સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/શૈશવના એ દિવસો!

From Ekatra Wiki
Revision as of 12:57, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગોઠ ગામ નાનું ને બ્રાહ્મણોનાં બીજાં ઘરમાં બાળકોની વસતિ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગોઠ ગામ નાનું ને બ્રાહ્મણોનાં બીજાં ઘરમાં બાળકોની વસતિ નહિ, એટલે ઘણુંખરું અમે ભાઈ-બહેનો જ સાથે રમીએ. ગિરજાશંકર પંડ્યાની એક પૌત્રી મા વિનાની, તે પંડ્યાકાકાને ઘેર જ રહે; નામ ધનુ. મારી બહેન પુષ્પાની એ એકની એક બહેનપણી. કોળીનાં છોકરાં ખરાં; પણ અમે રહ્યા બ્રાહ્મણ, એટલે એમનાથી આઘા રહીએ. મોટેરાંની સલાહ-ધમકી કે, એ નીચ જાત કહેવાય, મરઘાંકૂકડાં ખાય, એટલે અમને લોકજીવનથી અળગા ને અજ્ઞાન રાખ્યા. એમનાં ઝૂપડાંની ભીતરમાં જેમ અમે ન પ્રવેશી શક્યા તેમ એમના સંસારની ભીતરમાં પણ. પણ રમનારની ખોટ તેટલી રમતની ખોટ અમારે નહિ. મારાથી બે વર્ષ નાનો રમણ ને બે વર્ષ મોટી પુષ્પાબહેન ને ધનુ ઢીંગલીએ રમે, એમનાં લગ્ન યોજે. ખાખરનાં પાન ચૂંટી લીધા પછી જે ડાંખળીઓ રહે તેનું ગાડું બનાવીએ ને વરરાજા એમાં બેસીને ધનુની ઢીંગલીને પરણવા જાય. સાથે અમારે જવાનું. મારે ભાગે ઢોલ વગાડવાનું આવે. ઘાસતેલના એક ખાલી ડબ્બાની કડીમાં દોરી ભરાવી હું એ ઢોલને ગળે ભેરવું. વગાડતાં વગાડતાં ગિરજાશંકરને ઘેર પહોંચીએ. વરકન્યાનાં લગ્ન થાય ને ઘેરથી મગફળીના દાણા કે મઠિયાં લઈ ગયા હોઈએ તેનો ભોજન-સમારંભ થાય. બપોરે દાદાના ઘરમાં સંતાકૂકડી રમીએ. ઘરમાં એક રસોડાની અંધારી ઓરડીમાં હિંમત કરી સંતાઈએ તો ખરાં, પણ બીક લાગે; વહેલાં શોધી કાઢે તો સારું, એમ થાય. ક્યારેક માળિયે ઘાસના પૂળામાં કે ખડકેલાં છાણાં પાછળ સંતાઈએ. અમારી, ને ખાસ તો મારી, પ્રિય રમત તે ‘દુકાન-દુકાન’ની. દાદાને ઓટલે દુકાન માંડીએ. રેતી તે ખાંડ, માટીનાં ઢેફાં તે ગોળ, મગફળીના દાણા ને પૌવા-મઠિયાં પણ ઘરમાંથી લાવીને દુકાનમાં ગોઠવીએ. દાદાએ બે મોટાં કોડિયાંમાં ત્રણ-ત્રણ કાણાં પાડી ત્રાજવું બનાવી આપ્યું હોય, પથ્થરનાં કાટલાંની તો ખોટ જ નહિ; ચલણી નાણાંની પણ તંગી નહિ. ફળિયામાં પડેલાં નળિયાંના ટુકડાઓને પથ્થર ઉપર ઘસી ગોળ પૈસા બનાવીએ. આવા પૈસા લઈને ઘરાક માલ લેવા આવે. મને આ પૈસા લેવામાં અને માલ જોખી આપવામાં બહુ મજા પડે! ઘરબહારની રમતોમાં અમારે અમારા કોળીમિત્રોનો સાથ લેવો જ પડે. જાલમો, રેવલો, રૈલો, મડિયો એમની સાથે ગિલ્લીદંડા, ભમરડા, ગેડીદડા ને લખોટા રમવાના. દાદાએ સરસ મોઈદંડા બનાવી આપ્યા હોય. અમારા ફળિયામાં કે સાંજ પડતાં પસાયતાંમાં રમત ચગે. ગામમાં ભમરડા ન મળે; ટપાલી સાથે ચારેક ગાઉ દૂર આવેલા અડાદરા ગામથી મંગાવવાના. છગુ ટપાલીને પૈસા આપ્યા હોય. સવારે એ ટપાલ લઈને જાય ને સાંજે ટપાલ લઈને પાછો આવે. અમારો એ બપોર ભારે અસ્વસ્થતામાં જાય. ક્યારે સાંજ પડે, છગુ ટપાલી ક્યારે ઓટલે ચડે, એવી અધીરાઈમાં બારણે પાટ ઉપર બેસી રહીએ. ક્યારેક તો ઘેર આવી ગયો હશે, ખાવા બેઠો હશે એમ ધારી કોળી-ફળિયામાં એને ઘેર જઈએ. છગુ થોડો બહેરો, ધીમું ધીમું બોલે ને ટીખળી પણ ખરો, કહે: “બચુભઈ ભમેડા તો ના મળ્યા.” સાતેય વહાણ ડૂબી ગયાંની નિરાશા અમારા મોં ઉપર છવાઈ જાય; ત્યાં તો ઘરમાં જઈ કોટના ગજવામાંથી ભમરડા કાઢી લાવે. અમે ખુશ થઈ જઈએ. નદીને સામે કાંઠે નવા ગામમાં એક લુહાર રહે. દાદા સાથે ત્યાં જવાનું ને ભમરડાને આર બેસાડાવી લાવવાની. બપોરે આંબલી નીચે અમારી રમત જામે. કૂંડાળું કરી તેમાં કાંકરી મૂકવામાં આવે; એ કાંકરી જે પહેલો કાઢે તે ભમરડો પોતાની પાસે રાખે, બાકીનાઓએ ભમરડા કૂંડાળામાં મૂકી દેવાના. પછી તો સમમમ્ કરતા ભમરડા ફરે, ઊઘ લે, કાતરે ચડે. ભમરડાને જમીન ઉપર ન પડવા દેતાં હથેળીમાં અધ્ધર ફરતો ઝીલી લેવો, હથેળીમાંથી ધીમે ધીમે સરકાવી છેક કોણી સુધી લાવવો, એમ જાતજાતનું કૌશલ બતાવાય. કોઈ વાર ભમરડો ચિરાઈ પણ જાય કે ‘ગદ્દાં’ પડવાથી બેડોળ બની જાય. મારા ‘લીલીઆ’ને ગદ્દાં પડે ને મને મારું શરીર કોચાતું હોય એવી વેદના થાય. લખોટા પણ ટપાલી સાથે જ મંગાવવાના હોય. ઘરમાં કરગરીએ, પણ મોટેરાં બધી વાર દાદ ન દે એટલે કાચકાં નામના ફળથી ચલાવીએ. અમારે ઘેર એવાં કાચકાં ઘણાં રહેતાં, કદાચ ઓસડ માટે હશે. પંડ્યાકાકાના ઘરની પછવાડે કોતર ઉપર એક કાચકીનું જાળું હતું. આ કાચકાં ગોળ સુંવાળાં ને મેલા ધોળા રંગનાં હોય. દાદાને ઓટલે જમીનમાં દાટેલો ખાંડણિયો તે અમારી ‘ગબ્બી’. છાંયડો થાય એટલે ફળિયામાં રમવા નીકળીએ. વડીલોની કૃપાથી ક્યારેક સરસ લખોટા મળે. વચમાં લાલ-ભૂરી લીટીવાળા એ લખોટા અમારી ચડ્ડીના ખિસ્સામાં ખખડતા હોય ત્યારે કોથળીમાં ખખડતા સિક્કાઓથી કંજૂસને જેટલો આનંદ થાય એવો અમને થાય. હોળીના દિવસો નજીક આવે એટલે ગેડીદડાની રમત માટે તૈયારીઓ ચાલે. દાદા સાથે જંગલમાં જઈએ. ‘ધોહેડી’ નામથી ઓળખાતી વનસ્પતિના જાડા વેલા ખાસ કરીને ઊડી નેળની ધસ ઊપર ઊગેલા જોવા મળે. સરસ જાડો જોઈને વેલો દાદા કાપે. ઘેર લાવીને એના એક છેડાને દેવતામાં ખૂબ તપાવે. તપેલા છેડાને પછી ગોળ વાળે ને એમ ગેડીનો આગલો ભાગ બને. ચીથરાંનો દડો ગૂંથવામાં દાદા નિષ્ણાત; ગૂંથણી મજબૂત, દડા ઉપર દોરીની એકસરખી ચોરસ ‘ડિઝાઇન’ બને. ગૂંથાઈ રહ્યા પછી વચલી દોરીનો બે-ત્રણ ઇંચનો છેડો છૂટો રાખે ને એની ઉપર મોટી ગાંઠ વાળે. આવો દડો ગેડીના પ્રહારથી જ્યારે ગબડતો હોય ત્યારે પેલી ગાંઠનો ‘પડ પડ પડ’ અવાજ થાય. એમાં ગમ્મત ઉપરાંત એક લાભ પણ ખરો—અંધારામાં દડો ક્યાં જઈ રહ્યો છે તેની ભાળ રહે. ચાંદની રાતમાં મોડે સુધી મડિયા, જાલમા વગેરે મિત્રો સાથે ફળિયામાં ગેડીદડા રમીએ. એક બાજુ કોતર ને બીજી બાજુ વડ, એ સરહદો. બન્ને છેડાથી સરખે અંતરે, દાદાના ઘરની લગભગ સામે દડો મૂકવામાં આવે. ખેલાડીઓના બે પક્ષ પડ્યા હોય; એકને દડો લઈ જવાનો વડ સુધી ને બીજાને કોતર સુધી. ‘વગ વગ’ કરતાં બન્ને પક્ષના ખેલાડીઓ સામાને પોતાની વગમાં રહેવાનું કહે. બેચાર ગેડીઓ વચ્ચે દડો ઘેરાઈ જાય ને ખેલાડીઓ તેને પોત-પોતાની હદ ભણી લઈ જવા મથે. ગેડી સાથે ગેડી ટકરાય. આને ‘ભડિયાંમાં આવી ગયા’ કહેવાય. હોળીને દિવસે તો પસાયતાંમાં હોળી થાય ત્યાં રમીએ ને છેવટે હોળીમાં ગેડીદડા પધરાવી દઈએ. વાડામાં એક આંબલીનું મોટું ઝાડ છે. એની ઝૂકેલી ડાળે દોરડું બાંધી, એક દંડો રાખી હીંચકો બનાવ્યો છે. નીચે ખુલ્લી જગામાં ‘ચિચૂડો’ છે. એક ગોળ, જરા જાડા લાકડાનો ખીલો જમીનમાં દાટ્યો છે. ઉપરથી એ ખીલાને થોડો અણિયાળો બનાવ્યો છે. એની ઉપર વચ્ચેથી જરા વળેલા એક લાકડાને વચમાં વેહ પાડી મૂક્યું છે. એને સામસામે છેડે બે જણને બેસવાનું. એક જણ આડા લાકડાને ધક્કો મારી ચિચૂડો ચલાવે. ચિચૂડો ગોળ ગોળ ફરે, એની ગતિ વધે એટલે ક્યારેક સાહસિક ફેરવનાર વચમાં ચડી બેસે. ચિચૂડો ફરતાં ફરતાં અવાજ થાય એટલા માટે પેલા વેહમાં કોલસો ને આંબલીના ચિચૂકા ભરવાના. આ બધી દાદાની કરામત. ઝાડે ચડવું એ અમારી પ્રિય રમત. બપોર આખો કોઈ કોઈ વાર વચ્ચે ઊભેલા આંબલીના ઝાડ ઉપર જ ગાળી નાખીએ. ગજવામાં મગફળી કે પૌંવા-મઠિયાં ભરીને ઉપર ચડીએ. પુષ્પા, રમણ ને હું ત્રણે ઝાડ ઉપર પકડાપકડી રમીએ. ગામના લોકો ક્યારેક વડીલોને તો ક્યારેક સીધા અમને ચેતવણી આપે કે કોઈનાં હાડકાં ભાંગશે. પણ એવી ચેતવણી છતાં વડીલોએ અમને ક્યારેય રોક્યા હોય એવું યાદ નથી, ને અમે તો સાંભળીએ જ શાનાં! ઝાડ ઉપર ચડવાની અમારી આવડત ને શોખનો ઉપયોગી કામમાં લાભ પણ લેવાતો. ઉનાળામાં પડિયા-પતરાળાં કરવા માટે ખાખરાનાં પાન લાવવાનાં હોય ત્યારે અમે જ ખાખરે ચડીએ. દાતણ લાવવાનાં હોય ત્યારે પસાયતાંમાં આવેલા બાવળિયે, હાથમાં ટૂંકા હાથનું ધારિયું લઈને મારે જ ચડવાનું. બાવળના થડમાં ધારિયાનો ટચકો મારી ત્યાં એને ભરાવી દઉં ને થડને બાથ ભરી ઉપર ચડું. ધારિયા સુધી પહોંચાય એટલે એને ઉખાડી લઈ વધારે ઊચે ટચકો મારી ભરાવી દઉં ને એમ ડાળ પર પહોંચી જાઉં. આજે તો હું ‘શહેરી’ છું. રસ્તા ઉપરનાં વૃક્ષો જોઈને આજેય પહેલો વિચાર એની ઉપર ચડવાનો આવે છે. કોઈ પણ વૃક્ષ જોતાં મન ચડવાની યુકિત શોધવામાં ગૂંથાઈ જાય છે ને મનોમન ચડી ઊતરું ત્યારે જ ટાઢક વળે છે. ઘણી વાર આત્મવિશ્વાસમાં ઓટ આવતાં થાય છે કે અગાઉના જેવી કુશળતાથી હવે હું ઝાડ ઉપર ચડી શકું કે નહિ. એકાંતના મોકા આવ્યા છે ત્યારે ઝાડે ચડી જોવાના પ્રયાસો કર્યા છે ને હજી ગુલાંટ નથી ભૂલ્યો એ ખ્યાલથી સંતોષ ને આનંદ અનુભવ્યો છે. કરડ નદીના રેતાળ પટમાં વચ્ચે વચ્ચે માટીના બેટ હોય. એમાં દરુંગડાનો છોડ ઊગે; પાતળી ચારેક ફૂટ ઊચી લીલા રંગની સોટી, માથે પાતળી પત્તીઓનું છોગું. દરુંગડાના છોડને મૂળ સાથે ઉખાડીએ તો સફેદ મૂળમાંથી સુખડ જેવી સુગંધ આવે; અમને બહુ ગમે. નદીની ભીની રેતીમાં પગ ખોસીને ઉપર રેતી દાબી દઈએ ને પછી સંભાળીને પગ કાઢી લઈએ. મજાનું ‘દહેરું’ બને, એમાં એક ગોળ પથ્થર પધરાવીએ તે મહાદેવજી. આવાં દહેરાં બનાવવામાં જેટલો રસ પડે તેટલો જ તોડવાના મિજાજમાં હોઈએ ત્યારે તોડવામાં રસ પડે. વરસાદના એ દિવસો યાદ આવે છે. પસાયતાંમાં નજર કરીએ તો લીલાં તૃણની પત્તીઓ હવામાં થરકી રહી છે, કૂંવાડિયાનાં પાન ઉપર ઝિલાયેલાં વરસાદનાં ટીપાંનાં મોતી આંગળીઓ વડે નીચે ખેરવી નાખવાની કેવી મજા આવે છે! લાલ લાલ દેવની ગાયને નાનકડી સળીથી દોડાવીએ, તો વળી મૂઠીમાં રાખી ગલીપચી અનુભવીએ. વાડા પાછળ ને પસાયતાંમાં ભરાયેલાં નાનાં તળાવડાંને કાંઠે બેઠેલાં દેડકાંને પથ્થર મારી પાણીમાં કુદાવીએ, પાણીના રેલાઓને આમથી તેમ નીક કરીને આંતરીને વાળીએ, પછી એકદમ છોડી ‘ખળકો’ લાવીએ. ઝાપટું પડી જાય એટલે કરામાં પાણી આવશે એવી આશામાં ને અધીરાઈમાં વારંવાર નદી ભણી દોડી જઈએ ને પાણી આવતું હોય તો પૂરું બે-કાંઠે ચડે ત્યાં સુધી બેસી રહીએ. આ બાજુ ભૂરી ડોસીના કાચલા(નદીકાંઠાનું ખેતર)ને ડુબાડી સામી બાજુએ ગણપતભાઈના કાચલામાં પથરાઈને વહેતું પાણી જોવામાં કલાકોના કલાકો કાઢી નાખીએ. શેરીમાં ઊભેલી આંબલીના ગરેલા મોર સાથે વહેતા પાણીમાં ફોરાંનાં ફૂલ ફૂટે. બારણે બેસવા માટેની એક પાટ, પાટ ઉપર ભીંતમાં થોડા થોડા અંતરે લાકડાની બે ખીંટીઓ; એ ખીંટીએ પગ ભરાવી વાગોળની જેમ ઊધા લટકી વરસાદ જોવાની ખૂબ ગમ્મત આવે. એકધારો વરસાદ પડતો હોય ત્યારે કાન ઉપર હથેળીઓ ઢાંકી ઉઘાડવાસ કરવાથી જે સંગીત મળતું તે તો આજેય મન થઈ જતાં માણી લઉં છું. શૈશવના એ દિવસો! ते हि नो दिवसा गता:| [‘વનાંચલ’ પુસ્તક]