સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કયે અખાડે જશું?

From Ekatra Wiki
Revision as of 06:34, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માએ કહ્યું, “ભાઈ, તારી પથારી ઉપાડી લેજે હો!” “ના, કામવાળી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          માએ કહ્યું, “ભાઈ, તારી પથારી ઉપાડી લેજે હો!” “ના, કામવાળી પાસે ઉપડાવી લેજો — મારે વ્યાયામશાળાએ જવાનું મોડું થાય છે!” બહેને વીનવ્યું, “ભાઈ, કૂવે આવીને મને પાણી ભરી દેને, મારાથી ડોલ ખેંચાતી નથી.” “ના, મારે તો વ્યાયામ કરવા જવાનું છે!” બાપાએ કહ્યું, “તારી બા માંદી છે; તું વાડીએ કપડાં ધોતો આવીશ?” “ના, મારે જવું છે અખાડે!” કામવાળી આજે આવી નથી. વાસણ-સંજવારી રઝળે છે. ઘેર પાંચ મહેમાન છે. બા-બહેન રસોઈપાણીમાં પડ્યાં છે. પણ વ્યાયામ કરીને આવેલો ભાઈ હાથમાં સાવરણી લેતાં શરમાય છે. એઠાં વાસણની તો સામે પણ જોતો નથી. એ કામ તો બૈરાંનું! દસ-દસ શેરિયાં મગદળ ફેરવીને મલ્લ થયેલો ભાઈ અખાડેથી આવ્યો છે. બાપુ કહે છે, “બજારમાંથી અધમણ ઘઉં લઈ આવીશ?” ભાઈ ઘઉં ખરીદીને બજારમાં બૂમ પાડે છે : “એઈ મજૂર! ચાર પૈસા લેજે, આ ઘઉં ઘેર નાખી આવ.” ભાઈને ઘરના ઘઉં ઉપાડતાં શરમ આવે છે. ......ભાઈ વ્યાયામવીર છે! ભાઈ-ભાભી મુંબઈ જાય છે. સ્ટેશને પોતાની પત્નીની ટ્રંક ઊંચકતાં એને ભોંઠામણ આવે છે. ભાભીની કાખે છોકરું છે. તે ઉપરાંત ટ્રંક પણ એ પત્નીને માથે મેલે છે. ......ભાઈ અખાડિયન છે! અખાડાના ભાઈબંધો ભેળો ભાઈ ઊપડે છે પ્રવાસે — તળાજે, શેત્રુંજે, ઘેલા સોમનાથ. નાનાં ભાંડરડાં કહે છે, “ભાઈ, કોઈક વાર અમને સાંઢગર સુધી તો ફરવા તેડી જાવ... કો’ક દી હરણકુઈ તો બતાવો... કો’ક વાર સ્ટેશને એન્જિન જોવા તો લઈ જાવ!” “એ મારું કામ નથી.” ......ભાઈ અખાડાવીર છે!

અખાડા આપણે ત્યાં ચાલે છે, વ્યાયામવીરો પાકે છે, શરીરને ટેડાં રાખીને ઘણા ચાલે છે. પણ ઘરનાં કામ કડવાં લાગે છે. દળણું, સંજવારી ને પાણી ભરવું — એવાં સાચાં આરોગ્યદાયી અને શરીરને સુંદર સુડોલ બનાવનારાં જરૂરી ઘરકામો એ ભાઈઓ કરતા નથી. એટલું જ નહીં, પણ હલકાં ગણે છે. પોતાની જનેતા કરે તે કામ હલકાં! સ્ત્રીઓનો પક્ષ લેવાય છે — પણ તે તો ચર્ચામાં, શબ્દના વિવાદમાં. પરંતુ રોજિંદા ગૃહજીવનમાં સ્ત્રીને આપણે કેટલી હલકી ગણી છે! શારીરિક કામ — તે તો સ્ત્રીનું! પુરુષ એ કરે તો બાયલો ઠરે. વાળવાથી ને વાસણ માંજવાથી લઈ રાંધવા અને પથારી પાથરવા સુધીનાં તમામ કામોમાં સ્ત્રી-પુરુષના ભેદો છે, ત્યાં સુધી સ્ત્રીનું પદ ઊતરતું જ છે. ત્યાં સુધી વ્યાયામશાળાની સાર્થકતા નથી. સાચો વ્યાયામ તો સવારથી સાંજ સુધીનાં ઘરકામોમાં છલોછલ પડયો છે. સાચો અખાડો કુટુંબનું શ્રમજીવન છે. અખાડે જઈને દંડ પીલો છો — તો ઘરની સંજવારી પણ કાઢો; બેઠક કરો છો — તો ઘરની રસોઈમાં પણ મદદ કરો! અખાડાનો વ્યાયામ શરીરને ઘડે છે. ઘરનો વ્યાયામ શરીરને ઘડવા ઉપરાંત પણ સાર્થક બને છે. અખાડાની કોઈ પણ કસરતને ટક્કર મારે તેવી કસરતો દળવાની ને પાણી સીંચવાની, કપડાં ધોવાની ને દાળ ખાંડવાની છે. શરીરને ઘડે, સ્વજનોને રાહત અપાવે, ગૃહને સુંદર બનાવે ને પૈસાનો દુર્વ્યય બચાવે, એવો ગૃહવ્યાયામ એ સર્વોપરી વ્યાયામ છે. અખાડા માટે પારકી ઓશિયાળ, પૈસા ભીખવા પડે, નાલાયકોને નોતરીને સંમેલનો કરવાં પડે, ખુશામત કરીને નીચા પડવું પડે; ઉપરાંત બંધારણના અને નાણાંના ગેરવહીવટના માંહોમાંહેના કજિયા જુદા! ગૃહજીવનને અખાડે પૂર્ણ સ્વગૌરવ, સંપૂર્ણ સ્વતંત્રતા અને પરમ શાંતિ. પસંદગી પોતે જ કરી લેજો!