રવીન્દ્રપર્વ/૮૬. ઓગો શેફાલિવનેર મનેર કામના

From Ekatra Wiki
Revision as of 05:47, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૬. ઓગો શેફાલિવનેર મનેર કામના| }} {{Poem2Open}} હે શેફાલિવનના મનની ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮૬. ઓગો શેફાલિવનેર મનેર કામના

હે શેફાલિવનના મનની કામના, શા માટે સુદૂર ગગનમાં પવને પવનમાં ભળી ગઈ છે? શા માટે કિરણે કિરણે ઝળકીને ઝાકળમાં ઓગળી જાય છે? શા માટે ચપળ તેજછાયામાં તું તારી માયામાં સંતાઈ રહેલી છે? તું રૂપ ધારણ કરીને ક્ષણેકને માટે નીચે તો આવ. હે શેફાલિવનના મનની કામના! આજે તું મેદાનમાં વિહાર કરતી રહો, તૃણ (તારા સ્પર્શથી) કંપી ઊઠો. તાલવૃક્ષના પાંદડાના વીંઝણે નીચે આવ. પાણીમાં તારી છબિને વિસજિર્ત કરતી નીચે આવ. તારા પાલવમાં સૌરભ ભરીને, તારી આંખમાં સુનીલ કાજળ આંજીને આવ, મારી આંખ સામે ઘડીભર ઊભી રહે ને, હે શેફાલિવનના મનની કામના! હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ કેટલાં વ્યાકુળ હાસ્ય અને રુદનમાં રાત અને દિવસ સ્વપ્નમાં અને જાગતાં, આગિયાની દીપમાળ પ્રકટાવીને રાત્રિના તિમિરની થાળ ભરીને પ્રભાતે કુસુમની છાબ સજાવીને, સાંજે તમરાનાં ઝાંઝર રણકાવીને તારી કેટલી સ્તુતિઆરાધના કરી છે, હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ. સકળ વિશ્વ સાથે આજે તારો સંવાદ ચાલી રહ્યો છે, તું એ શુભ્ર આસન પર બેઠી છે. આહા, શ્વેત ચંદનના તિલકથી આજે તને કોણે સજાવી છે? પોતાની દુ:ખશય્યા ત્યજીને આજે કોણે તને વધાવી લીધી છે? તેં કોના વિરહના ક્રન્દનને શાંત કરી દીધું છે? હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ. (ગીત-પંચશતી)