સત્યના પ્રયોગો/ધણીપણું

From Ekatra Wiki
Revision as of 10:22, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. ધણીપણું

વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં – પૈસાનાં કે પાઈનાં એ તો યાદ નથી – નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઈ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું, ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. નાનકડી ઉંમરે એકપત્નીવ્રતનો ભંગ થવાનો સંભવ બહુ થોડો જ હોય.

પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્યું. જો મારે એકપત્નીવ્રત પાળવું જોઈએ તો પત્નીએ એકપતિવ્રત પાળવું જોઈએ. આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઈએ’માંથી ‘પળાવવું જોઈએ’ એ વિચાર ઉપર આવ્યો. અને જો પળાવવું જોઈએ તો મારે ચોકી રાખવી જોઈએ. મને કાંઈ પત્નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઈ કારણ જોવા ક્યાં બેસે છે? મારી સ્ત્રી હમેશાં ક્યાં જાય છે એ મારે જાણવું જ જોઈએ, તેથી મારી રજા વિના ક્યાંયે જવાય જ નહીં. આ વસ્તુ અમારી વચ્ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઈ પડી. રજા વિના ક્યાંયે ન જવાય એ તો એક જાતની કેદ જ થઈ. પણ કસ્તૂરબાઈ એવી કેદ સહન કરે એમ હતી જ નહીં. ઇચ્છામાં આવે ત્યાં જરૂર મને પૂછયા વિના જાય. જેમ હું દાબ મૂકું તેમ તે વધારે છૂટ લે, અને તેમ હું વધારે ચિડાઉં. આથી અમ બાળકો વચ્ચે અબોલા એ સામાન્ય વસ્તુ થઈ પડી. કસ્તૂરબાઈએ જે છૂટ લીધી તેને હું નિર્દોષ માનું છું. એક બાળા જેના મનમાં પાપ નથી એ દેવદર્શને જવા ઉપર કે કોઈને મળવા જવા ઉપર દાબ કેમ સહન કરે? જો હું તેના ઉપર દાબ મૂકું તો તે મારા ઉપર કાં ન મૂકે? – આ તો હવે સમજાય છે. ત્યારે તો મારે મારું ધણીપણું સિદ્ધ કરવું હતું.

પણ વાંચનાર એમ ન માને કે અમારા આ ઘરસંસારમાં ક્યાંયે મીઠાશ નહોતી. મારી વક્રતાનું મૂળ પ્રેમમાં હતું. મારે મારી પત્નીને આદર્શ સ્ત્રી બનાવવી હતી. એ સ્વચ્છ થાય, સ્વચ્છ રહે, હું શીખું તે શીખે, હું ભણું તે ભણે, અને અમે બન્ને એકબીજામાં ઓતપ્રોત રહીએ, એ ભાવના હતી.

કસ્તૂરબાઈને એ ભાવના હતી એવું મને ભાન નથી. તે નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ નહોતો. હું ભણું છું ને પોતે પણ ભણે તો સારું એવી એની ઇચ્છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. એથી હું માનું છું કે મારી ભાવના એકપક્ષી હતી. મારું વિષયસુખ એક સ્ત્રી ઉપર જ નિર્ભર હતું અને હું તે સુખનો પ્રતિઘોષ ઇચ્છતો હતો. જ્યાં પ્રેમ એક પક્ષ તરફથી પણ હોય ત્યાં સર્વાંશે દુઃખ તો ન જ હોય.

મારે કહેવું જોઈએ કે હું મારી સ્ત્રી પરત્વે વિષયાસક્ત હતો. નિશાળમાંયે તેના વિચાર આવે, રાત્રી ક્યારે પડે અને ક્યારે અમે મળીએ એ વિચાર રહ્યા જ કરે. વિયોગ અસહ્ય હતો. મારી કેટલીક કાલીઘેલી વાતોથી હું કસ્તૂરબાઈને જગાડ્યા જ કરું. આ આસક્તિની જ સાથે જો મારામાં કર્તવ્યપરાયણતા ન હોત તો રોગથી પીડાઈ મૃત્યુને વશ થયો હોત, અથવા આ જગતમાં વૃથા જીવી રહ્યો હોત, એમ મને ભાસે છે. સવાર થાય એટલે નિત્યકર્મો તો કરવાં જ જોઈએ, કોઈને છેતરી ન જ શકાય, આવા મારા વિચારોથી હું ઘણાં સંકટોમાંથી બચ્યો.

હું જણાવી ગયો કે કસ્તૂરબાઈ નિરક્ષર હતી. તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ મારી વિષયવાંછના મને ભણાવવા ક્યાંથી દે? એક તો મારે પરાણે ભણાવવું રહ્યું. તે પણ રાત્રે એકાંતે જ થઈ શકે. વડીલોના દેખતાં તો સ્ત્રીના ભણી જોવાય જ નહીં. વાત તો થાય જ શાની? કાઠિયાવાડમાં લાજ કાઢવાનો નકામો અને જંગલી રિવાજ ત્યારે હતો; આજે પણ ઘણે ભાગે મોજૂદ છે. એટલે ભણાવવાના સંજોગો પણ મારે સારુ પ્રતિકૂળ. તેથી જુવાનીમાં મેં ભણાવવાના જેટલા પ્રયત્નો કર્યા તે બધા લગભગ નિષ્ફળ ગયા એમ મારે કબૂલ કરવું જોઈએ. જ્યારે હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. પરિણામે આજે કસ્તૂરબાઈની સ્થિતિ માંડ કાગળ લખી શકે ને સામાન્ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોય તો આજે તે વિદુષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.

આમ સ્વસ્ત્રી સાથે વિષયી છતાં હું પ્રમાણમાં કેમ બચી શક્યો તેનું એક કારણ બતાવી ગયો. બીજું પણ એક નોંધવા જેવું છે. સેંકડો અનુભવોથી હું એ તારણ કાઢી શક્યો છું કે જેની નિષ્ઠા સાચી છે તેને પ્રભુ જ ઉગારી લે છે. હિંદુ સંસારમાં બાળલગ્નનો ઘાતકી રિવાજ છે, તેની જ સાથે તેમાંથી થોડી મુક્તિ મળે એવો રિવાજ પણ છે. બાળક વરવધૂને માબાપ લાંબો વખત સાથે રહેવા દેતા નથી. બાળસ્ત્રીનો અરધાથી વધારે વખત તેના પિયરમાં જાય છે. આવું જ અમારે વિશે પણ બન્યું. એટલે કે, ૧૩થી ૧૯ વર્ષની ઉંમર દરમિયાન અમે છૂટક છૂટક મળી ત્રણ વર્ષથી વધારે કાળ સાથે નહીં રહ્યાં હોઈએ. છઆઠ મહિના રહીએ એટલે માબાપનું તેડું હોય જ. એ વેળા તો એ તો તેડું બહુ વસમું લાગતું, પણ તેથી જ અમે બન્ને બચી ગયાં. પછી ૧૮ વર્ષની ઉંમરે તો હું વિલાયત ગયો, એટલે એ સુંદર ને લાંબો વિયોગ આવ્યો. વિલાયતથી આવીને પણ સાથે તો છએક માસ જ રહ્યાં હોઈશું, કેમ કે મારે રાજકોટ – મુંબઈ વચ્ચે આવજા થતી. તેટલામાં વળી દક્ષિણ આફ્રિકાનું તેડું આવ્યું. દરમિયાન હું સારી પેઠે જાગ્રત થયો હતો.