શાહજહાં/ચોથો પ્રવેશ4

Revision as of 09:21, 18 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચોથો પ્રવેશ

અંક પાંચમો


         સ્થળ : ગ્વાલિયરનો કિલ્લો. સમય : પ્રભાત.

[સુલેમાન અને મહમ્મદ]

સુલેમાન : સાંભળ્યું, મહમ્મદ! ઇન્સાફે કાકાને દેહદંડ ફરમાવ્યો છે.
મહમ્મદ : ઇન્સાફે નહિ, ભાઈ, ઇન્સાફને નામે. આ કાકો એક બાકી હતો; આજ એનો પણ નિકાલ આવ્યો!
સુલેમાન : મહમ્મદ! તારા સસરાનું મોત શી રીતે થયું, ભલા?
મહમ્મદ : બરાબર તો ખબર નથી. કોઈ કહે છે કે એ પોતાની સ્ત્રી સાથે પાણીમાં ડૂબ્યા. કોઈ વળી બોલે છે કે બન્ને જણાં સાથે જંગમાં લડતાં હણાયાં. એનાં બેટા-બેટીએ પણ, કહે છે કે, આપઘાત કર્યો.
સુલેમાન : ત્યારે તો એના કુટુંબમાં કોઈ બાકી ન રહ્યું!
મહમ્મદ : ના.
સુલેમાન : તારી સ્ત્રીએ સાંભળ્યું?
મહમ્મદ : સાંભળ્યું. કાલ સારી રાત એ રડેલી! સૂતી જ નહોતી.
સુલેમાન : મહમ્મદ! તારા પર આટલું મોટું દુઃખ! સહેવાય છે?
મહમ્મદ : અને તારે શું મહાસુખ છે, ભાઈ! માતાપિતાની શોધમાં નીકળેલો; અને છેલ્લી વાર મળાયું જ નહિ — એ કેવું દુઃખ!
સુલેમાન : વળી પાછી એ વાત સંભારી? મહમ્મદ, તું કેટલો નિષ્ઠુર! તારા પિતાએ શું મને અહીં રોજ આ રીતે બાળવા માટે તને મોકલ્યો છે? કોઈ રીતે મને જંપવા —
મહમ્મદ : ભાઈ! જો આ કલેજાનું ખૂન કાઢી આપવાથી પણ તને જરા જેટલોયે જંપ વળતો હોય તો બોલ, આ પલકે જ છૂરી લાવી છાતીમાં હુલાવી દઉં.
સુલેમાન : સાચું કહે છે, મહમ્મદ. આ દુઃખનું સાંત્વન જ નથી. જો મનને પૂરેપૂરું વિસરાવી દઈ શકે, જો ભૂતકાળને તદ્દન ભૂંસી દઈ શકે — તો ભૂંસી દે.
મહમ્મદ : એવો કોઈ મરહમ શું નથી? ભાઈ, એવું કોઈ ઝેર નથી —
સુલેમાન : જો મહમ્મદ! જોઈ લે આ સિપારને.

[સેતુ ઉપર સિપાર પ્રવેશ કરે છે.]

સુલેમાન : જોઈ લે આ બચ્ચાને — જોઈ લે મારા નાના ભાઈ સિપારને. જો એ અબોલ અવિચળ આકૃતિ છાતી ઉપર અદબ ભીડીને એકીટશે શૂન્યની અંદર ટાંપી રહ્યો છે — કેવો ચૂપચાપ! આવું કરુણ — ભીષણ દૃશ્ય તેં કદી જોયું છે, મહમ્મદ? આને જોયા પછી આપણી પોતાની વેદનાનો વિચાર આવી શકે ખરો કે?
મહમ્મદ : ઓહ, કેવું ભયાનક! તેં સાચું કહ્યું, ભાઈ! આપણાં દુઃખને તો વાણીમાં ઉતારી શકાય, પરંતુ આ તો વાણી બહારની વેદના. બચ્ચું રડતું હોય ત્યારે જો નજીકમાં કોઈ ભીષણ આર્તનાદ ઊઠે તો તરત જેમ બચ્ચાનું રડવું ભયથી થંભી જાય તેવી રીતે આપણું દુઃખ આની સામે ભયથી ચૂપચાપ બની જાય છે.
સુલેમાન : જોઈ લે, આંખો મીંચીને બન્ને હાથની હથેળીઓ ઘસે છે. જાણે વેદના ચીસ પાડવા મથે છે, પણ વાચા વછૂટતી નથી! સિપાર! સિપાર! ભાઈલા!

[સિપાર એક વાર સુલેમાનની સામે નજર કરીને ચાલ્યો જાય છે.]

મહમ્મદ : ભાઈ!
સુલેમાન : બોલો, ભાઈ!
મહમ્મદ : મને માફ કર.
સુલેમાન : તારો શો ગુનો?
મહમ્મદ : ના ના ભાઈ, મને માફ કર. આટલા ઘોર પાપનો બોજો પિતા ઉપાડી શકશે નહિ. તેથી એનો અરધો હિસ્સો હું મારા પર ઉપાડી લઉં છું. ઘોર પાપી છું. મને માફ કર.

[ઘૂંટણ પર પડે છે.]

સુલેમાન : ઊભો થા, ભાઈ! — વાહ તારી મહત્તા ને ઉદારતા, વીર! હું તને માફી દઉં છું! તું જે સહી રહ્યો છે તે રાજીખુશીથી ધર્મને ખાતર સહે છે! હું તો ફક્ત હતભાગી જ છું.
મહમ્મદ : તો બોલ, કે મારી તરફ તને કશું વેર નથી. અને મને ‘ભાઈ’ કહી બાથમાં લે.
સુલેમાન : ભાઈ! મારા ભાઈ!

[ભેટી પડે છે.]

મહમ્મદ : જો, કાકાને વધસ્થાન પર લઈ જાય છે.

[સુલેમાન એ બાજુ જુએ છે. સેતુ ઉપર પહેગીરો વચ્ચે વીંટળાયેલો મુરાદ દેખાય છે.]

મુરાદ : [મોટે અવાજે] અલ્લા! મને તો મારાં પાપની સજા મળી રહી છે. કશું દુઃખ નથી. પરંતુ ઔરંગજેબ કાં બાકી રહી જાય?
નેપથ્યમાં : કોઈ બાકી નથી રહેવાનું! તમામનો તોલ થઈ રહ્યો છે.
સુલેમાન : એ કોનો અવાજ?
મહમ્મદ : મારી ઓરતનો!
નેપથ્યમાં : એને માટે જે સજા ચાલી આવે છે તે સજા આગળ તારી આ સજા તો બક્ષિસ સરખી સમજજે. કોઈ બાકી નહિ રહી જાય.
મુરાદ : [ઉલ્લાસભેર] એને પણ સજા મળશે? તો બસ, સુખેથી મને વધસ્થાન પર લઈ જાઓ. હવે કંઈ દુઃખ નથી.

[પહેરેગીરોની સાથે મુરાદ ચાલ્યો જાય છે.]

સુલેમાન : મહમ્મદ! આ શું? એકીટશે એ બાજુ કાં તાકી રહ્યો? શું જુએ છે?
મહમ્મદ : નરક. આ સિવાય પણ શું બીજું કોઈ નરક છે? ઓ ખુદા! એ વળી કેવું છે?