સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/એ ભાવનાને જાગ્રત કરવા જ!

From Ekatra Wiki
Revision as of 07:05, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પાંચાળમાં ઉનાળો વિતાવી વતન વળી નીકળેલા ચાર ગોવાળો ધણ લઈન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પાંચાળમાં ઉનાળો વિતાવી વતન વળી નીકળેલા ચાર ગોવાળો ધણ લઈને ધાંધલપુર રાત રહ્યા. સાંજે આથમણા આભમાંથી કાળભૈરવના વાંસા જેવાં કાળાં વાદળાં ચડતાં જોઈને એકે કહ્યું, ‘ભાઈ, આજ તો આભનો રંગ જુદો છે. એવો વરસ્યો તો મહિનામાં ગજ ગજ સમાણાં ખડ ઊગી નીકળવાનાં.’ વાત કરે છે ત્યાં સુસવાટા કરતો પવન ફૂંકાયો અને મુશળધાર મંડાયો. દરિયાની રેલ ફરી વળે એટલાં બહોળાં પાણી આખા ગામની સીમમાં ફરી વળ્યાં. અસંખ્ય પશુ તણાઈ ગયાં. જીવને જોખમે દેશાવર ભટકીને જાળવી રાખેલું એ ગૌધન મેઘરાજાએ હણી નાખ્યું. ગોવાળો ભૂખ્યા ને તરસ્યા ચાર દિવસ સીમમાં પડી રહ્યા અને પછી પોતાની વહાલામાં વહાલી વસ્તુ સદાને માટે એ ગામને પાદર મૂકી જતા હોય તેમ તે ગોકળીઓ પોકેપોક રોતાં રોતાં વતન તરફ ચાલી નીકળ્યા. પાંચ દિવસ [૨૩થી ૨૭ જુલાઈ] વરસેલા વરસાદે ધંધૂકા, ધોલેરા અને પાસેના ભાલપ્રદેશને ડુબાડી દીધો. કેટલાં મકાનો પડ્યાં, પશુઓ મર્યાં, ગામ સાફ થઈ ગયાં… કંઈ ખ્યાલ આવી શકતો નથી. ‘બહાદુરી’ સ્ટીમર મુંબઈથી રાહત સામગ્રી લઈને ભાવનગર પહોંચી. મદદ વહેંચવા મને પાંચાળ સોંપાયો. ચાર જણાની અમારી ટુકડીએ વહેંચાઈને નેવું ગામો તપાસ્યાં અને સહાય વહેંચી. મહાજનોએ લોકોને ઢોરો તેમ જ ઘરવખરી સહિત જે રક્ષણ ભેદભાવ વગર દીધું તેની વાતો સાંભળીને થાય કે આપણી સામુદાયિક જીવનની ભાવનાને જાગ્રત કરવા ખાતર જ આ તોફાન મોકલાયું હશે.