સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત બક્ષી/જનતાની ઝુબાન પર જન્મેલી

From Ekatra Wiki
Revision as of 06:11, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો ૧૯૪૭-૧૯૪૮માં, પાલનપુર હાઈસ્કૂલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો ૧૯૪૭-૧૯૪૮માં, પાલનપુર હાઈસ્કૂલમાં, અને ઉર્દૂના પહેલા સબક શીખવનાર મારો દોસ્ત અલી મુર્તુઝા શમીમ હતો, જેને બધા શમીમ પાલનપુરી તરીકે ઓળખતા હતા. આઝાદીના દિવસો હતા, હવામાં ઇલેક્ટ્રિક ચમક હતી અને મારી ઉંમર પંદર-સોળની હતી, એ ઉંમર જ્યારે બધું જ નવું જ્ઞાન બ્લોટિંગ પેપરની જેમ ચુસાતું જતું હતું. એક પુસ્તિકા હાથમાં આવી : ‘ઉર્દૂ હિજ્જે વ માની’. પછી હું ઉર્દૂ શીખતો ગયો. ઉર્દૂમાં નિબંધ લખવા સુધી પહોંચી ગયો. મારા સાથીઓ જો મુસ્લિમ હોય તો ઈદ વખતે હું એમને ‘ઈદ મુબારક’નું કાર્ડ લખું છું, સાથે ઉર્દૂમાં એક ખત લખું છું. ઉર્દૂ જાણું છું, પણ ફારસી શીખ્યો નથી એનો રંજ જીવનભર રહ્યો છે. ફારસી જગતની સૌથી શીરીં ઝબાનોમાંથી એક છે. શમીમ અને હું એ ૧૯૪૭ના વર્ષમાં પાલનપુરના માનસરોવર ફરવા જતા, ધૂળમાં મીણબત્તી સળગાવતા, મારો દોસ્ત મને ઉર્દૂની નવી ચીજો સંભળાવતો. સાહિર લુધિયાનવીની ‘તલ્ખિયાં’, અને મખ્દુમ મોહિયુદ્દીનની ‘લો સુર્ખ સવેરા આતા હૈ, આઝાદી કા, આઝાદી કા…’ અને જોશ મલીહાબાદીની (શમીમ ઉચ્ચાર કરતો હતો : જોશ મલયાબાદી) ‘મુઠ્ઠીઓં મેં ભર કે અફશાં ચલ ચૂકા હૈ ઇન્કલાબ!’ હિંદુ સ્ત્રીઓ સૌભાગ્ય માટે વાળમાં જેમ સિંદૂર ભરે છે, એમ મુસ્લિમ પરિણીતાઓ માંગમાં અફશાં અથવા ચાંદીના રંગની ભૂકીની ચપટી ભરે છે. શમીમે મને ઉર્દૂ અદબની પૂરી દુનિયા ખોલી આપી અને એ માટે હું મારા એ દિલદાર દોસ્તનો આજીવન ઋણી રહ્યો છું. ઉર્દૂ મને બહુ કામ આવી ગયું છે. કરાંચીમાં ૧૯૮૧માં હું ઉર્દૂ જાણતો હતો માટે બહુ સહુલિયત રહી હતી. હા, ઉર્દૂ ન હોત, શરાબ ન હોત, રેશમી કબાબ ન હોત, શામ ન હોત, ‘શમ્આ હર રંગ મેં જલતી હૈ સહર હોને તક’ ન હોત, શરારતી આંખો ન હોત, તો આ જિંદગી ૭૨ વર્ષ સુધી કેમ ગુજરી હોત? ઉર્દૂએ બહુ સુખ આપ્યું છે, બહુ દુઃખ આપ્યું છે. ઉર્દૂ શીખવા મળ્યું એને હું મારી ખુશકિસ્મતી સમજું છું. ઉર્દૂ એક એવી ભાષા છે જે જનતાની ઝુબાન પર ઊછળતી ઊછળતી જન્મી છે. મુશાયરાઓ થાય છે, મહેફિલો થાય છે, તમાશબીનો આવે છે, વાહવાહીમાં ઉર્દૂ ઘૂંટાઈ જાય છે. હિંદુસ્તાનમાં ઉર્દૂ માત્ર જલસાઓ અને જશ્નોની ભાષા જ બની રહેશે? કદાચ, કારણ કે ઉર્દૂના રિસાલા કે પર્ચા વેચાતા નથી, એમને જાહેરખબરો મળતી નથી. નવી પેઢીઓને ઉર્દૂમાં દિલચસ્પી નથી. જોબ-માર્કેટમાં ઉર્દૂનું સ્થાન કોંકણી કે તુલુ કે કચ્છી બોલીઓ કરતાં પણ નીચું છે. ગુજરાતી મુસ્લિમોમાં પણ ખાલિસ ઉર્દૂ બોલી શકે (લખવાની વાત જવા દઈએ!) એવા લોકો બહુ ઓછા જોવા મળે છે. [‘ઉર્દૂ શીખો’ પુસ્તક : ૨૦૦૪]