રાધે તારા ડુંગરિયા પર/કલાધામ અજંતા-ઇલોરા

From Ekatra Wiki
Revision as of 05:09, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કલાધામ અજંતા-ઇલોરા

ભોળાભાઈ પટેલ

ધર્મનું તત્ત્વ ગુફામાં રહેલું છે * કુદરત અને કલા વચ્ચે
સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની ત્રિવેણી * નિર્વાણને ઉંબરેથી
ચીતરેલી કલા * અજંતાની પેલી અપ્સરા
* ફર્દાબાદ અને કેવસ * ઔરંગાબાદને સીમાડે *
શાલભંજિકા * અદ્ભુત અનુપમ કૈલાસ * સીતાજીની નહાણી

‘ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયામ્’ – ધર્મનું તત્ત્વ ગુફામાં રહેલું છે. એક સંસ્કૃત શ્લોકના આ ત્રીજા ચરણનો અર્થ એના સંદર્ભથી જરા વિખૂટો પાડી હું જુદી રીતે પ્રમાણું છું. મૂળ શ્લોકનો આખો ભાવાર્થ તો આ પ્રમાણે છે: (ધર્મ એટલે શું? એ અંગે) વેદો જુદું કહે છે અને સ્મૃતિઓ પણ જુદું કહે છે. એ કોઈ મુનિ પણ નથી જેનું વચન પ્રમાણરૂપ માનીને ચાલી શકાય. ધર્મનું તત્ત્વ ગુફામાં રહેલું છે. જ્યાંથી મહાજનો ગયા તે જ સાચો માર્ગ છે.

હવે હું કેવી રીતે જુદી રીતે પ્રમાણું છું તે કહું. આપણા દેશના જુદા જુદા ભાગમાં આવેલી પ્રસિદ્ધ ગુફાઓ જોઈ, જે ગુફાઓમાં હિન્દુ, જૈન, બૌદ્ધ આદિ ધર્મ કલાત્મક રૂપે પ્રકટ થયા છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા એનાં ઉત્તમ રૂપોમાં આ ગુફાઓમાં સિદ્ધ થયાં છે.

ગુફા એ માણસનું આદિ વાસસ્થાન હશે. ગૃહનિર્માણનું કૌશલ મેળવ્યા પછી અને ગૃહવાસી, નગરવાસી થયા પછી પણ ગુફા માટે માણસનું આકર્ષણ રહ્યું છે. વૈરાગી ભર્તૃહરિએ કહેલું કે, ‘એકો ભાર્યા સુન્દરી વા દરી વા.’ – માણસને એક જ પત્ની હોય કાં તો સુન્દરી કાં તો ગુફા. પત્ની હોય તો સુન્દર હોય નહિતર પછી ગુફા ભલી!

દેશના ઘણા પહાડોમાં કે જંગલોમાં અનેક ગુફાઓ ભર્તૃહરિની ગુફા કે ગોપીચંદની ગુફા કે પાંડવોની ગુફા નામે ઓળખાય છે. લોકમાનસમાં એ રીતે એ જળવાતી આવી છે. આ બધી ગુફાઓ કુદરતી રીતે બનેલી હોય છે. સંસારનો ત્યાગ કર્યા પછી ભર્તૃહરિ અને ગોપીચંદ ગુફાવાસી બની એકાન્તમાં, ધ્યાનતપમાં ડૂબી ગયા હશે. પાંડવોને તો બાર વરસના વનવાસ દરમિયાન ઠેર ઠેર આશ્રય લેવા આવી ગુફાઓ જ શોધવી પડી હશે.

આવી ગુફાઓમાં આજે પણ ધૂણી ધખાવીને પડેલા ‘કોઈ જોગી મહાત્મા’નાં દર્શન થઈ જાય. જંગલમાં પ્રાણીઓ માટે તો એ સ્વાભાવિક જ આશ્રયસ્થાનો.

પણ એ ગુફાઓની વાત નથી કરવી. માણસમાં રહેલા કલાકારે જે ગુફાઓ કઠોર પર્વત-પાષાણોમાં કોતરી કાઢી અને જ્યાં પોતાની ઊભરાતી સર્જકતાને ધર્મના આશ્રયે અભિવ્યક્ત કરી છે, એવી કેટલીક ગુફાઓની વાત કરવી છે. તરત તો સૌના સ્મરણમાં આવશે અજંતા–ઇલોરાની ગુફાઓ. ઇલોરાની પાસે આવેલી છે ઔરંગાબાદની ગુફાઓ. મુંબઈ-પુણેના ભાગ પર કાર્લા અને ભાજાની ગુફાઓ છે. મુંબઈથી થોડે દૂર દરિયામાં એક ટાપુ પર એલિફન્ટાની ગુફાઓ છે. વળી આ જ મુંબઈ શહેરના બોરિવલી સ્ટેશનની પૂર્વે આવેલા નેશનલ પાર્કને છેડેની પહાડીઓમાં છે કન્હેરીની ગુફાઓ.

મધ્યપ્રદેશનાં જંગલોમાં બાગની ગુફાઓ છે. એ જ રાજ્યમાં વિદિશાની પશ્ચિમે ઉદયગિરિની ગુફાઓ પણ જાણીતી છે. ઓડિશા રાજ્યની રાજધાની નવા ભુવનેશ્વરની ઉત્તરે આવેલી ખંડગિરિ-ઉદયગિરિની ગુફાઓ ઇતિહાસપ્રસિદ્ધ છે જ.

આ સૌ ગુફાઓમાં બાગની ગુફાઓ સૌથી પહેલાં જોવાનો અવસર મળ્યો હતો, પરંતુ જેના દર્શનની ચિરસ્થાયી છાપ પડી છે તે તો અજંતા-ઇલોરાની ગુફાઓ.

જૂન માસમાં એક સેમિનારમાં ઔરંગાબાદ જવાનું હતું. અલબત્ત, જવાયું તો નહિ, પણ ત્યાં જવામાં મુખ્ય આકર્ષણ તે આ ગુફાઓનું દર્શન હતું. હું ત્યાં ન ગયો, એટલે જાણે ગુફાઓ મનમાં આવી. જૂની ડાયરીનાં પાનાં મને પ્રથમ દર્શનનાં સ્થળકાળમાં લઈ ચાલ્યાં…

ઑક્ટોબર ૨૪ ઔરંગાબાદ બસસ્ટેશન

ક્યાં આવી ચઢ્યો છું! કેવા અજાણ્યા નગરમાં!

પુણેથી બપોરના ત્રણ વાગ્યે ઔરંગાબાદથી આરામગાડી એટલે કે લક્ઝરી બસમાં નીકળ્યો. અહમદનગર આવતાં સાંજ પડી ગઈ. સાંજની ધૂંધળાશમાં ચારસો વર્ષ જૂના કિલ્લાએ અહમદનગરની સાથે ત્યાંની જેલમાંથી મૌલાના આઝાદના પત્રોનું પુસ્તક ‘ગુબારે-ખાતિર’ અને જવાહરલાલે ઇન્દિરા ‘પ્રિયદર્શિની’ને જગતના ઇતિહાસનો આલેખ આપતા લખેલા પત્રોનું સ્મરણ થયું. ૧૯૪રમાં તેઓ અહીં કેદમાં હતા. નિશાળમાં ભણેલા ઇતિહાસની વાતો પણ જાગી. ખાસ તો ચાંદબીબીની. ઊતરતા અંધકારમાં બધું ભળી ગયું.

ડુંગરાળ ભૂમિ પરના સ્વચ્છ આકાશમાં તારાઓ ચમકવા લાગ્યા. બસની બારીમાંથી નજર બહાર આકાશમાં ‘એમ’ આકારના શર્મિષ્ઠાના તારામંડળ પર જઈ પડી. રોહિણીનો ‘વી’ દેખાયો અને કૃત્તિકાનું ગૂંચમણું પણ.

આ નગર તો છે ઔરંગાબાદ. અત્યારે તો આ નગરનો ઇતિહાસ જાણતો નથી. કોઈ બાદશાહે જ વસાવેલું હશે. નામ એનું ઔરંગઝેબના નામ સાથે જોડાયેલું છે. રાત્રિને કારણે નગરનો કશો ખ્યાલ આવ્યો નથી. પોણા દશ વાગ્યે સ્ટેન્ડ પર આવ્યા પછી બસમાંથી પગ મૂકતાં એવું થયું કે જાણે એક અનિશ્ચિતતામાં ઊતરી રહ્યો છું. ‘ચોકશી’ – પૂછપરછમાં પૂછ્યું તો કહે કે જલગાંવની બસ રાત્રે ત્રણ વાગ્યે મળશે. બીજી સવારે છ વાગ્યે. ત્યાં સુધી?

ત્રણ વાગ્યાની બસ મળે તો જ નક્કી કર્યા પ્રમાણે અમદાવાદથી આવનાર મિત્રમંડળી સવારે જલગાંવ સ્ટેશને મને મળે, અને પછી સાથે અંજતા-ઇલોરાનાં દર્શને જવાય.

અજંતા તો કલ્પનાલોક સાથે સંકળાયેલું છે. શાળામાં હતો ત્યારે ધીરજલાલ મો. શાહનું ‘ અંજતાનો યાત્રી’ કરીને ચિત્ર સાથેનું કાવ્યપુસ્તક જોયેલું, તેમાંનું અવલોકિતેશ્વરનું ચિત્ર સ્મરણમાં રહી ગયું છે. પછી રવિશંકર રાવળનું કુમારનું પ્રકાશન ‘અજંતાના કલામંડપો’ મંગાવેલું. જલગાંવ, ફર્દાપુર, અંજતા — આ બધાં નામ અને ચિત્રોએ એક મોહિની દુનિયા જગાડેલી. પછી અંબાલાલ પુરાણીનું ‘દર્પણના ટુકડા’ પુસ્તક પણ હાથ લાગેલું. તેમાં અજંતાની ગુફાઓ વિશે વિગતવાર વર્ણન હતું.

કાલે એ અજંતા જોવાનું છે. કદાચ કલ્પનાલોકમાં અજંતાનું જે ચિત્ર છે, વાસ્તવમાં ન પણ હોય. બાગની ગુફાઓ જોવાનો અવસર મળ્યો છે. એ ગુફાઓમાં ચિત્રો તો નહીંવત્ છે, પણ કલ્પનાથી ઘણુંબધું જોયેલું. ત્યાં પ્રકૃતિની મધુર શાન્ત સુષમા હતી, બાગ નદી, ગુફાઓની ટેકરીને પગથારે છલછલ કલકલ કરતી કાંકરાઓ પરથી વહી જતી હતી. એ નદીને પગે અંડોળી ગુફાઓ ભણી જવાનું હતું. અર્ધચંદ્રાકાર વળાંકે ગુફાઓ હતી અને એવો જ નદીનો વળાંક હતો. એ ગુફાઓ પરથી અજંતાની ગુફાઓ વિશે કંઈક ખ્યાલ કરવા મથું છું, પણ કાલે તો પ્રત્યક્ષ જોઈશ. હા, આજે તે કલ્પના કરવાની છૂટ છે.

મિત્રમંડળની ગાડી પણ અત્યારે અંધકારને ચીરતી જલગાંવ ભણી આગળ વધતી હશે. રાત્રિનો એક વાગ્યે છે, ઔરંગાબાદના આ સ્ટૅન્ડ પર સમય પસાર કરવા એક ફિલ્મ પણ જોઈ લીધી. ‘પ્રિયા’. બસનો સમય એવો છે કે ન સૂવાના કે ન જાગવાના. હજુ બે કલાક અહીં જાગતાં વિતાવવાના છે. અમસ્તો બેસી રહું તો ઊંઘ આવે, તેના કરતાં થયું કે ડાયરી લખું.

ધારું છું કે બસ મળશે અને સવારે મિત્રમંડળીને જલગાંવ સ્ટેશને મળીશ, પણ જોઈએ છીએ હવે શું બને છે…

ઑક્ટોબર ૨૫ અજંતા

અજંતાના કલાધામમાં આવી ગયો છું. અહીં કુદરત પણ ભરપૂર છે. કુદરત અને કલાના સાન્નિધ્યમાં મિત્રમંડળની આકુલભાવે પ્રતીક્ષા કરું છું.

ઔરંગાબાદના બસસ્ટેશન પર વહેલી સવારે ત્રણ વાગે જલગાંવ તરફ જતી બસ આવી તો ખરી, પણ દિવાળીના દિવસો નજીક આવતા હોવાથી એટલી ચિક્કાર હતી કે એક પણ પૅસેન્જર લીધો નહિ અને જલગાંવ ભણી ઊપડી ગઈ.

હું વિમાસતો રહ્યો. હવે શું કરવું? મિત્રમંડળીને જલગાંવ સ્ટેશને આજે સવારે મળવાનું હતું, પણ હવે બધું અસ્તવ્યસ્ત. એ લોકો ત્યાં મારી રાહ જોશે.

પછી એવો વિચાર આવ્યો કે એ લોકો રાહ જોઈને છેવટે આવશે તો અજંતા જ, તો ઔરંગાબાદથી હું પણ હવે અજંતા પહોંચી જાઉં. અને અજંતાની બસ મને મળી પણ ગઈ.

સવારના દસ થવા આવ્યા છે. સ્પર્શક્ષમ તડકો ૫થરાયો છે. અજંકે-અજંટા-અજંતા ઘણા ઉચ્ચાર છે. આપણે માટે તો અજંતા. અજંતાની પાસે વહી જતી નદી વિશે કરેલી મધુર કલ્પનાઓ સાચી પડી. બાગની ગુફાઓ પાસેથી પણ નદી આ રીતે વળાંકમાં પસાર થઈ જાય છે. અહીં બે બાજુની અશ્વનાળનો અકાર રચતી વક્રાકાર પહાડી વચ્ચેથી એ પસાર થાય છે. વ્યાઘ્રો અથવા વાઘોરા એવું નામ છે.

નદી જોઈને રાજી રાજી. નદી પાસે જતાં જતાં પારિજાતનું વૃક્ષ જોયું. ગઈ કાલે એક છોકરીની વેણીમાં પારિજાતનાં ગૂંથાયેલાં ફૂલો જોયાં હતાં. આજે ભૂમિ પર બિછાત બનીને પડ્યાં હતાં. વૃક્ષછાયી પહાડીઓની છાયામાં વહી જતી આ નદી એકાન્તનો બોધ જન્માવે છે — અનેક પ્રવાસીઓના કલકોલાહલ વચ્ચે પણ.

નદીના સ્વચ્છ પાણીમાં જેવા પગ મૂક્યા કે સદીઓ પહેલાંની એક જૂની સવારમાં પહોંચી ગયો. અહીં ભગવાન બુદ્ધના ઉપાસકો ધર્મચિંતન કરતાં વિહરતા હશે. આ નદીને કાંઠે બેસી કલાકારો કલ્પનાવિહાર કરતા હશે. ઘણી બધી રંગરેખાઓ અહીં બેસીને ચિત્તના ફલક પર આંકી હશે. ધર્મ અને કલાનો કેવો અવિરોધ છે!

એ નદીના જળમાં ઊભો રહ્યો. તે પછી તો આ નદીમાં કેટલાં જળ વહી ગયાં છે. નદીનો કલકલ અવાજ કાને ધરી રહ્યો. તેમાં એક વકતીતીએ પોતાનો તીવ્ર પ્રલંબ સૂર ભેળવ્યો.

નદીમાં ગોઠણભર પાણી. પાર કરીને સામે કાંઠે ગયો. ત્યાંથી જેવી પાછી નજર કરું છું તો સામે ગુફાઓની હાર. છેક સુધી ના આવીએ તો ખબર જ ન પડે કે અહીં આવી અદ્ભુત ગુફાઓ હશે. થયું’તું પણ એમ જ ને! ઈસવીસન પૂર્વેથી માંડી લગભગ નવમી-દસમી સદી સુધી આ ગુફાઓ બનતી રહી. ધર્મપ્રવૃત્તિઓથી ભરીભરી હતી. અને પછી આખી એક સહસ્રાબ્દી સુધી આ ગુફાઓનું અસ્તિત્વ જગતની આંખોથી ઓઝલ જ રહ્યું. કોઈને ખબર જ નહિ કે અહીં એક અદ્ભુત કલાસૃષ્ટિ કલાપિપાસુ આંખો માટે ઝંખી રહી હશે. સાચે જ ‘ભોક્તા વિણ કલા નહીં.’ આજુબાજુ અડાબીડ ઝાડી ઊગી ગઈ. ગુફાઓનાં મુખદ્વારો પણ ઝાડીઓથી ઢંકાઈ ગયાં.

છેક ઓગણીસમી સદીમાં શિકારે નીકળેલા એક અંગ્રેજ શિકારીને આ પહાડીઓમાં રઝળતાં કેટલીક ગુફાઓનાં પ્રવેશદ્વારોની ઝલક જોવા મળી. વાઘનો શિકારી જીવ આ કલાસૃષ્ટિ જોઈ કે નવાઈમાં ડૂબી ગયો હશે! પછી તો આખા જગતમાં પ્રસિદ્ધ થઈ ગઈ આ વીસરાયેલી ગુફાઓ.

નદીના આ કાંઠેથી સામે જ અર્ધચંદ્રાકારે આ ગુફાઓ છે, પરંતુ પ્રતીક્ષા કરું છું. મારી પ્રતીક્ષા નિરાશામાં પરિણમતી જાય છે. ગઈ કાલે રાતે તો સૂવા મળ્યું નથી; એટલે હવે થાક, નિરાશા અને નિદ્રા ભેગાં થઈ આક્રમણ કરે છે, પણ આજુબાજુનો પરિવેશ શ્રદ્ધા પૂરે છે, જલગાંવથી એક બસ આવવામાં છે.

અનેક મુસાફરો આજે ઊભરાયા છે. કેટલાંક તો જાણે પિકનિક માટે ન આવ્યાં હોય! તેમના રેડિયોના અવાજો આ શાંત વાતાવરણને ઘોંઘાટભર્યું બનાવે છે. અલબત્ત આજુબાજુની ટેકરીઓ પરનું લીલું જંગલ સ્તબ્ધ છે. ઘાસ હવે પીળું પડવા માંડ્યું છે. નીલ આકાશમાં શરદનાં શ્વેત વાદળ આછાં તરે છે. વૃક્ષાન્તરાલમાં પ્રવાસીઓ ગુફાઓમાં ચઢે-ઊતરે છે.

એક ખેડૂત સાથે વાતો કરી. એની પાસે ‘સુંદર’ને જોવાની આંખ હતી. એવું લાગ્યું કે પંખીઓના અવાજમાં, નદીની કલકલમાં, વૃક્ષોની છાયમાં, વ્યાઘ્રીના પ્રપાતમાં એને રસ હતો. એણે કહ્યું, ઉપર પહાડીઓ પર ચઢીને જોવાથી બધું સુંદર લાગે છે. જોકે ઉપર પછી સપાટ જમીન છે, જ્યાં ખેતી થાય છે.

ગુફાઓનું આકર્ષણ અપ્રતિરોધ્ય છે, પણ હવે થોડી વાર રાહ જોઈ લઉં. દરમિયાન પુરાતત્ત્વખાતાએ બહાર પાડેલી અજંતા વિશેની પુસ્તિકાનાં પાનાં પર નજર ફેરવી લઉં છું.

ઈસાપૂર્વે બીજી સદીથી આ ગુફાઓનું નિર્માણ શરૂ થયું હતું. બૌદ્ધ સાધુઓ માટે વર્ષાવાસના આ વિહારો છે, એટલે નિવાસના સંઘારામો સાથે પૂજા માટે ચૈત્યગૃહો પણ છે. પાંચમી સદી પછી ગુફાઓના નિર્માણમાં ચઢાવ-ઉતાર આવે છે. ગુફાનિર્માણની સાથે ચિત્રકલાની પ્રવૃત્તિમાં પણ ચઢાવ-ઉતાર આવતા રહ્યા છે. અહીંની ચિત્રકલા ભિત્તિચિત્રોનાં ઉત્તમોત્તમ કલાધારણોમાંથી પણ પસાર થાય છે.

પણ પુસ્તિકામાંનાં આ બધાં વર્ણનથી શું? વાંચવાનું બંધ કરી દઉં છું. આ ગુફાઓ જ હવે તે પ્રત્યક્ષ પ્રમાણ.

જલગાંવથી બસ આવી ગઈ…

ઑક્ટોબર ૨૫, રાત દશ. ફર્દાપુર ટુરિસ્ટ હાઉસ

એક અનુપમ સૌન્દર્યલોકનાં દર્શનથી વિભોર છું. કેવી રીતે વાત કરું? સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અદ્ભુત ત્રિવેણીસંગમ એટલે અજંતા. તેમાં વળી પ્રકૃતિની રમ્ય પીઠિકા. ગુફાઓમાં સર્વત્ર જાણે ભગવાન બુદ્ધની કરુણાનો સ્પર્શ હજી અનુભવાય છે. જગતના આ સૌથી પ્રાચીન મઠમાં ધર્મ અને કલાનું સાયુજ્ય છે. આજે મન એટલું તો ભર્યુંભર્યું છે!…

ડાયરીનાં પૃષ્ઠોમાં આજની વાત લખતાં બીઉં છું. શુષ્ક વિગતોથી વધારે શું લખી શકીશ?

બપોરના જલગાંવ તરફથી બસ આવતી જોઈને થયું હતું કે, એમાં અમારી મિત્રમંડળી હશે. ક્ષણેક તો આશાનિરાશાના દ્વન્દ્વ પર ચિત્ત આંદોલિત થઈ રહ્યું. બસ મારી આગળથી પસાર થઈ. બસની બારીમાંથી હેમંતે એકદમ હાથ ફરકાવ્યો અને એ જ ક્ષણે અવસાદ અને નિરાશા ક્યાંય વિલીન થઈ ગયાં. સૌ બસમાંથી ઊતર્યા અને આ ભૂમિ પર છેવટે મળી ગયાં એનો આનંદ વ્યાપી રહ્યો. અનિશ્ચિત મિલનનો એ આનંદ હતો.

બધાંએ પૂછ્યું, તમે ગુફાઓ જોઈ આવ્યા? મેં કહ્યું, તમારી સૌની રાહ જોતો હતો. હવે વિલંબ ન કરવો જોઈએ. સાથે સૌએ ચા પીધી અને ગુફાદર્શને ઊપડ્યાં. પ્રવાસીઓની સંખ્યા ઘટતી નહોતી, પણ પહાડીઓ પરની ઝાડીના અંતરાલમાં ઝાઝી વરતાતી નહોતી.

ગુફાઓના પ્રવેશદ્વારે જ જરા રકઝક થઈ ગઈ – ગાઇડના પ્રશ્નને લઈને. યોગ્યતા પ્રમાણે ગાઇડની કૅટેગરી અને ફી હોય છે. કોઈ ‘બી’ કે ‘સી’ કક્ષાના ગાઇડને ‘એ’ કક્ષાના કહી ગુફા-નિયામક અમારી પાસેથી વધારે ફી અપાવવા માગતા હતા. જરા નારાજગી સાથે અમે ચાલવા માંડ્યું. આગળ એક નાનકડું ગ્રૂપ હતું તેમાં જોડાઈ ગયા. એ ગાઇડને અમે કહ્યું કે તમારી રીતસરની ફી અમે આપીશું.

ગાઇડ એટલે આપણા દિગીશ મહેતા જાણે જોઈ લો. એવો બાંધો, કદ અને માથાની બાબરી. રૂપાએ તો કહ્યું પણ ખરું કે બોલે છે ત્યારે પણ દિગીશભાઈની યાદ અપાવે છે.

પહાડીની કટિમેખલા હોય એમ નાનીમોટી ૩૦ ગુફાઓ આવેલી છે. સમયને ખ્યાલમાં રાખી મુખ્ય મુખ્ય ગુફાઓ જોઈ શકાય એમ હતું. પહેલાં પહેલી ગુફા. તે પહેલાં ગાઇડે આ ગુફાઓનો થોડો ઇતિહાસ બતાવ્યો. ગુફાઓ કેવી રીતે કરવામાં આવતી હતી. તેની પણ વાત કરી. સામાન્ય ઇમારતો આપણે નીચેથી બનાવતાં બનાવતાં ઉપર જઈએ છીએ. અહીં ઉપરથી કોતરતાં કોતરતાં નીચે અવાય છે. આ બધી ગુફાઓ અક્ષત રહી નથી. ક્યાંક કેટલોક ભાગ ખસી પડ્યો છે, ક્યાંક જર્જર થઈ ગયો છે.

ગુફામાંનાં શિલ્પો અને ચિત્રો જોઈને તો અવાક્. આ ચિત્રોને કાળના ક્રૂર નહોર વાગ્યા છે. ચિત્રકારોએ જાણે ધર્મલોકનું નિર્માણ કર્યું છે. એ ધર્મ તો બૌદ્ધ ધર્મ. બુદ્ધના જીવનના પ્રસંગે અહીં કલારૂપ પામી દર્શકને સૌંદર્ય સાથે ધર્મનો બોધ પણ કરાવે છે; પણ અહીં ધર્મને કોરો બોધ નથી. આ ગુફાનાં જે મુખ્ય ચિત્રો છે, તેમાં સમગ્ર જીવનનો સ્વીકાર છે. જન્મથી મૃત્યુ પર્યંતની માનવજીવનની ઘટમાળ અહીં સ્થાન પામી છે. સ્ત્રીઓ, પુરુષો, બાળકોની વૈવિધ્યભરી સૃષ્ટિ છે. અહીં રાજાઓ, ધનપતિઓ અને સેનાનીઓ છે. યક્ષ, કિન્નર અને ગંધર્વ છે. અહીં નગર અને ગામ છે. અહીં રાજદરબાર અને કુટિર છે. અહીં વસ્ત્રો-આભૂષણોથી ખચિત સુંદરીઓને જોઈને થાય કે જગત સુંદર છે. અને એ સુંદર ધર્મથી વ્યાપૃત છે. ધર્મ સુંદર રીતે પ્રકટ થયો છે.

મારવિજયનું ચિત્ર. ગૌતમ વજ્રાસનમાં ધ્યાનમાં બેઠા છે. ધ્યાનભંગ કરાવવા માર બધી યુક્તિ-પ્રયુક્તિઓ આદરે છે. પોતાની બે સુંદર કન્યાઓ દ્વારા તપોભંગ કરાવવા મથે છે. આપણે ભૂમિસ્પર્શ મુદ્રામાં ધ્યાનસ્થ ગૌતમને પણ જોઈએ, અને પેલી ભરપૂર છાતીવાળી સુંદર કન્યાઓને પણ. પણ છેવટે માર પર ધર્મનો વિજય.

જે દૃશ્યો જોઈ ગૌતમને સંસાર દુઃખમય લાગ્યો હતો તે ઘરડાનું, રોગીનું અને શબનું ચિત્ર પણ છે, પણ પહેલી ગુફામાંથી જે ચિત્ર હજી નજર સામે તરવરે છે, તે તો બોધિસત્ત્વ પદ્મપાણિનું. મુદ્રિત રૂપે આ ચિત્ર ઘણી વાર જોયું છે, પણ આ ગુફામાં એક ભવ્ય આયતનમાં જોતાં જોતાં જ રહી જવાયું.

ગાઇડે હાથમાંના પદ્મ વિશે કહ્યું – શું કહ્યું તે યાદ રહ્યું નહિ. તેણે બોધિસત્ત્વના શરીરના ત્રિભંગ તરફ ધ્યાન દોર્યું. પીંછીના એક લસરકે દોરાયેલી ધનુષ જેવી આંખની ભમરો કોઈ કલાસ્વામીના સિદ્ધહસ્તનો પરિચય કરાવે છે. કલાકારની પીંછીને જાણે ક્યાંય કંપ નથી, સહજ વિશ્વાસ છે. કલાકારની કેવી ભાવપ્રવણતાએ આવા ચિત્રની વિભાવના કરી હશે? અર્ધનિમીલિત નયનમાં અપાર કરુણા છે. શરીરની ત્રિભંગીને કારણે ખભા પરથી ઝૂકેલો હાર જાણે હમણાં પવનમાં હલશે.

અજંતાના ચિત્રકારોને જાતકકથાઓમાંથી વિષયોનો અખૂટ ખજાનો મળી ગયો છે. બુદ્ધના પૂર્વાવતારોની એ કથાઓમાં પ્રેમ અને ધિક્કાર, આનંદ અને શોક, કરુણા અને કૃતઘ્નતાના પ્રસંગો આલેખવામાં કલાકારોને મોકળાશ મળી છે. આ પહેલા નંબરની ગુફામાં પ્રસિદ્ધ શિબિ જાતક, શંખપાલ જાતક, મહાજનક જાતકના પ્રસંગો આલેખાયા છે. ગાઇડ બધાની વાત કરતા જાય. હેમંત, સુનીલ, દર્શન, દીપ્તિ અને રૂપાના ચહેરા અપૂર્વ વિસ્મયથી ચમકી રહે. અનિલાબહેનને ચિત્રકલામાં રસ અને રુચિ. વચ્ચે વચ્ચે એ અજંતાની ચિત્રરીતિ વિશે પણ જિજ્ઞાસા કરે. અંધારું રહેતું હોવાથી ગુફાઓમાં ફ્લડ લાઈટ નાખીને ચિત્રો બતાવવાની વ્યવસ્થા છે. જરા ઉતાવળે ઉતાવળે જોઈ લેવાનો વસવસો રહી ગયો છે. ચિત્રો પરના ઉઝરડા જોઈને તો એટલું દુખ થાય. સમય જતાં આ ચિત્રો ઊખડી તો નહિ જાય ને?

એક શિલ્પ યાદ રહી ગયું છે. ચાર હરણનું એ શિલ્પ છે. આ ચાર હરણનું એક જ મોઢું છે. છતાં ચાર હરણ અલગ અલગ જોવાય એવી વાસ્તવિકતા એ શિલ્પીએ સિદ્ધ કરી છે.

ગુફાના ગર્ભગૃહમાં ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બુદ્ધની વિશાળ મૂર્તિ પણ સ્મરણમાં રહી જાય. ગુફાની છતો વિવિધ આકૃતિઓ અને ભાવોથી અંકિત છે.

થોડી વાર પછી ગુફામાંથી જ્યારે બહાર આવ્યાં, ત્યારે ક્ષણેક તો એવું થયું કે ખરું વાસ્તવ કયું? આ ગુફાની અંદરનું કે ગુફાની બહારનું? બહાર તડકો પથરાયેલો હતો અને નીચે વ્યાઘ્રીનો પ્રવાહ વહી જતો હતો. ગાઇડે કહ્યું કે, અહીં દરેક ગુફામાંથી નદી તરફ જતાં પગથિયાં હતાં, પણ હવે ઘણા માર્ગો ધોવાઈ ગયા છે. એક વખતે તો આ ગુફાઓ વર્ષાવાસ દરમિયાન તેમાં વસતા સાધુઓથી ભરી ભરી રહેતી હશે, આજે પ્રવાસીઓના કૌતુકનો વિષયમાત્ર. કોણ જાણે કેમ આજે તો કેટલી સંખ્યામાં ઊભરાયા હતા!

અમે બીજી ગુફામાં પ્રવેશ કર્યો.

અજંતાની બીજા નંબરની ગુફાનું પ્રવેશદ્વાર સુંદર શિલ્પોથી ખચિત છે. એ ધ્યાનથી જોઈએ એ પહેલાં જ ગાઇડ તો છેક અંદરના ખંડ વચ્ચે જઈને ઊભા રહ્યા. ફ્લડ લાઇટથી ગુફા અજવાળાઈ જતાં ચિત્રો અને શિલ્પો જીવંત થઈ ઊઠ્યાં. ખંડના સ્તંભો અતિ અલંકૃત હતા. સામે પ્રવચનમુદ્રામાં ગૌતમબુદ્ધની મૂર્તિ હતી. પહેલી ગુફાની જેમ આ પણ સાધુઓને રહેવાનો વિહાર છે. ખંડની બન્ને બાજુએ કોતરી કાઢવામાં આવેલી ઓરડીઓ હતી. એક સમયે ત્યાં ભિખ્ખુઓ રહેતા હશે. એવો વિચાર આવી ગયો કે એ સમયમાં હું પણ જન્મ્યો હોત તો? આવા કોઈ વિહારમાં રહેવાનું મળ્યું હોત. પછી થયું કે એ યુગમાં નહિ હોઉં – એમ પણ કેમ કહેવાય? બુદ્ધના અનેક પૂર્વાવતારોનું ચિત્રાંકન જોઈ આપણે પણ માની લઈએ કે આપણો પણ પૂર્વાવતાર હશે જ ને? પરંતુ આપણે ક્યાં જાતિસ્મર છીએ કે વિગત ભવોની વાતો યાદ આવે? પરંતુ આ ગુફાઓ, ગુફાઓનો પરિવેશ, ગુફાઓની કલાસૃષ્ટિ – આ બધાંનું મારા ચિત્તને એટલું આકર્ષણ છે કે માનવાનું મન થાય કે પૂર્વાવતારોમાં ક્યારેક અહીં રહી ગયો હોઈશ. પણ ના, આ તો આપણી ઇચ્છાઓનું પ્રક્ષેપણમાત્ર.

ગાઇડ પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી બજાવતા હતા. ચિત્રો વિશેની કથાઓ કહેતા હતા. કથાના સંદર્ભે ચિત્રો સમજાવતા હતા. તેમાં યાદ રહી ગયાં છે બુદ્ધાવતારનાં ચિત્રો. માયાદેવીને સ્વપ્ન આવ્યું કે શ્વેત હાથી એમની કૂખમાં પ્રવેશી રહ્યો છે. સ્વપ્ન પોતાના પતિ શુદ્ધોધનને સંભળાવે છે. સ્વપ્નનો અર્થ કરતા બ્રાહ્મણો છે. બીજી એક હારમાં માયાદેવી વૃક્ષની ડાળી પકડીને ઊભાં છે, ઇન્દ્ર નવજાતકને હાથમાં લીધું છે. જન્મ્યા પછી તરત ગૌતમ જે સાત ડગલાં ચાલેલાં, તેનું પણ આલેખન બાજુમાં છે. આ બધી વાત ગાઇડ કહે તો જ પૂર્વાપર સંદર્ભ સાથે સમજાય.

આ ગુફામાં પણ અનેક જાતકકથાઓ છે. હંસજાતક, વિધુર પંડિત જાતક વગેરે. ગુફાની છતો અનુપમ ચિત્રોથી શોભે છે. વારે વારે થાય કે આ અનામી કલાકારો કોણ હશે? આપણે તો એક લીટી દોરીએ કે એક લીટી લખીએ તે સાથે તરત આપણું નામ લખી દઈએ. રખે ‘અમર’ થતાં રહી જવાય. પણ આ કલાકારોએ પોતાનું નામ પોતાની કલામાં ઓગાળી દીધું છે. કોઈએ કહ્યું તેમ સંભવ છે નિર્વાણને ઉંબરે ઊભા રહીને કલાકારોએ આ કલા સરજી હોય પછી નામનો એવો તે શો મોહ?

આ બીજી ગુફામાં પોતાની સિદ્ધિના ચમત્કાર રૂપે પોતાને હજાર રૂપે દેખાડતા ગૌતમનું આલેખન અને એના કોન્ટ્રાસ્ટમાં હોય તેમ એક સોટીવાળા શિક્ષકનું આલેખન સ્મરણમાં રહી ગયું છે. હું શિક્ષક હોવાથી શિક્ષકો પરનો એ પ્રાચીન ચિત્રકારનો વ્યંગ્ય મનમાં રહી ગયો. વૈરાગ્યની પ્રબળતાએ ચિત્રકારોની વિનોદવૃત્તિને હણી નથી. ઘણાં ચિત્રો ઊખડતાં જાય છે. કાળ, કાળની ગતિ!

હવે અમારી ગતિ વધી. અધૂરી એવી ત્રીજી ગુફા છોડી. ચોથીમાં પ્રવેશી બહાર નીકળી ગયા. છઠ્ઠી ગુફા બે માળની છે. ઘણાં શિલ્પો-ચિત્રો ખરી પડ્યાં છે. હવે અમારાં ચિત્ત પર ચિત્રો એકબીજામાં ભળી જવા લાગ્યાં. આ લખતી વખતે કઈ ગુફામાં કયાં ચિત્રો તે ચોકસાઈથી યાદ આવતું નથી. નવમી અને દશમી બન્ને ગુફાઓ ચૈત્યગૃહ છે. ચૈત્યગૃહ એટલે એક રીતે પૂજા માટેનું મંદિર. નવમી ગુફા ઈસાપૂર્વેની પહેલી સદીની છે, દશમી તે તેની પહેલાંની. કદાચ સૌથી પહેલી ગુફા અજંતામાં આ કોતરાઈ હશે, એમ નિષ્ણાતોનું માનવું છે. ચૈત્યગૃહોમાં પ્રદક્ષિણા માટે સ્તૂપ હોય છે, જેમાં બુદ્ધની મૂર્તિઓ કોતરેલી હોય છે. આ ગુફાઓમાં જાતકકથાઓ ચિત્રિત છે. શિલ્પો સચવાયાં છે, ચિત્રો તો બહુ જર્જરિત છે. છતાં એકંદરે ઘણી સંખ્યામાં અહીં ચિત્રો છે.

ગાઇડે છદન્ત જાતકની વાત બહેલાવીને કહી. નારીસહજ ઈર્ષ્યાની વાત હતી. બોધિસત્ત્વ ત્યારે છ દંતૂશળવાળા હાથીરૂપે જન્મ્યા હતા. તેને બે પત્નીઓ હતી. એક પત્નીને થયું કે પતિ પોતા કરતાં બીજીને વધારે ચાહે છે; એટલે પતિ પર બદલો લેવાની ભાવના સાથે પ્રાણત્યાગ કર્યો. બીજા અવતારે તે કાશીરાજની રાણી થઈ અને એણે રાજાને કહ્યું કે મારે છદન્ત હાથીના દાંત જોઈએ. રાજાની આજ્ઞાથી શિકારીઓ અરણ્યમાં ગયા. છદન્ત હાથીએ પોતે શિકારીને પોતાના દાંત વહેરીને કાપવામાં મદદ કરી, પણ છેવટે રાણીએ જ્યારે એ દાંત જોયા કે પરિતાપમાં મૃત્યુ પામી.

ચિત્રમાં હિમાલયના અરણ્યમાં છદન્તનો નિવાસ, વડનું વૃક્ષ, કમળતલાવ, છદન્તનું દાંત કપાવવું, રાણીનું મૂર્છિત થવું આ બધું અંકિત છે. એક રીતે આ ચિત્રકથા, ઈર્ષ્યાજનિત નારીમનની સંકુલતા પ્રકટ કરે છે, પણ ચિત્ર અંતિમ પ્રભાવ તો – કરુણાનો – વિરાગનો મૂકી જાય છે.

ગુફામાંથી બહાર આવીએ કે વ્યાઘ્રીના ધોધનો અવાજ સંભળાય. દર્શના, રૂપા, દીપ્તિ આ ચિત્રો અને કથાઓથી વિસ્મયાનંદ અનુભવતાં હતાં. સુનીલ અને હેમંતની ચંચળતા પણ ઓછી થઈ જતી હતી. સૌન્દરનન્દનું ચિત્ર પંદરમી ગુફામાં હતું? બરાબર યાદ નથી, પણ એ કથાનું અંકન યાદ રહી ગયું છે. કવિ અશ્વઘોષે ‘સૌન્દરનન્દ’ મહાકાવ્ય લખ્યું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદ અને તેની અતિ રૂપવતી પત્ની સુંદરીની વાત છે. ગૌતમે નંદને બોલાવી મંગાવેલો ત્યારે નંદ પત્નીની છાતી પર ‘વિશેષક’ ચીતરતો હતો, જતાં જતાં કહે – હમણાં પાછો આવું છું, ‘વિશેષક’ને સુકાવા દઈશ નહિ. પણ ગૌતમે તો નંદને દીક્ષિત કરી દીધો, એ પાછો આવ્યો નહિ. નંદની દીક્ષાની વાત સાંભળી બેહોશ થતી સુંદરીનું ચિત્ર કલાકારે આલેખ્યું છે. અદ્ભુત ચિત્ર છે આ.

એક બાજુ ભરપૂર વિલાસ અને બીજી બાજુ તીવ્ર વૈરાગ્ય. કલાકારે આ બન્ને ભાવો—આસક્તિ અને ઔદાસીન્ય–એક જ ફલક પર આલેખ્યા છે. શું આ કલાકારના જીવનમાં રાગ અને ત્યાગના દ્વન્દ્વની ક્ષણો આવી હશે? વિચારું છું કે આવી મનોહર નારી મૂર્તિઓની ભાવસભર મુદ્રાઓ આલેખનાર ચિત્રકારનું ચિત્ત કોઈ ને કોઈ નારીદૃષ્ટિથી વીંધાયું નહિ હોય? એમ ન હોય તો રૂપની આટલી મુદ્રાઓ ક્યાંથી હોય? કે અવિસ્મરણીય પ્રભાવ આ ચિત્રો મૂકી જાય છે! અત્યારે તો એટલું યાદ છે કે સુંદરીની બેહોશી અને નંદના ગૃહત્યાગનાં ચિત્રો જોતાં વિસ્મિત ભાવે ગુફામાં ઊભાં છીએ. અમારું આમ આ જોવું એ પણ એક ચિત્ર જ ને!

સત્તરમી ગુફાનાં ચિત્રો વધારે સ્મરણમાં રહી ગયાં છે. આ ગુફાની દીવાલો પર પણ વિવિધ જાતકકથાઓ ચીતરાઈ છે. અહીં પણ છદન્તજાતક છે. તે પછી મહાકપિજાતક, હસ્તિજાતક, હંસજાતક, વેરસાન્તરજાતક, મહાસોતસમજાતક અને બીજી ઘણી ચિત્રકથા. પણ સત્તરમી ગુફા સાથે ચિત્તમાં અભિન્ન ભાવે જોડાયેલાં છે બે ચિત્ર. એક છે ગૌતમ, યશોધરા અને રાહુલનું અને બીજું છે ગુફાની બહારના વરંડામાં એક અપ્સરાનું.

ગૌતમ, યશોધરા અને રાહુલનું ચિત્ર ધારીધારીને જોયું. આ ચિત્રની પ્રિન્ટસ્ પણ અગાઉ જોયેલી, પણ આ ગુફાની ભીંત પર જોતાં એ ચિત્રની ભવ્ય સુંદરતાનો ખ્યાલ આવ્યો. યશોધરા અને રાહુલ માનવકદની આકૃતિઓ છે, જ્યારે ગૌતમની આકૃતિ વિરાટ-વિશાળ છે, છતાં કેટલી સહજ! એ આકૃતિ ગૌતમની આધ્યાત્મિક ઊંચાઈનો સંકેત કરે છે. બુદ્ધ બન્યા પછી પહેલી વાર ગૌતમ કપિલવસ્તુમાં પધાર્યા છે. ભિક્ષા લેવા યશોધરાને ઉંબરે પણ જાય છે. હાથમાં ભિક્ષાપાત્ર છે. દેહ પીળા અંચળાથી ઢંકાયેલો છે, નીચે જોતી આંખોમાં કરુણા છે. હાથે પકડી રાહુલને આગળ ધરી યશોધરા ઊભી છે. પુત્ર રાહુલને જ એ ભિક્ષામાં આપી રહી છે. ગૌતમ ભણી ઊંચે જતી આંખમાં કેવા ભાવ છે યશોધરાના! આ એના સ્વામી, એક મધરાતે એને અને બાલ રાહુલને છોડીને ચાલ્યા ગયા હતા. આજે વર્ષો પછી જ્યારે પાછા આવ્યા છે ત્યારે આખી દુનિયાના આરાધ્ય બની ગયા છે. એ એને બારણે ભિક્ષા લેવા આવ્યા છે – કેવો ભવ્ય વિષય છે આ ચિત્રનો! ગૌતમના મહાભિનિષ્ક્રમણ કરતાં કરુણ અને મહાન. ગૌતમના મનમાં પણ આ ક્ષણે કેવા ભાવ જાગ્યા હશે? આ બાલ રાહુલ માટે થઈને તો બુદ્ધ થયા પછી પણ સંસારના જીવોના કલ્યાણ અર્થે (તેમાં રાહુલ પણ આવી જાય ને?) સંસારમાં ફરી ઉપદેશ દેવા લાગ્યા. ગૌતમ હવે ભલે વીતરાગ હોય, સમદૃષ્ટિ બન્યા હોય, પણ ‘માનવ’ પણ તો રહ્યા જ હશે ને? એમણે એક વખતની પોતાની પ્રિય યશોધરાને કેવી રીતે જોઈ હશે? અને માત્ર કેટલાક દિવસનો જ જેને મૂકીને ગયા હતા તે બાલ રાહુલને? ગૌતમ ભિક્ષાપાત્ર લઈને ઊભા છે. યશોધરા પોતાને અને રાહુલને જ ભિક્ષામાં આપી રહી છે! સ્વીકારશે, નહિ સ્વીકારે? – એ ભાવથી જોતી ઊભી છે. બાલ રાહુલની આંખમાં પણ એક પ્રશ્નાર્થ છે અને ગૌતમની આંખમાં તો છે માત્ર સર્વસ્પર્શી કરુણા. અદ્ભુત! કાળ અહીં થંભી ગયો છે. એની નિર્મમ છાતી પણ આ ચરમ ક્ષણે ધક્ થઈ ઊઠી હશે.

ગૌતમ, યશોધરા અને રાહુલના ચિત્રને આંખ અને સંવિદ્‌માં ભરીને જેવાં આગળ ખસ્યાં કે ઉતાવળ કરતા ગાઇડને મેં પૂછ્યું, ‘અજંતાનું પેલું પ્રસિદ્ધ અપ્સરાનું ચિત્ર ક્યાં છે?’ અત્યાર સુધીમાં ગાઇડ સમજી ગયા હતા કે પ્રવાસીદલને ચિત્રકલામાં રસ છે, જિજ્ઞાસા છે. એટલે એ પણ જાણે થોડા સમયમાં અમને ઉત્તમ ઉત્તમ ચિત્રો બતાવી દેવા આતુર હતા. અમને કહે, ‘બતાવું છું અપ્સરાનું ચિત્ર, પણ એ પહેલાં આ ગુફાનાં થોડાં સુંદર ચિત્રો જોઈ લઈએ.’

એણે બુદ્ધ અને એમના શિષ્ય આનંદના એક ચિત્ર તરફ ધ્યાન દોર્યું. બન્નેનું લાંબું વસ્ત્ર, પણ ગૌતમના પીળા વસ્ત્રનો રંગ ઘટ્ટ હતો, આનંદના વસ્ત્રનો રંગ આછો. ગૌતમ પ્રવચનની મુદ્રામાં આનંદને કંઈક કહી રહ્યા છે. આનંદ નમસ્કાર કરી ઊભો છે. આ ચિત્ર પછી ગાઇડે અમને બતાવ્યું પ્રસાધન કરતી સુંદરીનું. દર્પણમાં જોતી પગને વળાંક આપી ઊભેલી સુંદરી નારી. આછાં વસ્ત્રોની આરપાર એની કાયાના રમ્ય વળાંકોની રેખાઓ જોઈ શકાય. ગાઇડમાં સારી એવી વિનોદવૃત્તિ લાગી. કષાયવસ્ત્રધારી ગૌતમ-આનંદના ચિત્ર પછી પ્રસાધનરત સ્વ-રૂપમુગ્ધા અલંકૃતા સુંદરી અને એની સખીનું ચિત્ર એણે સાભિપ્રાય બતાવ્યું હશે ને! વિરાગ અને રાગની સહ ઉપસ્થિતિ. આ બધાં ચિત્રોની પ્રત્યેક રેખા ભાવવાહી લાગે. આખું ચિત્ર બોલતું લાગે. અને આંખો? અજંતાના ચિત્રકારોને માટે આંખો ‘આત્માનો ઝરૂખો’ ના હોય! અર્ધનિમીલિત આંખો અજંતાની કલાસૃષ્ટિના સમગ્ર ટોનને અનુગ્ર કરે છે.

ગુફામાંથી બહાર નીકળ્યાં. ગુફાના વરંડાની ડાબી બાજુએ ગાઇડે અમને વાળ્યાં. અહીં પણ ચિત્રસૃષ્ટિ છે. અંદર પ્રવેશતાં ધ્યાનમાં લેવાઈ નહોતી. હજાર હજાર વરસથી તડકા, પવનના પ્રહારો ખમીને પણ હજી ટક્યાં છે, કેટલાંક ચિત્રો વેસ્સાન્તર (વિશ્વાન્તર) જાતકનાં ચિત્ર છે. રાજા સંજયનો આ પુત્ર વિશ્વાન્તર અત્યંત ઉદાર અને દાની હતો. રાજા-પ્રજાને એ ગમતું નહિ. એક વખત તો તેણે કિલિંગની દુકાળગ્રસ્ત પ્રજા માટે વરસાદ લાવનાર હાથી આપી દીધો. રાજાએ દેશવટો આપ્યો. પત્ની માદ્રી અને બે પુત્રો સાથે વનમાં નીકળી પડ્યો. ત્યાં પુત્રોને પણ દાનમાં આપ્યા. ઇન્દ્ર પરીક્ષા કરવા આવ્યો. પત્નીને પણ દાનમાં આપી દીધી, પણ છેવટે દેવકૃપાથી સૌનું સુખદ મિલન થયું. આ જાતકનાં ચિત્રો ગુફામાં પણ દોરાયાં છે.

ગુફાના ડાબી બાજુના વરંડામાં વિશ્વાન્તર અને માદ્રીનું પ્રણયરત યુગલ આછાં અર્ધવસ્ત્રોમાં છે. માદ્રી વિશ્વાન્તરના ખોળામાં છે. વિશ્વાન્તરના હાથમાં મદિરાનું પાત્ર છે, જે તે માદ્રીને ધરી રહ્યો છે. સુખની ચરમ ક્ષણ, પણ પછી દેશવટાના પ્રસંગનાં આલેખન.

આ જાતકનાં ચિત્રોમાંથી એની અનુપમ કલાત્મકતાને કારણે ચિત્તમાં જડિત ચિત્ર તો રહી ગયું છે, ગગનચારી ઇન્દ્ર અને એના પરિમંડલનું. ઇન્દ્ર વિશ્વાન્તરની પરીક્ષા કરવા આવી રહ્યો છે. એમની ગગનમાંની ગતિને જે સ્વાભાવિક રેખાઓથી અંકિત કરી છે. તે કોઈ મોટા કલાકારની પીંછીનો અનુભવ કરાવે છે. આ જાણે હમણાં આપણે જે ધરતી પર ઊભા છીએ, ત્યાં ઊતરી પડી પગ ટેકવી ઊભાં રહી જશે. ઇન્દ્રનો અનેક સેરવાળો હાર પવનમાં ઊડી રહ્યો છે, તે આકાશમાંની ગતિનો સંકેત છે. સાથે ઇન્દ્રાણી છે અને ગગનતલ છે, તે બતાવવા પાછળ વાદળ.

બધી ચિત્રકથા પૂરી કર્યા વિના ગાઇડે પ્રવેશદ્વારની જમણી બાજુએ જવા કહ્યું. કશુંય બોલ્યા વિના ભીંત પર ઊંચી નજર કરીને ઊભા રહ્યા. એની નજરને અનુસરું છું તો, ઓહ! પેલી, અપ્સરા.

‘અપ્સરા! અપ્સરા!’ – હું બોલી ઊઠ્યો. દર્શના, રૂપા, દીપ્તિ, હેમંત, સુનીલ સૌ દોડી આવ્યાં. જાણે સાચે કોઈ અપ્સરા અહીં આવી ન હોય! અનિલાબહેનની નજર તો ત્યાં પહેલેથી જ ગઈ હતી. એ ચિત્ર જોવાની અમારી ચમત્કૃત ક્ષણો પસાર થવા દઈ, આછું સ્મિત કરતા ગાઇડે કહ્યું, ‘તો યહ હૈ આપકી અપ્સરા!’

આ ચિત્રની પ્રિન્ટ તો જોયેલી જ, પરંતુ અહીં ૧૭મી ગુફાના પ્રવેશદ્વારે ખુલ્લા વરંડામાં એને જોઈને થયું, સાચે જ અપ્સરા! એની પણ આકાશમાં ગતિ છે. એના ગળાનો સુંદર હાર અને ઉપવસ્ત્ર પવનની વિરુદ્ધ દિશામાં જતાં ચીતરાયાં છે. એક બાજુનો એનો ખભો ખંડિત છે. ખંડહસ્ત વિનસ ડી મિલો યાદ આવી જાય! અપ્સરાના હાથ. ના, એની હથેળીઓ – કમનીય રીતે વળેલી આંગળીઓ ખોલી એ હથેળીમાં હાથ રાખવાનું મન થાય. ઘેરા કથ્થાઈ રંગના દેહવર્ણની પર શ્વેતરંગોમાં ચીતરેલી હથેળીઓ તરત ધ્યાનમાં આવી ગઈ. એ રીતે જ હોઠ અને આંખો. એની ભરાવદાર છાતી પણ, પણ સૌથી વધારે ધ્યાન ખેંચે છે માથા પરનો સુંદર બંકિમ શિરપેચ. આ ચિત્રોનાં અંકન અને કાલિદાસના કવન વચ્ચે બહુ સમયાન્તરાલ નથી. કાલિદાસની પાર્વતી, શકુન્તલા કે ઉર્વશી કે યક્ષપ્રિયાનું સ્મરણ થાય.

‘તન્વી શ્યામા શિખરીદશના પક્વબિમ્બાધરોષ્ઠી…’

આ સૌ નારી શું કવિ–કલાકારોની કલ્પનાની જ નારીઓ હશે! કે પછી…

આ અપ્સરા તો સાચે જ કલાકારની માનસસુંદરી છે. એ જોઈને થયું કે જાણે જોવાનું જોઈ લીધું. હવે બાકીની ગુફાઓ ઝટપટ જોઈ લઈએ. ઓગણીસમી ગુફામાં શિલ્પો ધ્યાન ખેંચે છે. આ ગુફા ચૈત્ય છે. વચ્ચેના સ્તૂપમાં ઊભા બુદ્ધની મૂર્તિ છે, પણ સુંદર શિલ્પ તે પત્ની સાથેના નાગરાજનું તથા યશોધરા, રાહુલ અને બુદ્ધનું. સત્તરમી ગુફાનું પેલું ચિત્ર યાદ આવે.

પછી જે શિલ્પ આ ક્ષણે સ્મરણમાં ઊભરાય છે, તે તો બુદ્ધના પરિનિર્વાણનું. છવ્વીસમી ગુફામાં આ શિલ્પ છે. બુદ્ધના પરિનિર્વાણ વિશે આપણા કવિ રા. વિ. પાઠક ‘શેષ’નું એક સુંદર કાવ્ય છે. શાલવૃક્ષોની નીચે સૂતેલા બુદ્ધની અંતિમ મહામહિમાન્વિત ક્ષણોનું એ કાવ્ય છે. બુદ્ધના પરિનિર્વાણનું આ શિલ્પ ભવ્ય છે. વિરાટ છે. રૂપાએ કહ્યું કે સિલોનમાં આવું પરિનિર્વાણનું એક સુંદર શિલ્પ છે. બુદ્ધના પેટમાં વ્યથા હતી; પણ ચહેરા પરના ભાવ કેટલા સ્વસ્થ છે! હાથનું ઓશીકું — પરિનિર્વાણની ક્ષણે એ જ ઓશીકું ઇષ્ટ. શાલવૃક્ષો નીચે સૂતેલા ગૌતમબુદ્ધની એ શિલ્પકૃતિ આગળ અમે સૌ ચિત્રાર્પિત હોઈએ તેમ ઊભાં રહી ગયાં હતાં!

ગાઇડનો સમય પૂરો થયો હતો. એમને પણ અમારી સાથે આનંદ આવ્યો હતો. દર્શના ડૉક્ટર છે, એ જાણી એની કલાપ્રિયતા અંગે વિસ્મય પ્રકટ કરેલું. પછી અમે કહ્યું – હવે અમારી રીતે આ ગુફાઓની ફરી એક વાર ઝાંકી કરી લેવાની ઇચ્છા છે.

ઝટઝટ ઊલટે ક્રમે બધી ગુફાઓમાં ફરી વળ્યાં, પણ પહેલી ગુફામાં ન ગયાં. એમાં જઈએ પછી ઝટ બહાર ન નીકળાય. ‘ફરી આવીશું’ એવું મનને આશ્વાસન આપી અમે કલાવિશ્વમાંથી પ્રકૃતિ ભણી સંચર્યાં. વ્યાઘ્રીના ખળખળ વહેતા અવાજે અમારા કાન આકૃષ્ઠ કર્યા. આંખો ધરાઈ હતી. હવે કાન. વ્યાઘ્રી પ્રપાત રૂપે પડતી હતી. નીચે એક ખડકનો કુંડ બની ગયો હતો અને તેમાંથી પ્રવાહ બની નદી રૂપે પથ્થરો વચ્ચે અર્ધચંદ્રાકારે વહેતો હતો.

આ ઢળતી સાંજે વ્યાઘ્રી રમણીય લાગતી હતી. ગુફાઓના ઉપરના ભાગે ઘાસ હવે પીળું થવા લાગ્યું હતું. વૃક્ષો લીલાંછમ હતાં. સર્વત્ર મૃદુ તડકો વેરાયો હતો. અમે પગથિયાં ઊતરી નદીના ઉગમ ભણી જવા લાગ્યાં. નાનકડો સરસ બાગ. એવો જ નાનકડો પુલ. નીચે વહી જતી નદી, સામે પર્વત પરથી પડતો ધોધ અને એનો સતત સ્વર – અને અમારી મંડળી. અમે નદીના પથરાળ ભાઠામાં ઊતર્યાં. અદ્ભુત કલાસૃષ્ટિ જોઈને આવ્યા પછી નિસર્ગની આ રમણીય સૃષ્ટિ! નદીના પાણીમાં પગ મૂક્યા. આહ, કેવો શીતલ સ્પર્શ! પછી તો વહેતા જળમાં પગ બોળી બાજુના પથ્થર પર બેઠાં.

સરસ સાંજ. ચારે બાજુની પહાડીઓએ દીવાલ ઊભી કરી એકાંત રચ્યું હતું. સૃષ્ટિની અંદર અને છતાં સૃષ્ટિની બહાર. એકાન્તનો અનુભવ ભર્યાભર્યા કોલાહલમાં થતો હતો. હવે સૌ યાત્રિકો પાછાં વળતાં જતાં હતાં. અમે નીચે વહેતી નદીમાં પગ બોળી બેઠાં હતાં, તેને કેટલાક કૌતુકથી જોતા હતા.

અજંતાના આ એકાંતમાં અંધાર ઊતરવા લાગ્યો હતો. પ્રવાસીઓ ઓછા થઈ ગયા. ગુફાઓના ચોકીદારો પણ જવા લાગ્યા હતા. પહાડો સ્તબ્ધ બનતા જતા હતા. અમારા રાત્રિનિવાસ આ ફર્દાપુરના ટૂરિસ્ટ હાઉસમાં હતો. અહીંથી હવે છેલ્લી બસ ઊપડશે. બસ ન મળે તો પાંચેક કિલોમીટર જેટલું અંતર ચાલી નાખવાની અમારી તૈયારી હતી, પણ બસ મળી. વાંકાચૂંકા માર્ગે બસ ચાલી અને હાઈ-વે પરના એક ટૂરિસ્ટ બંગલા આગળ ઊભી રહી. અમે ઊતર્યાં. ત્યાં તુકારામ ઊભો હતો. અમારા અન્ય સભ્યોનો સામાન આ ટૂરિસ્ટ હાઉસમાં હતો. જલગાંવથી આવતી વખતે એ લોકો અહીં મૂકીને ગુફાઓના સ્થળે આવ્યાં હતાં. અહીંની ઊતરવાની વ્યવસ્થા જલગાંવના એક સ્નેહીએ કરી હતી. તુકારામ એમને ‘મામા’ કહે. તુકારામ ‘મામાને બોલા હૈ’ એટલું હિન્દી કહે અને બાકીનું મરાઠીમાં બોલે.

ફર્દાપુરનું આ ટૂરિસ્ટ હાઉસ સાચે જ ગમી ગયું. આવી સુંદર કલાસૃષ્ટિ જોયા પછી, આ સ્થળે રાત્રિનિવાસ ન હોય તો દિનભર જોયેલી સૃષ્ટિને સ્મરણમાં વાગેળવાની તક ક્યાંથી મળત?

રાજમાર્ગ પર હોવા છતાં ફર્દાપુરનું ટૂરિસ્ટ હાઉસ લગભગ નિસ્તબ્ધ છે. જે કાળે ઉજ્જયિની નગરીના સિંહાસન પર વીર વિક્રમ બિરાજતા હતા તે કાળે પણ આ માર્ગ અત્યંત પ્રસિદ્ધ હતો, એ ઉજ્જયિની અને દક્ષિણાપથના પ્રતિષ્ઠાનને અને માહિષ્મતીને જોડતો માર્ગ હતો. પ્રતિષ્ઠાન એ વખતે સાતવાહનોની રાજધાની. આ બધાં પ્રાચીન નામો ક્યાંનાં ક્યાં લઈ જાય છે? જાણે અજંતાની કલાસૃષ્ટિના પ્રભાવનું જ એ વિસ્તરણ, પણ ફર્દાપુર જેવું નામ સતત વર્તમાનમાં રાખે છે.

ફર્દાપુરના આ વિશ્રામગૃહનું ભોજનાલય અને ભોજન સૌ ટૂરિસ્ટ હાઉસની ખાસિયતો ધરાવે છે. ખાનસામાને શાકાહારી ભોજન બનાવવામાં ઓછી ફાવટ હોય. રીંગણનું શાક ગળે ઉતારવું મુશ્કેલ હતું. આ લખતાં પણ જરા હસવું આવી જાય છે. આંખમાં અજન્તા ભરેલું હતું, પણ જીભ પરનો આ રીંગણનો સ્વાદ પણ સ્વીકાર કરવો રહ્યો.

જમ્યા પછી ટૂરિસ્ટ હાઉસના ખુલ્લા પ્રાંગણમાં ખુરશીઓ નાખીને બેઠાં. અંધારિયાની રાત. આકાશ એકદમ સ્વચ્છ. આ કેટલાક વખતથી આકાશદર્શનનું ઘેલું લાગ્યું છે. અહીં પણ ‘ગગનને ગોખે’ પુસ્તક લઈને આવ્યો છું. આવી સ્વચ્છ તારાભરી રાત હોય, પછી એ તારાઓ સાથે પરિચય કરવાનું મન થાય. ઉત્તરાકાશનાં નક્ષત્રોને ઓળખ્યાં. શર્મિષ્ઠા, દેવયાની, વૃષપર્વા, યયાતિને ઓળખતાં ઓળખતાં એ પ્રસિદ્ધ પુરાણકથા વિશે દર્શના, રૂપા, દીપ્તિ પૂછતાં રહ્યાં. સુનીલ, હેમંત તો થાકીને કમરામાં આડા પડી વિશ્રાન્તિ કરતા હતા. અમને આકાશદર્શન કરતાં જોઈને પ્રાંગણમાં બેઠેલાં કેટલાંક યાત્રીઓને નવાઈ લાગતી હતી, પણ શરદનું સ્વચ્છ આકાશ, અંધારિયું અને આવી મોકળાશ. ગગનદર્શન માટે આથી વધારે અનુકૂળતા ક્યાં હોય?

આકાશગંગામાં હંસ તરતો દેખાતો. એક તીરે દશરથ (અભિજિત), બીજે તીરે શ્રવણ પણ જોયો. પણ થાકે સૌને વિશ્રાન્તિ લેવાની ફરજ પાડી. પ્રાંગણમાં પડેલી ખુરશી પર અમે બે-ત્રણ સભ્યો હવે આજે જોયેલાં અદ્ભુત ચિત્રોનું સ્મરણ કરતાં હતાં. બધે સ્તબ્ધતા હતી. આ આખા વિસ્તારમાં બીજી કોઈ જનવસ્તી નથી.

છેલ્લે હું એકલો રહ્યો. ના, પણ મારી સાથે આખી અજન્તાની સૃષ્ટિ હતી. ગૌતમનાં કેટલાં ચિત્રો, કેટલી મૂર્તિઓ! બોધિસત્ત્વોનાં કેટલાં રૂપ! અને અજન્તાની એ સૌ નારીઓ? ગૌતમની અભયમુદ્રા, વરદમુદ્રા, ભૂમિસ્પર્શમુદ્રા, ધર્મચક્રપ્રવર્તન- મુદ્રા – એક શાશ્વતી શાંતિનો બોધ જાગે. તેમની અર્ધનિમીલિત આંખોમાં વસતી કરુણાનો મુલાયમ સ્પર્શ આપણને થયા સિવાય રહે નહિ. કોઈએ સાચે જ કહ્યું છે કે અજન્તાની ગુફાઓની ભીંત પર કલાકારોએ પોતાની પીંછી વડે પ્રાર્થનાઓ અંકિત કરી છે. એક એક રેખા, એક રંગ એની આસ્થાનો લસરકો બની રહી છે. આટલાં વર્ષો પછી પણ આપણાં સુધી એ પહોંચે છે. મને વધારે તો જાતકકથાઓનાં બુદ્ધના પૂર્વભવનાં ચિત્રો પ્રભાવિત કરી ગયાં છે. એ જાણે કહે છે કે જગતમાં દુરિત છે, પણ અંતે સતનો વિજય છે. એ જાણે કહે છે કે એક ઝાટકે ‘બુદ્ધ’ થઈ જવાતું નથી. જન્મજન્માંતરની એ સાધના છે. અજન્તાના કલાકારો આ મર્મને ભીંતો પર જીવંત રૂપે મૂર્ત કરી શક્યા છે. જીવતાજાગતા ધર્મની એ જાણે પ્રતીતિ કરાવે છે.

પણ અજન્તાની નારી? જે કલાકારોએ અમિતાભ બુદ્ધની વિરાગરેખાઓ ઉપસાવી છે, એ જ કલાકારોએ નારીના દેહની બંધુર રેખાઓમાં સૌન્દર્ય ઉપસાવ્યું છે. એ નારી ઊભી હોય, ચાલતી હોય, બેઠી હોય, આરામ કરતી હાય, પ્રિયને જોતી હોય, વેદનાથી વિષાદગ્રસ્ત હોય—પ્રત્યેક રેખામાં અનુગ્ર મોહકતા છે. અજન્તાની નારીના કેશપાશ કેટલા વિવિધતાભર્યા છે. આ કલાકારોને અંબોડાના સૌંદર્યની ખબર છે. અજન્તાની નારીની આંખો! એની ભરપૂર છાતી. કલાકારને ક્યાંય કુંઠા નથી. મને મુમૂર્ષુ સુંદરી યાદ આવી, અને વળી પાછી પેલી અપ્સરા. અજન્તામાં તો દાસીઓ પણ એટલી સુંદર છે કે…

બેન્ચ પર બેઠાં બેઠાં મારી નજર ફરી ઉપર આકાશમાં જાય છે. રોજનું આકાશ આજે જુદું લાગ્યું. વિચાર્યું, બસ હવે રૂમમાં જઈ આજની વાત ડાયરીમાં ટપકાવી લઉં.

પણ કેટલી વાત અક્ષરોમાં ઊતરી શકી? હવે તો સૂઈ જવું પડશે. આટલું લખ્યા પછી એક હળવાશ અનુભવાય છે.

ઑક્ટોબર ૨૬ બપોર ‘કેવસ’

સવારમાં ફરવા જવાનો વિચાર આવ્યો. સારું થયું. ટૂરિસ્ટ હાઉસના પ્રાંગણમાંથી રસ્તા પર નીકળી પડ્યાં. દીપ્તિ ઘણી પાછળ રહી ગઈ હતી. ક્યાંય જવું નહોતું. સામે એક ટેકરી દેખાઈ એટલે તેના પર ચઢવાનું નક્કી કર્યું. શરદની સવાર. પ્રસન્નકર હવા. અમે ધીરે ધીરે કરી ચઢવા લાગ્યાં. દર્શના, દીપ્તિ, રૂપા પથ્થરોના નમૂના એકઠાં કરતાં જતાં હતાં. ટેકરીની ટોચે જઈ ઊભાં. દૂર ગેસ્ટહાઉસ દેખાતું હતું. રસ્તો વાંકાચૂકો, ઊંચોનીચો જતો હતો. પીળાં સોનેરી રંગનાં ફૂલો ખીલેલાં હતાં. ટેકરી ઊતરતાં ઊતરતાં હું લપસ્યો. મેં કહ્યું, ‘હું હમણાં સૌથી પહેલાં પહોંચી જાત.’

અમારે આજે ઔરંગાબાદ જવાનું હતું. મામાના તુકારામે કહેલું — અહીંથી બસ મળશે. બસસ્ટૅન્ડ પર આવ્યાં. ત્યાં તો કીર્તનકારોની એક મંડળી કરતાલ સાથે ભજન ગાતી હતી. ઓહ! સંત તુકારામના અભંગ હતા! મામાના તુકારામના નહિ…

પંઢરીચી બાટે બાભરીચે કાંટે સખા માઝા ભેટે પાંડુરંગ

પંઢરપુરના માર્ગે બાવળના કાંટા છે, પણ એ જ માર્ગે તો મારો સખા પાંડુરંગ પ્રભુ ભેટે છે. ભક્તિનો માર્ગ ક્યારે સરળ હોય છે! ભજનિકો સૌ મસ્તીમાં હતા. એટલામાં બસ આવી.

મામાના તુકારામે કહ્યું : ‘બેસી જાઓ, આ બસ કેવસ લઈ જશે. ત્યાંથી પછી બીજી બસ મળશે.’ તુકારામને બક્ષિસ આપી અમે બસમાં બેસી ગયાં. અનિલાબહેને કહ્યું, ‘કેવસની સાત ટિકિટ આપો.’ કંડક્ટરે આપી. મેં પૂછ્યું ‘કેટલા પૈસા થયા?’ કહે – ‘૩૦ પૈસા એકના. આપણે કેવસ ઊતરી જવાનું.’

સરસ લીલો માર્ગ. વૃક્ષો, પહાડની રેખાઓ બધું પરિચિત લાગવા માંડ્યું. એક વળાંક પાસે આવીને બસ ઊભી રહી. ‘ઊતરવાનું છે—’ સાંભળી પૂછ્યું – ‘કેવસ આવી ગયું?’ ‘હા, આવી ગયું.’

જલદી જલદી ઊતર્યાં. આમતેમ જોયું. અરે, આ તો ફરી અજન્તા! તે કેવસ? ઓહ! કેવસ એટલે કેવસ, કેવ્ઝ, ગુફાઓ, અજન્તાની ગુફાઓ. હસી હસીને બેવડ વળી જવાયું.

અજન્તાનું લહેણું રહી ગયું હશે. સરસ દિવસ. ૧૨ વાગ્યે અહીંથી બસ ઔરંગાબાદ જવા મળશે. ત્યાં સુધી? ચાલો નદી ભણી. ક્લોક રૂમમાં સામાન મૂકી આવ્યાં, ફરી પાછી વ્યાઘ્રીની કલકલ ધારા. નદીપાર વૃક્ષોની છાયાથી અંકિત માર્ગે ચાલ્યાં. પૂર્વ બાજુની ગુફાવાળી ટેકરીઓનો છાંયો નદી પર પડતો હતો. બધાંને વિચાર આવ્યો – ‘આજે તો વ્યાઘ્રીમાં સ્નાન કરીએ. સૌ પહેર્યે કપડે જ પાણીમાં. અહીં સ્નાનનો આનંદ જુદા જ હતો. નાનકડી પથરાળ નદી. કેડપૂર પાણી. જળના સ્પર્શે અજબ સ્ફૂર્તિ લાવી દીધી હતી.

ગુફાઓ, ખાસ તો પહેલી અને સત્તરમી ફરીથી જોવાનો અનિલાબહેનનો વિચાર હતો, પણ કદાચ બસ આવી જાય તો? એટલે હવે વ્યાઘ્રીને તટે એક વૃક્ષની છાયામાં બેઠાં છીએ. યાત્રીઓથી હવે સ્થળ ઊભરાતું જાય છે. ગુફાઓનાં પ્રવેશદ્વારો જાણે નિમંત્રી રહ્યાં છે, પણ ‘કેવસ’માં હવે પ્રવેશવું નથી.

ઑક્ટોબર ૨૬ ગણેશભવન : ઔરંગાબાદ

આ ગણેશભવન બહુ શાંત અને ગમી જાય એવું સ્થળ છે. અમારી તો કલ્પનામાં પણ નહોતું કે અહીં અમે ઉતારો લઈશું. ઔરંગાબાદનો આ ઉત્તર છેડો છે. નગરથી ત્રણ-ચાર કિલોમીટર તો દૂર હશે જ. આમ તો યુનિવર્સિટી-કૅમ્પસની નજીકમાં જ છે. આ ગણેશભવન સ્થાનકવાસી જૈન છાત્રાલય છે. અમને પોતાને નવાઈ લાગે છે કે અહીં અમે કેવી રીતે આવી ગયાં છીએ, અને આવતાવેંત કેવું તો ગમી ગયું છે. કદાચ અનિશ્ચિતતાનો રોમાંચ એમાં ઉમેરાયો છે.

અજંતા પછી હવે ઇલોરાની ગુફાઓ જોવી હતી. એ માટે ઔરંગાબાદ આવવું જ પડે. અજંતા-ઇલોરા વિશેની પુસ્તિકાની મદદથી હવે અહીંની થોડી ભૂગોળ અને થોડો ઇતિહાસ જાણી લીધાં છે. બે દિવસ પહેલાં ઔરંગાબાદથી પસાર થયો હતો, ત્યારે અપરિચય હતો, પણ હવે એવું નથી.

પરંતુ પહેલાં અજંતાથી ગણેશભવન સુધીની સફરની વાત નોંધી લઉં. આજે બપોરના ‘કેવસ’ને રામ રામ કરી ઔરંગાબાદની બસમાં બેસી ગયાં. બસમાં પહેલી એકથી સાત બેઠકો અમારી હતી. પણ બારીએ બેસવા પડાપડી. હેમંત, સુનીલ અને દીપ્તિએ બારી પાસેની બેઠકો ઝડપી લીધી. અજંતાને છોડીને જતાં જતાં ફરીવાર અજંતાનો યાત્રિક બનવાનો મનમાં સંકલ્પ કર્યો. ગઈ કાલે જ્યારે અજંતા આવ્યો, અને આજે જ્યારે અજંતાની વિદાય લીધી તેટલા સમયમાં આ સ્થળ સાથે કેવી માયા બંધાઈ ગઈ!

બસ ગતિમાં આવતાં લીલાં વૃક્ષો અને પીળા ઘાસ પર છવાયેલા તડકાવાળા પહાડોની સૃષ્ટિ અદૃશ્ય થઈ. વેળા બપોરની હતી, પણ આસો માસ હતો એટલે શીતળ પવન હતો. બારી બહાર પહાડી પ્રદેશ. ક્યાંક નાનકડો પાણીનો પ્રવાહ, ક્યાંક હરિયાળી. બસમાં ખાસી ભીડ હતી. અમારી બાજુમાં જ કેટલાક તરુણો છેકથી ઊભા હતા. તેમાંથી એકે ગાવાનો માર્ગ અપનાવ્યો. આખે રસ્તે સતત ગાયે ગયો. જાતજાતનું ગાયું. તેમાંથી ‘જીવન મેં એક ટાઇમ ઐસા ભી આતા હૈ’ પંક્તિ બધાને યાદ રહી ગઈ છે. આ પંક્તિવાળું ગીત કદાચ એણે પોતે બનાવી કાઢ્યું હશે, પણ એણે સૌને માર્ગ કાપવામાં મદદ કરી.

ઔરંગાબાદમાં ક્યાં ઊતરવું એ નક્કી નહોતું. પેલા પુસ્તકમાં જોયું. જૈન ધર્મશાળાનો ઉલ્લેખ જોઈ ત્યાં જવા વિચાર્યું, કે પછી ‘કાઠિયાવાડ હોટેલ.’ ગામ આવતાં જતાં ત્રિકોણનાં ચિહ્નોથી અંકિત ગામ. પછી લાગ્યું કે હવે મોટું ઐતિહાસિક નગર નજીકમાં આવી રહ્યું છે. દૂર દૂર વેરાયેલાં ખંડિયેરો કે જૂની ઇમારતો. નગરના ઉત્થાન-પતનનો ઇતિહાસ ઉકેલી શકાય. સત્તરમી સદીમાં આ નગર સમૃદ્ધિની ટોચે હતું.

શાહદરા બસસ્ટૅન્ડ આવી ગયું. બે દિવસ પહેલાં અહીં જ તો રાત જાગતાં પસાર કરેલી. આ બસસ્ટૅન્ડથી પ્રવાસીઓ માટે ઇલોરાની ખાસ પર્યટન-બસ ઊપડે છે. ઊતરીને પહેલું કામ રિઝર્વેશનનું કર્યું. આવતી કાલનું નથી મળ્યું, પરમ દિવસનું મળ્યું છે. તેમાં ટિકિટના બધા પૈસા આપી દેવા પડે, પણ અમે આવતી કાલે ઈલોરા જવા સાદી બસનું પણ વધારાનું પચીસ પૈસાવાળું રિઝર્વેશન લઈ લીધું છે.

જે જૈન ધર્મશાળા વિશે વાંચેલું તે તો દિગમ્બર ધર્મની હતી. ત્યાં ઠીક વ્યવસ્થા પણ ન હતી. પણ પૃચ્છા કરતાં ત્યાંથી અમને આ ગણેશભવનનું નામ મળ્યું. પણ તે પહેલાં જરા મોકળા થવા બાજુની હોટેલમાં ચા પીધી. પછી રિક્ષા કરી ગણેશભવન જવાનું વિચાર્યું. ત્રણ રિક્ષાઓ કરાવી, તેમાં એકને મીટર જ નહિ, એકનું મીટર બંધ અને એક મીટરવાળો. હું જે રિક્ષામાં બેઠો તે રિક્ષાવાળો લુચ્ચો અને વિચિત્ર લાગ્યો. તેણે બીજા બે રિક્ષાવાળાને આંખ મારી અવળે રસ્તે એટલે કે લાંબે રસ્તે રિક્ષા લીધી, પણ બીજા બે રિક્ષાવાળા સીધે માર્ગે જ ગયા. અમારા રિક્ષાવાળાને જરા ધમકાવવો પડ્યો, ક્યાં ક્યાં ફેરવીને તે આ ઠેકાણે અમને લાવ્યો! મનમાં થયું—આ ગણેશભવન આવવાનું વિચાર્યું તે ઠીક ન કર્યું. શહેરમાં જ કોઈ હોટેલમાં ઊતર્યા હોત તો સારું. નગર બહાર યુનિવર્સિટીનો બૉટનિકલ ગાર્ડન આવ્યો. તે પછી છેલ્લી ઇમારત આગળ આવી અમારી રિક્ષા ઊભી ત્યારે પેલી બે રિક્ષાઓ આવી ગઈ હતી. અનિલાબહેને મહારાજશ્રી જોડે વાત પણ કરી લીધી હતી. તેમણે બહુ ઉમળકાથી સ્વાગત કર્યું. મનને તો કેટલી બધી નિરાંત થઈ!

રજાઓ હતી. છાત્રાવાસમાં વિદ્યાર્થીઓ નહોતા. અમને બે ઓરડા ખોલી આપ્યા તેની ઓસરીમાં હાશ કરીને બેઠાં અને એ સાથે જ થાક, ચિંતા, અનિશ્ચિતતાનો ઉદ્વેગ બધું સરી પડ્યું. અમારામાં જાણે નવોત્સાહનો સંચાર થયો. ઓસરીમાંથી ઉત્તર દિશાની કાળા રંગની પહાડી પર નજર ગઈ. ગુફાઓ, એ ઔરંગાબાદની ગુફાઓ હતી. સામે દેખાતી હતી વિશાળ ઇમારત, એ જ ‘બીબી કા મકબરા.’ આ બીબી તે સમ્રાટ ઔરંગઝેબની બેગમ રાબિયા દુરાની. અહીં બેઠાં પણ ઇમારતનો તાજમહાલ જેવો આકાર ધ્યાન ખેંચતો હતો. પાછળ છે યુનિવર્સિટી વિસ્તાર. કેટલા ખુલ્લામાં છીએ! નિસર્ગને જ ખોળે જાણે.

મહારાજશ્રીએ અમારે માટે જમવાનું તૈયાર કરાવ્યું. નાહીધોઈ અમે જમ્યાં. આખા ગણેશભવનમાં એક મહારાજશ્રી અને બે સેવકો અત્યારે હતા. એમના પ્રેમનો સ્પર્શ અનુભવી શકાય.

શરદનું નિર્મલ આકાશ છે. ઔરંગાબાદ નગરનો આ સીમાડો છે. આ નગર–એક સમયે જેનું નામ ‘ખિડકી’ એટલે કે ‘બારી’ હતું, દેવગિરિ અને પૈઠણનું એ પ્રવેશદ્વાર હતું. ૧૬૧૦માં આ નગરને મલિક અંબરે નિઝામશાહીની રાજધાની બનાવ્યું. મલિક અંબરના પુત્રે એનું નામ પાડ્યું ફત્તેહનગર. પણ પછી ૧૬૫૩માં જ્યારે ઔરંગઝેબ દખ્ખણમાં સૂબા તરીકે આવ્યો ત્યારે તેણે આ નગરનું નામ રાખ્યું ઔરંગાબાદ. ઔરંગઝેબની જિંદગીનાં ઘણાં વર્ષો આ નગરમાં વીત્યાં. ૧૭૦૭માં અહમદનગરમાં એનું અવસાન થયું ત્યાં સુધી સતત લડાઈમાં એ વર્ષો ગયેલાં. અત્યારે ઔરંગઝેબ સૂતો છે, ઔરંગાબાદ પાસે ખુલ્દાબાદમાં. આ બધો ઇતિહાસ આ નગરનો છે. પણ આ બૌદ્ધ ગુફાઓ કદાચ ઘણા પાછલા સમયમાં આપણને લઈ જાય.

છાત્રાવાસના ખુલ્લા પ્રાંગણમાં આવી તારાદર્શન કર્યું. કૃત્તિકા અને રોહિણી સ્પષ્ટ દેખાયાં. ધીરે ધીરે મૃગશીર્ષ ઉપર આવતું હતું–જાણે કોઈ મહાપટ્ટ ધીરે ધીરે અદૃશ્યપણે સરકતો જતો હોય અને પૂર્વમાંથી તારાઓની સવારી આવતી દેખાય. આવી અંધારી સ્તબ્ધતામાં ચીબડીની ચિચિયારી એક કંપ જગાવી ગઈ.

આવતી કાલે ઇલોરાના દર્શને જવાનું છે, એ વિચારમાત્ર પણ આ ક્ષણે રોમાંચ જગાવી જાય છે.

પણ હવે તો સૂઈ જાઉં.

ઑક્ટોબર ર૭ ગણેશભવન–ઔરંગાબાદ

આજે ઇલોરા જવાનું હતું. વહેલી પરોઢે જાગી ગયાં. હું રૂમમાંથી બહાર ખુલ્લા આકાશ નીચે આવી ઊભો. આકાશ નક્ષત્રોથી ઝગારા મારતું લાગ્યું. ઉત્તરે સપ્તર્ષિનાં દર્શન થયાં. મૃગશીર્ષ ઝળાંઝળાં હતું. પુનર્વસુની હોડલી અને મઘાનું દાતરડું દેખાયાં. હવામાં દેહકંપ જગાવતી શીતળતા હતી. વાતાવરણમાં અનિર્વચનીય શાંતિ. પૂર્વાકાશમાં પાંડુર હોવા છતાં બે પહાડીઓ વચ્ચે ઊગેલો ચંદ્ર રમ્ય લાગતો હતો. નગર બાજુની દિશાએ બીબીના મકબરાના મિનારાની રૂપરેખા દેખાતી હતી, તો સામી બાજુએ એ ક્ષણે રહસ્યમય લાગતી ગુફાઓવાળી પહાડી.

જલદી જલદી તૈયાર થઈ ચાલી નીકળ્યાં. ગણેશભવનની બહારના રસ્તે ચાલતાં જ ઝાકળની ભીનાશનો અનુભવ થયો. અમે પણ આ પ્રભાતે ઝાકળ જેવાં તાજગીભર્યાં હતાં. અહીંથી બસ-સ્ટેશન સુધી ચાલીને જવું પડે તેમ હતું. ચા પીવાની ત્યાં રાખી હતી.

ચા પી બસમાં બેસી ગયાં. ઇલોરા તરફ જતો બસરૂટ ઔરંગાબાદ નગરની પ્રાચીનતા વટાવી કેન્ટોન્મેન્ટ વિસ્તાર ભણી વળ્યો. અહીં અર્વાચીનતા હતી. પછી શરૂ થયો ઘટાદાર વડની વીથિકા રચતો માર્ગ. આવો થોડો રસ્તો પસાર થયા પછી નવો માર્ગ ફંટાયો. સપાટ સડક ઊંચીનીચી બનતી ગઈ. સ્ફૂર્તિપ્રદ પવન વાતો હતો.

દૂરથી જ એક ગઢના કાંગરા અને મિનાર દેખાયા. એ જ દોલતાબાદ-દેવગિરિ. એ ગઢ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ઇતિહાસનાં સ્મૃતિજીર્ણ પાનાં ફડફડવા લાગ્યાં. આ જ પેલું મહંમદ તઘલકવાળું દોલતાબાદ. ‘દિલ્લીથી દોલતાબાદ અને દોલતાબાદથી પાછા દિલ્લી’ની કહેવત યાદ આવી. અહીંથી દિલ્હી લગભગ ૧૨૦૦ કિલોમીટર. તઘલકે માત્ર રાજધાની ન ફેરવી, રાજધાનીની બધી વસ્તીને પણ ફેરવી. વળી પાછો બધાને પાછાં લઈ ગયો. કેટલાક લોકોએ તેમાં પ્રાણ ખોયા, પણ આ તો ‘બાદશાહ’નો નિર્ણય.

દોલતાબાદ બસ ઊભી રહી. જોયું – કિલ્લાના કોટ પર ઘાસ ઊગી ગયું છે. થયું, સમે સમો બલવાન હૈ. દીપ્તિએ રઢ લીધી કે કિલ્લો તો જોવો જ છે. પછી વિચાર્યું કે પાછાં ફરતી વખતે કે આવતી કાલે જોઈશું. અહીં સીતાફળ બહુ વેચાતાં હતાં. મિષ્ટ પણ ઘણાં.

પછી આવ્યું ખુલ્દાબાદ, ખુલ્દાબાદ એટલે સ્વર્ગની નગરી. કહે છે કે ઔરંગઝેબે જ આ સ્થળનું નામ આપ્યું હતું. ઔરંગઝેબ માટે સાર્થક પણ થયું. એ અહીં સૂતો છે. એનાં ઘણાં સ્વજનો પણ અહીંની માટી નીચે છે. પણ ખુલ્દાબાદ લાગે છે એકદમ વેરાન.

ગામ આગળથી બસ એક સુંદર માર્ગ વટાવી એકાએક ઊભી રહી ગઈ. આ જ ઇલોરા–વેરુળ, અમે નીચે ઊતર્યાં. આમતેમ જોવા લાગ્યાં. પેલી અદ્ભુત ગુફાઓ ભણી જવાનો માર્ગ કયો? એટલી બધી ઉત્સુકતા હતી, હમણાં અમારી સામે એક નવો લોક પ્રકટવાનો છે તેની. કોઈને પૂછ્યું–ગુફાઓ ભણી જવાનો માર્ગ કયો? એણે કહ્યું, બધા જ માર્ગ ગુફા ભણી જાય છે. અમે જોયું – સામે જ હતી કૈલાસ ગુફા. એનું ચિત્ર અનેક વાર જોયું હતું. એ ગુફાની બન્ને બાજુએ અર્ધચંદ્રાકાર ઊંચી પહાડીમાં અન્ય ગુફાદ્વારો દેખાયાં.

સવારનો કાચો તડકો પથરાયો હતો. ગુફાઓ પશ્ચિમાભિમુખ હોવાથી છાયામાં હતી. આજુબાજુનો પરિવેશ નયનરંજક. ચાલ્યાં એટલે સામે જ ગુફા આવવા લાગી તે કૈલાસ. પણ અમે વિચાર્યું કે આપણે નંબર એકથી શરૂ કરી આ ગુફાઓ જોવી. હાથમાં એક માર્ગદર્શક પુસ્તક પણ હતું અને સાંજ સુધી તો આખો દિવસ પણ હતો.

ત્યાં એક વૃદ્ધ ભોમિયો મળ્યો. કહે, બધી ગુફાઓ બતાવીશ, એનો ઇતિહાસ કહીશ. માત્ર આઠ રૂપિયા લઈશ. અમે હા પાડી. પછી ચાલતાં ચાલતાં કહે – હું તમને માત્ર કૈલાસ સુધીની ગુફાઓ બતાવીશ. તો અમે એની ફીમાં બે રૂપિયાનો ઘટાડો કરી દીધો. પણ એ ઠીક ના કર્યું, પરંતુ અમદાવાદી સ્વભાવ જલદી છૂટે નહિ.

પહેલી ગુફાએ પહોંચ્યાં. અહીંથી સામેની ભૂચિત્રણા રમ્ય હતી, દૂર દૂર મેદાનો ફેલાયાં હતાં અને ગુફાભિમુખ થઈએ ત્યાં તો ભવ્ય શિલ્પસૃષ્ટિ! બધી મળીને ૩૪ ગુફાઓ છે. અજંતાની બધી ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે, જ્યારે અહીં બૌદ્ધ, હિન્દુ અને જૈન એ ત્રણ ધર્મોની ગુફાઓ એકબીજાની પડખે આવેલી છે. પહેલી ૧ થી ૧૨ સુધીની બૌદ્ધ ગુફાઓ છે. ૧૩ થી ૨૯ સુધીની હિન્દુ ગુફાઓ છે અને ૩૦ થી ૩૪ સુધીની જૈન ગુફાઓ. અજંતાની પડતીના આરંભના દિવસોમાં ઇલોરા કલાતીર્થનો ઉદય થવા લાગ્યો હતો. લગભગ સાતમી સદીથી એની શરૂઆત. બૌદ્ધધર્મનાં વળતાં પાણી થયાં હતાં, એટલે તો અહીં બૌદ્ધધર્મની ગુફાઓની પડછે જ હિન્દુ ગુફાઓ છે, જૈન ગુફાઓ છે. આઠમી સદીમાં વળી પાછો હિન્દુ ધર્મ પુનરુત્થાન પામતો જતો હતો.

વૃદ્ધ ભોમિયાએ પહેલી ગુફાને દ્વારે બૌદ્ધ ધર્મની બે શાખાઓ–મહાયાન અને હીનયાનની ભૂમિકા આપી. ગુફાના પથ્થર વિશે વાત કરી. પહેલી ગુફામાં કંઈ ખાસ હતું નહિ. કદાચ એ શિલ્પીઓને રહેવા માટે પણ બનાવી હોય. બીજી ગુફામાં પદ્મપાણિ અને વજ્રપાણિનાં શિલ્પ બતાવ્યાં. આ ગુફા ચૈત્ય ગુફા એટલે કે ઉપાસના માટે વપરાતી હશે. એક સુંદર દેવીમૂર્તિ મનમાં વસી ગઈ. તે હતી તારાદેવી. મંજુશ્રીની મૂર્તિ પણ ગમી ગઈ. બોધિસત્ત્વ અને બુદ્ધની અનેક મૂતિઓ પણ છે. ત્રીજી ગુફામાં પ્રલંબપાદ આસનમાં બુદ્ધની મૂર્તિ છે. ધર્મચક્રમુદ્રામાં રહેલો કરણમય પ્રભુનો હાથ તૂટી ગયેલો છે. થયું આ જ તો ‘આયર્‌ની’ છે. આ લખતી વખતે બધી ગુફાઓ એકબીજીમાં ભળી જાય છે, પણ પાંચમી ગુફા યાદ રહી ગઈ છે. એક તો એ સૌથી મોટી છે. શિલ્પો પણ સુંદર છે. અહીં અંદર ઊભા રહી ભોમિયાએ એક રાગિણી પ્રસ્તુત કરી. આખી ગુફામાં એનો પ્રલંબિત ધ્વનિ ગુંજી રહ્યો. ફરી એક પંક્તિ ગણગણી અને ફરી સ્વરો ગુંજરિત થયા. એ સ્વરો કાનમાં ભરી ગુફામાંથી બહાર નીકળતાં જોયું તો એકાએક પોપટોનું એક ટોળું આંખમાં લીલી ઝાંય રચતું ઊડી ગયું. જાણે પેલી રાગિણીના પ્રલંબિત સ્વરપાંખો પસારી લીલો રંગ ધરી ગુફા બહાર નીકળી અવકાશમાં વિલીન થઈ ગયા. અહીં ઊંચેથી એક પાણીની ધારા પડતી હતી. નાનકડું ઝરણું હતું. વાતાવરણને ગતિશીલ કરતું હતું.

ત્યાં એક ગુફાની ધારે ત્રાંસમાં જડાયેલી એક લાવણ્ય- નીતરતી મૂર્તિ બતાવતાં ગાઇડે કહ્યું – ‘યહ હૈ શાલભંજિકા.’ શાલભંજિકા? કાનમાં-આંખમાં અપાર વિસ્મય ઊભરાયું. શૃંગાર કરતી દર્પણમાં મુખ જોઈ રહી હતી. વારેવારે એને જોઈ. એનાં અંગોમાંથી હાસ્ય ઊભરાતું હતું. માર્દવ પથ્થરમાં કેવું કૉળી ઊઠ્યું હતું! વર્ષોનાં વર્ષોથી આ મૂર્તિ અહીં પોતાનું રૂપ નીરખતી ઊભી છે. કયા શિલ્પીએ એ દ્વારા પોતાની પ્રિયતમાની છટાને વ્યક્ત કરી હશે? એ શિલ્પનું સર્જન કર્યા પછી એ પોતે એના રૂ૫ પર મોહી નહિ પડ્યો હોય – પેલા ગ્રીક શિલ્પીની જેમ? ફરી ફરી મને વિચાર આવે છે ધ્યાનાવસ્થિત કરુણામય બુદ્ધની પ્રતિમા ઘડનાર શિલ્પી, આ શુચિસ્મિતદર્પણા જેવી રૂપસી શાલભંજિકાને પણ ઘડે છે. કલાકારનું તાટસ્થ્ય કે પછી તાદાત્મ્ય? ગમે તેમ, પણ આ નોટમાં ટપકાવતાં આખા દિવસે જોયેલી અનેક મૂર્તિઓ વીસરાઈ ગઈ છે, પણ એ શાલભંજિકા ચિત્તની ત્રાંસમાં જડાઈ ગઈ છે, હવે નહિ ખસે.

એક ગુફામાં ધ્યાનાવસ્થિત બુદ્ધનો ફોટો અનિલાબહેનને લેવો હતો. ચોકીદારે પ્રાંગણમાં પડતા તડકાને ચકચકતાં પતરાં પર ઝીલી ગુફાને આલોકિત કરી દીધી. જ્યારે સૂર્ય અસ્તાયમાન થતો હોય ત્યારે આ ગુફાની મૂર્તિઓ જોવી જોઈએ.

બૌદ્ધધર્મમાં સરસ્વતી ગણાતી મહામયૂરીનું શિલ્પ પણ મનમાં રહી ગયું છે, અને મયૂરની છટા પણ. અહીંની બધી મૂર્તિઓમાં ભવ્યતાનો અનુભવ થાય છે. દશ નંબરની ગુફાનું પ્રવેશદ્વાર સુંદર હતું. અગિયારમી ગુફાના બે માળ ચડ્યાં-ઊતર્યાં. એક જોઈને બીજી ભૂલીએ એવી મૂર્તિઓ અહીં છે. બારમી ગુફાને તો ત્રણ માળ છે. એ છેલ્લી બૌદ્ધ ગુફા છે. એનું સ્થાપત્ય ભવ્યતાનો બોધ કરાવે છે.

હવે શરૂ થઈ ગઈ હિન્દુ ગુફાઓ. તડકો હવે આકરો થયો હતો.

કૈલાસ! હરગૌરીનો આવાસ.

ગણેશભવનની આ ઓરડીમાં આ રાતે એની વાત ટપકાવતાં પણ રોમાંચ અનુભવું છું. કૈલાસના ભવ્ય સ્થાપત્ય અને અનુપમ શિલ્પસૃષ્ટિથી ચેતનાવિભોર છે. અન્ય ગુફાઓ જોતાં જોતાં અમે આ ગુફામંદિર સામે આવતાં જ ઊભાં રહી ગયાં.

રોજ ને રોજ એની એ શુકવાણી બોલતા અમારા વૃદ્ધ ગાઇડમાં પણ નવી સ્ફૂર્તિ આવી ગઈ. સૌન્દર્યની વાત કરવી કોને ના ગમે? એમાં પુનરુક્તિદોષ થતો નથી. સુંદરને જેમ એક વાર જોઈને જોઈ લેવાનું નથી એમ એને વિશે એક વાર વાત કરીને કરી લેવાની નથી.

ગાઇડ બોલવા લાગ્યો – “આ ગુફામંદિરનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું? આ કાંઈ બહારથી પથ્થરોની મોટી પાટો લાવી લાવીને રચેલું મંદિર નથી. આ તો આ પહાડીમાંથી કોતરી કાઢેલું મંદિર છે. પહાડીના ખડકનો જ એક ભાગ.

પહેલાં તો એક મોટું વિરાટ ચોસલું આખી પહાડીથી અલગ કોતરી કાઢવામાં આવ્યું. એ જે મહાન શિલાખંડ એમાંથી કોતરવામાં આવ્યું ત્રણ માળનું મંદિર. એ જ શિલાખંડમાંથી કોતરી કાઢવામાં આવ્યા છે સ્તંભ અને હાથી જેવડો હાથી. અંગ્રેજીમાં કહે છે ‘મૉનોલિથિક’. આ આખો એક ખડક જ છે. એમાંથી જ બધું કંડારાયું છે. બહારથી કશું પ્રતિષ્ઠિત-સ્થાપિત નથી.

એ માટે ઉપરથી ખડક કાપતાં કાપતાં નીચે ઊતરતા જવાનું. પછી મજલાઓનું, ખંડોનું, મૂર્તિઓનું, ખુલ્લા ચોકનું નિર્માણ કરતા જવાનું.’ આ સાંભળતાં સાંભળતાં થતું હતું કે કોઈ મહાન સ્થપતિ-શિલ્પીની આ વિરાટ કલ્પના છે. અદ્ભુત કલ્પના છે. એટલે તો કદાચ તેના નિર્માણનું શ્રેય દેવોના સ્થપતિ વિશ્વકર્માને આપવામાં આવે છે. માણસનું કેટલું ગજું?

પણ આ માણસનું જ ગજું છે. એ અનામી કલાકારને પ્રણામ થઈ જાય. એ કલાકારે સાથ લીધો બીજા અનેક કલાકાર બંધુઓનો. પવિત્ર હિમગિરિ કૈલાસ-શિવના એ અહર્નિશ પ્રાકૃતિક નિવાસસ્થાનની આ કૈલાસ માત્ર કલાત્મક પ્રતિકૃતિ છે? આ કૈલાસ પણ અદ્વિતીય.

એક બાજુ પથ્થરમાં કંડારાયેલ આ વિરાટ કાવ્ય જોતો હતો, અને બીજી બાજુમાં મનમાં સ્મરતો હતો કવિ કાલિદાસનું ‘કુમારસંભવ’. શિવપાર્વતીના પ્રણય અને પરિણયની કથા અને હિમાલયની પાર્શ્વભૂમિ. બૌદ્ધ ગુફાઓ જોયા પછી આ ગુફાઓ જોતાં મનને જરા વાર લાગે. બુદ્ધની ધર્મચક્ર-પ્રવર્તનની મુદ્રા, કરુણામય અમિતાભની મુદ્રા, પદ્માપાણિ બોધિસત્ત્વની લલિત દેહભંગિ જોયા પછી શિવની તાંડવમુદ્રા કે પછી વાત્સ્યાયનના કામસૂત્રમાં નિર્દિષ્ટ ચુંબન-આલિંગનના પ્રકારો દર્શાવતી શિલ્પ-મુદ્રાઓ જોવા મનને જરા તૈયાર કરવું પડ્યું. વાર લાગે છે.

આ બધી હિન્દુ ગુફાઓના કેન્દ્રમાં છે શિવ… કવિ કાલિદાસનું ‘કુમારસંભવ’ વાંચ્યા પછી શિવ માત્ર પેલી સર્જનસ્થિતિપ્રલયની ત્રિમૂર્તિના એક દેવતા નથી રહ્યા, પણ કાવ્યના અને શિલ્પના, નૃત્ય અને નાટ્યના નાયક પણ છે. એક બાજુ પરમ શૃંગારી છે, તે બીજી બાજુ પરમ વૈરાગી.

કૈલાસદર્શનનો સમગ્ર પ્રભાવ એવો પડ્યો છે કે કેમ કરી એની નાનીમોટી વિગતો નોંધું? એમ કરવા જતાં એ અખંડ પ્રભાવ ખંડ ખંડ થઈ જાય છે છતાં નોંધું. કૈલાસમાં પ્રવેશ કરતાં બે બાજુ બે કલાત્મક સ્તંભ, અને બે હાથી. હાથી ખંડિત થયા છે. બીજી મૂર્તિઓ પણ. ઔરંગઝેબ આટલો બાજુમાં હોય અને મંદિર અક્ષણ્ણ રહી જાય? ઇલોરાથી નજીક આવેલું ધૃણેશ્વરનું મંદિર તો એણે તોડ્યું જ હતું. પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગોમાંનું એક એ.

ગાઇડે સમગ્ર મંદિરના આકૃતિવિધાનનો ખ્યાલ આપ્યો. કલ્પના એવી છે કે આ મંદિરને હાથીઓએ પીઠ પર ધારણ કર્યું છે. કૈલાસને પીઠ પર ઉપાડી રહેલા હાથીઓ પણ કલાત્મક ભાત રચે છે. ખરેખર તો એ પણ પેલા મૂળ એક વિરાટ શિલાખંડનો જ અંશ, પણ એથી મંદિર અચલ નહિ, પણ ચલમાન હોવાનો દર્શકને ભાવ જાગે. મને યાદ આવ્યું હતું કોણાર્કનું સૂર્યમંદિર. મંદિર એટલે સૂર્યદેવતાનો સાત અશ્વો જોડેલો રથ. ગ્રેટ! આ પણ ગ્રેટ!

સ્થાપત્ય-શિલ્પનો કેવો સુભગ સમન્વય છે! કઠોર ખડકનું માધ્યમ કેટલી મુલાયમતા ધારણ કરી શકે છે એની પ્રતીતિ થયા જ કરે. ગાઇડે ગોવર્ધનધારી કૃષ્ણની પાસે રતિમદનનું શિલ્પ બતાવ્યું. એમના હાથમાં કલાકારે શેરડી બતાવી છે. શેરડી એટલે જીવનરસનું પ્રતીક. વારી જવાય છે આ ભારતીય કલાકારોની ઉર્વર કલ્પના પર. રતિમદનના હાથમાં શેરડી ના હોય તો બીજા કોના હાથમાં હોય? શેરડીથી કેટલું બધું કહી દીધું! ‘રસ’ એ જ જીવન. શેરડીનો રસ ચૂસવાનો આખો ખ્યાલ આ ક્ષણે શૃંગારિક લાગ્યો.

આ લખતી વખતે બધાં જોયેલાં શિલ્પો અહમહમિકયા–પહેલાં હું, પહેલાં હું–કરતાં ઠેલાઠેલ કરે છે. એકબીજામાં ભેળસેળ થઈ જાય છે વિગતો. એવું જ થાય, એકસાથે આટલી સુંદર શિલ્પમૂર્તિઓ જોઈએ એટલે. પણ શું થાય… આમ જ આપણે કરીએ છીએ.

બે શિલ્પો વિરોધને લીધે મનમાં આવે છે. શિવ-પાર્વતીના વિવાહનું શિલ્પ અને બીજું અંધકાસુરવધનું. કાલિદાસે કુમારસંભવમાં શિવ-પાર્વતીના વિવાહનું અને આઠમા સર્ગમાં તો વિવાહ પછીની દંપતીની ક્રીડાઓનું અકુંઠભાવે વર્ણન કર્યું છે. લીલાં કમલપત્રોને ગણતી નીચે મુખે બેઠેલી શરમાયેલી પાર્વતીનું શબ્દચિત્ર કયા સંસ્કૃત કાવ્યપ્રેમીના સ્મરણમાં નહિ હોય? શિલ્પીએ કઠોર ખડકમાં પણ પાર્વતીની લજ્જા ઉપસાવી છે. કેટલી તો નમનીયતા છે! સોગઠાં રમતાં શિવ-પાર્વતીનાં તો ઘણાં શિલ્પો છે. શિલ્પો આપણી ચેતનામાં રહેલા મૃદુભાવને સ્પર્શે છે. પણ પેલું અંધકાસુરધનું? ક્રુદ્ધ શિવના ત્રિશૂળમાં ઊંચે જ વીંધાઈ લોહીનીંગળતા દેહે લટકી રહેલા અસુરનું ખપ્પરમાં લોહી ભરતી (પાર્વતીનું જ બીજું રૂ૫) મહાકાળીનું શિલ્પ! વળી પાછી સરખામણી જાગી બુદ્ધની અભયમુદ્રાની અને શિવની આ તાંડવમુદ્રાની.

અમે એક શિલ્પને વારંવાર જોયું. રાવણ કૈલાસ પર્વતને હલાવે છે તે પ્રસંગનું. મંદિરની જમણી બાજુની ભીંત પર, ભીંત તો શાની? કલાકારે ત્રિપરિમાણી અસર ઉપજાવવા કંડારેલા ભાગમાં છાયાપ્રકાશનો આભાસ શિલ્પમાં જગાવ્યો છે.

કલ્પના એવી છે કે શિવ પાર્વતી પાસે કૈલાસ પર બેઠા છે. અને શિવભક્ત રાવણ કૈલાસને નીચેથી હલાવે છે. એ શિવ-પાર્વતી સહ કૈલાસને ઉપાડીને લઈ જવા ચાહે છે. પર્વત હલતાં પાર્વતી ગભરાઈ શિવને વળગે છે. સંસ્કૃત કવિઓએ પણ આ પ્રસંગના રમ્ય શ્લોકો રચ્યા છે, તે આ શિલ્પ જોતાં યાદ આવ્યા. પાર્વતીના ચહેરા પર ગભરાટનો ભાવ છે, પણ શિવ સ્વસ્થ ચિત્તે તેમના પગ નીચે અડકાડી કૈલાસને દબાવે છે. કૈલાસ ભારે બનતો જાય છે. એ ભાર નીચે દબાતા રાવણની ત્રસ્ત મુદ્રા છે. અમે આ શિલ્પ જોતાં હતાં, ત્યાં એક પરદેશીને લઈને બીજો એક ભોમિયો આવ્યો, એક વાક્ય–‘ડેમોન રાવણા શેકિંગ કૈલાસ’ બોલી પેલાને આગળ દોરી ગયો. રૂપા અને દીપ્તિ સ્કેચબુક લઈને આવ્યાં હતાં, તે આ શિલ્પની સામે બેસી રેખાઓ દોરતાં હતાં.

અમારું ધ્યાન મિથુનશિલ્પો પર ગયું. આપણાં ઘણાં મંદિરોમાં આવાં શિલ્પો પરંપરાગત રીતે અંકિત હોય છે. આવાં શૃંગારચિત્રો કૈલાસમંદિર પર પણ છે. ચુંબન અને આલિંગનની વિવિધ મુદ્રાઓ છે. એની વ્યાખ્યા કે નામકરણ માટે કામસૂત્ર લઈને જોવું પડે. ભલે આ ચિત્રો શૃંગારી હોય પણ કલાદૃષ્ટિએ, ભારતીય કલાપરંપરાની દૃષ્ટિએ જોઈએ તો નીતિપરક પ્રશ્નોમાંથી ઊગરી જવાય.

રામાયણ અને મહાભારતના પ્રસંગોને કંડારતી આખી ને આખી પૅનલો આપણને રોકી રાખે છે. મંદિરના ખુલ્લા પ્રાંગણમાં તડકો પથરાયો હતો. શિલ્પમૂર્તિઓ પર સ્વાભાવિક છાયાપ્રકાશની લીલા હતી. મંદિરના ઉપરના ભાગે ગયાં. તડકામાં પરસેવાથી ભીના થયેલા દેહ પર ઝરૂખામાંથી વહેતા શીતળ પવનનો સ્પર્શ આહ્લાહ આપી રહ્યો. અહીં બધે ફરતાં રહીરહીને કૈલાસના નિર્માતાની પ્રશંસાના શબ્દો જ નીકળતા રહે. બધાં શ્રેષ્ઠતાદર્શક વિશેષણો જાણે મોળાં લાગે. શિલ્પ અને સ્થાપત્યનું, ધર્મ અને સંસ્કૃતિનું, ઐહિક અને પારલૌકિકનું અહીં અદ્ભુત સામંજસ્ય અને સંવાદ છે.

અમે નંદીમંડપની આગળના ભાગના એ ગવાક્ષમાં જઈ થોડી વાર બેઠાં. સામેના મેદાનમાંથી હળવો પવન વાતો હતો. શીતળતા હતી, કલાધામ જોવાની અમારા ચિત્તમાં એક સંતૃપ્તિ હતી. પ્રસન્નતાની એ ક્ષણો હતી. હરગૌરીના આવાસ કૈલાસના ઝરૂખે અમે હતાં.

કૈલાસમંદિરને ઝરૂખેથી નીચે ઊતર્યા પછી થોડી ક્ષણો તો ઇલોરાની આજુબાજુની વાસ્તવિક દુનિયા પણ અવાસ્તવિક લાગી. કૈલાસની ભવ્ય લલિત કલાસૃષ્ટિનો એ પ્રભાવ હતો. ગાઇડને શરત પ્રમાણે અમે વિદાય આપી. જોકે કૈલાસમંદિર પહેલાંની ૧૫ નંબરની ગુફા એણે અમને બતાવી નહોતી. કદાચ ઘણાં પગથિયાં ચઢીને ત્યાં પહોંચવાનું હતું એટલે એ વૃદ્ધે એ ગુફા ટાળી અમને પ્રથમ કૈલાસદર્શન કરાવી દીધું.

પણ એની એ ભૂલ તો હતી જ. કૈલાસ જોયા પછી ૧૫ નંબરની દશાવતાર નામે ઓળખાતી આ મહત્ત્વની ગુફા એનો જોઈએ એવો પ્રભાવ પાડી શકી નહિ. ગુફાને દરવાજે ઊભા રહી ગાઇડના અંદાઝમાં મેં વાંચ્યું: ‘અહીંનું શિલ્પ ગતિવંત, પ્રભાવશાળી અને આવેશયુક્ત છે. ગુફામાં શિવની વિવિધ મૂર્તિઓ છે. અંધકાસુરવધ-મૂર્તિ, કલ્યાણસુંદર-મૂર્તિ, ગંગાધર- મૂર્તિ, ત્રિપુરાન્તક-મૂર્તિ, ઉપરાંત શિવ અને શક્તિનાં આ ગુફામાં પ્રભાવક શિલ્પ છે. મહિષાસુરમર્દિની જોતાં ભય પમાય. ખરેખર તો શિવ-પાર્વતીની વાત જ એવી છે કે તેમાં પ્રેમ, ક્રોધ, ભય, આનંદ વગેરે ભાવપ્રકાશનને અવકાશ રહે.’

દશાવતારમાં શિલ્પોમાં વિષ્ણુની વરાહ-મૂર્તિ, ત્રિવિક્રમ-મૂર્તિ અને નૃસિંગ-મૂર્તિ ધ્યાન ખેંચી રહે, પણ કૈલાસનો પ્રભાવ હજી ચિત્ત પરથી ઓસરતો નહોતો. વરાહ-અવતાર વિશે દીપ્તિ કાદંબરીમાંથી કશોક ઉલ્લેખ કરતી હતી.

હજી તો અમે અડધે રસ્તે હતાં. અમે વિચાર્યું કે હવે થાકેલાં ચરણને જ નહિ, અભિભૂત ચેતનાને પણ વિરામ આપવો જોઈએ. ભોજન એ સૌથી મોટો ઉપાય. એક ચોતરા પર લીમડાની ગાઢ છાયામાં અમે બેઠાં. બાજુની એક હોટેલમાંથી પાણી લઈ આવ્યાં. પાથેય તો અમે સાથે લાવ્યાં હતાં. હવે અન્નપૂર્ણાનો પ્રસાદ.

તડકો હોવા છતાં નીકળી પડ્યાં. અમારે છેલ્લી ૩૪મી ગુફા સુધી જવું હતું. કેટલીક ગુફાઓ ઝડપથી જોઈ વળ્યાં. ૨૧મી રામેશ્વર ગુફા ગમી ગઈ. શિવપાર્વતીના વિવાહપ્રસંગની વાતને ટાણે કાનના કુંડળને રમાડતી-શરમાતી ઉમાની પ્રતિમા અત્યારે પણ મનમાં આવે છેઃ કાલિદાસે એ પ્રસંગે પાર્વતીને નીચા મોંએ કમલપત્રો ગણતી વર્ણવી છે. આ ગુફામાં કૈલાસ હલાવતા રાવણનું શિલ્પ છે. એ યાદ એટલા માટે રહી ગયું છે કે, એ રાવણનું એક મુખ ગધેડાનું છે! આ ગુફાની શાલભંજિકાની કમનીય મૂર્તિઓ પણ નયનનો ઉત્સવ બની ગઈ.

પરંતુ ઇલોરામાં કૈલાસ પછી જે સ્થળ પ્રસન્ન પ્રસન્ન કરી ગયું છે, તે તો સીતાનહાણી. ત્યાં જવા માટે જરા ફરીને જવું પડે છે. રસ્તે અનેક ફૂલો આવ્યાં. એમાં લાલ ફૂલો અસંખ્ય હતાં. શું નામ હશે? નામમાં શું? જોતજોતામાં એ લાલ ફૂલો દર્શના, દીપ્તિ, રૂપા, અનિલાબહેનના કેશમાં શોભવા લાગ્યાં. અચલ શિલ્પોની સૃષ્ટિમાં આ બધાં ચલમાન શિલ્પો!

સીતાનહાણી એટલે સીતાજીના સ્નાન માટે કુંડ. એ નામની ગુફા પણ છે, પણ ખરેખર સીતાના સ્નાન માટેનો કુંડ પણ. મેઘદૂતના પહેલા શ્લોકમાં જ શાપિત યક્ષને રામગિરિ આશ્રમમાં રહેતો જોઈએ છીએ, પણ કવિ એ વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નહિ કે જનકતનયાસ્નાનપુણ્યોદકેષુ — જનકતનયાના સ્નાન કરવાથી પવિત્ર બનેલા જળાશયોવાળા રામગિરિ આશ્રમોમાં યક્ષે નિવાસ કર્યો. આ જનકતનયા સીતા પ્રકૃતિપ્રિયા છે. વાલ્મીકિએ એવી બતાવી છે અને કાલિદાસે પણ. લોકગીતોમાં તો એ છે જ, પ્રકૃતિનાં રૌદ્રરમ્ય રૂપો એને ગમે છે. રામને એની ખબર છે. એટલે સીતા વિના જ્યારે પ્રકૃતિનાં સુંદર રૂપો જુએ કે સીતાનો વિરહ તેમને દ્વિગુણ સતાવી રહે.

પહાડી પરથી પડતો જળધોધ કે કવિતા? કાકાસાહેબે તો એની કવિતા કરી જ છે તેમના ‘વેળગંગા અથવા સીતાનહાણી’ એ નામના લેખમાં. આ બપોરની વેળાએ જલશીકરો ઉડાવતો ઊંચેથી પડતો પાતળો ધોધ શૈત્યપાવનત્વનો અનુભવ કરાવી રહ્યો. ગુફાનાં શિલ્પો જોવાને બદલે અમે તો એ જળધોધ જોઈ રહ્યાં.

સીતા અહીં આવી હોય અને આ રીતે પડતા આ ધોધને એણે મસ્તકે-અંગે ન ઝીલ્યો હોય તો જ નવાઈ! ધોધ એવો ભારે નથી. કાકાસાહેબના શબ્દો સ્મરણમાં આવે છે કે સીતા- માતાએ અહીં પોતાના વાળ છૂટા મૂકી પાણીમાં સાફ કરકરા કર્યા હશે. અદ્ભુત કલ્પના છે. પણ આ કલ્પનાનું ઉદ્ભવસ્થાન લોકચેતનામાં હશે. ‘સીતાજીની નહાણી’ એવું નામ નહિતર હોય નહિ. ધોધ અંગ પર ઝિલાય એ રીતે બેસીને સ્નાન કરી શકાય એવું છે. સાચવીને જરા નીચે ઊતરવું પડે. અજંતામાં વ્યાઘ્રીમાં સ્નાન કર્યું હતું. અહીં પણ ઇલોરાની આ વેળગંગાના પ્રપાત નીચે સ્નાનની ઇચ્છા થઈ આવી, તેમાં બપોરની વેળા.

પણ વાસના અધૂરી જ રહી ગઈ. શું એ વાસના વાસના જ રહેશે કે પછી ભવિષ્યમાં ક્યારેક પણ જનકતનયાના સ્નાનથી પવિત્ર આ નહાણીમાં સ્નાન કરીને વાસનામોક્ષ પામીશ? કોણ જાણી શકે છે!

નજરને ગુફા બહારના એ રમ્યપ્રપાતથી ગુફાની અંદરનાં શિલ્પો તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. શિલ્પોમાં ‘મૃદુ સૌન્દર્ય’ છે. વિશેષે તો કૈલાસની તુલનામાં. અહીં પણ કૈલાસ ધારણ કરવા મથતો રાવણ છે, સોગઠાબાજી રમતાં શિવ-પાર્વતી છે, યોગીશ્વર શિવ છે! તાંડવ કરતા શિવ છે.

રમતિયાળ પ્રપાત તરફ લોભી નજર નાખી અમે આગળ વધી ગયાં. ધૂળિયો માર્ગ શરૂ થયો. અહીં ઝાઝા યાત્રિકો જતા નથી. હવે મુખ્યત્વે જૈન ગુફાઓ જોવાની હતી. આ ગુફાઓનું નિર્માણ ૯મી થી ૧૧મી સદીના સમયમાં થયું છે. તેમાં ઇન્દ્રસભા નામે ઓળખાતી ગુફા ધ્યાન ખેંચે છે. જૈન ગુફાઓની કલા પર જૈન દર્શનનો પ્રભાવ છે. હોય જ ને! પાર્શ્વનાથ, ગોમટેશ્વર કે મહાવીરની મૂર્તિઓ જોતાં એ સમજાય. ઇન્દ્રસભાની સ્થાપત્યરીતિ કૈલાસના અનુકરણ પર રચાયેલી લાગે. અમારી સાતની ટુકડામાં છ સભ્યો તો જૈન. ઇન્દ્રસભામાં મહાવીરની વિરાટ મૂર્તિ છે. બીજી મૂર્તિ છે પાર્શ્વનાથની. આ મૂર્તિઓ જેટલી મોટી છે, ગુફામાંનું શિલ્પ એટલું ઝીણકું છે.

અહીં બધાં હવે તરસ્યાં થયા હતાં. ત્યાં એક વાવમાં પાણી હતું. મેં અને હેમંતે એ વાવમાંથી પાણી પીધું, પણ બીજાં સભ્યોને સંકોચ થયો. જોકે પાણી સ્વચ્છ અને સ્વાદિષ્ટ હતું. આ સાંજ વેળાએ અમે સતત તડકો પણ ઝીલ્યા કર્યો હતો. હવે ખરેખર થાક લાગ્યો હતો, પણ ઇલોરાની આ ભવ્ય કલાસૃષ્ટિની વિસાતમાં થાક શું?

બસ-સ્ટૅન્ડ પર આવ્યાં. બસ આવી. કંડક્ટરે કહ્યું : ઊભા રહેવું પડશે. સનીલે કહ્યું – ખડા રહને કા ભી અનુભવ હોગા. કંડક્ટર હસી પડેલો. કંડક્ટરો ઉતારુઓ ભણી ભાગ્યે જ હસતા હોય છે.

દીપ્તિને ધૃષ્ણેશ્વરનું મંદિર અને દૌલતાબાદનો કિલ્લો જોવાં હતાં, અમારી પણ ઇચ્છા હતી. પણ સમય ક્યાં રહ્યો હતો? ત્યાં વળી વિઘ્ન આવ્યું. બસને અકસ્માત થયો. એક પાડી હડફેટમાં આવી ગઈ. બસ થંભી. ક્યારે ઊપડશે તે નક્કી નહોતું. ત્યાં બે મોટરગાડીઓએ અમારામાંથી બબ્બે સભ્યોને લિફ્ટ આપી અને એક બીજી બસમાં બીજાં ત્રણ ગોઠવાયાં. અને આમ ઔરંગાબાદના બસ-સ્ટૅન્ડ પર પહોંચી ગયાં.

નિરાંતે ચા પીધી. સાંજના એ ટાણે ઔરંગાબાદ શહેરમાં ફરવા નીકળ્યાં. દર્શનાને ચંપલ ઠીક કરાવવાની હતી. એ ઘરેથી એક પગે નવું ચંપલ અને બીજે પગે જૂનું ચંપલ પહેરીને ઉતાવળમાં નીકળેલી. જૂનું નવાને કેટલો સાથ આપે?

ઔરંગાબાદની ઇમ્પીરિયલ હોટેલમાં ભોજન કર્યું. પછી રિક્ષા કરી બીબીના મકબરા સુધી પહોંચ્યાં, પણ અંધારું ઊતરવા લાગ્યું હતું. ઇમારત જોવાનો વિચાર મુલતવી રાખી અમે ગણેશભવનને માર્ગે ચાલતાં ચાલ્યાં.

થાક હતો છતાં પ્રસન્નતા હતી, ગણેશભવન આવ્યા પછી નિરાંતે હાથપગ-મોં ધોઈ સ્વસ્થ થયાં. મહારાજશ્રી પાસે બેસી થોડી વાતો કરી, ત્યાં ધીમે ધીમે આકાશમાં તારા પ્રકટી ઊઠ્યા. સૌ ખુલ્લા પ્રાંગણમાં આવ્યાં. ત્યાં જ શેતરંજી પાથરીને બેઠાં, આડાં થયાં. તારાદર્શનનો આનંદ લીધો, સાથે અંતકડીનો પણ. કવિતા બધાને ગમે. દીપ્તિ, રૂપા તો અંગ્રેજીનાં વિદ્યાર્થી, પણ દર્શનાને મેં કહ્યું કે તું ડૉક્ટર થઈ એથી અમે એક સારો સાહિત્યનો વિદ્યાર્થી ગુમાવ્યો.

ગણેશભવનની ઓરડીમાં હવે આજના દિવસની બધી વાત ટપકાવતો બેઠો છું. નગરને સીમાડે અહીં શાન્ત સ્તબ્ધતા છે, પણ મન મારું ભરચક છે. એક તારાખચિત આકાશ જેવું. કેટલાં ચિત્રો, શિલ્પો, મુદ્રાઓ અને પ્રસંગો ટમટમે છે. વિચારું છું — ત્રણેક દિવસ પહેલાં આ અજાણ્યા નગરમાં પગ મૂક્યો હતો, ત્યારે જે હું હતો, અજંતા-ઇલોરાની આ અનુપમ કલાસૃષ્ટિનાં દર્શન પછી જે હું છું, તે શું તેનો તે હું છું…?