સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશા-કુન્દનિકા/ઝીણાં પાન પર મખમલિયાં ભરત

From Ekatra Wiki
Revision as of 05:59, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મકરન્દ [દવે]ને ઘણી વાર કાવ્ય લખવાનો અંદરથી એટલો પ્રબળ વેગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મકરન્દ [દવે]ને ઘણી વાર કાવ્ય લખવાનો અંદરથી એટલો પ્રબળ વેગ આવે કે રાતોની રાત જાગીને પણ લખે. ઘણી વાર રસ્તે જતાં, બસમાં-ટ્રેનમાં-વિમાનમાં સફર કરતાં કવિતા આવે. ક્યારેક કાગળ પાસે ન હોય તો બીજા પાસેથી માગીને પણ લખવું પડે. પંક્તિઓ ધસમસતી આવીને મનનો કબજો લઈ લે અને કાવ્ય પૂરું લખાય નહિ ત્યાં સુધી એની પકડ ન છૂટે. ક્યારેક તો નહાતાં નહાતાં બાથરૂમમાંથી બૂમ પાડી મને અમુક પંક્તિ લખી લેવાનું કહે. એક વાર લખાઈ જાય, પછી જરૂર લાગે તો ફરી ફરી મઠારે. ઘાટઘૂટ સુંદર થાય તેની ખૂબ કાળજી કરે. ઘણી વાર એક યોગ્ય શબ્દ માટે લાંબી મથામણ ચાલે. આમ સર્વાંગસંપૂર્ણ રચના કરે ત્યારે જ એને નિરાંત થાય. આમ છતાં એને પોતાનાં કાવ્યો માટે આસક્તિ નથી. કાવ્યોના પ્રકાશન પરત્વે એ ઉદાસીન હોય છે. પહેલાં (એટલે કે મારા પ્રવેશ પહેલાં) તો પોતાનાં લખેલાં બધાં કાવ્યો પાસે હોય પણ નહિ. વેરવિખેર પડ્યાં હોય. સારા નસીબે એના એક મિત્રા ભાવનગરના શ્રી શંકરભાઈ જોષી, જે અમદાવાદમાં મ્યુનિસિપલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા, તેમણે ઘણાં કાવ્યો પોતાની નોટમાં કે ક્યારેક તો હરિજન કામગારોના હાજરીપત્રકમાં પણ, ઉતારી લીધેલાં, એટલે એ સચવાયાં. ખોવાયાં કેટલાં હશે, કોને ખબર! હવે તો દરેક કાવ્ય લખાય કે વ્યવસ્થિત રીતે નોટમાં ઉતારી લેવાના મારા આગ્રહને લીધે કાવ્યો ખોવાઈ જવાનું ભાગ્યે જ બને છે. મકરન્દ પર ભક્ત કવિ, સાધક કવિ, મરમી કવિ, સાંઈ — એવાં એવાં નામોની છાપ લાગી છે; પણ મારી દૃષ્ટિએ પહેલાં તો એ કેવળ કવિ જ છે. એણે જરૂર ભજનો લખ્યાં છે, પદ લખ્યાં છે, પરમ તત્ત્વ સાથેના અનુસંધાનનાં તો અનેક કાવ્યો છે. પણ સાથે એણે બાળકોનાં, વ્યક્તિઓનાં, ઘટનાઓનાં, પ્રકૃતિનાં, સાંપ્રત પરિસ્થિતિનાં, ઐતિહાસિક પ્રસંગોનાં પણ ઘણાં કાવ્યો લખ્યાં છે; ગઝલો લખી છે, સૉનેટ લખ્યાં છે. એના વિષયોનું ફલક વિસ્તૃત છે, પણ એની અંદરનો રંગ ભગવો છે એટલે મોટા ભાગની કૃતિઓમાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે એ જ રંગ લહેરાય છે. દા.ત. મને બહુ ગમતું એક કાવ્ય — ‘ગુલમહોરનાં ઝીણાં ઝીણાં પાન પરે, જે પ્રભાતનાં મખમલિયાં કિરણો ભરત ભરે’માં પ્રકૃતિનું નિતાંત સુંદર રૂપ આલેખ્યા પછી છેવટ જતાં તો આ દૃશ્યમાનતાનાં, સ્થૂલ જીવનનાં બંધનો-ક્રંદનો તોડીને મુક્ત થયેલ વ્યક્તિ વિશાળ ચેતનાને ધારણ કરી જગતને માગે તે આપવા ઉત્સુક હોવાની વાત આવે છે. રિચાર્ડ બાખના જોનાથન લિવિંગ્સ્ટન સીગલની જેમ સ્તો! મકરન્દને આનંદના કવિ તરીકે, ગુલાલ ઉડાડનાર કવિ તરીકે ગણવામાં આવે છે; પણ એણે વેદનાને ખૂબ પિછાણી છે, વિષાદની અંધારી ગલીઓમાં યાત્રા કરી છે, કશુંક શોધવા-પામવાની તીવ્રાતિતીવ્ર ઝંખનાની આગનો આતપ વેઠયો છે. ‘પીડા તો આવીને બેઠી છે પંડ’ અને ‘તમારી પાસ બેસી વાત કરવાની ઘડી નહોતી’ અથવા ‘હરિએ નાખ્યાં હેડયમાં હો જી’ જેવાં અનેક ગીતોમાં એની ઝલક જોવા મળે છે. એનો આનંદ આ વેદનામાં ઝબકોળાઈને શુદ્ધ થઈને બહાર આવેલો છે. એટલે તો છેવટે બધી વેદનાની ઉપરવટ જઈને પરમ તત્ત્વ સાથેના નિકટતમ સંબંધનો સૂર જ અનેકવિધ રીતે ગાઈ ઊઠે છે : પગલું માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ.