સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/ક્યાં ક્યાંથી પોષણ મેળવ્યું

From Ekatra Wiki
Revision as of 11:40, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હું વણિક કુટુંબનું સંતાન. વિદ્યાના સંસ્કાર ઘરમાં નહીંવત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હું વણિક કુટુંબનું સંતાન. વિદ્યાના સંસ્કાર ઘરમાં નહીંવત્. પિતા સાવ બાળપણમાં ગુમાવેલા. પિતાને સ્થાને જેમને અમે ગણતા તે બાપુજી(પિતાના મોટા ભાઈ)એ થોડો સમય શિક્ષકપદું કરેલું. મારા મનમાં ઊંડી વસી ગઈ એમની સરળ સત્યનિષ્ઠા. બા મોટા અક્ષરો વાંચવા જેટલું શિક્ષણ પામેલાં, પણ રૂઢિપ્રયોગો— કહેવતોનો ભંડાર. મને લાગે છે કે સાહિત્યનો ને વિદ્યાનો રસ મારામાં આજુબાજુના વાતાવરણમાંથી જ સિંચાયો હશે. માણસમાં સ્વભાવગત કંઈક હોય છે અને એને અનુરૂપ પોષણ એ આજુબાજુથી ખેંચી લે છે. શિક્ષણે મને ઘણું આપ્યું છે, પણ મારી સિદ્ધિના મૂળમાં કંઈક સ્વભાવગત — કહો કે ઈશ્વરદત્ત હોવા સંભવ છે. જમીનના તળમાંથી ફૂટતી સરવાણી બહારથી આવી મળતાં ઝરણાંઓથી પુષ્ટ બની વિશાળ પ્રવાહનું રૂપ પકડે છે ત્યારે કેટલું એનું પોતાનું અને કેટલું બીજાનું, એ કહેવું મુશ્કેલ હોય છે. તેમ જ જીવનવિકાસનું પણ છે. રામનારાયણ પાઠક એક આદર્શ વિવેચક તરીકે મારી સામે રહ્યા છે — તત્ત્વગ્રહણની સૂક્ષ્મ શક્તિ અને એ તત્ત્વગ્રહણને સ્વચ્છ રીતે ઝીલી બતાવતા ગદ્યને કારણે. મારા સ્વભાવે એમનામાંથી પોષણ મેળવ્યું. અમારા સમાનશીલનો પાયો આ હોવાનો સંભવ છે : વસ્તુને બરાબર સમજવી અને સમજીને લખવું. સમજાયું હોય એ લખવું. સમજાયું હોય એ લખીએ તો બીજાને સમજાય જ. લખાણની દુર્બોધતા ઘણી વાર વસ્તુની અધૂરી પકડ, અપર્યાપ્ત સમજને કારણે હોય છે.