સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પળ આવી

From Ekatra Wiki
Revision as of 08:48, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ડગલું ભરવાની પળ આવી, મેરુ ચળવાની પળ આવી. પાંપણ ઢળવાની પળ આવી, સપનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.
પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.
ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.
આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.
મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
દરિયા તો સુકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.
[‘શબ્દસૃષ્ટિ’ માસિક : ૨૦૦૪]