વેણીનાં ફૂલ/આભના દીવડા

From Ekatra Wiki
Revision as of 05:15, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આભના દીવડા|}} <poem> (ઢાળ - વનમાં બોલે ઝીણા મોર કોયલ રાણી કિલોળ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આભના દીવડા

(ઢાળ - વનમાં બોલે ઝીણા મોર કોયલ રાણી કિલોળ કરે રે લોલ.)
આભમાં આવડા શેના દીવા
કે દીવડા કેણે કર્યા રે લોલ!

દીવડે કેદિયે ન ખૂટ્યાં તેલ
કે કેણે તેલ પૂર્યાં રે લોલ!

આભમાં રે' એક અબધૂત જોગી
કે માથડે જટા મોટી રે લોલ.

આભના આસમાની દેરામાં
કે તપસી તપ તપે રે લોલ.

પ્રભુજીની આરતી કાજે રે
કે તપસી વાટ્યો વણે રે લોલ.

અબધૂત આંખડલી નીચોવી
કે આરતી તેલે ભરે રે લોલ.

અબધૂત ચાંખડીયે ચટકંતો
કે વ્રેહમંડ ઘૂમી વળે રે લોલ.

અબધૂત ગેબ કેરા ગોખલામાં
કે કોડિયાં મેલી વળે રે લોલ.

અબધૂત રોશનીનો રસિયો રે
કે રામને રાજી કરે રે લોલ.

દીવડે ઝળહળ ઝળહળ જ્યોતું
કે કેદિ ઓલવાયે નહિ રે લોલ.

દીવડે જરીયે ઝાંખપ નાવે
કે વાયરા છો ને વાયે રે લોલ.

વાયરે ડૂબતાં મોટાં વહાણ
કે જંગી ઝાડ પડે રે લોલ.
સાગરે પાણી પછાડા ખાયે
કે લાખ લાખ લોઢ ઉડે રે લોલ.

ડુંગરા ડોલે, મિનારા તૂટે
ગગનમાં આંધી ચડે રે લોલ.

વાર વાર માંડે વીજ કડાકા
કે બાર બાર મેઘ તૂટે રે લોલ.

તોય મારે આભને દીવડલે રે
કે જરીયે ન જ્યોતું હલી રે લોલ.

આભમાં આવડા શેના દીવા
કે દીવડા કેણે કર્યા રે લોલ.