સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇનુસભાઈ વીજળીવાળા/પેરેશૂટ કોણ પેક કરે છે?

From Ekatra Wiki
Revision as of 12:15, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચાર્લ્સ પ્લમ્બ. જેટ ફાઈટર વિમાનનો પાઇલોટ. અમેરિકન નેવીનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ચાર્લ્સ પ્લમ્બ. જેટ ફાઈટર વિમાનનો પાઇલોટ. અમેરિકન નેવીનો એક જવાંમર્દ લડવૈયો. વિયેટનામના યુદ્ધ વખતે ‘કિટી હૉક’ નામના યુદ્ધ જહાજ પરથી એ પોતાના જેટને લઈને ઊડતો અને વિયેટનામ પર મોત વરસાવીને પાછો આવતો. પંચોતેર વખત એ સફળતાપૂર્વક બૉમ્બાઋડગ કરી ચૂક્યો હતો. છોંતેરમી વખત એ પાછો ફરતો હતો ત્યારે ભૂમિ પરથી આકાશમાં છોડાયેલું મિસાઈલ એના ફાઇટર જેટના નીચેના ભાગે ભટકાયું. વિમાનના પેટમાં લાગેલી આગને કારણે ચાર્લ્સ પેરેશૂટ લઈને કૂદી પડ્યો. પકડાયો. અત્યાચારો અને યાતનાનાં છ વરસ વિયેટનામની જેલમાં ગાળ્યા બાદ એને મુક્તિ મળી. આજે ચાર્લ્સ પોતાના યુદ્ધ અને જેલના અનુભવો અંગે અમેરિકામાં લેક્ચર આપે છે. એક દિવસ ચાર્લ્સ અને તેની પત્ની એક રેસ્ટોરાંમાં બેઠાં હતાં ત્યારે બાજુના ટેબલ પરથી એક માણસ ઊભો થઈને તેમની પાસે આવ્યો, “તમે જ મિ. ચાર્લ્સ પ્લમ્બ કે? તમે ‘કિટી હૉક’ નામના ઍરક્રાફ્ટ કૅરિયર પરથી બૉમ્બાઋડગ કરવા જતા ને? અને તમારા વિમાન પર મિસાઈલ ઝીંકાયું હતું, ખરું?” “એકદમ ખરું!” ચાર્લ્સને આશ્ચર્ય થયું. “પણ તમને આટલી બધી વિગતની કેમ ખબર છે? તમે મારું લેક્ચર એટેંડ કરેલું?” “ના”, પેલો માણસ બોલ્યો, “મેં તમારું પેરેશૂટ પેક કરેલું! માનું છું કે એણે બરાબર કામ આપ્યું હશે!” “અરે! એકદમ સરસ. અને એના લીધે જ હું અત્યારે અહીં જીવતો બેઠો છું. નહીંતર વિમાનની જોડે જ…!” ચાર્લ્સ અભિભૂત થઈ ગયો. “તમારો ખૂબ જ આભાર!” “અરે, એમાં આભારની શું વાત છે. એ તો મારી ફરજ હતી. ચાલો ત્યારે, ફરી ક્યારેક મળીશું!” પેલો માણસ એટલું બોલ્યો. પછી બંને હાથ મિલાવીને છૂટા પડ્યા. બસ આટલી જ વાત, પરંતુ એ રાત્રે ચાર્લ્સને ઊંઘ ન આવી. આખી રાત એ વિચારતો રહ્યો કે જેટ ફાઇટરના એક સફળ અને અભિમાની પાઇલોટ તરીકે એણે ‘કિટી હૉક’ના તૂતક પર પેરેશૂટ પેક કરનાર પેલા મજૂર માણસની ક્યારેય નોંધ પણ લીધી હતી ખરી? કેટલી બધી વાર એ સામો મળ્યો હશે. એને ક્યારેય ‘ગુડ મોઋનગ’ કહ્યું હતું ખરું? અરે, એક જ જહાજ પર હોવા છતાં એ માણસની એના મગજે નોંધ પણ નહોતી લીધી. પણ તેણે જો એનું પેરેશૂટ બરાબર પેક જ ન કર્યું હોત તો? જ્યારે એ મજૂર માણસ કલાકોના કલાકો જહાજના ભંડકિયામાં બેસીને કાળજીપૂર્વક પેરેશૂટની રેશમી દોરીઓ વણીને બરાબર પેક કરતો હશે ત્યારે પોતાના જેવા કંઈ કેટલાય સૈનિકોની જિંદગીને બચાવવાનો મોકો પણ પેક કરી રહ્યો હશે ને? અને એ પણ એવા સૈનિકો કે જેને એ જાણતો પણ નહીં હોય! એ પછી પોતાના દરેક લેક્ચરમાં ચાર્લ્સ એવું પૂછતો થઈ ગયો, ‘તમને સૌને ખબર છે કે તમારું પેરેશૂટ કોણ પેક કરે છે?’ આપણે આપણી જિંદગીમાં કેટકેટલાં પેરેશૂટનો ઉપયોગ કરવો પડતો હોય છે તે ક્યારેય વિચારીએ છીએ ખરા? શારીરિક પેરેશૂટ, માનસિક પેરેશૂટ, આધ્યાત્મિક પેરેશૂટ, લાગણીનું પેરેશૂટ વગેરે કંઈ કેટલાંયે! આ બધાં પેરેશૂટો આપણા માટે પેક કરનારા સૌને આપણે જાણીએ છીએ ખરા? એમનો ક્યારેય ખરા દિલથી આભાર માનીએ છીએ ખરા? આપણા કે બીજા કોઈના માટે પણ સારું કામ કરનારને આપણે અભિનંદન આપીએ છીએ ખરા? નથી લાગતું કે વ્યવહારના તાણાવાણાઓને થોડાક સરખી રીતે ગોઠવવાની જરૂર છે? તો ચાલો, આપણા રોજિંદા જીવનમાં એક વાતનું હંમેશાં ધ્યાન રાખતા રહીએ કે… આપણું પેરેશૂટ કોણ પેક કરે છે? [‘મોતીચારો’ પુસ્તક : ૨૦૦૩]