રવીન્દ્રપર્વ/૫૫. પ્રથમ શોક

From Ekatra Wiki
Revision as of 10:52, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૫. પ્રથમ શોક| }} {{Poem2Open}} વનની છાયામાં થઈને જે રસ્તો ચાલ્યો જતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૫. પ્રથમ શોક

વનની છાયામાં થઈને જે રસ્તો ચાલ્યો જતો હતો તે આજે ઘાસથી ઢંકાઈ ગયો છે. એ નિર્જન સ્થાને એકાએક પાછળથી કોઈ બોલી ઊઠ્યું, ‘કેમ, ઓળખાણ પડે છે ખરી કે?’ મેં પાછળ ફરીને એના મુખ ભણી જોયું, કહ્યું, ‘કંઈક યાદ તો આવે છે, પણ નામ બરાબર દઈ શકતો નથી.’ એણે કહ્યું, ‘હું તો તારો પેલો અનેક વર્ષો પહેલાંનો — પચ્ચીસ વર્ષની વયનો શોક.’ એની આંખને ખૂણે કશાકની છલછલ આભા દેખાઈ, જાણે તળાવડીનાં પાણીમાં ચન્દ્રની રેખા. હું અવાક્ બનીને ઊભો જ રહી ગયો. પછી કહ્યું, ‘તે દિવસે મેં તને જોયો ત્યારે તું શ્રાવણના વાદળના જેવો કાળો હતો, આજે તને જોઉં છું તો જાણે આશ્વિનના સોનામાંથી ઘડેલી પ્રતિમા! તે દિવસનાં આંખમાંનાં બધાં નીર શું સાવ સુકાઈ ગયાં?’ એણે કશું કહ્યું નહીં, સહેજ હસ્યો; હું સમજ્યો કે બધું જ આ હાસ્યમાં રહી ગયું છે. વર્ષાનાં વાદળે શરદના પારિજાત પુષ્પનું હાસ્ય શીખી લીધું છે. મેં પૂછ્યું, ‘મારા એ પચ્ચીસ વર્ષનાં યૌવનનેય શું આજ સુધી તેં તારી પાસે સાચવી રાખ્યું છે?’ એણે કહ્યું, ‘આ જોને, મારા ગળાનો હાર.’ મેં જોયું: તે દિવસની વસન્તની માળામાંથી એક પાંખડીય ખરી નથી. મેં કહ્યું, ‘મારું તો હવે બધું જીર્ણ થઈ ચૂક્યું, પણ તારા ગળામાંનું મારું એ પચ્ચીસ વર્ષનું યૌવન આજેય મ્લાન થયું નથી.’ ધીમે ધીમે એણે એ માળા ઉતારીને મારા ગળામાં પહેરાવી દીધી. પછી પૂછ્યું, ‘યાદ છે ને? એક દિવસે તેં કહ્યું હતું, ‘મારે સાન્ત્વના જોઈતી નથી, મારે તો શોક જ જોઈએ છે.’ લજ્જિત થઈને મેં કહ્યું, ‘હા, મેં એમ જ કહ્યું હતું, પણ ત્યાર પછી તો ઘણા દિવસો વીતી ગયા, હું તો ભૂલી ગયો.’ એણે કહ્યું, ‘પણ એ જે અન્તર્યામીનું વરદાન, તે કાંઈ થોડા જ ભૂલે? હું તે દિવસથી છાયાતલે છુપાઈને તારી રાહ જોતો બેઠો છું. હવે તું મને વરી લે.’ મેં એનો હાથ મારા હાથમાં લીધો ને કહ્યું, ધઆ શું તારું અપરંપાર રૂપ!’ એણે કહ્યું, ‘જે હતો શોક તે જ આજે બની ગયો શાન્તિ.’ (લિપિકા)