સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જે. એમ. પટેલ/ફાસીવાદનું અસલ સ્વરૂપ

From Ekatra Wiki
Revision as of 13:05, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ફાસીવાદ ભયંકર વસ્તુ છે, એ લોકશાહીનો શત્રુ છે; કોઈ પણ ભોગે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ફાસીવાદ ભયંકર વસ્તુ છે, એ લોકશાહીનો શત્રુ છે; કોઈ પણ ભોગે તેને હરાવવો જોઈએ. પરંતુ ફાસીવાદ એટલે શું, ફાસીવાદીઓની નીતિરીતિઓ કેવી હોય છે વગેરે વિશે જાણ્યા વિના પ્રજા ફાસીવાદ કે ફાસીવાદીઓને ઓળખી શકે નહિ, તેમનો યથોચિત સામનો કરી શકે નહિ. એટલે ફાસીવાદનું અસલ સ્વરૂપ પ્રથમ સમજી લેવું જોઈએ. ફાસીવાદનો ઉદય યુરોપના ઇટલી દેશમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી થયો હતો. યુદ્ધમાં પરાજિત થયેલ ઇટલીમાં સર્વત્રા હતાશા ફેલાઈ હતી. જૂના રાજકીય પક્ષો અને તેમના નેતાઓની વિચારસરણીઓ બદનામ થઈ ગઈ હતી. સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા નિર્બળ અને વેરવિખેર થઈ ગઈ હતી. આર્થિક દુર્દશા પરાકાષ્ઠાએ પહોંચી હતી. લાખો લોકો કામધંધા યા નોકરી વિના બેકાર હતા. નાનાં-મોટાં ઘણાં કારખાનાં બંધ થઈ ગયાં હતાં. મજૂરો મનફાવે ત્યારે, ગમે તે બહાને, હડતાલો પાડી ઉત્પાદન થંભાવી દેતા હતા. કારખાનેદારો મરજી મુજબ તાળાબંધી જાહેર કરતા હતા. ચીજવસ્તુઓની ભારે અછત હતી. ફુગાવો આસમાને પહોંચ્યો હતો. ભૂખમરો, રોગચાળો જ્યાંત્યાં ફેલાયા હતા. લોકોને ઉગારવાનો ક્યાંયે આરો દેખાતો ન હતો. આવી પરિસ્થિતિમાં એક નવો જ પક્ષ અસ્તિત્વમાં આવ્યો : ફાસિસ્ટ પક્ષ. એક વેળાના સમાજવાદી અખબારનો તંત્રી બેનિટો મુસોલિની તેનો આગેવાન હતો. તેણે તીખાં તમતમતાં ભાષણો દ્વારા, રેલીઓ દ્વારા, હતાશ પ્રજાને નવસંદેશ સુણાવવા માંડ્યો. ઇટલીના ભવ્ય ભૂતકાળની તેજભરી વાતો એણે ઊર્મિલ લોકો સામે વારંવાર કહેવા માંડી. નવરા, બેકાર યુવાનોની તેણે ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવક દળમાં ભરતી કરવા માંડી. ગરીબ, મજૂર, નીચલા મધ્યમ વર્ગના લોકોના ઉદ્ધારની મોટી મોટી યોજનાઓ જાહેર કરી. ઘણા લોકો મુસોલિનીના ફાસિસ્ટ પક્ષમાં જોડાયા. પક્ષ બહુ જોરશોરથી ફૂલવા ફાલવા માંડ્યો. મજૂરો, ગરીબો ઉપરાંત ધનિકો, કારખાનેદારો, ધર્મગુરુઓએ પણ ફાસિસ્ટ પક્ષને ટેકો આપવા માંડ્યો. પક્ષનાં વાજિંત્રો સમાં અખબારોએ લોકોના કાનમાં એકની એક વાત વારંવાર રેડવા માંડી : દેશનો ઉદ્ધાર એકમાત્ર ફાસિસ્ટ પક્ષ જ કરી શકશે. અન્ય તમામ પક્ષો જાત જાતનાં દેશી— વિદેશી સ્થાપિત હિતોનાં રખેવાળ છે. તેઓ લોકોના, દેશના દુશ્મનો છે. ઇટલીનું શાસન એક વાર ફાસિસ્ટ પક્ષના હાથમાં સોંપો, મુસોલિનીને દેશની ધુરા સંભાળવા દો; પછી જુઓ કે ઇટલી યુરોપનો સર્વશ્રેષ્ઠ દેશ બને છે! યાતનાઓ, હતાશા, દિશાશૂન્યતાથી થાકેલા લોકોના ઘણા મોટા ભાગે ફાસિસ્ટ પક્ષની આવી વાતોમાં વિશ્વાસ મૂક્યો. દેશની સામાન્ય ચૂંટણીઓમાં સૌથી મોટા પક્ષ તરીકે ફાસિસ્ટ પક્ષ બહાર આવ્યો. હવે તે વધુ આક્રમક બન્યો. તેનું પ્રચંડ સ્વયંસેવક દળ ઉગ્ર અને હિંસક બન્યું. વિરોધપક્ષોની ઑફિસો પર તે હુમલા કરવા લાગ્યું. વિરોધી અખબારોની હોળીઓ થવા લાગી. વિરોધપક્ષોના સંખ્યાબંધ નેતાઓની હત્યાઓ થઈ. કારખાનેદારોને ફાસિસ્ટ પક્ષ તરફથી ખુલ્લી નોટિસ અપાતી કે, કારખાનું ચાલુ રાખવું હોય, મજૂરોને અંકુશમાં રાખવા હોય, તો આટલા પૈસા પક્ષના ફંડમાં જમા કરાવો. મજૂરસંઘોમાંય ફાસિસ્ટોએ ઘૂસણખોરી કરી. તેમણે હરીફ મજૂર સંઘો શરૂ કર્યા. આ મજૂર સંઘો પાસેથી ફાસિસ્ટ પક્ષ કારખાનેદારોને અંકુશમાં રાખવા માટે ફાળો ઉઘરાવતો હતો. કેથોલિક ધર્મસંઘમાં પણ ઘણા પાદરીઓને ફાસિસ્ટ પક્ષ માટે કામ કરવા માટે રાજી કરી દેવામાં આવ્યા. પાટનગર રોમમાં ફાસિસ્ટોનાં સભા-સરઘસ અને રેલીઓ સતત યોજાવા માંડ્યાં. દેશની સંસદના તેમના દ્વારા ઘેરાવ થવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે, છેવટે દેશની ધુરા મુસોલિનીને સોંપવામાં આવી. દેશ પર ફાસિસ્ટ પક્ષનું શાસન શરૂ થયું. ઇટલીને હવે ફાસીવાદનો પ્રત્યક્ષ પરિચય થયો. ફાસીવાદી પક્ષ જ દેશના કલ્યાણ માટે પ્રવૃત્ત એક માત્ર પક્ષ હતો; બીજા બધા વિરોધપક્ષો દેશના દુશ્મનો હતા. પરિણામે વિરોધપક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિરોધપક્ષના ઘણા નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. કેટલાકની વિવિધ કાવતરાં દ્વારા હત્યા પણ કરવામાં આવી. ફાસિસ્ટ પક્ષની યા તેના નેતા મુસોલિનીની ટીકા કરનાર વ્યક્તિ, સંસ્થા, અખબાર દેશદ્રોહી ગણાવા માંડ્યાં. તેમને કાં તો જેલમાં મોકલવામાં આવ્યા યા તેમના પર પ્રતિબંધ મુકાયા. કેટલાંક અણનમ વિરોધી છાપાંને ફાસિસ્ટ ટોળીઓએ બાળી મૂક્યાં. દેશભરમાં કડક ‘સેન્સરશીપ’ દાખલ કરવામાં આવી. તમામ સમાચારોની સરકાર દ્વારા પ્રથમ ચકાસણી કરાવવાનું અખબારો માટે ફરજિયાત બનાવાયું. સરકારની, ફાસિસ્ટ પક્ષની, પક્ષના ‘સર્વોચ્ચ’ નેતા મુસોલિનીની ટીકા કરતા કોઈ પણ સમાચાર છાપવાની મનાઈ ફરમાવાઈ. અખબારી સ્વાતંત્રયને આમ ગૂંગળાવી મારવામાં આવ્યું. અખબારોએ નિત્ય નવા નવા રૂપમાં દેશની વધતી જતી સમૃદ્ધિના, ફાસિસ્ટ પક્ષની લોકકલ્યાણ અંગેની પ્રવૃત્તિઓના, મુસોલિનીની મહાનતાના સમાચારો પ્રથમ પૃષ્ઠો પર મોટા અક્ષરોમાં છાપવા માંડ્યા. સાથોસાથ ફાસિસ્ટ સરકારે દેશના રેડિયો પર પણ અંકુશ જમાવ્યો, રેડિયો પર ફાસિસ્ટ પક્ષના યા તેની વિચારસરણીને અનુસરનારા અધિકારીઓને ઘુસાડવામાં આવ્યા. ઘણા તટસ્થ યા નિષ્પક્ષ કર્મચારીઓને કાં તો નીચલા હોદ્દા પર ઉતારી દેવામાં આવ્યા યા બરતરફ કરવામાં આવ્યા. રેડિયો રાતદિવસ મુસોલિનીની મહાનતા વિશે, ફાસિસ્ટ પક્ષે સાધેલા ઇટલીના કલ્યાણ વિશે પ્રચાર કરવા લાગ્યો. મુસોલિનીની વ્યક્તિપૂજા શરૂ કરવામાં આવી. વિરોધપક્ષી-નેતાઓની રેડિયો સતત કટુ આલોચના કર્યા કરતો. તેમના પર ઉપજાવી કાઢેલા આરોપો મુકાતા અને લોકોને એવા દેશદ્રોહીઓની જાળમાં ન ફસાવા માટે ચેતવણી અપાતી. રેડિયો પર ફાસિસ્ટ પક્ષના યા તેના તરફ સમભાવ દાખવતા લેખકો, કલાકારો, પત્રકારોને જ બોલવા માટે નિમંત્રણ અપાતાં. ફાસિસ્ટ પક્ષના વિરોધી યા તેના તરફ શંકાસ્પદ વફાદારી ધરાવતા લેખકો, પત્રકારો, કલાકારોને રેડિયોકાર્યક્રમોમાંથી સદંતર દૂર કરી દેવામાં આવ્યા. એવી જ રીતે વિશ્વવિદ્યાલયો, ફિલ્મ અને નાટકકંપનીઓ, સાંસ્કારિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓમાં ફાસિસ્ટ પક્ષના સમર્થકોને મુખ્ય યા ઉચ્ચ પદે ગોઠવી દેવામાં આવ્યા. ફાસિસ્ટ સરકારે ‘એક રાષ્ટ્ર’નો નારો ગજાવ્યો; તેની સાથે ‘એક પક્ષ અને એક નેતા’નો પણ નારો ગજાવ્યો. ઇટલી એક રાષ્ટ્ર છે, તેમાં એક જ પક્ષ છે — ફાસિસ્ટ, અને પક્ષનો ને દેશનો એક જ ‘સર્વોચ્ચ’ નેતા છે — બેનિટો મુસોલિની, એવી વિચારસરણી જોરશોરથી વહેતી કરાઈ. દેશની સંસદને નિક્રિય બનાવી દેવાઈ. ‘સર્વોચ્ચ’નો બોલ તે જ કાયદો; તેને ફાસિસ્ટ પક્ષનો આંધળો ટેકો મળતો. વિરોધ પક્ષો-નેતાઓ હતાશ અને છિન્નભિન્ન થઈ ગયા. ઘણા વિરોધીઓ ભય-લાલચના માર્યા ફાસિસ્ટ પક્ષમાં જોડાયા. તેમાં સમાજવાદીઓ, લોકશાહીવાદીઓ, કેથોલિક ધર્મસંઘવાળા ઉપરાંત ઘણા સામ્યવાદી પણ સામેલ થઈ ગયા. પદ, પૈસા, સત્તાની લાલચે કરી તેમ જ ફાસિસ્ટ પક્ષે સર્જેલા આતંકભર્યા વાતાવરણથી ગભરાઈ અનેક તકવાદી લેખકો-કવિઓ પણ મુસોલિનીના પક્ષમાં મળી ગયા. એઝરા પાઉન્ડ જેવા અમેરિકન કવિ પણ ફાસિસ્ટ પક્ષ અને મુસોલિનીના પ્રશંસક બન્યા. મુસોલિનીની સરકાર તેમજ ફાસિસ્ટ પક્ષ તરફથી સારાં માન-અકરામ મેળવનારા આવા લેખકો સ્વબચાવમાં કહેતા કે, અમે તો દેશના ‘મુખ્ય પ્રવાહ’માં ભળ્યા છીએ; ‘સર્વોચ્ચ’ અને તેના પક્ષને અમે એટલા માટે સમર્થન આપીએ છીએ કે તેઓ જ દેશને બચાવી શકે તેમ છે, દલિત-પીડિત લોકોનો ઉદ્ધાર કરી શકે તેમ છે. મુસોલિનીની સરકારે આવા ‘રાષ્ટ્રભક્ત’ લેખક-કવિઓને સરકારી, અર્ધસરકારી છાપાં-સામયિકોમાં ઊંચા હોદ્દે બેસાડયા તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક-કલા સંસ્થાઓના વડા તરીકે સ્થાપ્યા. પોતાના આત્માને વશવર્તી લખનારા, સ્વતંત્ર મિજાજી, સ્વમાની ઘણા લેખકો-કવિઓ— કલાકારો કાં તો મૂંગા બની ગયા, યા તક મળી તો દેશ બહાર ભાગી છૂટ્યા. લોકોને સમાચારો ઉપરાંત સાહિત્ય, કલા વગેરે પણ સરકારી સાહિત્યકારો પાસેથી પ્રાપ્ત થવા લાગ્યાં. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં ‘સર્વોચ્ચ નેતા’ મુસોલિનીનાં ગુણગાન થતાં રહેતાં. પ્રજાથી આવું બધું સહેવાતું નહોતું, પણ તે અંગે ક્યાંય કશું કહેવાતું પણ ન હતું; કારણ કે ‘સર્વોચ્ચ નેતા’, ફાસિસ્ટ પક્ષ, સરકાર યા તેનાં વિવિધ ખાતાં દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિની ટીકા કરવી એ દેશદ્રોહ હતો અને એવા દેશદ્રોહીને ગમે ત્યારે સજા થઈ શકતી. ચોતરફ સરકારી અને પક્ષની જાસૂસી જાળ પથરાયેલી હતી. કોઈ કશું પણ વિરોધમાં બોલે તો તેની ખબર પક્ષ યા સરકારને દફતરે તુરત જ પહોંચી જતી, અને વિરોધ કરનાર વ્યક્તિ તત્કાળ ગિરફતાર થઈ જતી. પરિણામે ઘર, શેરી, બજાર, રસ્તો, શાળા, કૉલેજ, થિયેટર, કારખાનું, ખેતર, અદાલત, દેવળ — ક્યાંય મોકળે મને કશી સાચી વાત કરવાની કોઈને તક ન હતી, કોઈમાં હિંમત પણ ન હતી. દેશ આખો એક વિરાટ કારાગાર બની ગયો હતો. સરકાર અને પક્ષ બેઉ અભિન્ન બની ગયાં હતાં. ફાસિસ્ટ પક્ષના અનુયાયીઓ ગમે તેની ઉપર ગમે તેવો આરોપ મૂકી શકતા, ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો તેની ધરપકડ કરી શકતા, ફાસિસ્ટ સરકારની અદાલત તેને મનફાવે તેવી સજા ફટકારી શકતી. ન્યાયાધીશો-વકીલોને કાયદા-કાનૂન અનુસાર નહિ પણ ફાસિસ્ટ પક્ષના અધિકારીઓના આદેશ મુજબ વર્તવું પડતું. કાનૂનને વફાદાર રહેવા માટે અડગ એવા ન્યાયાધીશો અને વકીલોને તેમના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. દેશનો ‘સર્વોચ્ચ’ એવો મુસોલિની તમામ કાયદા-કાનૂન, ન્યાય-અદાલતથી સંપૂર્ણ પર હતો. ફાસિસ્ટ પક્ષના અધિકારીઓ ન્યાયતંત્રાના નિયંત્રણમાંથી મુક્ત બની ગયા હતા. ન્યાયતંત્રાનું દેખાવ પૂરતું માળખું ટકાવી રાખવામાં આવ્યું હતું, પણ તેમાં તળિયેથી માંડી ટોચ સુધીના અધિકારી વર્ગની ભરતી ફાસિસ્ટોની મરજી મુજબ થઈ હોવાથી, તેમ જ ફાસિસ્ટ સરકારની તલવાર માથા પર સદાય લટકતી હોવાથી, તેનું કશું સ્વાતંત્રય કે મહત્ત્વ રહ્યું ન હતું એટલે લોકોને ન્યાયતંત્રા તરફથી કશું સંરક્ષણ મળે તેમ ન હતું. પોલીસતંત્રામાં પણ ફાસિસ્ટ પક્ષના સભ્યો, સમર્થકો યા સમભાવશીલોને ભરી દેવામાં આવ્યા હતા. પોલીસદળ પ્રજાની સલામતી અને સુરક્ષા માટે નહિ પણ ફાસિસ્ટ પક્ષની સલામતી અને સુરક્ષા માટે કામ કરતું હતું. ફાસિસ્ટ પક્ષ અને સરકારનું પૂરેપૂરું પીઠબળ પોલીસતંત્રાને મળતું, પરિણામે તે આપખુદ, જુલમી અને લાંચિયું બની ગયું હતું. પોલીસતંત્રા અને ન્યાયતંત્રા લાંચરુશવતથી ખદબદતાં હતાં. એ વિભાગોમાં કામ કરનાર અધિકારી વર્ગ બહુ થોડા સમયમાં અત્યંત ધનિક બની ગયો હતો. સરકારનાં તમામ ખાતાંમાં લાયકાત કરતાં વધુ તો ‘સર્વોચ્ચ’ તરફની વફાદારીને ધોરણે ભરતી કરાતી. આવી રીતે સત્તાધીશ બનેલ અધિકારી વર્ગ ‘સર્વોચ્ચ’ એવા મુસોલિનીને અને ફાસિસ્ટ પક્ષને વફાદાર રહી ગમે તેવી પ્રવૃત્તિ કરી શકતો. પોતાની જવાબદારીઓ પ્રતિ દુર્લક્ષ કરી, લાંચરુશવત લઈ, અમલદાર વર્ગ લાચાર, ભયભીત પ્રજાને વિવિધ રૂપમાં સતત નિચોવ્યા કરતો. ‘સર્વોચ્ચ’નું એવું સ્થાન સદા ટકી રહે તે માટે શક્ય એવા તમામ પ્રયાસો ફાસિસ્ટ પક્ષ તરફથી ચાલુ રહેતા. મુસોલિની પોતાના વિશ્વાસુઓને જ લશ્કરમાં ઉચ્ચ સ્થાનો પર નીમતો યા ટકી રહેવા દેતો. લશ્કરમાં પણ ‘સર્વોચ્ચ નેતા’ની વ્યક્તિપૂજાને ઉત્તેજન આપવામાં આવતું. ઘણા સૈનિકો ફાસિસ્ટ સ્વયંસેવક દળોમાંથી જ સેનામાં જોડાયા હતા. ફાસિસ્ટ પક્ષમાં પણ ‘સર્વોચ્ચ’નો કોઈ હરીફ પેદા ન થાય — હરીફ હોય તો ટકી ન રહે — તે માટે પૂરી તકેદારી રખાતી. કોઈક ભયજનક હરીફને ખતમ કરી નાખવામાં આવતા. આવાં ખૂનોને વિરોધીઓનાં કાવતરાંનાં પરિણામ ગણાવવામાં આવતાં. તેમને અનુલક્ષી બચ્યા-રહ્યા વિરોધીઓને પકડી દંડવામાં આવતા. એ રીતે ‘સર્વોચ્ચ’ના વિરોધીઓનો અંત આવી જતો. પરિણામે ફાસિસ્ટ પક્ષની અંદર પણ ભય-આતંકનું વાતાવરણ સદા જામેલું રહેતું. ફાસિસ્ટ પક્ષમાંની સત્તાભૂખી વ્યક્તિઓ, ટોળકીઓ પરસ્પર શંકા, અવિશ્વાસથી જોતી. કોણ કોનું કાસળ કઈ રીતે કાઢી નાખશે એ અંગેની ભીતિ સૌના મનમાં સદા જાગતી જ રહેતી. અનેક કારખાનાં, ઉદ્યોગધંધા ખોરવાઈ ગયા હતા. તેમનું ઉત્પાદન ઘટી ગયું હતું. ખેતીક્ષેત્રો પણ જુલમી સરકારી તંત્રાની હેરાનગતિને લઈ ઉત્પાદન સાવ ઘટી ગયું હતું. ફાસિસ્ટ પક્ષના ભંડોળમાં ફંડફાળા આપનાર ‘દેશભક્ત’ વેપારીઓ ધૂમ કાળાબજાર, નફાખોરી, સંઘરાખોરી કરતા હતા, પ્રજાનું બેફામ શોષણ કરતા હતા; તેમ છતાં તેમને કોઈ ટોકતું-રોકતું ન હતું. બીજી બાજુ, ‘સર્વોચ્ચ’ અને ફાસિસ્ટ પક્ષના વિરોધી ગણાતા વેપારી યા કારખાનેદારોને નફાખોર, સંઘરાખોર, પ્રજાપીડક બતાવી જેલમાં પૂરવામાં આવતા હતા. આ વસ્તુનો સરકાર ઘણો પ્રચાર કરતી કે, તે ગરીબ પ્રજાના હિતમાં તેમના શત્રુઓ સામે કડક પગલાં લઈ રહી છે. પરંતુ આવા ‘સ્ટંટ’ દ્વારા ન તો ફુગાવો અંકુશમાં આવ્યો, ન મોંઘવારી ઘટી. ન ચીજવસ્તુઓ સુલભ થઈ, ન કાળાંબજાર ઘટયાં, ન ગરીબી હઠી; તવંગર વધુ તવંગર બન્યા, ગરીબ વધુ ગરીબ બન્યા. સૌથી વધુ સમૃદ્ધ થયા ફાસિસ્ટ પક્ષના નેતાઓ, અધિકારીઓ ને કેટલાક અનુયાયીઓ તેમજ તેમના સાથીદારો બનેલા ધનપતિઓ, ઉદ્યોગપતિઓ, લેખકો, અધ્યાપકો, મજૂરસંઘોના નેતાઓ અને કેટલાક પાદરીઓ. સામાન્ય પ્રજા તન-મન-ધનથી ખુવાર બની ગઈ. સમય જતાં પ્રજાની અંદર ધૂંધવાતો અસંતોષ બહાર આવવા લાગ્યો. પક્ષમાંનાં અસંતુષ્ટ તત્ત્વો પણ માથું ઊંચકવા માંડ્યાં. છિન્નભિન્ન વિરોધપક્ષો નવેસરથી ઊભા થવા લાગ્યા. પરિણામે, આવી રહેલા ભયનાં એંધાણ પારખી ‘સર્વોચ્ચે’ અને ફાસિસ્ટ પક્ષે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો : દેશનું સ્વાતંત્રય જોખમમાં છે, શત્રુદેશો તેના પર તૂટી પડવાની તૈયારીમાં છે, તેમણે તેમના ‘એજન્ટો’ ઇટલીમાં મોકલ્યા છે, આ લોકો મજબૂત સરકારને તોડી પાડી દેશમાં અંધાધૂંધી ફેલાવવા માગે છે, જેથી કરીને તેઓ આસાનીથી આક્રમણ કરી શકે, દેશને જીતી લઈ શકે. એટલે ‘સર્વોચ્ચ’, ફાસિસ્ટ પક્ષ અને સરકારી નીતિરીતિનો વિરોધ કરનારાઓ ભયંકર દેશદ્રોહી ગણાવા માંડ્યા. તેમના પર અકથ્ય જુલમ ગુજારવામાં આવ્યા. અંતે એક માત્ર બીજા વિશ્વયુદ્ધમાં કારમો પરાજય જ ઇટલીને ફાસીવાદના મહાભીષણ ફંદામાંથી છોડાવી શક્યો. મુસોલિનીના ઇટલીનું પુનરાવર્તન કોઈ પણ દેશમાં ગમે ત્યારે થઈ શકે. [‘નિરીક્ષક’ અઠવાડિક : ૧૯૭૬]