વસુધા/ગુર્જરીના ગૃહકુંજે

From Ekatra Wiki
Revision as of 02:10, 18 June 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગુર્જરીના ગૃહકુંજે

ગુર્જરીના ગૃહકુંજે
અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo

આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી,
અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo

અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે,
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં ઝણઝણતા ઉરતંતે. -ગુo

અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં નાહ્યા, આળોટ્યા કુદરત પાનેતરમાં. -ગુo

અહીં અમારાં તનધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા.
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo

અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઊઠ્યા પછડાયા,
જીવનજંગે જગત ભમ્યા પણ વિસરી નહિ ગૃહમાયા. -ગુo