શાંત કોલાહલ/શાન્તિ

From Ekatra Wiki
Revision as of 01:00, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શન્તિ

૧ પ્રસન્ન

ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ:
નિથર તર અંધારું સોહી રહે લખ દીવડે.
ઢળતી રજનીની છાયામાં બજી રહી ઝાલર
અણુઅણુ મહીં ઘેરું ગુંજી અનંત મહીં શમે.
અવ ન ટહુકો રેલે કોઈ વિહંગમ ચંચલ :
અવ નહિ પરાયું કો ઘાટે—નદી જલ નિર્મલ.

ઘરમહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો
શ્રમ સકલ આંહીં ભૂલાતો પરસ્પર હૂંફમાં.
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો
પ્રગટી અધરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં,
નયન મહીં લાધે તંદ્રાળું સુધામય અંજન;
હૃદય ગહને એનું રેલાય નિઃસ્વન સ્પંદન.

મૃદુ લહરનો અંગે અંગે ફરે કુમળો કર :
પરિમલતણી પાંખે પામું પ્રદેશ અવાન્તર.

૨ ભૈરવ

મધ્યરાત્રિનો અંધાર
—ગ્રાહે ગ્રહ્યું આ ચરાચર—
નિસ્તબ્ધ ઝાઝે ત્રમરોળ ઝિલ્લિના.
ક્યહીંકથી ઉદ્‌ગમ પામી આગિયા
અજંપની બે ક્ષણમાં વિલોપન પામે
છતાંયે પ્રગટે ફરી ફરી.
ચિત્કારતું ઘૂક
દબાયલે પદે ધીરે ધરે કો છલચાલ
પર્ણમાં કો ભીરુની કિંચિત દોડ
દર્પનો ફુત્કાર
ઘેરે જલ કો ડબૂકતું.
અંધારાની તોય નિગૂઢ સ્તબ્ધતા !

નિદ્રા ઢળી પાંપણ
એની જાગ્રતિ જાણે નહીં બંધન દેશકાલનાં.
ઓળાતણા વેશમહીં અણગ્ય કૈં
ભમી રહે ભૂખથી આર્ત વાસના.
ભૂતાવળોની અહીં ભીડ
શ્વાન કો અજાણને દે પડકાર
સીમનાં શૃગાલનું ક્રંદન
ઠારવાળી હવા
નરી પોકળ તોય શૂન્યતા !
ભીડાય હાવાં મુખ ગ્રાહનું, અને
સંસૃષ્ટિ ડૂબે પ્રલયે સુષુપ્તિના.

૩ બ્રાહ્મ

પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી
નિખિલ જગતની કાયા કૉળી રહે અવકાશમાં.
અણુઅણુની મૂર્છા – ત્યાં પ્રસ્પંદતી ચિતિની ગતિ,
ગહનનિશિ-અંધારામાંથી સરંત ઉઘાડમાં.
મકરમુખથી જાણે લાધ્યું સમંજસ મોચન,
મૃદુ લહરને સ્પર્શે હાવાં પ્રજાગ્રત લોચન.

ઉદયપલની ખુલ્લે કંઠે છડી ભણી કુક્કુટે.
અરવ પ્રહરે અનો વ્યાપે દિગન્તમહીં ધ્વનિ.
ક્યહીંથી અવ રેલાતું ધીરું પ્રભાતનું ગાન જે
ઘરઘરની ઘંટીના ઘોરે જતું લયમાં ભળી.
સરવરતણી છોળે ભીનાં બને તટ પ્રાન્તર :
ચપલ પનિહારીનાં બાજે ત્યહીં પદનેપુર.

કળશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન.