સત્યના પ્રયોગો/શાંતિ

From Ekatra Wiki
Revision as of 05:20, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. શાંતિ|}} {{Poem2Open}} હુમલા પછી બેક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪. શાંતિ

હુમલા પછી બેક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને મળ્યો ત્યારે હજુ પોલીસ થાણામાં જ હતો. મારી સાથે રક્ષણને અર્થે એકબે સિપાઈ રહેતા. પણ વાસ્તવિક રીતે જ્યારે મને મિ. એસ્કંબની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રક્ષણની જરૂર રહી નહોતી.

જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળો વાવટો ઊતર્યો કે તુરત, ‘નાતાલ ઍડ્વરટાઇઝર’નો પ્રતિનિધિ મને મળી ગયો હતો. તેણે મને ખૂબ પ્રશ્નો પૂછયા, ને તેના ઉત્તરમાં હું એકેએક આરોપનો જવાબ સંપૂર્ણતાએ આપી શક્યો હતો. સર ફિરોજશાના પ્રતાપે હિંદુસ્તાનમાં તે વેળા મેં લખ્યા વિના એકે ભાષણ આપ્યું જ નહોતું. એ બધાં મારા ભાષણો અને લેખોનો સંગ્રહ તો મારી પાસે હતો જ. મેં તે એને આપેલાં ને સાબિત કરી દીધેલું કે, મેં હિંદુસ્તાનમાં એવી એક પણ વસ્તુ નહોતી કહી કે જે વધારે જલદ શબ્દોમાં દક્ષિણ આફ્રિકામાં ન કહી હોય. મેં એમ પણ બતાવી આપ્યું હતું કે, ‘કુરલૅન્ડ’ તથા ‘નાદરી’ના ઉતારુઓને લાવવામાં મારો હાથ મુદ્દલ નહોતો. તેઓનામાં ઘણા તો જૂના જ હતા, ને ઘણા નાતાલમાં રહેનારા નહીં પણ ટ્રાન્સવાલ જનારા હતા. તે વેળા નાતાલમાં મંદી હતી. કમાણી ટ્રાન્સવાલમાં ઘણી વધારે હતી. તેથી વધારે હિંદીઓ ત્યાં જ જવાનું પસંદ કરતા.

આ ખુલાસાની તેમ જ હુમલો કરનારાઓ ઉપર ફરિયાદ માંડવાના મેં કરેલા ઇનકારની અસર એટલી બધી પડી કે ગોરાઓ શરમાયા. છાપાંઓએ મને નિર્દોષ ઠરાવ્યો ને હુલ્લડ કરનારાઓને નિંદ્યા. એમ પરિણામે તો મને લાભ જ થયો. અને મારો લાભ તે કાર્યનો જ લાભ હતો. હિંદી કોમની પ્રતિષ્ઠા વધી ને મારો માર્ગ વધારે સરળ થયો.

ત્રણ કે ચાર દિવસમાં હું મારે ઘેર ગયો ને થોડા દિવસમાં થાળે પડી ગયો. મારો વકીલ તરીકેનો ધંધો પણ આ બનાવ ઉપરથી વધ્યો.

પણ, આમ જો હિંદીઓની પ્રતિષ્ઠા વધી તો તેમના પ્રત્યે દ્વેષ પણ વધ્યો. તેમનામાં દૃઢતાપૂર્વક લડવાની શક્તિ છે એવી ગોરાઓની ખાતરી થઈ તેની સાથે જ તેમનો ભય વધ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. એકથી હિંદી વેપારીઓના ધંધાને નુકસાન પહોંચ્યું. બીજાથી હિંદીઓની આવજા ઉપર સખત અંકુશ મુકાયો. ભાગ્યજોગે મતાધિકારની લડત વખતે ફેંસલો થઈ ગયો હતો કે હિંદીઓની સામે હિંદીઓ તરીકે કાયદો ન હોઈ શકે, એટલે કે કાયદામાં રંગભેદ કે જાતિભેદ ન હોવા જોઈએ. તેથી, ઉપરના બંને કાયદાઓ તેમની ભાષા જોતાં તો બધો લાગુ પડતા જણાતા હતા, પણ તેનો હેતુ કેવળ હિંદી કોમ ઉપર દાબ મૂકવાનો હતો.

આ કાયદાઓએ મારું કામ બહુ વધારી દીધું ને હિંદીઓમાં જાગૃતિ વધારી. આ કાયદાઓની ઝીણી બારીકીઓથી પણ કોઈ પણ હિંદી અજાણ્યા ન રહી શકે એવી રીતે કોમને તે સમજાવવામાં આવ્યા, અને એમ તેના તરજુમા પ્રગટ કર્યા. તકરાર છેવટે વિલાયત ગઈ. પણ કાયદા નામંજૂર ન થયા.

મારો ઘણોખરો સમય જાહેર કામમાં જ જવા લાગ્યો. મનસુખલાલ નાજર, નાતાલમાં હોવાનું હું લખી ગયો છું તે, મારી સાથે રહ્યા, તેમણે જાહેર કામમાં વધારે ફાળો આપવા માંડયો ને મારું કામ કંઈક હળવું થયું.

મારી ગેરહાજરીમાં શેઠ આદમજી મિયાંખાને પોતાના મંત્રીપદને ખૂબ શોભાવ્યું હતું, સભ્યો વધાર્યા હતા, ને લગભગ એક હજાર પાઉન્ડ સ્થાનિક કાýગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. ઉતારુઓ પરના હુમલાને લીધે તેમ જ ઉપલા કાયદાઓને લીધે જે જાગૃતિ થઈ તેથી મેં એ વધારામાંયે વધારો કરવાનો વિશેષ પ્રયત્ન કર્યો, ને ખજાનામં લગભગ ૫,૦૦૦ પાઉન્ડ થયા. મારો લોભ એ હતો કે જો કાýગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કાýગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયાં ને તે ભાડે અપાયાં. તેનાં ભાડાંમાંથી કાýગ્રેસનું માસિક ખર્ચ સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે. ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમે થાય છે.

આ દુખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારુ સ્થાયી ફંડ રાખવા વિશે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારુ તેમ જ તેમના તંત્રને સારુ જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઈ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.

જાહેર સંસ્થા એટલે લોકોની મંજૂરી ને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલકત ઉપર નભતી સંસ્થા લોકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે ને કેટલીક વેળા તો ઊલટાં આચરણ પણ કરે છે. આવો અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબકિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલિક થઈ પડ્યા છે ને કોઈને જવાબદાર હોય તેમ નથી. જેમ કુદરત પોતે રોજનું પેદા કરી રોજનું જમે છે તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ, એ વિશે મને શંકા જ નથી. જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતાની અને તેના સંચાલકોની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસોટી ઉપર ચડવું જોઈએ એવો મારો અભિપ્રાય છે.

આ લખાણની ગેરમસજ ન થાઓ. ઉપરની ટીકા એવી સંસ્થાઓને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓનાં ચાલુ ખરચોનો આધાર લોકો પસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઈએ.

આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. પણ હવે પછી આપવાની બિનાઓનો ઉલ્લેખ હું અહીં ન કરું. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.