સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/મૈથિલીશરણ ગુપ્ત

Revision as of 07:17, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મૈથિલીશરણ ગુપ્ત અર્ધી સદીથી કાવ્યોપાસના કરતા રહ્યા છે. સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          મૈથિલીશરણ ગુપ્ત અર્ધી સદીથી કાવ્યોપાસના કરતા રહ્યા છે. સરળ લોકગમ્ય કાવ્યવાણી રેલાવી એમણે દેશને ખૂણેખૂણે સામાન્ય જનતા સુધી ઉચ્ચ ભાવનાઓ પહોંચાડી છે. એક કવિ કેટલું કામ કરી શકે, એનો શ્રી ગુપ્તજીનું જીવન એ નમૂનો છે. દેશની આમજનતા સુધીના થરો સુધી સંસ્કૃતિપોષણ પહોંચાડનાર એવા કવિની સેવા એકાદ યુનિવર્સિટી જેટલી છે, એમ કહેવામાં ભાગ્યે જ અતિશયોક્તિ લેખાશે. ઋષિકવિની પરંપરા ગુપ્તજીમાં સજીવ રહેલી જોઈ શકાય છે. રાષ્ટ્રીય ઉત્થાનના કવિ તરીકે મૈથિલીશરણજીને યોગ્ય રીતે જ દેશે ‘રાષ્ટ્રકવિ’ તરીકે બિરદાવ્યા હતા. ખડી બોલીમાં સાહિત્ય રચીને મૈથિલીશરણજીએ ખડી બોલીની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા વધારવામાં ઘણો કીમતી ફાળો આપ્યો. એમની ‘પંચવટી’, ‘યશોધરા’, ‘સાકેત’ આદિ રચનાઓ હિંદી સાહિત્યમાં એમનું નામ યશોજ્જ્વલ રાખશે. રવીન્દ્રનાથે ‘કાવ્યેર ઉપેક્ષિતા’ નામના એમના લેખ દ્વારા સાહિત્યસૃષ્ટિની ઉપેક્ષિતા નારીઓ પ્રત્યે કવિઓનું ધ્યાન ખેંચ્યું હતું. મૈથિલીશરણ ગુપ્તનો કાવ્યની ઉપેક્ષિતાઓ પ્રત્યે અત્યધિક પક્ષપાત હતો. ઊર્મિલા, યશોધરા અને વિષ્ણુપ્રિયાના ચરિત્રાંકનમાં ગુપ્તજીની ઉપેક્ષિત નારીઓ પ્રત્યેની સહાનુભૂતિ ઘનીભૂત થતી ગઈ છે. ‘યશોધરા’માં કવિવાણીનો આર્ત નાદ સંભળાય છે : અબલાજીવન હાય તુમ્હારી યહી કહાની! આંચલ મેં હૈ દૂધ ઔર આંખોં મેં પાની. પોતે પરંપરાથી રામભક્ત હતા. ઋજુભાવથી કવિ કહે છે : રામ, તુમ્હારા ચરિત સ્વયં હી કાવ્ય હૈ, કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ.