સત્યના પ્રયોગો/વધુપ્રયોગો

From Ekatra Wiki
Revision as of 06:56, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. ખોરાકના વધુ પ્રયોગો|}} {{Poem2Open}} મનવચનકાયાથી બ્રહ્મચર્યનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭. ખોરાકના વધુ પ્રયોગો

મનવચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કેમ થાય એ એક ફિકર, અને સત્યાગ્રહના યુદ્ધને સારુ વધારેમાં વધારે વખત કેમ બચી શકે અને વધારે શુદ્ધિ કેમ થાય એ બીજી ફિકર. આ બે ફિકરોએ મને ખોરાકમાં વધારે સંયમ ને વધારે ફેરફારો કરવા પ્રેર્યો. વળી પૂર્વે જે ફેરફારો મુખ્યત્વે આરોગ્યની દૃષ્ટિએ કરતો તે હવે ધાર્મિક દૃષ્ટિએ થવા લાગ્યા.

આમાં ઉપવાસ અને અલ્પાહારે વધારે સ્થાન લીધું. જેનામાં વિષયવાસના વર્તે છે તેનામાં જીભના સ્વાદો પણ સારી પેઠે હોય છે. આ સ્થિતિ મારી પણ હતી. જનનેદ્રિય તેમ જ સ્વાદેદ્રિય પર કાબૂ મેળવતાં મને અનેક વિટંબણાઓ નડી છે, ને હજુ બેઉની ઉપર પૂરો જય મેળવ્યો છે એવો દાવો હું નથી કરી શકતો. મને પોતાને મેં અત્યાહારી માનેલો છે. મિત્રોએ જેને મારો સંયમ માન્યો છે તેને મેં પોતે કદી સંયમ માન્યો જ નથી. જે અંકુશ રાખતાં હું શીખ્યો તેટલો પણ ન રાખી શક્યો હોત તો હું પશુ કરતાં પણ ઊતરત ને ક્યારનો નાશ પામ્યો હોત. મારી ખામીઓનું મને ઠીક દર્શન હોવાથી મેં તેને દૂર કરવા ભારે પ્રયત્નો કર્યા છે એમ કહી શકાય, અને તેથી હું આટલાં વર્ષો લગી આ શરીરને ટકાવી શક્યો છું ને તેની પાસેથી કાંઈક કામ લઈ શક્યો છું.

આ ભાન હોવાથી ને એવો સંગ અનાયાસે મળી આવવાથી મેં એકાદશીના ફળાહાર અથવા ઉપવાસ આદર્યા. જન્માષ્ટમી ઇત્યાદિ બીજી તિથિઓ પણ રાખવાનો આરંભ કર્યો, પણ સંયમની દૃષ્ટિએ ફળાહાર તેમ જ અન્નાહાર વચ્ચે હું બહુ ભેદ ન જોઈ શક્યો. જેને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ તેમાંથી જે રસો આપણે લઈએ છીએ, તે રસો ફળાહારમાંથી પણ મળી રહે છે ને ટેવ પડ્યા પછી તો તેમાંથી વધારે રસ મળે છે એમ મેં જોયું. તેથી તિથિઓને દિવસે નકોરડા ઉપવાસને અથવા એકટાણાને વધારે મહત્ત્વ આપતો થયો. વળી પ્રાયશ્ચિત્તાદિનું કંઈ નિમિત્ત મળે તો તે નિમિત્તે પણ એકટાણાં ઉપવાસ કરી નાખતો.

આમાંથી મેં એ પણ અનુભવ્યું કે શરીર વધારે સ્વચ્છ થવાથી રસો વધ્યા, ભૂખ વધારે સારી થઈ, ને મેં જોયું કે ઉપવાસાદિ જેટલે અંશે સંયમનું સાધન છે તેટલે જ અંશે તે ભોગનું સાધન પણ થઈ શકે છે. આ જ્ઞાન થયા પછી તેના સમર્થનમાં એ જ પ્રકારના મારા મત તેમ જ બીજાઓના અનુભવો તો કેટલાયે થયા છે. મારે તો જોકે શરીર વધારે સારુ ને કસાયેલું કરવું હતું, તોપણ હવે મુખ્ય હેતુ તો સંયમ સાધવાનો – રસો જીતવાનો હતો. તેથી ખોરાકની વસ્તુમાં ને તેના માપમાં ફેરફારો કરવા લાગ્યો. પણ રસો તો પાછળ ને પાછળ જ હતા. જે વસ્તુનો ત્યાગ કરું ને તેને બદલે જે લઉં તેમાંથી નવા જ ને વધારે રસો છૂટે!

મારા આ પ્રયોગોમાં કેટલાક સાથીઓ હતા. આમાંના હરમાન કૅલનબૅક મુખ્ય હતા. તેમનો પરિચય ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં હું આપી ચૂક્યો હોવાથી ફરી આ પ્રકરણોમાં આપવાનું માંડી વાળ્યું છે. તેમણે મારા પ્રત્યેક ઉપવાસમાં, એકટાણામાં, તેમ જ બીજા ફેરફારોમાં મને સાથ દીધો હતો. જ્યારે લડત ખૂબ જામી હતી ત્યારે તો હું તેમના જ મકાનમાં રહેતો હતો. અમે બન્ને અમારા ફેરફારોની ચર્ચા કરતા, ને નવા ફેરફારોમાંથી પુરાણા રસો કરતાં વધારે રસ ખેંચતા. તે કાળે તો આ સંવાદો મીઠા પણ લાગતા. તેમાં કંઈ અજુગતું હતું એમ ન લાગતું. અનુભવે શીખવ્યું કે એવા રસોમાં મહાલવું એ પણ અયોગ્ય હતું. એટલે કે માણસ રસને સારુ નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય. પ્રત્યેક ઇંદ્રિય જ્યારે કેવળ શરીરને અને શરીર વાટે આત્માનાં દર્શનને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત્ થાય છે, ને ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.

આવી સ્વાભાવિકતા મેળવવા સારુ જેટલા પ્રયોગો કરાય તેટલા ઓછા જ છે. અને તેમ કરતાં અનેક શરીરોની આહુતિ અપાય તેને પણ આપણે તુચ્છ ગણીએ. અત્યારે પ્રવાહ ઊલટો ચાલે છે. નાશવંત શરીરને શોભાવવા, તેનું આયુ વધારવા આપણે અનેક પ્રાણીઓના બલિદાન આપીએ છીએ, છતાં તેમાં શરીર અને આત્મા બંને હણાય છે. એક રોગને મટાડવાં, ઇંદ્રિયોના ભોગો ભોગવવા મથતાં અનેક નવા રોગો ઉત્પન્ન કરીએ છીએ, ભોગો ભોગવવાની શક્તિ પણ છેવટે ખોઈ બેસીએ છીએ, ને આ ક્રિયા આપણી આંખ સમક્ષ ચાલી રહી છે તેને જોવાની ના પાડીએ છીએ!

ખોરાકના જે પ્રયોગોનું વર્ણન કરવામાં હું કંઈક સમય લેવા ધારું છું તે સમજાય તેટલા સારુ તેનો ઉદ્દેશ ને તેની પાછળ રહેલી વિચારસરણી રજૂ કરી દેવાની જરૂર હતી.