સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયપ્રકાશ નારાયણ/પ્રતિકાર-શક્તિનો નિર્માતા

From Ekatra Wiki
Revision as of 13:06, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પંદરમા-સોળમા સૈકામાં મધ્યયુગના અંધારામાંથી બહાર પડેલી ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પંદરમા-સોળમા સૈકામાં મધ્યયુગના અંધારામાંથી બહાર પડેલી યુરોપની પ્રજાઓમાં નવું ચૈતન્ય સ્ફુરવા લાગ્યું અને આખી દુનિયાને પાદાક્રાન્ત કરવાની તમન્ના તથા સાહસવૃત્તિ તેમનામાં થનગનાટ કરવા લાગી હતી. એ સાહસવૃત્તિથી પ્રેરાઈને અંગ્રેજ લોકો મૂળ એક વેપારી મંડળી તરીકે હિન્દમાં આવ્યા. અહીં આવ્યા પછી હિન્દની રાજકીય સ્થિતિ જોઈને તેમને થયું કે આપણે જો કુનેહથી કામ લઈશું તો કુસંપ, અજ્ઞાન, વહેમો, શિસ્તનો અભાવ ઇત્યાદિને લીધે છિન્નવિછિન્ન થયેલી આ પ્રજા પર સત્તા જમાવી શકીશું. અને હિન્દી પ્રજાની એ ક્ષતિઓનો પૂરેપૂરો લાભ લઈ એવી સત્તા જમાવવાની તેમણે શરૂઆત કરી દીધી. પ્રથમ બંગાળ-બિહારથી માંડી એકે એકે બીજા પ્રાંતો પર પોતાનું વર્ચસ્વ તેઓ સ્થાપન કરતા ગયા. આવી રીતે મુલકનો કબજો લીધા પછી પોતાની સત્તા વ્યવસ્થિત અને સ્થિર બનાવવાનું કામ તેમણે હાથમાં લીધું. એ દિવસોમાં વિલાયતથી હિન્દ આવેલા એલ્ફિન્સ્ટન, મનરો, માલકમ, મેટકાફ વગેરે જેવા બહુ જ કાબેલ, દૂરદૃષ્ટિવાળા અને સંસ્કારસંપન્ન માણસો પણ તેને મળ્યા. તેમણે ચાલુ કરેલી સુંદર રાજવ્યવસ્થાને પરિણામે, ૧૯૦૬માં લખેલા એક લેખમાં લોકમાન્ય ટિળકે જણાવ્યું છે તેમ — “અંગ્રેજી રાજ્ય એટલે કાયદાનું, ન્યાયનું, સુધારાનું રાજ્ય એવી માન્યતા લોકોમાં ફેલાઈ. સાહેબ લોકોની રાજ્યવ્યવસ્થાની ટાપટીપ, તેમણે કવાયત શીખવેલી પલટણો, આંકી આપેલી વ્યવસ્થાની શિસ્ત, રાજ્યના અમલદારોના કાયદાથી ઠરાવેલા ક્રમાનુસારી અધિકારો, દેશનો વેપાર તથા વહેવાર વ્યવસ્થિતપણે ચાલે તે માટે બનાવેલા રસ્તા, ટપાલની વ્યવસ્થા, પોલીસ ખાતું, અને થોડા વખત પછી દાખલ થયેલી આગગાડી ને તારના સંદેશાની વ્યવસ્થા — એ બધું જોઈને લોકોમાં આશ્ચર્ય ને કૌતુકની લાગણી ફેલાઈ અને ટોપીવાળાઓની હોશિયારી જોઈને તેઓ ચકિત થઈ ગયા. સામાન્ય લોકો જ શું, પણ પેશવાના મોટા મોટા સરદારો અને જાગીરદારો પણ આશ્ચર્યમાં ગરકાવ થયા હતા. છેલ્લા બાજીરાવના વખતની અંધાધૂંધીનો અંત આણી અંગ્રેજોએ વ્યવસ્થા સ્થાપી, એ આપણા ઉપર પરમેશ્વરનો એક ભારે ઉપકાર છે, અનુગ્રહ છે, અને આ શાંતિના રાજ્યમાં આપણું ને આપણાં બાલબચ્ચાંનું કલ્યાણ થશે એમ તેમને લાગ્યું. ધર્મની બાબતમાં અમે હાથ ઘાલતા નથી, એવી તેમની પ્રતિજ્ઞા, બધા ધર્મના લોકોને પોતપોતાના આચાર મુજબ વર્તવાની પૂરેપૂરી છૂટ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વિચારસ્વાતંત્ર્ય, અને મિલકતની સલામતી — આ અથવા આના જેવી જ બીજી વસ્તુઓથી લોકોનાં મન આકષિર્ત થયાં. એકંદરે આમજનતાને એ ક્રાન્તિ તે વખતે લાભદાયક અને સંતોષકારક લાગી હતી. જમીનની મોજણી થઈને પહેલી મોજણી વખતે મહેસૂલ ખૂબ ઘટાડવામાં આવ્યું; વતનદારોના હક નક્કી કરવામાં આવ્યા અને તેઓ જાગીરદારોની પકડમાંથી મુક્ત થયા. વેપાર પરના કર ઓછા થયા અને સડકો થવાથી ખુલ્લો વેપાર શરૂ થયો. દેશમાં આગગાડી જેવાં કામો શરૂ થયાં અને પરદેશમાંથી જે મૂડી અહીં આવીને વપરાઈ તેથી લોકોને વધારે મજૂરી મળવા લાગી, એટલું જ નહીં પણ રાજ્યનો કમિશ્નર જેવો અધિકારી ગરીબોની પણ દાદ સાંભળવા લાગ્યો. ઘેર બાપનું શ્રાદ્ધ હોય તો કારકુનને રજા મળવા લાગી અને વળી મહિનાનો પગાર નિયમિતપણે મળવા લાગ્યો. અંગ્રેજોએ પેશવાઈનો અંત આણ્યો તે આપણું અપમાન કરવા માટે નહીં, પણ આપણા હકોનું સંરક્ષણ કરવા માટે, એવી તે વખતના મોટા લોકોની સમજણ હતી. આ બધા લોકો અંગ્રેજોની ટાપટીપ અથવા શિસ્ત અને તેમનો શાંતિભર્યો કારભાર એ બધાં પર આફરીન થઈ ગયા હતા. ટૂંકમાં એ રાજ્ય-ક્રાંતિ રાયથી રંક સુધી બધા જ લોકોને સુખદાયક ભાસી.” જિતાયેલી પ્રજાના માનસમાં પોતાને વિશે અહોભાવ, ધાક ને આદર પેદા થાય અને તે અંજાઈ જાય, પ્રજા પોતાને વિશેનો આત્મવિશ્વાસ ખોઈ બેસે ને નાહિંમત થાય અને રાજકર્તાઓની સરખામણીમાં હીનત્વનો ભાવ તે ધારણ કરતી થાય તે માટે વિજેતાઓએ સફળ પ્રયત્ન કર્યો. અને હિન્દની પોતાની રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇત્યાદિ વસ્તુઓથી માંડીને કુદરતી-ભૌગોલિક સ્થિતિ અને આબોહવા સુધી બધી બાબતો વિશે પ્રજામાં એ હીનત્વ-ભાવ સોંસરો ઊતરી ગયો. રાજ્યકર્તાઓની બધી જ વસ્તુઓ સારી અને પોતાની બધી ઊતરતી કોટિની, ફેંકી દેવાને જ પાત્ર, એવી માન્યતા પ્રજામાં રૂઢ અને સ્વાભાવિક જેવી બની ગઈ. એટલે જ્યારે દેશનું રાજ્યતંત્ર, અર્થતંત્ર અને તેને અંગેનાં બધાં કામોનું નિયંત્રણ તથા જવાબદારી અંગ્રેજ રાજ્યકર્તાઓએ પોતાના હાથમાં પૂરેપૂરાં લીધાં, ત્યારે દેશના લોકોને એ ઝાઝું ખટક્યું નહીં. સમરાંગણ પરની હાર કરતાં સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ જે હાર હિન્દને મળી, તે તેને વસમી પડી અને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યા છતાં તે હજી તેમાંથી ઊંચું આવી શક્યું નથી. દેશની આવી મોહિત દશામાંથી તેને બહાર કાઢવા માટે સૌથી મોટી જરૂરિયાત તેનામાં આત્મવિશ્વાસ પેદા કરવાની હતી. ટિળકની પહેલાંના આપણા ઘણાખરા આગેવાનોએ દેશના વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવાનું કામ અવશ્ય ઉપાડ્યું હતું. પણ અંગ્રેજો આપણા ગુરુ છે અને તેમની રાહબરી નીચે તેમની નિશાળમાં ઉમેદવારી કરી, ભણતર પામીને આપણે તેમના જેવી લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ અને તેવી લાયકાત મેળવીશું તો અને ત્યારે તેઓ આપણને આપણા દેશનો કારભાર સોંપી દેશે, એવી ભોળી આશા એ લોકો સેવતા હતા. બ્રિટિશ લોકો સાથે હિન્દુસ્તાનનો સંબંધ થયો તેમાં હિન્દુસ્તાનનું હિત કરવાનો પરમેશ્વરનો હેતુ હોવા બાબત જૂની પેઢીના લોકોને શ્રદ્ધા હતી, અને અંગ્રેજોના વાલીપણા હેઠળ આપણા દેશની સર્વાંગી પ્રગતિ થશે એમ તેઓ માનતા. ૧૮૫૩ પછી જુદા જુદા પ્રાંતોમાં અંગ્રેજી કેળવણીની યુનિવસિર્ટીઓ સ્થપાઈ અને તેમાં પદવી મેળવી બહાર પડનારને ધન ને પ્રતિષ્ઠા બંને મળવા લાગ્યાં, એટલે તેઓ પણ ઉપરની શ્રદ્ધા ધરાવનારા લોકોમાં જ ભળી ગયા. અભ્યાસકાળ દરમિયાન વાંચેલાં બર્ક, મિલ, સ્પેન્સર વગેરેનાં લખાણોને પરિણામે તેમનામાં એવી શ્રદ્ધા પેદા થઈ કે, અંગ્રેજ પ્રજા ઉદારમતવાદી, સ્વતંત્રતાની પરમ ઉપાસક છે; અને જો હિન્દુસ્તાનના રાજ્યતંત્રમાં કોઈ ખામીઓ કે કશું ફરિયાદ કરવા જેવું હોય તો તે અહીં આવેલા અંગ્રેજ અમલદારોના દોશોને આભારી છે. બ્રિટિશ પ્રજા ન્યાયનિષ્ઠ અને ખાનદાન હોવાથી અહીં ચાલતી ગેરરીતિઓને કદાપિ મંજૂર નહીં રાખે. અંગ્રેજોની રાજ્યવ્યવસ્થા અને આથિર્ક નીતિને લીધે દેશ કેવો વધુ ને વધુ કંગાલ બનતો જાય છે તેની મીમાંસા પ્રથમ દાદાભાઈ નવરોજીએ કરી અને ડિગ્બી તથા દત્તે પોતાનાં લખાણ વડે તેમનું જ સમર્થન કર્યું. પણ એ બધી પ્રવૃત્તિ પાછળ કાર્યનું જે પરિણામકારી બળ જોઈએ તે એ વખતે પેદા થયું ન હતું. પછી અર્થકારણના ક્ષેત્રમાં દાદાભાઈ-ડિગ્બીએ કરેલી શોધોને દેશની આગળ રજૂ કરી તેનામાં પ્રતિકારશક્તિ નિર્માણ કરવાનું શ્રેય ટિળકને ઘટે છે. પરકીય રાજ્ય કોઈ પણ સંજોગોમાં દેશને માટે હિતકારક હોઈ ન શકે. સ્વરાજ્ય માટે આપણી લાયકાતની કોઈ કસોટી હોઈ ન શકે. આજે અને અત્યારે આપણે સ્વરાજ્ય માટે લાયક છીએ, स्वराज्य ए मारो जन्मसिद्ध हक छे अने हुं ते प्राप्त करीश ज, એ મંત્રનું તેમણે સતત રટણ કર્યા જ કર્યું અને તે પ્રાપ્ત કરવા માટે અખંડ પુરુષાર્થ કર્યો. વર્તમાનપત્ર, ધામિર્ક કે રાષ્ટ્રીય ઉત્સવ, સ્વદેશી, દુકાળરાહતનું કામ, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ, દારૂબંધી, સંશોધન કે લશ્કરી ભરતી — તેમણે ચલાવેલી કે પુરસ્કારેલી કોઈ પણ પ્રવૃત્તિ તરફ નજર કરો; તે દરેક પ્રવૃત્તિ સ્વરાજ્ય તરફ લઈ જનારી શી રીતે બને તેનો જ તેઓ સતત વિચાર કરતા. તેથી દરેક બાબતમાં સરકાર સાથે સંઘર્ષ થયા વિના રહેતો નહીં. સરકારે તેમને પોતાના કટ્ટા શત્રુ ગણી તેમની પજવણી કરવામાં મણા રાખી ન હતી. લોકમાન્યે રાજકારણમાં પ્રવેશ કર્યો તે પહેલાં આપણા દેશનેતાઓની બધી રાજકીય પ્રવૃત્તિઓ પરદેશી સરકારને વિનવણી કરી તેને પ્રસન્ન કરવા માટે જ મોટે ભાગે થતી. લોકો સાથે એ નેતાઓ ભાગ્યે જ સંપર્કમાં આવતા. એ પ્રવૃત્તિઓને ત્યાંથી વાળી લોકાભિમુખ બનાવવાનું કામ લોકમાન્યે જ પ્રથમ કર્યું. વળી, તેમની પહેલાંના આગેવાનો પોતાનો અંગત વ્યવસાય કે નોકરી સાચવીને ફુરસદના વખતમાં જાહેર પ્રવૃત્તિ કે રાજકારણમાં ભાગ લેતા. લોકમાન્યની પેઢીએ જ રાષ્ટ્રીય કાર્યને પોતાનું જીવન અર્પણ કરવામાં પહેલ કરી અને એક નવીન પરંપરા શરૂ કરી દીધી. [‘લોકમાન્ય ટિળક’ પુસ્તક]