સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ક્ષિતિમોહન સેન/પ્રેમસૂત્રમાં પરોવાયેલાં

From Ekatra Wiki
Revision as of 05:43, 23 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હું સંસ્કૃત ભણતો તે વેળા ચતુષ્પાઠીઓની પ્રથા હતી. મંદિરો કે શ્રીમંતોના આશ્રયે ચાલતાં આ ગુરુકેન્દ્રિત વિદ્યાલયોમાં ચતુર્વેદ અને ષટ્શાસ્ત્રોનું શિક્ષણ અપાતું હતું. વિદ્યાર્થીઓ ગુરુને ઘેર તેમનાં સંતાનોની જેમ રહેતા અને ભણતા. ગુરુ તથા ગુરુપત્ની એ શિષ્યો અને પોતાનાં સંતાનો વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ રાખતાં નહીં. આવી આત્મીયતાને કારણે ગુરુ અને શિષ્યોનાં કુટુંબો ઘણી પેઢીઓ સુધી પ્રેમસૂત્રમાં પરોવાયેલાં રહેતાં. તે કાળે કાશીમાં કેશવ શાસ્ત્રી નામના મહારાષ્ટ્રી પંડિત વસતા. પોતે નિસંતાન અને વિધુર હતા; ઘરની દેખરેખ એમનાં બહેન રાખતાં. બધા વિદ્યાર્થીઓનાં તે ફોઈ હતાં. પંડિતજીને ત્યાં લગભગ રોજ કોઈ ને કોઈ ભક્તને ત્યાંથી મીઠાઈ વગેરે આવતું. કોઈ નવો વિદ્યાર્થી આવ્યો હોય અને મીઠાઈ પર હાથ મારતાં સંકોચ પામે, તો ફઈબા પંડિતજી પાસે જઈને ફરિયાદ કરતાં : “આ છોકરાઓને કોણ જાણે શું થયું છે — જાણે પારકું ઘર હોય એમ રહે છે. પહેલાંના છોકરા તો મીઠાઈ કેવી ચટ કરી જતા!” મમતાના આ વાતાવરણમાં કર્તવ્યભાવનાનો અગ્નિ પણ સદા પ્રજ્વલિત રહેતો. બીજા એક વિખ્યાત પંડિત ગંગાધર શાસ્ત્રીનો પુત્ર ઢૂંઢિરાજ નાના સરખા મંદવાડમાં એક દિવસ ચાલી નીકળ્યો. પણ પંડિતજીએ તો તે દિવસે પણ અમને નિત્ય મુજબ ભણાવ્યા. એમના મુખ પરની ઉદાસીની ઊંડી રેખાઓનું કારણ અમે કલ્પી શક્યા નહીં. તે દિવસે અમારો પ્રિય સાથીદાર ઢૂંઢિરાજ વર્ગમાં આવેલો નહીં, એટલે વર્ગ પૂરો થતાં જ અમે તેના નામની બૂમ મારી. ત્યારે પંડિતજી બોલ્યા કે, “ઢૂંઢિરાજ તો હવે એટલો દૂર ચાલ્યો ગયો છે કે તમારો અવાજ ત્યાં સુધી નહીં પહોંચી શકે.” પહેલાં તો અમે કાંઈ સમજ્યા નહીં. પછી બનેલી ઘટનાનો ખ્યાલ આવ્યો, ત્યારે અમારામાંથી એક જણે આશ્ચર્ય અને વિનયથી પૂછ્યું, “ગુરુજી, આવા દુઃખમાં પણ તમે આજે પાઠ બંધ ન રાખ્યો?” “એવું શી રીતે થાય, બેટા?” પંડિતજીએ સમજાવ્યું. “તમે બધા બાળકો ક્યાં ક્યાંથી અહીં આવ્યા છો! તમારો એક દિવસ પણ હું શી રીતે બગાડું? પુત્રશોક તો મારી અંગત બાબત છે. પણ જ્ઞાનની આ ઉપાસનાનો સંબંધ તો તમારી સહુની સાથે છે. તેમાં વિઘ્ઘ્ન નાખીને તમારો વિકાસ અટકાવું, એ શું મારે માટે યોગ્ય કહેવાય?” [‘નવનીત’ માસિક : ૧૯૬૮]