સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/અંતે!

From Ekatra Wiki
Revision as of 05:50, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અંતે મોહ્યો તું મૃગલામાં. મેરુ સમગ્ર ચઢયો, ને લથડયો છેવટનાં પગલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંતે મોહ્યો તું મૃગલામાં.
મેરુ સમગ્ર ચઢયો, ને લથડયો છેવટનાં પગલાંમાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
રહ્યો જીવનભર પારંગત તરી પાર જવાની કળામાં :
છેલ્લી પળે જંજીર જડી તેં હળવાફૂલ ગળામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
મહેનત કરી કરી મંદિર બાંધ્યું મોહનનું મનડામાં :
ભજ્યા ચતુર્ભુજ અચલ રહી, પછી ચળ્યું ચિત્ત ચપલામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
ખેડ કરી શોણિત સીંચીને જિંદગીના વગડામાં :
ચાંપી દીધી ચિનગારી અંતે રે લેલુંબ ખળામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
[‘રામ, તારો દીવડો’ પુસ્તક]