સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/અનન્ય ચરિત્રારેખા

From Ekatra Wiki
Revision as of 11:39, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચી.ના. પટેલ ગાંધીઘેલા માણસ છે. મિત્રો મજાકમાં કહે છે કે એમન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ચી.ના. પટેલ ગાંધીઘેલા માણસ છે. મિત્રો મજાકમાં કહે છે કે એમને ગાંધી— વાયરસ લાગુ પડેલ છે. એ કંઈ પણ વાત કરતા હોય — ધર્મની, રાજકારણની, સાહિત્યની — દોસ્તોએવ્સકી કે દલપતરામ ઉપર લખતા હોય, એમાં ગાંધી આવ્યા વિના ન રહે. પણ બીજા ઘણા ગાંધીઘેલાઓ તો હાથમાં આવી ગયેલું ગાંધીજીનું કોઈ પૂછડું પકડીને ચાલતા હોય છે, એમને આખા ગાંધીની ખબર નથી હોતી. ચી. ના. પટેલ એવા માણસ છે કે જેમને આખા ગાંધીની ખબર છે અને પાકી ખબર છે. પોતાની વાતમાં એ ગાંધીને લાવે ત્યારે એ ઉલ્લેખ સંપૂર્ણ અધિકૃત હોય, ગાંધીએ કયા પ્રસંગે અને ક્યારે આમ કહ્યું હતું એ તારીખ-વાર સાથે એ કહી બતાવે, ગાંધીના શબ્દો કયા હતા એ પણ એમને યાદ હોય. આથી જ, ગાંધી વિશે લખાયેલું કંઈ ચી. ના. પટેલ પાસે આવે એટલે એમની ઝીણી નજરને એમાં નાનીમોટી ભૂલો દેખાયા વિના ન રહે. ઉષા મહેતા જેવાં ગાંધીરંગે રંગાયેલાં ને રાજ્યશાસ્ત્રાના અભ્યાસીના ગ્રંથમાં એમને હકીકતદોષો દેખાય અને આચાર્ય કૃપાલાનીને હાથે પણ ગાંધી કેટલેક ઠેકાણે ખોટી રીતે રજૂ થયા જણાય. ચી.ના.ના આધાર સાથેના ખુલાસા સાંભળીએ ત્યારે એમ લાગે છે કે ગાંધી વિશે લખાતું સર્વ કંઈ એમની નજરમાંથી પસાર થવું જોઈએ અને એની શુદ્ધિ કરવાનું કર્તવ્ય એમણે બજાવવું જોઈએ. આવું તો ક્યાંથી થઈ શકે? પણ ગાંધીજીનો એક અધિકૃત ચરિત્રાગ્રંથ તો એમણે આપવો જ જોઈએ, એવું હું હંમેશાં માનતો રહ્યો છું. આ સંયોગોમાં ધીરુભાઈ ઠાકર ‘ગુજરાતી વિશ્વકોશ’ માટે ચી. ના. પટેલ પાસે અધિકરણ લખાવી શક્યા, એ માટે એમને ખરેખર અભિનંદન ઘટે છે. વિશ્વકોશનાં ૪૪ પાનાં અને આશરે ૩૫,૦૦૦ શબ્દોમાં વિસ્તરતો ગાંધીજી વિશેનો આ લેખ વાંચતાં, પહેલાં તો મને લાગ્યું કે આ હકીકતખચીત વૃત્તાંતથી ગાંધીજીની મહત્તા અને એમનો પ્રભાવ યોગ્ય રીતે ઊપસે છે ખરો? આરંભના “ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વવિખ્યાત સંત” એ શબ્દો અને અંતે ટૂંકમાં રજૂ થયેલી ગાંધીજીના યુગકાર્યની સંક્ષિપ્ત નોંધ બાદ કરીએ તો આખાયે લેખમાં નકરી દસ્તાવેજી માહિતી છે. એમાં ક્યાંય ગાંધીજી વિશે પ્રશસ્તિવચનો વેરાતાં જતાં નથી, ગૌરવગાન થતું નથી ને હકીકતોને રોમાંચકતાથી રંગવામાં આવી નથી. કોશરચનાની આવી પણ એક રીત હોય છે — કેવળ હકીકતો રજૂ કરવાની. ‘ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ લિટરેચર’ શેક્સપિયર વિશે ‘એક નાટયકાર’ એટલું જ લખે, ‘મહાન’ કે ‘પ્રથમ પંક્તિના’ કે ‘વિશ્વવિખ્યાત’ એવું વિશેષણ પણ ન લગાડે. અને પછી એમની કોરી જીવનરેખા દોરીને જ સંતોષ માને. ગાંધીજી વિશેનો ચી. ના. પટેલનો આ લેખ એ શિસ્તનો છે. અને એનું મૂલ્ય એ શિસ્તના હોવામાં જ છે. ગાંધીજી કોઈ એક ચોક્કસ પ્રસંગે કેમ વર્ત્યા હતા કે શું બોલ્યા હતા કે એમનું દૃષ્ટિબિંદુ શું હતું એ જાણવા માટે જેની પાસે નિશ્ચિંત રીતે જઈ શકાય એવો આ લેખ થયો છે. એટલે ગાંધીજીવિષયક એક અત્યંત ઉપયોગી સંદર્ભસાધન આપણને હાથવગું થયું છે. સૌ ગાંધી-અભ્યાસીઓ ને ગાંધીપ્રેમીઓના હાથમાં એ હોવું જોઈએ. (ગાંધીચરિત : લે. ચી. ના. પટેલ) [‘વ્યાપન’ પુસ્તક]