સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જોન બ્રીક્સ/આ પુલ!

From Ekatra Wiki
Revision as of 13:10, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઉત્તર અમેરિકા એક કાળે બ્રિટનનું સંસ્થાન હતું. ત્યાં વસતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઉત્તર અમેરિકા એક કાળે બ્રિટનનું સંસ્થાન હતું. ત્યાં વસતા લોકોએ પોતાની સ્વતંત્રતા માટેનું યુદ્ધ ૧૮મી સદીના પાછલા ભાગમાં શરૂ કરેલું. બળવાખોરોને જેર કરવા આવી રહેલા બ્રિટિશ લશ્કરની આગેકૂચ અટકાવવા માટે એક પુલ ઉડાવી દેવાનો હતો. નાગરિક સેનાની એક ટુકડી એ પુલનાં લાકડાં સંભાળીને છૂટાં પાડતી હતી અને તેને ઠરાવેલા સ્થળે લઈ જઈ વ્યવસ્થિત રીતે ગોઠવતી હતી. તે વખતે બળવાખોર લશ્કરની એક ટુકડી ત્યાં મદદ માટે આવી પહોંચી. તેના અફસરે પેલી નાગરિક સેનાના નાયકને પૂછ્યું : “આ બધાં લાકડાં છૂટાં પાડીને તેને વ્યવસ્થિત રીતે સંતાડી રાખવાની ખટપટમાં પડવાને બદલે ઊભા પુલને બાળી મૂકીએ, તો કેટલી બધી મહેનત બચી જાય!” નાયકે મોં પર દુઃખ લાવીને કહ્યું : “પુલને બાળી નાખીએ? આ પુલને? અરે, મારા સાહેબ! પંદર વરસ પહેલાં આ પુલ મારા બાપાએ બાંધેલો. અમારા વિસ્તારમાં એ સૌથી મજબૂત પુલ ગણાય છે. ભલે તે બહુ મોટો નથી, પણ છે અડીખમ. એને કાંઈ બાળી નખાતો હશે? દુશ્મન અંગ્રેજોનું લશ્કર અહીંથી એક વાર પસાર થઈ જાય, એટલે પછી આવીને તરત અમે પુલ જેવો હતો તેવો પાછો ઊભો કરી દેશું. તમે જોજો તો ખરા, એકેએક લાકડું, એકેએક ખીલો જ્યાં હતાં ત્યાં બરાબર ગોઠવાઈ જશે! આ લડાઈ તો બે-પાંચ દિવસની બાબત છે. પણ મહેરબાન, યાદ રાખજો કે હું અને તમે ક્યારનાય મરી પરવાર્યા હશું ત્યારે પણ મારાં પોતરાં આ પુલ પર થઈને જતાં-આવતાં હશે!”