સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉર્વીશ કોઠારી/“વલ્લભભાઈનો જય હો!”

From Ekatra Wiki
Revision as of 12:06, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સરદાર વલ્લભભાઈની સત્તાવાર જન્મતારીખ ૩૧મી ઓક્ટોબર, ૧૮૭૫...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સરદાર વલ્લભભાઈની સત્તાવાર જન્મતારીખ ૩૧મી ઓક્ટોબર, ૧૮૭૫ ગણવામાં આવે છે, પણ સરદારે ૧૯૩૪માં એક સાથીદારને પત્રમાં લખ્યું હતું, “તમે ભાગ્યશાળી છો કે જન્મદિવસ ચોક્કસ યાદ છે. મને તો વરસ કેટલાં થયાં તે વિષે પણ અટકળથી જ ગપ્પું મારવું પડે છે. સોગંદ પર કહેવાનો વખત આવે ત્યારે તો આશરે આટલાં એમ જ લખાવું છું. કારણ કે મારી માને પેટ પાંચ પથ્થર પડેલા. તે પથરા કેવા નીકળશે અને શા કામમાં આવશે, એનો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વરસની કશી નોંધ કે યાદી રાખી જ નથી.” ઝવેરભાઈ અને લાડબાઈનાં છ સંતાનો-પાંચ પુત્રો, એક પુત્રી-માં વલ્લભભાઈનો નંબર ચોથો હતો. તેમનું લગ્ન ૧૭મા વર્ષે થયું, પછી વલ્લભભાઈએ અભ્યાસ ચાલુ રાખ્યો અને ઝવેરબા આઠેક વર્ષ સુધી તેમના પિયર રહ્યાં. વલ્લભભાઈએ પ્લીડરની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત શરૂ કરી, એ વખતે તેમણે ઝવેરબાને તેડાવી લીધાં. આર્થિક તંગી એવી હતી કે ઉછીની રકમ વડે ગુજરી બજારમાંથી સસ્તા ભાવની ઘરવખરી ખરીદી. વલ્લભભાઈ એ વખતે ૨૫ વર્ષના તરવરિયા, જોશીલા યુવાન હતા. વર્ણ શ્યામ, મોટું કપાળ અને ગાઢી મૂછો. બે વર્ષ ગોધરામાં વિતાવ્યા પછી વલ્લભભાઈ-ઝવેરબા બોરસદ આવ્યાં. ૧૯૦૪માં મણિબહેનનો અને ૧૯૦૫માં ડાહ્યાભાઈનો જન્મ થયો. મોટા ભાઈ વિઠ્ઠલભાઈ બેરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા, પછી ભાભીની સારસંભાળ રાખવા માટે વલ્લભભાઈ તેમને પોતાના ઘરે લઈ આવ્યા. ટૂંક સમયમાં દેરાણી-જેઠાણી દિવાળીબહેન અને ઝવેરબા વચ્ચે કંકાસ શરૂ થયો. તેના ઉકેલ માટે વલ્લભભાઈએ ઝવેરબાને પિયર મોકલી આપ્યાં. વિઠ્ઠલભાઈ ભણીને બે-અઢી વર્ષે પાછા આવ્યા, ત્યાં લગી પતિ-પત્ની અલગ રહ્યાં. જાહેર જીવનમાં કડક છાપ ધરાવતા વલ્લભભાઈમાં માતૃત્વના ગુણો ગાંધીજીએ જેલવાસ દરમિયાન પારખ્યા, પણ તેનું પ્રાગટ્ય વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું. નડિયાદમાં અભ્યાસ વખતે વલ્લભભાઈ તેમના મિત્ર કાશીભાઈના ઘરે રહેતા. એ ઘરમાં ઊછરતા કાશીભાઈના સ્નેહીના પુત્રની વલ્લભભાઈએ માતૃવત્ સંભાળ લીધી હતી. તેમના ચરિત્રકાર નરહરિ પરીખની નોંધ પ્રમાણે, “સરદાર તે છોકરાને પડખે જ સુવડાવતા અને રાત્રે ઊઠીને એને બે-ત્રણ વાર દૂધ પાતા. રાતે છોકરો ઝાડો-પેશાબ કરે તો એનાં બાળોતિયાં બદલાવતા અને બધું સાફસૂફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા. આ છોકરાને ત્રણેક વર્ષનો થયો ત્યાં સુધી ઉછેરવામાં વલ્લભભાઈએ ખૂબ પરિશ્રમ ઉઠાવેલો.” છ ભાઈભાંડુમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ કરમસદ-બોરસદ છોડીને જાહેર જીવનમાં પડ્યા, એટલે કુટુંબ-સમાજ સાથેનો સક્રિય નાતો છૂટી ગયો. એ હકીકતનો ઉલ્લેખ કરતાં ડાહ્યાભાઈ પરના એક પત્રમાં સરદારે લખ્યું હતું, “મને લાગે છે કે આપણે કુટુંબથી અલગ રહ્યા છીએ એથી મહાખટપટોમાંથી છૂટી ગયા છીએ.” કૌટુંબિક ઝઘડા પ્રત્યે કેવો અભિગમ રાખવો, એ વિશે તેમણે ડાહ્યાભાઈને લખ્યું હતું : “કોનો કેટલો દોષ છે અને કોનો વધારે કે ઓછો છે, એ આપણને જાણવાની જરૂર નથી. સૌનો ઓછોવધારે હશે, પણ આપણે અલગ રહ્યા છીએ એથી સુખી છીએ. છતાં આપણો ધર્મ સૌને જેટલી મદદ થાય એટલી કરવાનો તો છે જ. એ ન કરીએ તો આપણે આપણો ધર્મ ચૂકીએ, ભલે એમણે આપણી કોઈ દિવસ ભાળ ન રાખી હોય. આપણે પણ કોઈ દિવસ એવી અપેક્ષા રાખી જ નથી. વળી કરમસદ ગામની રીતે આપણે વિચાર ન કરી શકીએ. એ તો ખટપટ અને પ્રપંચનું સ્થાન છે. આપણે ઉદારતાથી વિચાર કરવો જોઈએ.” કરમસદ માટે સરદારે વાપરેલા વિશેષણની સાર્થકતાનો ખ્યાલ એ હકીકત પરથી આવી શકશે કે ત્યાં સરદારને નાત બહાર મૂકવામાં આવ્યા હતા. સરદારનો એક ભત્રીજો ગોળની બહાર, વીરસદ પરણેલો અને એક ભત્રીજાના દીકરાને આણંદમાં પરણાવેલો. કરમસદના લોકોને આ પગલું ગમેલું નહીં. વલ્લભભાઈની પ્રકૃતિમાં દૃઢતા અને વ્યવહારુપણાનો અજબ સંગમ થયો હતો. અમેરિકા જઈ આવેલા તેમના પૌત્ર બિપિને ખાદીને બદલે મિલનાં કપડાં પહેર્યાં, ત્યારે પિતા ડાહ્યાભાઈ ખીજાઈ ગયા હતા. “આપણે કોણ? તું મિલની બનાવટનાં કપડાં પહેરે? શરમ નથી આવતી? દાદાને કેવું લાગશે?” બિપિન એ જ કપડાંમાં દાદા પાસે પહોંચ્યો, ત્યારે મણિબહેને ઠપકાના સૂરમાં કહ્યું, “જોઈ લો, આ કેવાં કપડાં પહેરીને આવ્યો છે!” એ વખતે સરદારે ટાઢકથી કહ્યું હતું, “ખાદી એ ભાવના છે. શ્રદ્ધા ન હોય તો ન પહેરે.” વિઠ્ઠલભાઈ નિ :સંતાન હતા, જ્યારે સરદારને એક દીકરી મણિબહેન અને તેમનાથી દોઢેક વર્ષ નાના પુત્ર ડાહ્યાભાઈ. સરદારના જીવનકાળ દરમિયાન મણિબહેન તેમનો પડછાયો બનીને રહ્યાં. તેમણે પોતાનું આખું વ્યક્તિત્વ વિરાટ પિતાની સેવામાં ઓગાળી દીધું હતું. પિતાના ફાટી ગયેલા પહેરણમાંથી પોતાના માટે થિગડિયો સાડલો બનાવતાં મણિબહેનનું ભણતર ઇંગ્લિશ મિડિયમની સ્કૂલમાં થયું હશે, એવી કલ્પના પણ ક્યાંથી આવે? મણિબહેન અને ડાહ્યાભાઈ વચ્ચેનો પત્રવ્યવહાર ગુજરાતીને બદલે અંગ્રેજીમાં થતો. મહિને ૧૦-૧૫ રૂપિયાનો પગાર સુખેથી જીવવા માટે પૂરતો ગણાય, એ કાળે વલ્લભભાઈ પોતાનાં સંતાનોના અભ્યાસ અને હોસ્ટેલ પાછળ મહિને રૂ. ૧૦૦ ખર્ચી કાઢતા હતા. અમદાવાદના મોંઘાદાટ વકીલોમાં ગણતરી પામતા વલ્લભભાઈને એ રકમ પોસાતી હતી. ગાંધીજીના સંસર્ગ પછી તેમણે સાહજિકતાથી સાદગી અપનાવી. ડાહ્યાભાઈ મુંબઈમાં ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા હતા. તેમનો સ્વભાવ થોડો આકરો; એટલે કામમાં ચડભડ ચાલ્યા કરતી. તે વખતે, એક સામાન્ય પિતા પોતાના પુત્રને શિખામણ આપે એ રીતે સરદાર ડાહ્યાભાઈને સમજાવતા હતા. યરવડા જેલવાસ દરમિયાન ૬-૧૨-૩૨ના એક પત્રમાં સરદારે તેમને લખ્યું હતું, “તમે ઓફિસના કાગળો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાવાળાને માઠું લાગે એવી હોય છે… એ સારું ન ગણાય. તેથી આપણા ભવિષ્યની ઉન્નતિમાં વાંધો આવે. એટલું જ નહીં, આપણી આબરૂ પણ બગડે… આપણે જે કરવું હોય તે કરીએ, પણ આપણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે બીજાનો તિરસ્કાર કરીએ. આ વિશે વિચાર કરી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં સુધારજો. કોઈને માઠું લાગવા જેવું લખ્યું હોય તો તેની માફી માગી પ્રેમ સંપાદન કરજો. મારો સ્વભાવ પણ એક વખત કડક હતો પણ મને એ વિશે ખૂબ પસ્તાવો થયેલો છે. અનુભવથી તને લખું છું.” ડાહ્યાભાઈથી માંડીને તમામ સગાંવહાલાં માટે સરદારની કડક સૂચના હતી, “હું સત્તા પર છું ત્યાં સુધી દિલ્હીમાં ફરકવું પણ નહીં. બને તો વિંધ્ય (મધ્યપ્રદેશ) પાર ન કરવો.” આ સૂચનાનો અમલ સરદાર કેવી કડકાઈથી કરતા, તેનો એક પ્રસંગ યાદ કરતાં ડાહ્યાભાઈના પુત્ર ગૌતમભાઈએ કહ્યું, “મારાથી બારેક વર્ષ મોટા બિપિનભાઈ અને બીજા કેટલાક પિતરાઈઓને વૅકેશનમાં દિલ્હી જવાનું મન થયું. ફરતા આવીશું અને દાદાને પણ મળી લઈશું-એમ વિચારીને એ લોકો દિલ્હી ઊપડ્યા. રોજના નિયમ પ્રમાણે દાદા સવારે ફરીને ઘરે આવ્યા. ત્યારે છોકરાઓને જોયા. ચા-પાણી થયાં, એટલે દાદાએ પૂછ્યું, “શું થયું? કોઈ માંદું-બાંદું છે?” છોકરાઓ કહે, “ના, અમે તો અમસ્તા જ આવ્યા હતા. મળવા માટે.” તરત દાદા કહે, “મળી લીધું ને? હવે પહેલી ટ્રેનમાં પાછા જતા રહો. પૈસા જોઈતા હોય કે કંઈ કામ હોય તો કહો. બાકી તમારે અહીં પગ મૂકવાનો જ નહીં. તમારો ઇરાદો ખરાબ નહીં હોય તોપણ લોકો તમારો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરશે અને આપણા લોકો જ આપણને ઊંધા રસ્તે ચડાવશે.”

ગાંધીજીને મળતાં પહેલાં વલ્લભભાઈ બૅરિસ્ટર અમદાવાદમાં ફોજદારી વકીલાત કરીને ધૂમ રૂપિયા રળતા હતા. તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ૧૯૧૩માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા, પણ આ નાના ભાઈ રાજકારણથી અળગા રહ્યા. એ સમયની પોતાની મનોદશા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ સરદારે આ શબ્દોમાં વર્ણવી હતી : “વિલાયતથી પાછા આવ્યા પછી [હું] વકીલાતમાં ને પૈસા કમાવામાં ગૂંથાયો. દેશના રાજકારણનું નિરીક્ષણ કરતો હતો, પણ ધ્યેય સુધી પહોંચે એવો કોઈ નેતા જોવામાં આવતો નહોતો. જે હતા તે બધા ખાલી બકવાદ કરનારા હતા. એટલે હું રોજ સાંજે વકીલોની ક્લબમાં જતો ને પાનાં ટીચતો. સિગારેટનો ધુમાડો કાઢવો એ જ મારી તે વખતની મોજ. દરમિયાન કોઈ વક્તા આવી પહોંચતો તો તેની ઠેકડી ઉડાડવામાં પણ મજા આવતી.” ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા, ત્યારે રાજકારણમાં નવી તરાહનાં એંધાણ વર્તાવા લાગ્યાં. બીજા લોકોની જેમ વલ્લભભાઈને પણ લાગ્યું કે અત્યાર સુધીના નેતાઓ કરતાં આ મૂર્તિ કંઈક જુદી છે. તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ કહ્યું હતું : “એક દિવસ અમારી ક્લબમાં ગાંધીજી આવ્યા. એમને વિશે કંઈક વાંચ્યું હતું ખરું. એમનું ભાષણ મેં કંઈક ગમ્મતથી સાંભળ્યું. એ વાત કરતા હતા ને હું સિગારેટના ધુમાડા કાઢતો હતો. પણ અંતે જોયું કે આ માણસ વાતો કરીને બેસી રહે એવો નથી, કામ કરવા માગે છે. પછી વિચાર થયો કે જોઈએ તો ખરા, માણસ કેવો છે. એટલે હું તેમના સંપર્કમાં આવ્યો. તેમના સિદ્ધાંતોનો વિચાર મેં નહોતો કર્યો. હિંસા-અહિંસા સાથે મારે કંઈ લેવાદેવા નહોતી. માણસ સાચો છે, પોતાનું જીવનસર્વસ્વ અર્પણ કરીને બેઠો છે, દેશની આઝાદીની એને લગની લાગી છે અને પોતાનું કામ જાણે છે, આટલું મારે માટે પૂરતું હતું.” કાકાસાહેબ કાલેલકરે સરદારની વ્યવહારુતા વિશે લખ્યું હતું : “કહેવાય છે કે જ્યારે સોનામાં થોડું ત્રાંબું ભળે છે ત્યારે સોનું મજબૂત થાય છે. એનો ચળકાટ પણ વધે છે અને એના રણકામાં પણ ફેર પડે છે. ગાંધીજીમાં તત્ત્વનિષ્ઠાનું સોનું હતું. એમનામાં વહેવારકુશળતા ઓછી ન હતી, પણ એ રહ્યા ક્રાન્તદર્શી. આજે ભેળવેલું તાંબું આગળ જતાં કોક દિવસે નુકસાન કરવાનું જ એ વિચારે તેઓ બનતાં સુધી ત્રાંબાથી દૂર રહેતા. વલ્લભભાઈ કદર તો સોનાની જ કરતા. સોના પાસેથી જ એ કામ લેવા ઇચ્છતા હતા, પણ સોનામાં વહેવારદૃષ્ટિનું ત્રાંબું મેળવવામાં એમને કશો સંકોચ થતો ન હતો.” વલ્લભભાઈ પર મુકાતો એક આરોપ એવો છે કે ગાંધીજીના અંધ અનુયાયી હતા. ગાંધીજીના ‘યસમૅન’ તરીકેની તેમની છાપ એટલી વ્યાપક હતી કે જીવનના અંતિમ તબક્કામાં ખુદ ગાંધીજીએ કહ્યું હતું, “સરદાર હવે મારા ‘હા જી હા’ કરનારા (યસમૅન) રહ્યા નથી. તે એટલા સમર્થ છે કે કોઈનાય હા જી હા કરનારા તે બની શકે નહીં. હું જે કંઈ કહેતો, એ તેમને સહેજે અપીલ કરતું હતું એટલે તે પોતાની જાતને મારા ‘હા જી હા’ કરનાર તરીકે ઓળખાવા દેતા હતા.” સરદાર કહેતા, “લોકો મને [ગાંધીજીનો] અંધ અનુયાયી કહે છે તેથી હું શરમાતો નથી. એમની આગેવાની સ્વીકારી ત્યારે વિચાર કરી લીધેલો કે આ માણસની પાછળ ચાલતાં કોઈ દિવસ લોકો મારા મોં પર થૂંકવાના છે ને એ માટે પણ તૈયાર રહેવું.” ૧૯૨૯માં તેમણે કહ્યું હતું, “મને ઘણા ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે. હું ઇચ્છું છું કે સાચે જ મારામાં અંધ ભક્ત થવાની શક્તિ હોય. પણ તે નથી. હું તો સામાન્ય બુદ્ધિનો દાવો કરનારો છું. મારામાં સમજશક્તિ પડેલી છે; મેં જગત પણ ઠીકઠીક જોયું છે. એટલે સમજ્યા વિના, એક હાથની પોતડી પહેરીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો હું નથી. મારી પાસે ઘણાને ઠગીને ધનવાન થાઉં એવો [વકીલાતનો] ધંધો હતો, પણ તે છોડ્યો, કારણ હું એ માણસ [ગાંધીજી] પાસે શીખ્યો કે ખેડૂતનું કલ્યાણ એ ધંધો કરીને ન થાય, એને [ગાંધીજી] માર્ગે જ થાય. એઓ હિંદુસ્તાનમાં આવેલા ત્યારથી જ હું એમની સાથે છું અને આ ભવમાં તો એમની સાથેનો સંબંધ છૂટે એમ નથી.” પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં વલ્લભભાઈએ કહ્યું હતું, “આપણામાં તાલીમ અને વ્યવસ્થાની ખામી છે, સિપાઈગીરીની ખામી છે. આપણને હુકમ ઉઠાવવાની ટેવ નથી પડી. આપણે સ્વચ્છંદને સ્વતંત્રતા માનીને બેઠા છીએ. હિંદુસ્તાનનું દુઃખ આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે. સિપાઈગીરીના અભાવનું છે.” સરદારની શક્તિઓ અને સ્વતંત્ર વ્યક્તિત્વ વિશે ગાંધીજી જરાય ભ્રમમાં ન હતા. તેમણે અંગ્રેજ પત્રકાર પેટ્રિક લેસીને ૧૯૩૧માં કહ્યું હતું, “વલ્લભભાઈ પટેલ તો સૈનિક છે. એ પોતાની જાતને ભૂંસી નાખવામાં માને છે. એમ નથી કે એમને પોતાના વિચારો નથી; પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં જ્યારે સંપૂર્ણપણે સંમતિ છે ત્યારે વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો કંઈ અર્થ નથી.” જવાહરલાલ નેહરુએ ૧૯૩૫-૩૬માં લખેલી આત્મકથામાં જણાવ્યું હતું, “ગાંધીજી અને તેમના આદર્શો-કાર્યપદ્ધતિઓ પ્રત્યે અત્યંત આદરભક્તિ ધરાવનાર વલ્લભભાઈની જોડનો ગાંધીજીનો બીજો વફાદાર સાથી હિંદભરમાં નહીં હોય.” ગાંધીજી એક વાર બારડોલીના મહેમાન બન્યા ત્યારે, સરદાર અને રવિશંકર મહારાજ વચ્ચે ચાલેલો આ સંવાદ યાદ રહી જાય એવો છે : “અલ્યા મહારાજ! મોડી રાત સુધી ક્યાં ગયેલો?” “હું તો [ગાંધીજીની સૂચનાથી] લગ્ન કરાવવા ગયેલો, પણ તમારે મોડી રાતે શું ધાડ પડી હતી?” “બાપુએ નવો પ્રોગ્રામ ઘડ્યો છે. તેમણે મને તે કહી સંભળાવ્યો. મેં એક કલાક સુધી મારા ઓરડામાં આંટા મારતાં મારતાં તેને પચાવવા મહેનત કરી. છતાં બરાબર બેઠું નહીં. તેથી ફરી પાછા બાપુને ઉઠાડીને તેમની પાસે સમજવા ગયો હતો. બાપુએ પાંથી પાડીને સમજાવ્યો. હવે ગેડ બેઠી. પણ મહારાજ, બાપુની શી વાત કરું? આપણે તો જીવતાં જ આ શરીરની ખાલ ઉતારીને એનાં કપડાં સિવડાવીએ તોયે બાપુનો બદલો વાળી શકાય તેમ નથી.” ગાંધીજીના આશીર્વાદથી વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહની સરદારી લેતાં પહેલાં, લડતના મૂળ મુદ્દાનું વાજબીપણું ચકાસી લીધું. તકરારના કેન્દ્રસ્થાને હતો નવો મહેસૂલવધારો. અંગ્રેજી રાજમાં દર ત્રીસ વર્ષે મહેસૂલના નવા દર નક્કી થતા હતા. એ રિવાજ મુજબ, ૧૯૨૭માં બારડોલી તાલુકાનાં ગામો માટે ૨૨ ટકાનો વધારો જાહેર થયો. વાંધો મહેસૂલ સામે નહીં, પણ તેમાં થયેલા આડેધડ વધારા સામે હતો. સરદારે કહ્યું હતું, “આપણે સરકાર જોડે કજિયો બાંધવાની ખાતર આ લડત માંડી નથી. તેનું વાજબી લહેણું આપણે દૂધે ધોઈને ચૂકવી આપવું છે.” ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૨૮થી સત્યાગ્રહ શરૂ થયો. તેમાં વલ્લભભાઈની સંગઠન ઊભું કરવાની તાકાત જણાઈ આવી. બારડોલી તાલુકાનાં સ્ત્રી-પુરુષોએ ભારે હિંમત અને ધીરજ બતાવ્યાં. ખેડૂત માટે સ્વજનથી પણ વધીને ગણાય એવાં જમીન અને ઢોરઢાંખર જપ્ત થયા પછી પણ તે ઢીલા પડ્યા નહીં. એટલે જ વલ્લભભાઈ કહી શકેલા કે, “હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી; હું તો સરકારનો ડર છોડીને બહાદુર બન્યા છે તેમની સાથે ઊભો રહીને લડવા માગું છું.” સત્યાગ્રહની અસરકારકતા અને લોકોની ઠંડી તાકાતનું પ્રતીક બન્યું હતું બારડોલી. મુન્શી પ્રેમચંદે તેને “વીરભૂમિ બારડોલી” તરીકે ઓળખાવીને ‘હંસ’ના નવેમ્બર ૧૯૩૦ના અંકમાં લખ્યું હતું : “ધન્ય છે તમને, બારડોલીના વીરો! સશસ્ત્ર સંગ્રામમાં એક સમયે જેમ ચિત્તોડે યશ મેળવીને ભારતનો ચહેરો ઉજાળ્યો હતો, એવો જ યશ બારડોલીના લોકોએ અહિંસક સંગ્રામ દ્વારા હાંસલ કર્યો છે. સિદ્ધાંત ખાતર સર્વસ્વનું બલિદાન આપવાના આવા દાખલા ઇતિહાસમાં ભાગ્યે જ મળે.” લગભગ છ મહિનાની લડત પછી, અંગ્રેજ સરકારને નમતું જોખવું પડ્યું. કેદી સત્યાગ્રહીઓને છોડી મૂકવાની, મહેસૂલવધારા માટે તપાસસમિતિ નીમવાની, જપ્ત કરેલી મિલકતો પાછી આપવાની અને સત્યાગ્રહના ટેકામાં રાજીનામાં આપનારા પટેલો-તલાટીઓને પાછા નોકરી પર લેવાની શરતો સરકારે માન્ય રાખી. તો ‘બારડોલીનો ચમત્કાર’ કેવી રીતે શક્ય બન્યો? ગાંધીજીએ આપેલી સમજૂતી પ્રમાણે, “જો આપણે અભણ પ્રજામાં કામ કરવું હોય, તેમને સ્વરાજ્યવાદી એટલે કે રામરાજ્યવાદી બનાવવા હોય તો તે ધર્મજાગૃતિની મારફતે જ થઈ શકશે, એમ એમણે [વલ્લભભાઈએ] જોયું. વલ્લભભાઈએ બારડોલીમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ કરીને જો કોઈ છપાવે તો તે ધર્મનાં વ્યાખ્યાનોનો સંગ્રહ થઈ જશે.” વિજયી નેતા અને ‘ખેડૂતોના સરદાર’ વલ્લભભાઈ સત્યાગ્રહ પછી અમદાવાદ આવ્યા, ત્યારે આશ્રમમાં તેમના સ્વાગત વેળા મહાદેવ દેસાઈએ રચેલું એક ગીત ગવાયેલું : ત્રાસ અન્યાયના અમલ ઊતરી ગયા અભયથી ફૂલતી છાતી ખેડુ તણી… નિબિડ નૈરાશ્યનાં તિમિર તો ઢળી ગયાં, આશથી ઝળકતી આંખ ભારત તણી. કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં વલ્લભભાઈને અભિનંદન આપતો ઠરાવ પસાર થયો. આ અધિવેશનમાં એક વાર પ્રવેશપાસ ઉતારે ભૂલી ગયેલા વલ્લભભાઈને સ્વયંસેવકે અંદર દાખલ થતા અટકાવ્યા હતા. તેમની સાથે રહેલા આચાર્ય કૃપાલાનીએ ‘સરદાર’ની ઓળખાણ આપી, પણ વ્યર્થ! સ્વયંસેવકે બારડોલી કે તેના સરદાર વિશે કંઈ સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં. તેને આબરૂ કે અપમાનનો પ્રશ્ન બનાવવાને બદલે, સરદાર ચૂપચાપ ઉતારે પાછા જતા રહ્યા.

સરદારના પિતા ઝવેરભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. તેમના આરાધ્ય યજ્ઞપુરુષદાસ સ્વામીએ વડતાલ ગાદીથી અલગ થઈને બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપી. બે ફાંટા વચ્ચેના વિખવાદોમાં સ્વામી યજ્ઞપુરુષદાસ પર વોરંટ નીકળ્યું છે, એવી વાત ઝવેરભાઈને મળી. એ પહોંચ્યા વલ્લભભાઈ પાસે. ફોજદારી વકીલ તરીકે તેમની બોરસદમાં ધાક હતી, પણ સ્વામીની ધરપકડ રોકવાની રજૂઆત સાંભળીને વલ્લભભાઈની પહેલી પ્રતિક્રિયા : “મહારાજ પર વળી વોરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય! આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા! એમને પકડનારા કોણ હોય?” પણ પિતા ઝવેરભાઈ ગંભીર હતા : “તારે આ વોરંટ રદ કરાવી આપવું જોઈએ. મહારાજની ધરપકડ થાય તો આપણી આબરૂને ધક્કો પહોંચે.” “આપણી આબરૂને ધક્કો શાને લાગે?” વલ્લભભાઈએ કહ્યું, “વોરંટ નીકળ્યું છે તેનું કારણ પણ હશે. મોટા કાકા, તમારે હવે આ સાધુઓને પડતા મૂકવા જોઈએ. ખટપટ ચલાવે, ઝઘડા કરે અને અદાલતે ચડે તેવા સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું કશું ભલું કરવાના નથી.” ‘બાવા-બિઝનેસ’ વિશે તેમના મનમાં કેવી લાગણી હતી, તેનો ખ્યાલ અમદાવાદના વિદ્યાર્થીઓ સમક્ષ ૧૯૨૦માં તેમણે આપેલા એક પ્રવચનમાંથી પણ મળી રહે છે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા માટે પાનો ચડાવતાં તેમણે કહ્યું હતું, “તમે સરકારી શાળાઓમાંથી ઊઠી જશો તો તમારી શી વલે થશે, એવી શંકાને પણ સ્થાન નથી. દેશમાં છપ્પન લાખ નિરક્ષર બાવાઓ ભૂખે નથી મરતા; તો તમે એવી શંકા શું કરવા કરો?” ત્રણ વર્ષ પહેલાં બારડોલી સત્યાગ્રહ પર વારી જનારા મુન્શી પ્રેમચંદે પોતાના સામયિક ‘હંસ’ના એપ્રિલ, ૧૯૩૧ના અંકમાં ‘હમારે નેતાઓં કી બહકી બાતેં’ શીર્ષક હેઠળ લખ્યું હતું : “ગુજરાતમાં સરદાર પટેલે એક ભાષણમાં કહ્યું, ‘ભારતમાં ઘોર સંગ્રામ થવાનો છે. જેમને પોતાનો જીવ વહાલો હોય, તેમણે ભારત છોડીને જતા રહેવું જોઈએ.’ સરદાર પટેલને ભલે જીવ વહાલો ન હોય, પણ આપણને જીવ વહાલો છે એટલે તો સ્વરાજ્ય લેવા માટે લડીએ છીએ. અને સરદારને પોતાનો જીવ વહાલો નથી એવું કોણ કહી શકે? બે વર્ષ પહેલાં તો એ વકીલાત કરતા હતા અને કાયદાના અભ્યાસ માટે વિલાયત ગયા હતા; એટલા માટે કે જીવ વહાલો હતો. બે વર્ષથી તેમનામાં વિશેષ જાગૃતિ આવી હોય, તો એવું ન બને કે આજે એ જેમને લાંછન લગાડી રહ્યા છે એવા લોકોમાં પણ જાગૃતિ આવે? જે પરિસ્થિતિમાં તમારું [સરદારનું] મોટા ભાગનું જીવન વીત્યું છે, એ જ સ્થિતિમાં બીજા ઘણા લોકો જીવી રહ્યા છે. તમે એમનાથી વહેલા જાગ્યા, એટલે તેમને મહેણાંટોણાં મારવાથી તેમને દુઃખ પહોંચાડવા સિવાય બીજું કંઈ થવાનું નથી. તમારી જેમ બીજા લોકો પણ સ્વરાજ્ય ઇચ્છે છે. ભાગ્યે જ એવું કોઈ અધમ પ્રાણી હશે જે સ્વરાજ્યનું પ્રેમી ન હોય. તમારામાં વધારે શક્તિ અને સાહસ છે, એટલે તમે શસ્ત્રો સજીને મેદાનમાં ઊતર્યા છો, પણ જે માણસો તમારી મદદ કરે છે, તેમની કોઈ ગણતરી જ નહીં? કોંગ્રેસે આ સંગ્રામમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હશે. એ રૂપિયા પ્રજાએ આપ્યા છે. એ રૂપિયા વિના સ્વરાજ્યનું આંદોલન એક દિવસ પણ ન ચાલી શકે. નમ્રતા યોદ્ધાઓનું ભૂષણ છે. ડીંગો મારવામાં અને બીજાને ટોણા મારવામાં તેમની શોભા નથી.” પ્રેમચંદજીએ સરદારનાં બીજાં પ્રવચનો વાંચ્યાં હોત તો તેમની પ્રતિક્રિયા કેવી ઉગ્ર હોત, એ કલ્પી શકાય છે. ઉદાહરણ તરીકે, ૧૯૨૯માં બિહારની મુલાકાત વખતે ચંપારણના ખેડૂતોને સરદારે કહ્યું હતું, “તમારી મા, બહેન, પત્ની-એમને પડદામાં રાખીને તમે માનો છો કે તમે એમના શિયળની રક્ષા કરી શકશો? કે તમારી ગુલામી એઓ બહાર આવીને જુએ એથી તમે ભડકો છો? મારું જો ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં એમને છેડા ફાડી આપોની!” મુંબઈની એક સભામાં તેમણે કહ્યું, “સ્વરાજ જોઈતું હોય તો ખુવારી માટે તૈયાર રહેવું પડશે… મુંબઈમાં આવી ધગશ ના હોય તો મુંબઈને દરિયો વિશાળ છે. દસ લાખ માણસ માટે તે પૂરતો છે. તેમાં ડૂબી મરીને પણ મુંબઈ પોતાનું નાક ન ખૂવે એમ હું આજે અંતરથી ઇચ્છી રહ્યો છું.” બિહારમાં તેમણે કહેલું : “જે બ્રાહ્મણ ઢીંગલા-ઢીંગલીના વિવાહ [બાળળગ્નો] માટે સ્મૃતિ ટાંકે છે, તે બ્રાહ્મણ નથી પણ રાક્ષસ છે અને જે માબાપો એ બ્રાહ્મણનું માનીને છોકરાંને લગ્નની કાળીમાતાને વધેરે છે, તેઓ પોતે પશુ છે. મારા હાથમાં કાયદો હોય તો હું તો એવાંઓને ગોળીથી ઠાર કરવાની સજા ઠરાવું.” સરદારની આરોગ્યપ્રદ કડવી દવાઓનો ડોઝ દેશવાસીઓને આઝાદી પછી પણ મળતો રહ્યો. નાયબ વડાપ્રધાન સરદારે આણંદ કૃષિ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરતાં કહ્યું, “જુવારના ખેતરમાં તાળીઓ પાડી ચકલાં ઉડાડીએ તેમ ધાંધલ કરી સરકારને ભગાડી છે, પણ ખરી મહેનત હવે કરવાની છે. તો જ આપણી સ્થિતિ સુધરશે.” સરદારની રમૂજવૃત્તિને પ્રશંસીને ગાંધીજી ઘણી વાર કહેતા, “સરદાર મરશે તો એ કંઈક વિનોદ કરીને હસતે મોંએ મરશે. એના વિનોદી સ્વભાવથી જ એ ટકી રહ્યા છે.” ભાગલાના દોઢેક મહિના પછી, ગાંધીજીની ૭૮મી વર્ષગાંઠ પ્રસંગે તેમને થેલી અર્પણ કરવાનો કાર્યક્રમ દિલ્હીના ગુજરાતી લોકોએ ગોઠવ્યો. ગાંધીજીને સખત ઉધરસ થઈ હતી, છતાં એ સમારંભમાં જવા તૈયાર થયા. એટલે સરદારે તેમને મીઠો ઠપકો આપતાં કહ્યું, “આવી ઉધરસમાં ગુજરાતીઓની સભામાં જવાનું કેમ કબૂલ્યું? પણ તમે તો એવા લાલચુ અને લોભી છો કે, જો સાંભળશો કે ફલાણી જગ્યાએથી ફંડ માટે થેલી મળે છે તો મરણપથારીએથી ઊઠીને જશો!” ગાંધીજી પર આવા ઠપકાની શી અસર થાય? તેમણે પોતે પાછા વળવાને બદલે, સરદારને પોતાની સાથે લીધા અને કહ્યું, “તમે હશો તો કંઈક વધારે મળશે, માટે ચાલો!” આઝાદી પછી હૈદ્રાબાદનો પ્રશ્ન ઝળૂંબતો હતો, ત્યારે ચર્ચિલે બ્રિટિશ સંસદમાં ભાષણ કરી આઝાદ ભારતની સરકારની આકરી ટીકા કરેલી. સરદારે વિવેક ચૂક્યા વિના ચર્ચિલને જવાબ આપ્યો. પછી ચર્ચિલના વારસ સમાન એન્થની ઈડન ભારતના પ્રવાસે આવ્યા ત્યારે સરદારને તેમણે કહ્યું, “તમારો જવાબ ચર્ચિલે બરાબર માણ્યો છે અને ખાસ કહ્યું છે કે સરદારે તેમનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત રાખવાની જરૂર નથી; દુનિયાને પણ તેમની ઝમક જોવા-સાંભળવા મળવી જોઈએ.” ઇંદુલાલ યાજ્ઞિક ‘ગુજરાતના શ્રેષ્ઠ યુવાધન’માં ગણતરી પામતા હતા. સરદાર સાથે મતભેદોના પગલે ઇંદુલાલે ૧૯૨૧માં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું, ત્યારે ગાંધીજીએ, ‘સ્વભાવફેરને કારણે સાથે કામ કરવું અશક્ય હોવાથી, ઘણા દુઃખની સાથે ભાઈ ઇંદુલાલનું રાજીનામું સ્વીકારવું’ એવી સલાહ આપી. એ પ્રસંગે વલ્લભભાઈએ એવું લાગણીસભર પ્રવચન કર્યું કે ઇંદુલાલની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. તેમણે કહેલું, “રાજીનામું આપવું, આપી છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇંદુલાલ મારા નાના ભાઈ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવે છે. હું શું કહું? મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું.” ઇંદુલાલ સાથે તેમનો સંઘર્ષપૂર્ણ સ્નેહસંબંધ પછીનાં વર્ષોમાં જળવાઈ રહ્યો. બીજા વિરોધીઓ પ્રત્યે પણ સરદાર ડંખ રાખતા ન હતા. સરદાર વિશેની સૌથી ચિંતાજનક ગેરમાન્યતા એટલે સરદારનો માની લેવાયેલો મુસ્લિમદ્વેષ. સરદાર માનતા હતા કે “રાષ્ટ્રને વફાદાર મુસ્લિમને કોઈ પણ હિંદુના જેટલું જ સંરક્ષણ ભોગવવાનો અને હિંદુના જેવા જ અધિકારો ભોગવવાનો હક છે.” છતાં મુસ્લિમ નેતાઓને ઠપકો આપતાં સરદાર કદી ખચકાટ અનુભવતા નહીં. ઠપકા જેટલા હકથી તે મુસ્લિમોને સંરક્ષણ પણ આપતા હતા. પાકિસ્તાનમાં હિંદુઓ-શીખોની મોટા પાયે કતલ થતી હતી ત્યારે મુસ્લિમ નિરાશ્રિતોના એક કાફલાને અમૃતસરમાંથી પસાર થવા દેવાનો સ્થાનિક શીખોએ ઇન્કાર કર્યો. તેમને સમજાવવા માટે ખુદ સરદાર અમૃતસર પહોંચી ગયા હતા. જાહેર સભામાં તેમણે શીખોને કહ્યું હતું, “નિર્દોષ અને રક્ષણ વગરનાં પુરુષો-સ્ત્રીઓ-બાળકોની કતલ કરવી તે શૂરવીરોને છાજતું નથી. આ શહેરમાંથી જઈ રહેલા મુસલમાન નિરાશ્રિતોની સલામતીની પ્રતિજ્ઞા તમારે લેવી જોઈએ.” તેમની સાથે મોજુદ અંગત સચિવ વી. શંકરે નોંધ્યું છે કે, “જે પ્રેક્ષકોની આંખમાં ખૂન નીતરતું હતું, તે જ પ્રેક્ષકોએ પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમ કાફલાને શાંતિથી નીકળી જવા દેવાની તેમની વિનંતીને ઉત્સાહપૂર્વક ટેકો આપ્યો.” પૂર્વ પંજાબમાં નિરાશ્રિતોની ટ્રેનો પર થતા હુમલા અટકાવવા માટે સરદારનો હુકમ હતો : “દિવસે અને રાત્રે પહેરો ભરવા માટે ગામડાના લોકોની ચોકિયાત ટુકડીઓ ઊભી કરવી. જે ગામના સીમાડામાં રેલવેના પાટાને નુકસાન થશે અથવા ટ્રેનો પર હુમલા થશે તેમના પર સામુહિક દંડ નાખવામાં આવશે, એવી ચેતવણી આપવી. દરેક વખતે હુમલા થાય કે તરત જ આવો દંડ નાખવો.” ‘મુસ્લિમો તરફથી ખતરો’ સૂચવતા પત્રો પર સરદાર હોંશે હોંશે ભરોસો મૂકી દેતા નહીં. રાજેન્દ્રપ્રસાદે એક પત્રમાં મુસ્લિમધર્મી મેયો લોકો દ્વારા દિલ્હીમાં થયેલા દેખાવો અને તેનાથી બિનમુસ્લિમોમાં ફેલાયેલા ભય વિશે લખ્યું, ત્યારે સરદારે વળતી ટપાલે જવાબ આપ્યો હતો, “દિલ્હીની દૈનિક પરિસ્થિતિના અહેવાલની નકલ આ સાથે મોકલી છે. તમે જોઈ શકશો કે લગભગ તમામ હુમલા એકતરફી છે. તેમાં હિંદુઓ અને શીખો હુમલાખોર છે. હિંદુઓમાં સેવાતો ભય અને આ બાબતમાં તમને અપાયેલી ખબર ખોટી ઠરાવવા માટે આ અહેવાલ પૂરતો છે.” મુસ્લિમ લીગે હિંસાનો રસ્તો લીધો ત્યારે સરદારે કોંગ્રેસના મેરઠ અધિવેશન (૧૯૪૬)માં “તલવારનો સામનો તલવારથી કરો”, એવું વિધાન કર્યું હતું. સરદારની ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત વખતે કોઈએ “તલવારનો સામનો તલવારથી કરો”નો અર્થ પૂછ્યો, ત્યારે સરદારનો જવાબ હતો, “ગાંધીજીની મુખ્ય વાત અહિંસાની છે; પણ એની તૈયારી ન હોય તો રોતા રોતા, દોડતાદોડતા પોલીસચોકી પાસે ન જાઓ, એ એનો અર્થ છે. આપણા પર જે માણસોના રક્ષણની જવાબદારી હોય, એમના પર જોખમ આવતાં ખાટલા તળે ભરાઈ જવું, એના કરતાં તો રક્ષણ માટે લડતાંલડતાં મરી જવું સારું. આપણામાંથી કાયરતા કાઢી નાખવી જોઈએ, એ એનો અર્થ છે.” ૧૯૪૮માં લખનૌની એક સભામાં સરદારે કહ્યું, “મને મુસ્લિમોનો કટ્ટર શત્રુ ચીતરવામાં આવે છે, પણ હું તેમનો સાચો મિત્ર છું. મને ગોળગોળ વાત કરવાનું ફાવતું નથી. હું સીધી વાત કરવામાં માનું છું. હું તેમને નિખાલસતાથી કહેવા માગું છું કે એ લોકો ભારત પ્રત્યે ફક્ત વફાદારી જાહેર કરે એટલું પૂરતું નથી. હું તેમને પૂછું છું કે પાકિસ્તાને ભારત પર કરેલા આક્રમણને શા માટે એક અવાજે વખોડી કાઢ્યું નહીં? ભારત પર થતા કોઈ પણ આક્રમણને વખોડી કાઢવાની ભારતના મુસ્લિમોની ફરજ નથી? જે મુસ્લિમો બેવફા છે, તેમને પાકિસ્તાન જવું પડશે. જે લોકો હજુ બે ઘોડે સવારી કરી રહ્યા છે, તેમણે હિંદુસ્તાન છોડવું જ રહ્યું.”

ઉદ્યોગપતિઓ સાથે સરદારને ગાઢ સંબંધો હતા. તેમનું એક કામ કોંગ્રેસ માટે ભંડોળ એકઠું કરવાનું હોવાથી પણ મૂડીવાદીઓ સાથે તેમને સીધો પનારો પડતો. એકવાર તેમણે કહ્યું હતું, “ક્યારેક મને ‘રાજાઓનો પિઠ્ઠુ’ કહેવામાં આવે છે, તો ક્યારેક ‘ધનિકો અને જમીનદારોનો પિઠ્ઠુ’. અસલમાં હું સૌનો પિઠ્ઠુ છું. ઘણા કહે છે, આ તો મૂડીવાદીઓનો મિત્ર છે. પણ ગાંધીજી સાથે જોડાયો ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંપત્તિ નહીં રાખું. આ ચીજ હું એમની પાસેથી શીખ્યો છું અને એનાથી મોટા બીજા કોઈ સમાજવાદમાં હું માનતો નથી ગાંધીજી સાથે રહીને હું એ પણ શીખ્યો છું કે રાજાઓ, મૂડીવાદીઓ કે જમીનદારો-કોઈ સાથે દુશ્મની કરવાની જરૂર નથી. દેશના હિતમાં બધા પાસેથી કામ લેવું.” ગાંધીજીએ ૧૯૨૧માં ‘ટિળક સ્વરાજ ફંડ’ પેટે એક કરોડ રૂપિયાનો ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું અને તેમાંથી ગુજરાતની પ્રાંતિક સમિતિના ભાગે રૂ. ૧૫ લાખ ઉઘરાવવાના આવ્યા, ત્યારે સરદારની આગેવાની હેઠળ એ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો હતો. તેમની કાર્યપદ્ધતિ વિશે ઇંદુલાલ યાજ્ઞિકે નોંધ્યું છે, “ઠેકઠેકાણેથી નાના-મોટા વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સમિતિની કચેરીએ ઊભરાતા ગયા. વલ્લભભાઈની આસપાસ મિજલસ જામે. કોઈને હસાવે, કોઈકને તતડાવે. કોઈને સલાહ તો કોઈને ચીમકી આપે. જે આવે તેને ફાળો ઉઘરાવવાની તાકીદ કરે. સાથે સાથે રેંટિયો ફેરવતા જાય.” પક્ષ માટે તેમણે લાખો રૂપિયાનો વહીવટ કર્યો, કરોડપતિઓ સાથે તેમનો ઘરોબો રહ્યો, પણ અંગત જીવનમાં તે ગાંધીવાદી સાદગીનું પ્રતીક બની રહ્યા.

સરદાર ભારતના રાજકારણમાં મહત્ત્વના પરિબળ તરીકે ઊભરી રહ્યા હતા, ત્યારે પણ વતનમાં તેમના માટે ગૌરવની લાગણી ન હતી. ઘણાખરા જ્ઞાતિબંધુઓ તેમને જ્ઞાતિની સંકુચિત ફૂટપટ્ટીથી જ માપતા હતા અને તેમના પ્રત્યે કંઈક અંશે રોષ પણ ધરાવતા હતા. પરંપરાગત સ્વરૂપની ધાર્મિક આસ્થા નાનપણમાં કૌટુંબિક સંસ્કારોને લીધે વલ્લભભાઈના મનમાં હતી. છતાં ધર્મને પોતાની લોકપ્રિયતા વધારવાના માધ્યમ તરીકે તેમણે ક્યારેય ન જોયો. તેમનાં પ્રવચનોમાં ઈશ્વરેચ્છાની વાત આવતી હોવા છતાં, તેમણે ઈશ્વરના નામે અકર્મણ્યતાને કદી પ્રોત્સાહન ન આપ્યું. મરણપથારી પર અંતિમ ઇચ્છા તરીકે તેમણે ધાર્મિક પાઠ-સ્તુતિને બદલે વીણાવાદન સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. કર્ણાટકી સંગીતમાં મોટું નામ ધરાવતા વી. કે. નારાયણ મેનને સરદારના સરી જતા શ્વાસમાં વીણાના સૂર વહેતા કર્યા. ૧૯૫૦ની ૧૫મી ડિસેમ્બરે સરદારની આંખ મીંચાઈ. એ ન હોત તો પોતાનાથી જે કામ થઈ શક્યું તે ન થયું હોત, એવું વિધાન કરનારા ગાંધીજીના આ શબ્દોના પડઘા હજી સંભળાય છે : “સરદાર વલ્લભભાઈનો જય હો!”