વસુધા/લઘુ સ્વાગત

From Ekatra Wiki
Revision as of 02:46, 25 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લઘુ સ્વાગત

અર્પી રહું સ્વાગત જ્યાં તને હું,
ત્યાં યાદ આવે કંઈ બાળ પૃથ્વીનાં
સત્કારનારું નહિ કોઈ જેમને.

તે વાત બાજૂ પર જેહ રાજવી–
–ધની ગૃહે જન્મત – જેહ જન્મ્યે
મચી રહે ઉત્સવ દેશદેશે,
કે શ્હેરમાં જાહિર થાય હર્ષે
પેંડા પતાસાં વરતાય સાક૨;
કે પોળમાં વાત ઘરેઘરે ફરે,
પડોશીઓમાં જનમે કુતૂહલ, ૧૦
કે કૈં નહી તો
છાપામહીં રોજ પ્રકાશ પામતા
જન્મો – તહીં લાગી શકે જ નંબર.

નોંધું છું આજે
નૃપતિગૃહોની, કુલવંતકેરી,
પ્રતિષ્ઠિતો, નાગરિકો સુનામી,
પ્રભુપ્રિયો – ભક્ત – સુધાર્મિકોની
અ-નોંધપાત્ર સહુ સંતતિને.

જે જન્મતાં રાજકુલે ય કિંતુ
કૂખે પડે જે અણુમાનિતીને; ૨૦

કે માનિતી પેટ પડેલ છોકરી
જરૂર જ્યાં વારસદાર પુત્રની.
અમીર કે કો ઉમરાવ વંશમાં
અમીન કે કઈ કુલીન કીર્તિના
નીચા કરંતી ઉજળા સુવંશને
જે છોકરીઓ–
જે જન્મની સાથે જ દૂધ પીતી,
કે જીવતી મોઈ સમાન જે રહે;

કિંવાઃ
જ્યાં વાત ના આ કુલ-જાત કેરી ૩૦
એવાં ગૃહો મધ્યમમાં, ફળદ્રુપ
ક્ષેત્રે થતી ચિર્ભટિકા સમાન
અનંત જે અર્ભકકેરી પાક-
બે એકની બાદ જ જે બીજાં તે
આવ્યાં ન આવ્યાં સરખાં પિતૃને;

કિંવાઃ
દરિદ્રની ઝૂંપડી કોટડીએ
દુકાળમાં માસ અધિક પેઠે
અનોતર્યાં આવત બાળટોળાં,
દારિદ્ર્‌યના દૂત જ માત્ર જે બનેઃ– ૪૦

આ દીનતા ને અપમાનિતાની
જન્મે છ ગર્તે પણ હક્ક તેને
પ્રકાશનો સૂ૨જ પેખવાનો.
કૈંને નસીબે ન પ્રકાશ એટલો;
સુગુપ્તિથી આ પૃથિવી વિશાળમાં
પ્રવેશ જેના કરમે લખાયેલો–
કુમારિકાની કુખ જે પડ્યાં ભૂલાં,
વૈધવ્યમાં જે કદી સ્વર વાયુ શાં
આવી ગયાં સાવ અકલ્પ્ય રીતે,
સૌભાગ્યમાં કે પતિની ઉપસ્થિતિ ૫૦
અન્યત્ર હોતાં ય પ્રવેશી જે ગયાં;
ભૂંજાર એ જે
તીર્થ સ્થળે યા સરિતાની સોડમાં,
ભાગેળ કે ઊકરડાની બોડમાં,
કિંવા અનાથાશ્રમકેરી પેટીમાં
પડી પટો જીવનનો જ પામતાંઃ
સત્કાર માટે સહુ એમને હજો.

સત્કાર આ સૌ જનમ્યાં શિશુનો.
સત્કારવાનાં અણજન્મિયાં ય છે,
પૃથ્વતણી માટી મહીં પ્રવેશી ૬૦
ચૂકેલ, શું ચોર, જણાઈ આવતાં
કો ઔષધિભક્ષણ – શસ્ત્રધારનો
‘જા’કાર જેને મળતો જ સાફ;

કે જેહ પામી શકતાં પ્રવેશ ના
કેથ્થે ય, જેના અણુનો ય અંકુર
ઉચ્છિન્ન થાતો અતિ કૌશલેથી :–
એવાં અજન્મ્યાં શિશુ લક્ષશઃ જે

ન નોંધ જેની ક્યહીં ચિત્રગુપ્તને
ત્યહીં ય, તેને સ્મરી આજ હું રહું.

જન્મ્યાં કુજનમ્યાં, જનમ્યાં ન જન્મ્યાં, ૭૦
ને જે અજમ્યાં, શિશુસર્વને હું,
હે બાળ મારા!
આજે લઘુ સ્વાગત ઓચરી રહું.