સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જવાહરલાલ નેહરુ/સંસ્કૃતિની કસોટી

From Ekatra Wiki
Revision as of 12:35, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સંસ્કૃતિ એટલે શું? માણસો અને પશુઓ વચ્ચે જ્યારે નહિ જેવો ફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સંસ્કૃતિ એટલે શું? માણસો અને પશુઓ વચ્ચે જ્યારે નહિ જેવો ફેર હોય છે તે સ્થિતિને બર્બર અવસ્થા કહેવામાં આવે છે. સંસ્કૃતિ એથી ઊલટી અવસ્થા છે. પણ કોઈ એક માણસ કે સમાજ જંગલી છે કે સુસંસ્કૃત છે તે કેવી રીતે પારખી શકાય? સુંદર મકાનો, સુંદર ચિત્રો ને સુંદર ગ્રંથો અને જે કાંઈ સૌંદર્યવાળી માનવકૃતિઓ છે, તે બધાં સંસ્કૃતિનાં દ્યોતક છે. પરંતુ બીજાંના ભલા માટે લોકોની સાથે મળી કાર્ય કરનારો સજ્જન એ બધાં કરતાં યે સંસ્કૃતિને વધારે શોભાવે છે. આજે તો દુનિયામાં પરસ્પર સહકારનો ઠીક ઠીક અભાવ માલૂમ પડે છે, અને એક પ્રજા સ્વાર્થને ખાતર બીજી પ્રજા ઉપર આક્રમણ કરી રહી છે ને તેને પીડી રહી છે. આજકાલ ઘણા લોકો અર્વાચીન સંસ્કૃતિની મહત્તા વિશે બડાશો હાંકે છે. પણ ઘણી બાબતોમાં માણસ ઇતર પ્રાણીઓથી વિશેષ આગળ વધ્યો નથી. એવો ઘણો સંભવ છે કે કેટલીક બાબતોમાં કેટલાંક પ્રાણીઓ આજે યે માણસ કરતાં ચડિયાતાં હશે. મેટરલિંકનાં ‘માખીનું જીવન’, ‘ઊધઈનું જીવન’ અને ‘કીડીનું જીવન’ વગેરે પુસ્તકો છે. આ જંતુઓને આપણે તુચ્છ ગણી કાઢીએ છીએ. પરંતુ સમૂહના હિત ખાતર સહકાર અને બલિદાનની કળા આ જંતુઓ મનુષ્ય કરતાં વધારે સારી રીતે શીખ્યાં છે. ઊધઈ વિશે તથા પોતાના સજાતીયો માટે તેના ત્યાગ વિશે મેં વાંચ્યું ત્યારથી એ જંતુ પ્રત્યે મારા મનમાં આદર પેદા થયો છે. સમાજના હિતને અર્થે પરસ્પર સહકાર અને પોતાનું બલિદાન એ જો સંસ્કૃતિની કસોટી હોય, તો આપણે કહી શકીએ કે ઊધઈ અને કીડી એ રીતે માણસથી ચડિયાતાં છે. એક સંસ્કૃત શ્લોક છે — त्यजेदेकं कुलस्यार्थे ग्राम्स्यार्थे कुलं त्यजेत, ग्राम जनपदस्यार्थे, ह्मात्मार्थे पृथिवीं त्यजेते. એનો ભાવાર્થ આ છે : કુટુંબને ખાતર વ્યક્તિનો, ગામને ખાતર કુટુંબનો, દેશને ખાતર ગામનો અને આત્માને ખાતર સમગ્ર જગતનો ત્યાગ કરવો જોઈએ. આ શ્લોક જે બોધ આપે છે તે વિશાળ હિતને ખાતર બલિદાન આપવાનો અને સહાયવૃત્તિથી જીવવાનો જ બોધ છે. આપણે હિંદના લોકો લાંબા સમય સુધી સાચી મહત્તા પ્રાપ્ત કરવાનો આ રાજમાર્ગ ભૂલ્યા હતા, તેથી આપણી અધોગતિ થઈ. પરંતુ ફરીથી આપણને એ વસ્તુની ઝાંખી થવા લાગી છે અને આખો દેશ જાગ્રત થઈ ગયો છે. પુરુષો અને સ્ત્રીઓ તથા છોકરા-છોકરીઓ કોઈપણ પ્રકારનાં કષ્ટ કે દુઃખની પરવા કર્યા વિના હિંદની ઉન્નતિને માટે હસતે મોંએ આગેકૂચ કરતાં આજે જોવા મળે છે, એ કેટલું અદ્ભુત છે! મહાન ધ્યેયની સિદ્ધિમાં ફાળો આપવાનો આનંદ તેમને લાધ્યો છે. આજે આપણે હિંદને આઝાદ કરવા મથી રહ્યા છીએ. એ ઉદાત્ત ધ્યેય છે, પરંતુ સમગ્ર મનુષ્યજાતનું હિત એ તેથીયે વધારે ઉદાત્ત ધ્યેય છે. આપણી લડત એ દુઃખ અને યાતનાઓનો અંત આણવાની મનુષ્યજાતની મહાન લડતનો જ એક ભાગ છે એમ આપણે માનીએ છીએ, એટલે દુનિયાની પ્રગતિમાં આપણે પણ યત્કિંચિત ફાળો આપી રહ્યા છીએ એવો આનંદ આપણે લઈ શકીએ. [‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ પુસ્તક : ૧૯૪૫]