સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/શૈશવની સાંજ

From Ekatra Wiki
Revision as of 12:11, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કોઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. અમારા ઘરની પાછળ દક્ષિણ દિશામાં નજીકમાં જ એક ખેતર; દાદાને નામે એટલે ‘દાદાનું ખેતર’ કહેવાય. બપોર પછી દાદા હાથમાં દાતરડું લઈ ખેતરમાં ચાર લેવા જાય. સાંજના અમે ત્રણ ભાઈબહેનો ભારા લેવા માટે જઈએ. મગફળી, બાજરી, તુવર, મગ, મઠનું વાવેતર કર્યું હોય; એક બાજુ ઝાબમાં (પાણી ભરાઈ રહે એવા નીચાણવાળા ભાગમાં) ડાંગર કરી હોય. ખેતરની વચ્ચે એક આંબો, અમારો નહિ પણ ગામના નાથા ડોસાનો. અમે ખેતરના ખોડીબારામાં પેસીએ ને દાદાને બૂમ મારીએ. દાદા દૂરને શેઢેથી જવાબ વાળે. દાદા એમનું કામ પૂરું કરે ત્યાં સુધી અમે ખેતરમાં રમીએ. મગફળીમાં આળોટવાની મજા આવે; એની લીલી સુંવાળી વાસ બહુ ગમે. ક્યારેક ઘેરથી કહ્યું હોય તો તુવરની સીંગ કે પાપડી ચૂંટીએ; વાડે વાડે ફરી વળીએ ને કેસરી રંગનાં ખટમીઠાં પીલુડાં કે કાળાં ભમ્મર જેવાં કંથારાં વીણીએ; એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ. ખેતરને એક ખૂણે જૂનો કૂવો, ચારે બાજુ જાળાં ને કોરે એક મોટું જાંબુડાનું ઝાડ. કૂવામાં સૂરજનું અજવાળું ન પડે. થાળામાં ઊંધા સૂઈ જઈને અમે કૂવામાં ડોકિયું કરીએ; પથ્થર મારીએ એટલે બખોલોમાં બેસી રહેલાં કબૂતર ફડફડ કરતાં ઊડે. એ અંધારો કૂવો અમારા મનના ઊંડાણને ભયથી ભરી દેતો. દાદાએ વાડમાંથી વેલા ખેંચી કાઢી ભારા બાંધીને તૈયાર કર્યા હોય તે અમારે માથે ચઢાવે. કોઈ વાર ભારામાં મગફળીના છોડ પણ બાંધ્યા હોય. અમે ઘરને આખે રસ્તે એમાંથી મગફળીઓ તોડીને ખાતા ચાલીએ. અમારો વાડો ઠીક ઠીક મોટો. એમાં જામફળી, દાડમડી ને એક ખાટાં બોરની બોરડી; પાછળથી લીંબોઈ ને ગોરસ આંબલી પણ ઉમેરાયાં. નહાવાની શોલ પાસે ફુદીનો ને તુળસી ચંદનીના છોડ. વાડમાં બેત્રણ અનૂરીનાં ઝાડ. વાડામાં બે માંડવા; એના પર ઘીલોડી, દૂધી ને વાલોળના વેલા ચઢાવેલા. છાપરા ઉપર ગલકી ને તૂરિયાંના તેમ જ કોળાંના અને કંટોળાના વેલા. જરૂર પડે ત્યારે અમને નિસરણી મૂકી કોળું કે કંટોળુ લેવા છાપરે ચઢાવે; મજા આવે. ચોમાસામાં જમીન ઉપર ચીભડાં ને કોઠમડાંના વેલા થાય. કંકોડા તો વાડમાં હાથ નાખી વીણી લેવાનાં. પહેલો વરસાદ પડે એટલે અમે થોડી જમીન કોદાળીથી ખોદી એમાં મકાઈના દાણા વાવીએ; રોજ રોજ અધીરાઈથી છોડને ઊગતા જોઈ રહીએ. આખરે એક દિવસ ડોડા વીણી લેવામાં આવે ને વાડામાં કરેલા ચૂલે દાદા શેકવા બેસે. વાડાને એક ખૂણે, આંબલીના ઝાડ નીચે પરાળ ને બાજરી-જુવારના પૂળાનાં કૂંધવાં કરવામાં આવે. લીસા પરાળના ઢગલા ઉપર પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની રીતે ચઢવાની ને ટોચેથી નીચે લસરવાની મજા આવે. આ કૂંધવાંની બાજુમાં વાડને અડીને બળતણનાં લાકડાં ખડકાય. બાપુ સીમળિયેથી લાકડાંનાં ગાડાં મોકલાવે. લાકડાંના આ માંચામાં ચીતળ રહે, કોઈ કોઈ વાર દેખાય. પણ સાપની, એરુઝાંઝરની બીક શહેરીઓને તેટલી ગ્રામવાસીઓને નહિ. હાલતાં ચાલતાં સાપનો ભેટો થઈ જાય. એ એને રસ્તે ને આપણે આપણે રસ્તે, એવું સહ-અસ્તિત્વ પ્રવર્તે. એક વાર અમે લાકડાં ઉપર ચઢીને રમતાં હતાં; મને કશુંક કરડી ગયું. પગ સૂજી ગયો ને કહોવા માંડ્યો. બધાંને ખાતરી કે ચીતળ જ કરડી છે. લોકો જે બતાવે તે ઓસડ-મુરાડિયાં (મૂળિયાં) ઘસીને ચોપડવાં, પાંદડાં વાટીને લેપ કરવો-થાય, પણ કશો ફેર ન પડે. પછી બાપુએ સાપ મંતરવાવાળાની ભાળ કાઢી. છસાત ગાઉ દૂર આવેલા ગુણશિયા ગામે એક જાણકાર રહે. બાપુ પાણીનો લોટો લઈને જાય ને પાણી મંતરાવી લાવે. છએક મહિને આરામ થયો. પાસેના જંગલમાં સીતાફળીઓ પાકે એટલે દાદા સાથે અમારી ટોળી ઊપડે, દાદાએ લાંબા વાંસને છેડે લાકડાનો એક નાનકડો ટુકડો બાંધી ઊંધા Vના આકારવાળી અંકોડી બનાવી હોય. આંખો ઊઘડી હોય (પાકવાને માટે તૈયાર હોય) એવાં અનૂરાંને દાદા આંકડીમાં ભેરવી નીચે ખેંચી પાડે. અમે બધાં એક પોતડીમાં ભેગા કરી ઘેર લાવીએ. વાડામાં પરાળમાં કે પછી ઘરમાં માટલામાં ને કોઠીમાં એને પકવવા નાખીએ. રોજ સવારે વહેલા ઊઠીને અનૂરાં જોવાનાં. પાકાં પાકાં કાઢી વહેંચી લેવાનાં. મહાદેવ પાસેના જંગલમાં એક કોઠીનું ઝાડ; એનાં કોઠાં ગળ્યાં મધ જેવાં. ક્યારેક એ કોઠીએ પહોંચીએ ને નીચે પડેલાં કોઠાં લઈ આવીએ. ઘણાં ખાઈ જઈએ, થોડાંની ચટણી બને. ગોઠથી દોઢેક ગાઉ દૂર વાલોળિયે કૂવે ને પાંણકિયે કૂવે શેરડીના કોલુ ચાલતા હોય ત્યારે દાદા અમને રસ પીવા લઈ જાય. કોલુવાળા અમારા યજમાન; દાદાનું પગે લાગીને સ્વાગત કરે. ખાટલો ઢળાય ને જાતજાતની વાતો ચાલે. અમે છોકરાં કૂવે ચાલતો કોસ જોઈએ, મોટી કઢાઈમાં ઊકળતો શેરડીનો રસ જોઈએ, આજુબાજુ ખેતરમાં લટાર મારીએ. યજમાન એક કોરા ઘડામાં અમારે માટે રસ કાઢે ને માંજેલાં પવાલાં ભરી ભરીને પાય. કોલુ ચાલે છે એવી ભાળ જેમને હોય તેવાં માગણ પણ આવે. બધાંને શેરડીનો સાંઠો ને તાજો તાજો ગોળ ખાવા આપે. અમે બેઠાં હોઈએ તે દરમિયાન ખેડૂતની સ્ત્રી ખેતરમાં ફરી વળી હોય ને મૂળા, મોગરી, રીંગણાં, મરચાં ખોલો ભરી લાવી હોય. દાદા ખભે નાખેલી પોતડી આપે ને એમાં બધું બંધાય. શેરડીના સાંઠા, તાજા ગોળનો પડિયો ને રસનો ઘડો લઈ ખેડૂત અમારી સાથે ઘર સુધી મૂકવા આવે. ઉનાળામાં આંબે શાખ પડી કે નહિ તેની તપાસ કરવા ને પછી આંબો વેડાય ત્યારે કોઈ વાર દાદા સાથે અમે જઈએ. સવારની શીળી ધૂળમાં પડેલાં પક્ષીઓનાં વેલ જેવાં પગલાં જોઈ દાદાને પૂછીએ. દાદા તેતરનાં, હોલાનાં ને લાબડીનાં પગલાં બરાબર ઓળખાવે. ક્યારેક. નેળમાં બે વાડને જોડતો સુંવાળો પટો પડ્યો હોય. દાદા તરત કહે : “એ તો હમણાં જ અહીંથી સાપ ગયો હશે.” પાંણકિયે કૂવે અમારો એક આંબો, ત્યાં જતાં રસ્તામાં મોરડિયો ડુંગર આવે. કોઈ વાર અમે એના ઉપર ચઢીએ. અમારી નાની આંખોને ટોચેથી દેખાતા નાનાં નાનાં રૂપાળાં ખેતરો ને ચાલતાં માણસો જોવાની મજા આવે. ડુંગરની પાછળ ઉત્તર દિશામાં એક તલાવડી; એને કાંઠે ઊગેલાં જાળાંને લીધે પાણી કાળાં ભમ્મર દેખાય. એ તલાવડી ડુંગર ઉપરથી જ જોયેલી. કદી ત્યાં ગયાનું યાદ નથી, પણ મનમાં એક દૃશ્ય જડાઈ ગયું છે : કાળાં ભમ્મર પાણીને કાંઠે ઢોરનું પાંસળીઓવાળું મોટું હાડપંજિર! ત્યારનું એ મારે માટે ગૂઢ ને ભયંકર સ્થાન બની ગયું છે. ઉનાળામાં કોઈ વાર બપોરે ગામડેથી ઘેર આવવાનું થાય કે બપોર પછી ઘેરથી નીકળવાનું થાય ત્યારે અમારી ઉઘાડપગાંની માઠી દશા થાય. દાદા તો નવાગામના ચામડિયા પાસે કરાવેલા ચંપલ પહેરીને આગળ આગળ ચાલતા હોય. અમે છોકરાં ધખેલી ધૂળમાં ચાલીએ. તરસ લાગી હોય, થાક ચઢ્યો હોય ને પગ દાઝતા હોય. ન રહેવાય ત્યારે કહીએ : “દાદા, બહુ દઝાય છે.” દાદા છાંયડે ચાલવાનું કહે, ધૂળિયો ચીલો મૂકીને કાઠી જમીન પર ચાલવાનું કહે, પણ બધે એવું ક્યાંથી હોય? આખરે તેઓ આજુબાજુ ઊગેલાં ખાખરાનાં પાન ચૂંટી લે, વાડમાંથી વેલો શોધી કાઢે ને બબ્બે પાન અમારા પગને તળિયે બાંધી આપે-અમારાં ચંપલ! અમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ ખરું. બાપુ રામભક્ત. સવારમાં પાંચ વાગ્યે ઊઠી ન્હાઈધોઈ દેવપૂજામાં બેસે. સંધ્યા ઉપરાંત ‘રામરક્ષા’ ને ‘હનુમાન ચાલીસા’ બોલે, ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચે. ચોમાસામાં ઘેર રોજ ‘રામાયણ’ને ક્યારેક ‘વચનામૃત’ વાંચે. બાપુ સાધારણ રીતે સવારના બહાર જાય તે બારેક વાગ્યે આવે. બા રાંધીને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચવા બેસે. દાદા તો સવારે ને સાંજે ‘ભાગવત’માં જ લીન હોય. કોઈ શ્રોતા ન હોય તોપણ એમને રસ પડતો હોય તે ભાગ મોટેથી વાંચે ને કૃષ્ણનાં પરાક્રમો ને તેની લીલા વિશે એકલા એકલા બોલ્યા કરે, સ્વગતોક્તિ કરે. અહોભાવથી, ભક્તિભાવથી એમનું હૃદય દ્રવી જાય ને આંખે ઝળઝળિયાં આવે. ઘરમાં સાંજે નિયમિત પ્રાર્થના થાય. બાપુ હતા ત્યારે તેઓ, ને પછી મોટાભાઈ, બા તથા ભાઈભાંડુઓ બધાં દેવસ્થાન આગળ ઊભાં રહી જાય. ઘીનો દીવો બળતો હોય, અગરબત્તી મઘમઘ થતી હોય ને અમારી પ્રાર્થના ચાલે. તુલસીદાસના ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારુણં’થી આરંભ થાય. ‘રામરક્ષા’, ‘નર્મદાષ્ટક’ ને બીજા શ્લોકોનું સહગાન થાય. નાનાલાલનું ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા’ પણ બોલાય. સંધ્યાના ઊતરતા અંધકારમાં ભક્તિના મઘમઘાટથી પરશાળને ભરી દેતો આ પ્રાર્થનાકાર્યક્રમ તો જાણે આજે ય ચાલે છે. સાંજ પડે છે ને ઘરમાં દેવસ્થાન આગળ ઘીનો દીવો થાય છે, અગરબત્તી સળગે છે ને એ નાનકડા ઘરમાં વડીલો વચ્ચે હું મને હાથ જોડીને ઊભેલો જોઉં છું. મારી પ્રાર્થનાથી ભગવાનને પ્રસન્ન થતા ને મધુર સ્મિત કરતા જોઉં છું. ક્યારેક ઊંઘમાં વિમાનસ્થ રામની મૂતિર્ જોઉં છું ને સ્વર્ગમાં જવાની મધુર કલ્પનાનું સુખ અનુભવું છું; સવારે ઊઠીને ભાઈ-બહેનને ભગવાન મળ્યાની વાત કરું છું. ઝીણી ધૂપસળી બળે છે ને એની ઊંચે પથરાતી સેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખૂણામાં દેવના ગોખલા આગળ લઈ જાય છે, શૈશવની સાંજના એ ભક્તિઉમંગમાં તરબોળ કરી દે છે. [‘વનાંચલ’ પુસ્તક : ૧૯૬૭]