછી બાલ્કનીમાં આવી ઊભાં. સરોવરકાંઠેની પહાડીઓના ઢોળાવ પરનાં ઘરોમાં દીવા પ્રકટી ઊઠ્યા હતા. દીપ્તિ કહે: ઘર તો આ સ્થળે જ બાંધવું જોઈએ.

અમે સૌ-સૌના ઓરડામાં પહોંચ્યાં. હું પ્રો. બાખના અભ્યાસખંડમાં સૂવાનો હતો. ત્યાં એક ચોપડી જોઈ. સ્વિટ્ઝર્લૅન્ડ વિષેનું જ્યૉર્જ મિકેસનું એક પુસ્તક હતું. તેમાં એક સ્થળે વાંચ્યું :

‘સ્વિસ લોકો કોઈ પણ કામને ગંભીરતાથી લે છે, વહેલું શરૂ કરે છે અને મોડું પૂરું કરે છે અને એ અંગે અભિમાન લે છે.’