વેરાનમાં/ત્રણ જીવતા ગડૂદિયા

From Ekatra Wiki
Revision as of 09:57, 1 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રણ જીવતા ગડૂદિયા


ખંડેરો અને ખાંભીઓની ઇતિહાસ-ચાવીઓ જે કંઈપણ જીવતી રહી છે તે લોકવાણીના કંઠોપકંઠ સચવાયે આવતા ખજાનામાં જ રક્ષાયેલી છે. એકલા મુંગા પથ્થરો જવાબ નહિ આપે. શોધક, તારે સંસ્કૃતિના સાચાં વહેન પકડવાં હોય તો લોકોના કંઠમાં જઈને ગોતજે. સોરઠી ઇતિહાસનાં સબળ રહસ્યો તો ઘણાં ઘણાં છે. પણ આજના યુગને કાને ફૂંકવાનો એક મહાન ધ્વનિ હું તો સોરઠી ખંડેરોમાંથી આ સાંભળું છું; વિચારના ઔદાર્યનો; આચારની જડો ભેદતી નવદૃષ્ટિનો ભાતભાતનાં જતિ મિશ્રણોમાંથી જન્મેલા બહુરંગી સંસ્કાર-ફૂલોનો.

+

જુનાગઢના રા'માંડલિકને પોતાના ખપ્પરમાં પધરાવનારી મોણીઆ ગામની ચારણી નાગબાઈ જાણીતી છે. રા’ને એણે રોળવ્યો, કે શું થયું, એ વાત જવા દઈએ. પણ મોણીઆમાં આઈ નાગબાઈનું થાનક છે. ત્યાં નાગબાઈની ખાંભીની મોખરે જ બીજી બે ખાંભીઓ બતાવવામાં આવે છે. ખુદ ચારણોની જ લોકવાણી સમજ પાડે છે કે મોયલી બે ખાંભીઓ એક ઢેઢ અને ઢેઢડીની છે. લોકભાષા એમ ભાખે છે કે આઈ નાગબાઈના ખોળામાં ઢેઢ-ઢેઢડીની ખાંભીઓ છે!” ખોળામાં ખાંભી: એક રૂઢિચુસ્ત ગણાતી જ્ઞાતિની, દેવીપદે સ્થપાએલી ચારણીના ‘ખોળામાં' ઢેઢ-ઢેઢડીની ખાંભી! શા માટે? વાયકા જવાબ વાળે છે: આઈ નાગબાઈ હેમાળો ગળવા ચાલ્યાં હતાં તે વખતે એમની જોડે હેમાળે બીજા કોઈએ નહિં, ફક્ત આ હરિજન-બેલડીએ જ સાથ પૂરાવ્યો હતો. ‘આઈ'ના ગાડાની ઊંધ ઉપર એ બે જણ બેઠા હતાં. આજ એ બેઉની ખાંભીઓ આઈના ખોળામાં જ હોય. પહેલાં આ બે ખાંભીઓ પૂજાય. પછી પૂજાય આઈની ખાંભી. આ લોકપરંપરાનો ધ્વનિ પોતાની મેળે જ બોલે છે.

*

બીજું એમ બોલાય છે કે નાગબાઈને એના પ્રથમના ધણીએ કાઢી મૂક્યાં હતાં. પરનારીના રૂપમાં લોભાઈને આ કદરૂપી ઘરનારીનો છેડો ફાડનાર એ દેવીભક્ત ચારણ ભુંઠો રેઢ પાટખિલોડી નામના ગામનો ગામધણી હતો. કહે છે કે એ રૂપવંતી નવી નારી તે આ ભક્તજનનાં ખુદ ઈષ્ટ દેવી હતાં. દેવીએ સેવકનું પારખું લીધું. નાલાયક ભક્તનો નાશ કર્યો. કથા કહે છે કે ભક્તરાજ ભુંઠો રેઢ ગામતરે જાય છે. રસ્તે એક બિમાર બુઠ્ઠી સ્ત્રી પડી છે. વીનવે છે: સામા ગામ સુધી મને અપંગને તમારા રથમાં લઈ જશો. બાપા? જવાબમાં તિરસ્કાર કરીને ભક્ત ચાલ્યો ગયો. પાછો આવે છે ત્યારે માર્ગે એક રૂપસુંદરીને બેઠેલી દેખી. ‘સામે ગામ લઈ જશો?' ‘ઘણી ખુશીથી’ એમ કહીને રથમાં લીધી. માર્ગે પ્રેમ થયો. સુંદરીએ કહ્યું: તારી સ્ત્રીને ઘરમાંથી કાઢ તે પછી જ આવું ખુશીથી ખુશીથી : ભક્તે ગરીબ ઘરનારીનો છેડો ફાડી બહાર કાઢી: સુંદરી રૂપી દેવીએ શરાપ્યોઃ જ, તારી લાજ નહિ રહે! કહેતાં જ ભુંઠાના દેહ પરથી લૂગડાં સળગી ગયાં. નાગો નાગો ભમે. કોઈ કપડું નાખે તો તે ભુંઠાના દેહને અડકતાં જ ખાક થઈ જાય. આખરે આઈ નાગબાઈએ પોતાની કામળી નાંખી. એ એક જ અણસળગી રહી: ભુંઠાની એબ ઢાંકવા પૂરતી જ. પાટખિલોડી ગામનો આજે ‘ટીંબો’ જ રહ્યો છે. નાગબાઈએ પછી નવું ઘર કર્યું'. નાગાજણના પિતા સાથે: શા માટે? નાગબાઈએ કહ્યું: કળુકાળ બહુ કઠણ આવ્યો છે. હજી વધુ કઠણ કાળ હાલ્યો આવે છે. ચારણ્યોનાં સત ચળી જશે; મારી કોમની બાઈયું જમાનાના પવન-ઝપાટા નહિ ઝીલી શકે. હું ફરી પરણું છું કે જેથી મારી જાતબહેનોને ફરી પરણતાં સંકોચ ન રહે. પુનર્લગ્ન કરનાર એ નાગબાઈ લોકોમાં દેવીપદે બેઠાં. આજ પણ બેઠાં છે. મૃત્યુલોકનાં માનવીઓ જેનાં શીલને આદર્શપદે સ્થાપે છે તેને જ દેવદેવીનું પદ આપે છે.

*

કાઠી, કોટીલા, ખસીઆ, વાઘેર, ગોહીલ, કોળી, એવી એવી અનેક સોરેઠી કોમોનો ઉદ્ભવ ‘વટાળ’માંથી, એટલે કે આાંતર્લગ્નોથી થયો છે એ વાત મુગ્ધ હૃદયે આ લેખના લેખકે વારંવાર લખી છે. અને અણથાકી જીભે કહી છે. વાળાવળોચ નામે ઢાંકનો રજપૂત રાજવી–સૂર્યપુત્ર શીલાદિત્યની વંશવેલ્યે જન્મેલ ગણાતો. આ વાળો વળોચ એ પરદેશી અને અનાર્ય લેખાતી પટગર શાખની કાઠી કન્યાને પરણ્યો. અમરો પટગર સિંધના રાજાના કોપનો ભોગ બની ભાગ્યો હતો. કુટુંબકબીલો લઈને ઢાંક ઊતર્યો. વાળા રાજનું શરણ માગ્યું. વાળો વળોચ કહે કે તારી પુત્રી મને પરણાવીશ? રીતસર પાણિગ્રહણ કરું. ને પછી લોહીને નાતે તારી ભેર કરું. પટગર કાઠી શર્ત મૂકે છે કે પરણવું હોય તે અમ ભેળો ભાણે જમવા બેસ. વાળા વળોચે કાઠી ભેગા રોટલા ખાધા, વળોચના ભાઈઓથી આ ન સહેવાયું. તેમણે ભાઈને જાતિભ્રષ્ટ કર્યો, રાજભ્રષ્ટ કર્યો. દુશ્મન લેખે કાઢ્યો. આ એક આંતરર્લગ્નમાંથી આખી કાઠી જાતિ ઊભી થઈ. એક ઇતિહાસલેખક શંકા કરે છે. ખાચર ખુમાણ અને વાળાની આખી માનવસંખ્યા ધ્યાનમાં લેતાં એટલાં બધાં માણસો એક જ લગ્નમાંથી નીપજે જ નહિ. એનો ખુલાસો આ છે. એક રાજલગ્નની ચોપાસ અનેક બીજાં આંતર્લગ્નો ઊજવાયાં હશે. અનેક વાળા યોદ્ધાઓ કાઠી પુત્રીઓને પરણ્યા હશે. અને એ સો પાંચસો આંતર્જાતીય લગ્નનો ફાલ સોરઠની તવારીખમાં કંઈ ઓછો શોભ્યો છે!

+

શિહોરના બ્રાહ્મણ રાજવી અને ધાંખડા બાબરીઆની રાજકન્યા: બેઉનાં લગ્નમાંથી કોટીલા કોમનો ઉદ્દભવ: ખસની કોળી–કન્યા અને સેજકપુત્ર વીસાજી ગોહિલ વચ્ચેનું પ્રેમલગ્ન: તેમાંથી નીપજ્યા કેરીની ફાડ સમી આાંખોવાળા ખસીઆ જોદ્ધાઃ રાજપુત્ર અને કાબાની કાળી કાળી માછીકન્યા: તેમનાં લગ્નમાંથી ફાલ્યું વાઘેરકુળ. જેઠવાનો ટીલાત અને મેરની કુમારી; એ બેના વિવાહે રાજસખા મેરોની ‘રૂડી' માનવ–વેલ્ય ઉગાડી.

*

સોમૈયા દેવની સખાતે જતો અરઠીલાનો ગોહિલ કુમાર હમીર લાઠીઓ યવનોની ચડાઈ સામે મૃત્યુ તો નક્કી જ છે કરીને ચડ્યો હતો. મસ્તક સોમનાથ મહાદેવને કમળ-પૂજામાં અર્પીં દીધું હતું. પણ પાછળ વંશ રહે, અને પોતાની જોડે હિન્દના દેવને રક્ષવા માટે બીજી મદદ મળે તે સારુ થઈને એણે ગીરની, દોણ-ગઢડાની ઝાડીની અંદર વસતા ધનુર્ધારી ભીલરાજ વેગડાની કન્યા જોડે વિવાહ કર્યો, એ એક જ રાતના લગ્નમાંથી નીપજેલા ગોહિલ શાખના ભીલો આજ પણ કોડીનાર પંથકમાં વસે છે.

*

એ પ્રત્યેક જાતિ-મિલનની પછવાડે તપાસીએ તો ઉચ્ચ કુળમાંથી ચ્યુત થનાર દરેક બંડખોરને રાજત્યાગ કરવો પડેલ છે, તેમજ બીજી સામાજિક સજાઓની બરદાસ્ત કરવી પડી છે. એ પ્રત્યેક લગ્ન ઉપર આત્મભોગની, પીડનની છાપ અંકાયલી છે. ઢોંગ, સ્વાર્થી, હવસ કે એવી કોઈ વિકૃતિને એમાં સ્થાન નહોતું. માટે જ સોરઠના ઇતિહાસમાં પ્રેમશૌર્ય ભરી ‘શીવલરી’ ના રંગો પુરનારી એ જાતિઓ હતી. એ લગ્નોએ સમાજમાં વિપ્લવનાં પૂર વહાવ્યાં. રૂઢિની ભીંતો ભાંગી; માટે જ એ લગ્નોના ધ્વનિને હું સોરઠી તવારીખનો મર્મ-ધ્વનિ કહું છું.

+

આવા ધ્વનિઓની શોધે ચઢેલી સ્મૃતિ ભમતી ભમતી સૌરાષ્ટ્રની ઉગમણી સાગરપટ્ટી ઊપર વેળું ખુંદે છે ને સાગરતીર પર દોડી જતી ડુંગરમાળમાંથી જરી અલગ પડી જતા એક શંકુ-આકારના ઊંચા ડુંગર પર ઠરી જાય છે. ડુંગર ઉપર જૈન દેવાલયોની પતાકા ઉડે છે તેનો મને મોહ નથી. ડુંગરના કલેવરમાં સંખ્યાબંધ ગુફાઓ કંડારીને બૌદ્ધોએ પોતાનો ધર્મવિહાર વસાવ્યો હતો તે વાત પણ સોરઠી તવારીખ ઉપર કોઈ સ્પષ્ટ ભાત પાડનારી મને લાગતી નથી. નરસૈયો ‘ભક્ત હરિના’ની નિશાળને નામે ઓળખાવવામાં આવતો એક ગુફા-ખંડ પણ મારી ભક્તવૃત્તિને જગાવતો નથી. જળે ભર્યા જે ભોંયરામાં થઈને નરસૈયો પોતાના મોસાળગૃહ તળાજામાંથી રોજ રોજ ગોપનાથજીનાં દર્શને અલોપ થતો હતો એ ભેદી કથા પણ મનને હેરતમાં નાખતી નથી. ઇતિહાસલક્ષી મારી નજર તો એ ગુફા–મંડળમાંના પેલા મહાન સંથાગારને શોધે છે, કે જેનું લોકદીધું નામ છે ‘એભલ-મંડ૫.'

+

અહીં, આ એભલ-મંડપની અંદર ઊભીએ છીએ ત્યારે સાતેક સૈકાઓનાં ઉપરાઉપરી બીડાયલાં સમય–દ્વાર ખુલ્લાં થાય છે. બેઉ બાજુ બે કુંડોમાં ઘી–દૂધના ઘડા ઠલવાય છે. વચલી એકજ લગ્ન-વેદીમાંથી જવતલના ગોટેગોટ ધુમાડા ગગને ચડે છે. વેદીને કાંઠે ‘બાપ એભલ’ ઊભો છે, ને વેદીને વીંટળાઈ વીંટળાઈ થોકેથોક વરધોડીઆં–વરકન્યાનાં જોડલાં પરણી રહેલ છે. પરિણતી કન્યાઓ એભલ-મંડપમાં માતી નથી. આખો તાલધ્વજગિરિ ચુંદડીઆાળી કન્યાઓની પગ-ઝાંઝરીઓના રૂમઝુમાટ ઝીલે છે. દસે દીશથી માર્ગે માર્ગે ચુંદડીઆળી કન્યાઓની કતારો ચાલી આવે છે. સૂકા, સળગતા, વૃક્ષવિહીન એ પહાડ ઉપર જાણે કે વનશ્રીએ જીવતાં, જંગમ, લીલાંછમ ઝાડવાંની સ્વપ્નસૃષ્ટિ પાથરી દીધી છે. આજે તો મુક્તિ–દિન છે, પ્રજાની હજારો હજારો કન્યાઓનો. તેરથી માંડી ત્રીશ ત્રીશ વર્ષો સુધીની વયે પહોંચેલી એ દીકરીઓ માબાપનાં ઘરોમાં સંતાઈ કેમ જાણે કોઈ અપકૃત્ય આચર્યું હોય એવું કલંક ભોગવતી જીવતી હતી. વિના વાંકે આ પુત્રીઓ બંદિનીઓ બની હતી. ઈજ્જત જવાના ભયે દિનરાત ફફડતાં માવતરો પોતાની પુત્રીઓ પર પહેરા રાખતાં હતાં. પરણ્યા વગરના હજારો જુવાનો ઘડપણ સ્વીકારી સ્વીકારી નિર્વંશતાની બીકને કાંઠે બેઠા હતા. એ તમામને માટે તળાજાના ડુંગર ઉપર આજે મુક્તિનો દિવસ ઊગેલ છે. રાજા એભલે એ તમામનાં જીવનોને રૂંધી રાખનાર સામાજિક કારાગારની દિવાલોના ભૂક્કા કર્યા છે. એ દિવાલ જેવી તેવી નહોતી. એ તો બ્રાહ્મણોની ચણેલી દિવાલ હતી, જીવતાં મનુષ્યોને ચણી લેવાની દિવાલ હતી. તાલધ્વજ ઉપર ધેનુઓનાં વાછરૂ જેવી કિલ્લોલતી એ હજારો પ્રજા-કુમારીઓ પરણવા ચાલી છે. મોડબંધ જુવાનોમાં નવું જીવન ધબકારા મારે છે. લગ્નસંસારના મનોભાવો ભરમ બની ગયા હતા તેને સ્થાને જીવન-લહાવની નીલી વાડીઓ લચી ગઈ છે. રાજા એભલ આજે એ હજારો કન્યાઓનું એકલે હાથે કન્યાદાન આપે છે. એક એક કન્યાદાને રાજા એભલ એક એક અશ્વમેધનું પુન્ય હાંસલ કરે છે. રાજા એભલ પોતાના પાયતખ્ત વેળા શહેરથી ખાસ તળાજાને ડુંગરે આ હજારે કન્યાઓનું સંયુક્ત લગ્ન ઊજવવા આવ્યા છે. લોકપુત્રીઓનું નીલું નંદન-વન નિહાળી રાજા એભલને શેર શેર લોહી ચઢી રહેલ છે. “રાજા એભલ!” કોઈ આવી ખબર આપે છે : “વાલ્યમ બ્રાહ્મણો તને શરાપી રહ્યા છે.” “શરાપવા દેજો.” રાજા એભલ અડગ છે. “રાજા એભલ!” બીજો સંદેશો મળે છે : “વાલ્યમ બ્રાહ્મણો ત્રાગાં કરવાની અણી પર છે. વળા તળાજાના દરવાજા પર લોહી છંટાશે બ્રાહ્મણોનાં.” "છંટાવા દો.” રાજા એભલે વાલ્યમ જ્ઞાતિના એ પૂરોહિતનો ડર ત્યજ્યો હતો. એણે ખાટકીવાડેથી ગાયો છોડાવવાનું કામ હાથ ધર્યું હતું. વાલ્યમ બ્રાહ્મણોનાં એક હજાર ખોરડાં વળા શહેરમાં વસતાં હતાં, વાલ્યમો ત્યાં વસતી કાયસ્થ નામની જ્ઞાતિના ગોરો હતા, કાયસ્થોની દર એક એક કન્યા પરણાવવાના એકસો એકસો રૂપિયા આ ગોરો વસુલ કરતા. પરિણામે અનેક કન્યાઓનાં માવતર આ બ્રાહ્મણોને કર ન ચૂકવી શકવાને કારણે પોતાની દીકરીઓને ત્રીશ ત્રીશ વર્ષની કરી બેઠા હતા. તેઓએ વાલ્યમોને કાકલુદીઓ કરી, કે લાગો ઓછો કરો. વાલ્યમોએ મચક આપી નહીં. આખી કાયસ્થ કોમ લગ્નો બંધ કરી બેઠી. તોયે વાલ્યમો ન પીગળ્યા ધમકી આપી કે “લગ્નો નહિ કરો તો અમે ત્રાગાં કરીશું, લોહી છાંટશું, ધનોતપનોત કાઢી નાખશું તમારું.” કાયસ્થો ડરીને રાજા એભલની પાસે ગયા. રાજા એભલે કહ્યું: “ફિકર નહિ, કરો લગ્નો. દર એક કન્યાને મારી પુત્રી ગણી હું એના પૂરા લાગા વાલ્યમ બ્રાહ્મણોને ચુકાવીશ. જયોતિષી! એક શુભ દિવસના જોષ જોઈ નાખો. એક જ દિવસે હું તમામ કન્યાઓને પરણાવીશ.” વાલ્યમોનો મદ ન ઊતર્યો. એમણે જવાબ દીધો: પહેલા પૈસા, પછી ફેરા ફેરવીશું. પ્રજાની તેમજ પોતાની સહનશીલતા ઉપર આટલું બધું દબાણ લાવનાર વાલ્યમોની સામે રાજા એભલની આાંખો ફાટી. એણે કાયસ્થોને આદેશ દીધો “ચાલો કન્યાઓ લઈને તળાજે. ત્યાં હું કન્યાદાન દઈશ, બીજા બ્રાહ્મણોને બોલાવી ફેરા ફેરવશું.” લોકભાષામાં એભલે ‘ક્રોડ કન્યાને' એક સામટું કન્યાદાન આપવાનું બોલાય છે. ‘ક્રોડ' શબ્દ મોટી સંખ્યાનો સૂચક છે. હજારો તો નક્કી હોવી જોઈએ. સર્વને પરણાવી, ડુંગર ઉપર એ બંધનમુક્તિનો મહાન લોકોત્સવ મચાવી, રાજા એભલ પાછો વળામાં આવ્યો, ત્યારે વાલ્યમોએ ફરીથી કાયસ્થોને દબાવ્યા કે “અમારા લાગા આપો, નીકર ત્રાગાં કરીશું.” રાજા એભલે ફરી એકવાર ગોરોને તેડાવી સમાધાન માટે મહેનત કરી. પણ વાલ્યમોએ રાજાને ગાળો દીધી. “ત્યારે હવે તો તમે મારી વસ્તી તરીકેનું રક્ષણ પણ ગુમાવો છો.” એટલું કહીને રાજા એભલ ખસી ગયો. અને કાયસ્થોના રોકેલા ભાલાળા ભીલોએ વાલ્યમો પર હુમલો કરી અનેકને સંહારી નાખ્યા, બચ્યા તેટલા વાલ્યમો સદાને માટે વળા છોડી ગયા. સાત સૈકા પહેલાનાં સમયમાં બ્રાહ્મણી સત્તાના અનર્થ સામે હામ ભીડનાર રાજા એભલનો નામધ્વનિ સોરઠી તવારીખમાંથી ઊઠ્યા કરે છે અને બૌદ્ધોના એ પ્રાચીન વિહારનો સંથાગાર, એભલના નામ સાથે જોડાઈને ‘એભલ-મંડપ’ નામથી ઓળખાય, તેમાં ગર્ભિત ભાવે એભલના એ મહાકાર્યનું લોકોએ કરેલું સ્મારક શોભી રહ્યું છે. સોરઠી તવારીખનાં પાનામાં પડેલી આવી આવી ઘટનાએ વધુ સજીવ સ્વરૂપ માગે છે. આપણા ઇતિહાસનાં તારતમ્યોનું તારણ આપણે જે અનેક દૃષ્ટિએ કરવાનું છે તેમાં આ પણ એક દૃષ્ટિ છે.

+