વસુંધરાનાં વહાલાં-દવલાં/૨૦. લખડી

From Ekatra Wiki
Revision as of 11:27, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. લખડી|}} {{Poem2Open}} એક સ્થાન એવું છે કે જ્યાં ધરતીનો છેડો આવે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦. લખડી

એક સ્થાન એવું છે કે જ્યાં ધરતીનો છેડો આવે છે. એ સ્થાને બેઠેલું માનવી બ્રહ્માંડ આખાને કડડભૂસ થતું સહી લેવા પણ તૈયાર રહે છે. એ સ્થળ તે ઘર. તેજુ ઘર છોડીને જતી હતી? ના, ના. એણે તો ધર્મશાળા ખાલી કરી હતી. વિસામો ખાવાની છાંયડી સ્થિર નથી હોતી. સૂર્ય ફરે છે, ને છાંયડી સ્થાન-બદલો કરે છે. બુઢ્ઢો વાણિયો નવાણો શોધતો હશે? ઉધામે ચડેલી બનાવટી બાયડીની લપ ટળી લેખતો હશે? જવા દઉં એ સાંભરણને. પહેલી વારનો પ્રેમ-સંબંધ, ભાંગીને ભુક્કો થઈ ગયો છે છતાં, વધુ ખેંચાણ કરતો રહ્યો છે. સૂર્યની ગગનભરમાં અગન લગાડતી ઘૂમાઘૂમ જોઈ જોઈને પણ યાદ તો આવે છે, ઊગમણી દિશાની એકાદ નાની ટેકરી અને એ ટેકરીને માથે નીકળેલું સૂર્યનું પ્રભાતછોગું. તેજુ પગપાળો પંથ કાપતી હતી. માર્ગે મળતાં કોઈને પોતે બામણી નામે ઓળખાવતી તો કોઈને બાવણ નામે. ગુજરાતના આંધીઘેર્યા ગાડા-માર્ગે ધસ્યે જાતાં કપાસનાં ગાડાં કારખાને પહોંચવાની ઉતાવળમાં હતાં. સૌ તો થોડાં જ તેજુને પૂછવા થોભતાં હતાં! કોઈક વધુ રસ લેનારા વટેમાર્ગુને એમ પણ કહી લેતી: ‘છેટા રે’જો ભાઈ, મારે શરીરે કોઢ છે.’ કોઢનું નામ કાળમુખું હતું. કોઢ શબ્દ તેજુને મોકળો રસ્તો અપાવવા શક્તિમાન હતો. બે સિપાહી વોળાવિયા ને એક જુવાન બાઈ: ત્રણેયનો તેજુને પ્રભાતે સથવારો સાંપડ્યો. બાઈ સિપાહીઓ સાથે તડાકા કરતી આવતી હતી. એક નાની સીમાડા-ચોકી આવી ગઈ હતી. ત્યાં ઊભા રહીને સિપાહીઓએ પોતાની કેદી ઓરતને છૂટી કરી. “અમારી હદ પૂરી થઈ, ને હવે તું તારે મલક આખો ખૂંદવા માંડ, બાઈ. પણ હવે ત્રીજી વાર ભલી થઈને આ હદમાં પગ મૂકતી નહિ. બે પાટીદારને વટલાવ્યા એટલેથી ખમા કરજે.” “આવીશ આવીશ.” ઓરતે હાથ ઉછાળીને પોલીસને ઉડાવ્યા: “ઓલી ફાતમાને ને મણકીને કહી રાખજો કે મેરા ચંબુ અને મેરું તસલું એક કોર મેલી રખના.” એ બોલી જેલજીવનની હતી. “હવે આવ તો તો સાત વરસની!” પોલીસે જતે જતે સજા સૂચવી: “ઔર વાંસામેં પંદર ફટકા, ટાટકપડાં ઓર અંધારી ખોલી.” “અંધારાથી કોણ બીએ છે? અંધારું જ રોયું ફાટી પડશે. મારે શું? હજી ઈ ફાતમા જમાદારણીને માથે મારે બરાબરની વિતાડવી છે. કહી રાખજો એને કાઠિયાવાડનું પાણી પરખ્યું નથી હજી એણે.” “આવજે, ખુશીથી આવજે, બીજી પણ બે-ચારને લેતી આવજે.” કહેતા કહેતા રોનકી સિપાઈઓ પાછા વળ્યા. “આવવું તો જોશે જ ના.” કંઈક પોતાની જાતે બબડતી ને કંઈક પોતાની મોખરે ઊપડતે પગલે ચાલી જતી તેજુને વાતોએ વળગાડવાને બહાને ઓરત બોલતી રહી: “બે-ત્રણ વરસના દાણા તો છોકરીના પેટમાં પેલેથી પડી ગિયા! બીજેય મેનત-મજૂરી ક્યાં નથી કરવી પડતી? ખેતરમાં સાંઠિયું વીણવી ને કાળે ઉનાળે નદીના વેકરામાં પારકાં પેટ ઠારવા તરબૂચ પકવવાં, તે કરતાં આ શું ખોટું છે? સાચું કે’જો, બા!” તેજુનું મૌન તો તૂટ્યું નહિ. પણ કાઠિયાવાડી બોલીએ એના દિલના દોર આ બોલનાર સાથે સાંધ્યા. “અમરચંદ બાપો ગ્યા, તો કામેશર કાકો જડી રયો. કામેશર કાકાને જેલ મળી તો શિવલો ગોર ક્યાં નો’તો?” અમરચંદ બાપા અને કામેશર કાકાનાં નામ તેજુના કાન પર કોઈ ઊંડા ઓરીઆની ભેખડ ફસકી હોય એવી રીતે ધસી પડ્યાં. “ક્યાંથી આવો છો, બેન?” એણે અજાણી ઓરતને પૂછ્યું. “જેલમાંથી. ફુલેસને નો ભાળ્યા?” ઓરતના એ જવાબમાં ખુમારી હતી. “જાવું છે ક્યાં?” “ઘરે. ત્રણ વરસ વીતી ગયાં. હવે તો મારી ઢેફલી અવડી અવડી થઈ ગઈ હશે.” એમ કહેતે બાઈએ જમીનથી ત્રણ ફૂટ ઊંચે હાથ બતાવ્યા. ગામડિયાં પોતાના ખેતરના પાકની અને પેટનાં સંતાનોની ઊંચાઈ આ એક રીતે બતાવે છે. “જેલમાં કેમ જાવું પડ્યું’તું?”

“પે’લી વાર તો નો’તું જાવું પડ્યું. બીજી વાર છતી થઈ. કોઈનું કશ્યુંય લીધું નથી. કોઈ કરતાં કોઈની વાલની વાળીય ઉપાડી નથી. કાંઈ એબવાળું કામ કર્યું નથી. કોઈ આબરૂદાર માણસનું નામ શીદ લેવું! પણ મને રિયા’તા મહિના. ફુલેસે ભીંસ કરી. મારા બાપે ફોજદારને તરબૂચ નોતાં દીધાં ઈ વાતની ફોજદારે ખટક રાખેલી. મને કહે કે રાંડ, તારા બાપનું જ ઓધાન રિયું છે એમ નામ લે. બાપનું નામ કાંઈ લેવાય છે, બાઈ? જીભ જ કટકા થઈ જાય ને. પણ શો ઉપાય? પેટમાં છોરું, પૂરા મહિના, ને મારે ચોટલે દોરડું બાંધીને ફુલેસે મને ઘડો સીંચે એમ સીંચી. એટલે ઝીંક નો ઝલાણી. બાપને કહ્યું, ભાભા, તું મલક મેલી દે, મારે તારું નામ નોંધાવ્યે જ આરોવારો છે. પણ બાપ મલક મેલી ન શક્યો, ગળાફાંસો ખાઈ મૂવો, ને પછી હું મોકળી થઈ. છોરુ જણવાનો સમય થયો, પણ પડખેય કોણ ઢૂંકે? સૌને લાજ આબરૂ વા’લાં. મેં વગડે જઈ છોરું જણ્યું, મારે જ દાંતે કરીને છોરુનું નાળ વધેર્યું. આ મારે જ હાથે ઓર દાટી. ન દાટું તો કોક પશુડું મરે. એક દી એમ ને એમ પડી રહી. ને છ-બાર મહિને પાછી હતી તેવી થઈ રહી, પણ મને કોણ સંઘરે? ત્યારે અમારા ગામનો અમરચંદ બાપો ભેટ્યા, કહે કે રાંડ આંહીં શે જનમારો નીકળશે? તારી મરજી હોય તો કહું કામેશર મા’રાજને. મેં કહ્યું, કહો. કામેશર ગોર મને વગડે મળ્યા. મને સમજ પાડી: લખડી, શીદ વગડે સળગછ? દીવાસળી મૂકને વાઘરીના નામ માથે! હાલ્યને પંદર દી કેસરિયા દૂધના કઢા પાઉં, ઘઉંવરણી રૂડી કાયા થઈ જાય, ને પછી શે’ર ગામના કોક શેઠિયાને ઘેર મૂંઢો હાથ ધીંગી પથારીમાં સૂતી લીલા લેર કર ને! મેં કહ્યું, બાપા, મારે છોકરું મૂકીને મૂંઢા હાથની પથારીમાં શે સુખે નીંદરા કરવી? તો કહે કે વધુ સારું, વીવા કરીને અમે વિદાય લઈએ એટલે તુંય વાઘરણ છો એમ છતી થઈ જાજે ને? આફુડા તને કાઢી મૂકશે. ચાર દી તારું છોકરું અમારે ઓટે સૂઈ રે’શે, દૂધ વિના નહિ રાખીએ તારી છોકરીને. અમારે તો એટલુંય પુન્ય મળે છે ને. મેં કહ્યું, ભલે, હાલો. પંદર દી મને કેસરકઢું દૂધ પિવાડ્યું. પણ બોન, શું કહું? જેવું તમારું રૂપ છે ને, એનાથી સવાયા રૂપે મારી કાયામાંથી કિરણ્યું કાઢી. અમરચંદ બાપો, કામેશર ગોર ને હું ત્રણેય નોખાનોખા નીકળીને ડાકોરમાં થયાં ભેળા. અમરચંદ બાપો મારા બાપ બન્યા, હું વાણિયાની દીકરી બની, કામેશર ગોર તો ગોર જ હતા. ગુજરાતને ગામડે મારાં ઘડિયાં લગ્ન ઉકેલીને કોથળિયું બાંધી બેય ચાલ્યા ગયા. પછી મેં તો વાણિયાના ઘરમાં ચોખા રાંધ્યા. રાંધી કરીને સૌને ખાવા બેસાર્યા. અને કથરોટમાં ચોખા ઠાલવ્યા કે તરત ઘરનું માણસ ચણભણી હાલ્યું. આ રિવાજ વાણિયાના ઘરનો નહિ, આમાં કાંઈક દગો લાગે છે. મને કરી ભીંસ. નીકર તો મારે આઠ-પંદર દા’ડા રહીને ઘરાણુંગાંઠું લઈ કરી ભાગવું’તું, પણ પછી તો હાથ જોડીને મેં માની નાંખ્યું કે છઉં તો, દાદા, વાઘરણ. કરનારા કરી ગયા. પૂછ્યું કે ઓલ્યા બે કોણ હતા? આપણાથી નામ દેવાય કાંઈ, બોન! મેં તો ખોટાં નામ બતાવ્યાં ને ખોટું ગામ ચીંધ્યું. મને બે ધોલ મારીને તગડી મૂકી. પછી પાછું ત્રણેક વરસે બીજી વાર અમરચંદ બાપે ને કામેશર ગોરે મારું કાંડું ઝાલ્યું. આ તે વખત અમરચંદ બાપો તો નીકળી ગયાં. કામેશર ગોરને ત્રણ વરસની ને મને છ જ મહિનાની ટીપ પડી. પણ મેં સાચાં નામ ન દીધાં, પછી ત્રીજી વાર મને શિવલા ગોરે ને નંદુડી બામણીએ હાથ કરી. એમાં અમે ત્રણેય પકડાઈ ગયાં. એને તો ત્રણ જ મહિને છોડી મેલ્યાં. કેમ કે એણે વકીલ મોટો બાલિસ્ટર રોકેલો, મને એકલીને સપડાવી દીધી એમ સાબૂત કરી ને, કે મેં ઈ બેયને છેતર્યાં છે. મને બે વરસની પડી’તી પણ છોકરી મારી ગદરી ગઈ. હવે તો જઈને મારા બાપની આંબલીએ નિવેદનો ખીચડો જુવારવો છે. છોકરીએ મને એક કાગળ લખાવ્યો’તો જેલમાં, કે દાદો આંબલીએ મને મળે છે, બોલાવે છે, ને રોયા કરે છે: આ અસરગતિ હવે એનાથી ખમાતી નથી. પાણીની તરશ્યે જીવ જાય છે પલેપલ. ને વાત પણ સાચી ને બોન! અસરગતિવાળાઓને તમામને તો કેરડાના કાંટાની અણી હોય ને અણી, એના જેટલું જ ઝીણું ગળું હોય છે. એમાં પાણી રેડ રેડ કરીએ તોય કેટલુંક પોગે? હું તો હવે પાંચ-દસ રૂપિયાનું બાફણું બાફી નાખીશ.” “ગામનું નામ શું?” “પીપરડી, પરતાપ શેઠની. એનાંય પાપ ત્યાં ચડી બેઠાં છે તળાવડીની પાળે.” “શાં પાપ?” “હું તો ત્યારે નો’તી પણ લોકો વાત કરે છે કે ત્યાં એક બીજો બુઢ્ઢોય દટાણો છે. એને એક છોકરી હતી. કહે છે કે પરતાપ શેઠને ગામ છોડવું પડ્યું છે ઈ બાઈના શરાપે. કોક કાળમુખી કુંવારકાનું શરાપેલ ખોરડું, ને પહેલો છોકરો ભરખાઈ ગયો. બીજો નરવ્યો રિયો જ નહિ. હવે ગામલોકોને ય ઊંડો ઓરતો થાય છે.” “શી બાબતનો?” “અમરચંદ બાપાની બક્ષિસનો લોભ લાગ્યો, કામેશર ગોર મોવડી થ્યા, ને મા-દીકરાને મારીકૂટી કેદમાં પુરાવેલાં. હવે સૌ કહે છે કે તરકટ કર્યું. તળાવડીને મારગે માણસ ધોળે દી’એય માઠું નીકળે એવી ભે લાગે. બાઈનો ને છોકરાનો ક્યાંય પત્તો મળતો નથી. હશે અભાગણી પોચા કાળજાની. હું જેવી થઈ ગઈ હોત તો એનો એ કામેશર કાકો જ એના પગ ધોઈ પૂજત. આટલાં બધાં તીરથ છે. પરભાશ છે, દુવારકા છે, ડાકોર છે, નાશક છે, ચારક ઠેકાણે એક એક વાર ઊંચ વરણનું ઘર માંડી આવી હોત તો જનમારો આખો બેઠી બેઠી ખાત. હતી બહુ રૂપાળી ને ચતુરાઈનો તો કે’ છે કે પાર નહોતો. મારું લાંબું ન હાલ્યું ઈ ચતુરાઈને વાંકે જ ને! મને વેશ તો પે’રાવે કામેશર કાકો, પણ વેશ ભજવી દેવા ઈ કાંઈ થોડો આવે? ઈ બાઈ જેવી હોય તો સરખો વેશ ભજવીને સોના-રૂપાં તફડાવી આવત. પણ કોણ જાણે ક્યાં મા-દીકરો ગપત થઈ ગયાં. ધરતી જાણે ગળી જ ગઈ. ને અમારા ગામને ટીંબે એના નિશાપા રહી ગયા. હવે તો ગામલોક વિચાર કરતું’તું કે તળાવડીએ દેરીની થાપના કરીએ. બે-ચાર બાવા સાધુઓને પૂછી પણ જોયું’તું પણ ત્યાં રે’વાની કોઈએ હામ જ ન ભીડી.” “એમાં શી હામ ભીડવાની છે?” તેજુએ કહ્યું. “તમે કેવાં છો?” “સાધુ છીએ.” “માતાજી છો? એકલાં છો?” “એકલી જ.” “ક્યાંક થાનક છે?” “ના, ગોતું છું.” “બાળુડાં જોગણ જણાવ છો. માતાજી, મારાથી આટલું ભખ ભખ બોલાઈ ગ્યું, ને મેં તો તમને જાણ્યાં નહિ.” “પેટની વાત કરી એ કાંઈ અપરાધ છે, બોન?” “તમે હાલોને મારી ભેળાં. ગામલોકને જાણે કે નાણું ખરચવું નથી. મારા માથે જ ગનો ઓઢાડે છે: કે લખડી, તારો બાપ તારા પાપે લટક્યો, ને અમારી તળાવડી ગોઝારી કરી. હવે તું જ ત્યાં થાનક બેસાડ. મારી કને નાણાં ક્યાંથી હોય? તો શિવલો ગોર કહે કે નાણાં તો હું કરી આપું. તને વટાવીએ એટલે નાણાં નાણાં. આ છેલ્લી વાર તો હું એ સાટુ જ આ ધંધામાં પડી. હવે તો તમ સરીખું કોઈ જડી જાય ને, તો હું અમરચંદ બાપા આગળથી મારા આ વખતના ભાગના રૂપિયા લઈને ઘરમાંય નહિ ઘાલું. મારે તો બારોબાર મારા ભાભાનું થાનક કરવામાં આ વખતની કમાઈ ખરચી નાખવી છે. આ વખત બાપડા એક ગરીબ બામણનું ઘર ભાંગી આવી છું ને, એટલે મારે એ નિસાસાનાં નાણાં ઘરમાં નથી આણવાં.” “કેટલાક રૂપિયા છે તમારા ભાગના?” “સો તો આવશે જ ને? હું ને છોકરી હાથોહાથ મજૂરી કરશું. મારી છોડી આજ દસ વરસની—આવડી, વાછડી જેવડી થઈ હશે. તમારું થાનક અમે બાંધી આપશું. એટલે પછી હું છૂટી. મારે હજી એક વાર જેલમાં પોં’ચ્યે જ રે’વું છે. મારે જમાદારણી ફાતમાનાં ઝંટિયાં એક વાર પીંખવાં છે.” એમ બોલતાં બોલતાં એ ઓરતે દાંત કચકચાવ્યા અને હવામાં જોરથી બાચકા ભર્યા. એની બીકે ખેતરની વાડ પરથી ચાર લલેડાં પક્ષીઓ ઊડ્યાં. હવામાં ભરેરાટી ઊઠી. “ફાતમા જમાદારણીના ઝંટિયાં ન ખેંચી કાઢું તો હું લખડી વાઘરણ નહિ, ને વરેડો ભાભો મારો બાપ નહિ. તરવેણી બામણી છે એક કેદણ. ખાવાનું ખૂટ્યું હશે, મજૂરી નહિ મળી હોય. ભીખ માગવા ગઈ નહિ. ઝેરકોશલાં વાટ્યાં. નાના બે છોકરાને પાઈને પોતાને પીવા’તાં. એક છોકરું તો પી ગ્યું, પણ બીજું ઝાલ્યું’તું તેમાંથી છોડાવીને ભાગ્યું. લોક દોડ્યું આવ્યું. પકડી તરવેણીને. સાત વરસની રોયાઓએ ટીપ આપી છે. એને જ્યારે ને ત્યારે, આ વાતમાં ને તે વાતમાં, ફાતમા જમાદારણી ટોણો જ મારતી ફરે: છોકરાંની ખૂની! બામણી, છોકરાંની ખૂની! તરવેણીનું ખાવું ઝેર કરી નાખે. મેં કહ્યું, ઝંટિયાં ખેંચી કાઢીશ, જો તરવેણીને ફરી ટોણો માર્યો છે તો. મને સા’બ આગળ ઊભી કરી. મારી બે મહિનાની માફી કપાણી. પણ ફાતમા તે ને તે દા’ડે રજા માથે ઊતરી ગઈ. ઊતરી તે ઊતરી, પાછી આવી જ નહિ. મારી મનની મનમાં રહી ગઈ. ફરી ન પોં’ચું ત્યાં લગી જીવડો જંપે નહિ. ને ક્યાં ઠાલો ફેરો ખાવો છે? શિવલા ગોરનો કસબ મને તો ફાવી ગ્યો છે. એમાં ક્યાં ચોરી લબાડી કરવી છે? ઊંચ વરણનાં ઘર અભડાવવા કાંઈ જોખમ વિના જવાય છે? આંહીં મજૂરી-દા’ડી મળે તેમ નથી. એકાદ હૈયાફૂટો મળી રે’શે. પરણીને ઘરમાં રાખશે તો રે’વાની ક્યાં ના છે? ને ન રાખે તો આપણો શો ગનો? ઊંચ વરણ તો વટલાવ્યાં જ ભલાં. આપણને જ એ તો અભડાવે તેવાં છે.” લખડી મળી, એટલે તેજુને જીવતી તવારીખ જડી. લખડીના મોં પર એણે વર્ષાકાળના નદી-તટ પર પડી જાય છે તેવા ઊંડા ચરેરા પડેલા જોયા. આ શું એ જ લખડી, જેની ને જેના બાપના ગળાફાંસાની વાત પીપરડીનાં વાઘરાં તેજુના બાપાના શબ માથે બેઠાં બેઠાં કરતા હતા? આ એ જ ગર્ભવતી, જેના ‘હરામના હમલ’ ઉપર પોલીસે કાળો કેર ગુજાર્યો હતો! બાપના ગળાફાંસાની વાત લખડી આટલે ઠંડે કલેજે કરતી હતી! માત્ર જાણે પોતાનો સાડલો ફાટી ગયો હોય! અમરચંદ શેઠ અને કામેશ્વર મહારાજ તેજુના કૂબા ઉપર લાકડીઓ લઈ તૂટી પડનાર, એ શું આ વાઘરણને વેચનારા હતા! ને છતાં લખડી પીપરડી ગામના ભાંગેલા દસકા ઉપર વલોપાત વરસાવતી હતી! વરાળોમાંથી જ ગગન વાદળીઓ બાંધે છે. જુલમાટોમાંથી જીવન માનવતાની લાગણીઓ ઘડતું હતું. જેઠનાં દનૈયાં નથી તપતાં તો અષાઢને આરે પણ પાણી પીવા નથી મળતાં. જાજરમાન તેજુને લખડી જોયા જ કરતી હતી. ખીજડા-તળાવડીની પાળે થાનકની ‘માતા’ બનીને બેસવા લાયક કેવું મોરું છે! આને તો લોક હોંશે હોંશે માથાં નમાવશે. “હાલોને માતા, ટાંટિયા ઢસરડવા કરતાં ગાડીમાં જ ચડી બેસીએ. ગાડી ક્યાં કોઈના બાપની છે? સરકારી ખાતું છે. વાપરે તેના બાપનું.” લખડીએ જાણે કે એક એક શબ્દ વિચારીને કહ્યો. પણ તેજુને એમાં રહેલા કટાક્ષની સમજ ન પડી. એણે તો પાધરો જ જવાબ વાળ્યો: “પગપાળા જાયેંને બેન, તો મુલક જોતા જવાય. ને વગર ટિકિટે ક્યાંક પકડાઈએ—કરીએ તો આપણ જેવાને જેલમાં ખોસી ઘાલતાં શી વાર! તમારા જેવો સાથ મળ્યો છે. એક કરતાં બે ભલેરાં બન્યાં. વાટ ખૂટતાં વાર નહિ લાગે.” તેજુને ટ્રેનમાં પકડાઈ જવાની બીક હતી. વાણિયો લાલકાકો ધા નાખતો દોડ્યો હશે. જીવતરના પટકૂળમાં અજબ ભાત પાડી જનારો તાણો ખૂટી ગયો, ભાત રહી ગઈ. પાછળ જાણે સાદ આવતા હતા ‘પાછી વળ, પાછી વળ’. આગળ અવાજ બોલતા હતા: ‘લેણદેણની ચોખવટ કરી જા’.