સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/સ્વરાજ પછી દુઃખનો પ્રારંભ

From Ekatra Wiki
Revision as of 11:11, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૮૯૭માં અમે મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી (હીરક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૮૯૭માં અમે મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી (હીરક મહોત્સવ) ઊજવી હતી. એ જ્યુબિલીને વીસ વરસ પણ ન થયાં અને ભારતમાં ગાંધીજી આવ્યા, અને એમણે સુપ્ત ભારતને તેમ જ આખી દુનિયાને પ્રજાશક્તિનો નવો ચમત્કાર બતાવ્યો. આજે આપણે બધા સ્વરાજની મોકળી અને પ્રાણદાયી હવામાં જીવીએ છીએ. ભારતના જીવનમાં સહુથી ધન્ય વાત આ જ છે કે પારતંત્રયની અંધારી રાત વટાવીને આપણે સ્વરાજ્યનો ઉદય જોઈ શક્યા. આજે દેશમાં જ્યાં જુઓ ત્યાં અસંતોષ દેખાય છે અને સ્વરાજની હિલચાલ વખતના કેટલાક કુમારો આજે પૂછે છે : “શું દેશની આવી સ્થિતિ માટે અમે સ્વરાજની લડત લડયા હતા?” એવા લોકોને માટે એમના અને અમારા બુઝુર્ગ લોકમાન્યની વાણી સંભળાવવા માગું છું. ભારતનું તાત્કાલિક ભાગ્ય જેના હાથમાં હતું એવા [બ્રિટિશ સરકારના] સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇન્ડિયા વેજવૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના પ્રમુખ નેતાઓને એમણે મળવા બોલાવ્યા. નેતાઓ નવા નવા બૂટ-સૂટ પહેરીને મળવા ગયા. દેશી પોશાકમાં બે જ જણા હતા : લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી. બેન મહાશયે લોકમાન્યને પૂછ્યું : “તમે સ્વરાજ માગો છો. પણ તમે માનો છો કે સ્વરાજ મળવાથી તમે સુખી થશો?” લોકમાન્ય ટિળકે દૂરંદેશી, તેજસ્વી અને સાચો જવાબ આપ્યો : “ના, સુખી તો આજે છીએ; પણ એવું સુખ અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ભારતનું રક્ષણ તમે કરો છો. રાજ્ય તમે ચલાવો છો. અમને એની હૈયાબળતરા નથી. સ્વરાજ મળશે ત્યારે અમારા દુઃખનો પ્રારંભ થશે. પણ એમાં જ અમે રાચીશું. વિઘ્ઘ્નો આવશે એને પહોંચી વળતાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલો કરીશું તે સુધારતાં સુધારતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.” ભારતમંત્રી સડક થઈને ગાંધીજી તરફ વળ્યા. મીઠું હાસ્ય કરીને તેમણે પૂછ્યું : “અરે ગાંધી! તમે તો ધર્મપુરુષ કહેવાઓ, સેવામૂર્તિ છો. તમે આ રાજદ્વારી ક્ષેત્રમાં ક્યાં ફસાયા?” ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો : “તમારી વાત સાચી છે. પણ શું કરું? મારે તો અધર્મ સામે લડવું રહ્યું. હમણાં અધર્મ રાજદ્વારી ક્ષેત્રમાં ઘૂસ્યો છે, એટલે ત્યાં પહોંચીને અધર્મ સામે ઝુંબેશ ચલાવવી પડે છે.”

એક વાર લોકમાન્યને એમના સાથીઓમાંથી કોઈકે પૂછેલું : “બળવંતરાવ! સ્વરાજ આવશે ત્યારે તમે કયા ખાતાના મિનિસ્ટર થશો?” કસાણું મોઢું કરી લોકમાન્યે જવાબ આપ્યો : “ના રે, એ ગંદા કામમાં કોણ ઊતરે? તમે માનો છો કે રાજદ્વારી વાતોમાં મને રસ છે? સ્વરાજ આવ્યે, હું તો ગણિતનો અધ્યાપક થઈશ. ‘થિયરી ઑફ નમ્બર્સ’માં મારે ઘણું સંશોધન કરવાનું છે. આ તો ભારતમાતા પરદાસ્યમાં રિબાય છે, તે એના કપાળ પરની કાળી ટીલી ભૂંસી નાખવી છે, એટલા માટે આ રાજદ્વારી ગંદવાડમાં હું ઊતર્યો છું.” પછી મહાત્માજીએ તો સ્વરાજ મેળવ્યું, જોયું. પણ એમાં છાંટાભાર અધિકાર પોતાના હાથમાં ન રાખ્યો.

ગુજરાત વિદ્યાપીઠ ચલાવવાનો ભાર જ્યારે ગાંધીજીએ મારે માથે નાખેલો તે વખતની વાત છે. મારા વાર્ષિક ભાષણમાં મેં કહેલું કે, “સ્વરાજ માટે દેશને તૈયાર કરવો અને અહિંસક ઢબે સ્વતંત્રતા મેળવવી, એ સત્યયુગનું કામ છે. આપણી આ લડત જેમ જેમ જોર પકડશે, ઉત્કટ થશે, તેમ તેમ આ દેશમાં સત્યયુગ જામશે. પણ તે સ્વરાજ મળે એ ઘડી સુધી જ ટકશે. પછી તો આપણે દુનિયાના અનેકાનેક સ્વતંત્ર દેશો જેવા જ થઈ જઈશું. ઇંગ્લેંડ-અમેરિકા તો શું, અફઘાનિસ્તાન અને અરબસ્તાન પણ સ્વતંત્ર છે. એવા સ્વતંત્ર દેશોની હારમાં ક્યાંક જઈને બેસીશું. “ગંગા નદી હરદ્વાર સુધી હિમાલયના પહાડોની વચ્ચે થઈને રસ્તો કાઢતો એક જોશીલો પ્રવાહ છે. પછી તો સામે ખુલ્લું મેદાન! એટલે સ્વતંત્ર પ્રવાહ અનેક દિશામાં વહેવા લાગે છે. ક્યાં જવું અને ક્યાં ન જવું, તે એને સૂઝતું નથી. દરેક પ્રવાહ સાંકડો અને છીછરો થઈ જાય છે. આગળ જ્યારે એ બધી ધારાઓ એક થાય છે અને ચંબલ, યમુના, ગંડકી, તિસ્થા જેવા પ્રવાહોને પોતાનામાં સમાવી લે છે, ત્યારે જ ગંગામૈયા ભારતમાતા બની યુક્ત પ્રાંત, બિહાર અને બંગાળની ભૂમિને ફળદ્રુપ કરે છે અને હિમાલયની પેલી પારનું પાણી ભેગું કરી આવનાર આસામના નદ બ્રહ્મપુત્રા સાથે સહયોગ સાધી ગંગાસાગર પાસે સમુદ્રને મળે છે. “સ્વતંત્ર થયા પછી આપણે મુશ્કેલીઓમાં આવવાના. એ મુશ્કેલીઓ વટાવ્યા પછી જ ભારત પોતાના મિશનની યાત્રા શરૂ કરશે. માટે આપણે યાદ રાખીએ : સ્વરાજ પછી મૂંઝવણ, અને મૂંઝવણને અંતે સર્વોદય.” [‘બાપુની છબી’ પુસ્તક]