શાંત કોલાહલ/ક્ષણને આધાર

From Ekatra Wiki
Revision as of 00:15, 16 April 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ક્ષણને આધાર

કૉફીકપ કેરી આ વરાળ
લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ
અંતરીક્ષ મહીં સદ્ય પામે તિરોધાન
બારી બ્હાર શાખપ્રશાખાએ પ્રૌઢ ઉદ્યાનબકુલ
પર્ણે પર્ણે પદઠેક લઈ
પુષ્પગંધન મહીં કરી નિમજ્જન
પ્રમત્ત સમીર
લથડબથડ જાય વહી નિરંકુશ
(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ)
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ
(વિચંચલ પાંખ પર રમે ઋજુ ગાન)
સમયનું લઘુ ઘૂંટ મહીં સ્વાદ્ય પાન.

નીલિમ ગગન માહિં નિમીલિત નેણ

ખળખળ વહે રમે ગિરિમંદાકિની
અંજલિનું કીધ આચમન
હૈમવતીને શીતલ સ્પર્શ અનુપમ કોઈ સ્પંદનું સ્ફુરણ.
દૃષ્ટિ મહીં કેદારશિખર
(શૈલશ્યામ તનુ પર શ્વેત જટાજૂટ)
સંમુદિત મન...
સરુવન વીંધી જાય દૂર દૂર અધરાય
કેડી એક તુષારઉજ્જવલ

એકાન્ત એકલ એને સંગ-સંનયન
ગતિ કરે છે ચરણ.
પદે પદે પૃથ્વી થકી પર
જનપદ કુંજ સહુ બને બિંદુલીન
અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ
ત્યહીં
ધવલ તુહિન રંગ ધરે છે કષાય,
ક્યહીં નીલ ઝાંય :
તેજોમય શાન્ત-આત્મલીન-વર્ણ કેરું
અપ્રતિમ પાર્વતી લાવણ્ય !
હૃદિરમ્ય....
ત્યહીં
નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન
કેવલ પ્રકાશ ભાસમાન :
નહીં અદ્રિ, નહીં કેડી, નહીં મુજ દેહ;
અસ્તિ અરુ ભાતિ અસંદેહ.
સહુ ઔર થકી શ્રુતિહીન કોઈ ધ્વનિ
કોઈ આનંદગુંજન !
શિશુકોલાહલ
કને આવી ઊભો સતુ કહે :
‘બાબા, જુઓ મારું માટીનું આ ઘર.’
અન્ય બાજુએ રાજેશ :‘કાગળનું મારું આ વિમાન.’
મેજની ઓ પાર ઓષ્ઠ બંધ કરી ઊભો ત્રિલોચન
નીરખી રહેલ નિજ લોહપત્તી કેરું અસ્ત્રયાન.
અવશેષ કૉફી તણું પાન કરી રહું ત્યહીં
વદંત રાજેશ : કહો બાબા, કિયું બેશ?’
એ જ પ્રશ્ન રમી રહે અન્ય બેઉ બાળકને વેશ.
સહુને સ્વકીયનું મમત્વ.
‘નાનું તો ય ઘણું મને ગમતું આ ઘર.’
સતીશ પ્રસન્ન.
‘પેલા ચંદ્રતારકના લોક મહીં લઈ જશે તારું આ વિમાન?’
હર્ષને આવેશ કહે રજુ : ‘બાબા,
બાને ને બધાંને લેઈ આકાશગંગાને ઘાટ કરું ઉતરાણ.’
‘માર્ગ મહીં અકારણ આવે કંઈ વિઘ્ન
મળે દસ્યુદલ
મળી રહે ભીષણ દંગલ
તે વેળ આ અસ્ત્ર થકી ભેદાય સમગ્ર અવરોધ
થાય પરિત્રાણ....’
તેજ વિકિરંત ત્રિલોચન.

રસોઈઘરથી ત્યહીં ગૃહિણીનો આવે ટહુકાર
નિરાધાર મેલીને વિવાદ
નિજ વસ્તુ લેઈ સદ્ય દોડી જાય બાળ.

ત્રણ થકી ભર્યું ભર્યું અત્રિનું આંગણ !
નિબિડ અરણ્ય મહીં એકાન્ત કુટીર
ને હું લીન નિજને સ્વભાવ
પરિચર્યા કરંત પ્રકૃતિ....

ત્યહીં અતીન્દ્રિય ને અકાલ
રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ.
અતીતે સાંપ્રતે ભવિતવ્યે
વિવર્તને એ જ ગતિશીલ

ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન
ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌંદર્ય....
વાતાયન થકી ત્યહીં સ્પર્શ કહી રહે બાલરવિનું કિરણ
બકુલતરુની ડાળ પર ઝૂલી રહી
ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય
હસી રહે સદ્યજાત કિસલય.