સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/આપણાં બાળકો

From Ekatra Wiki
Revision as of 08:26, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણા બાળકને આપણે કોઈ વાર વધુ પડતાં લાડ લડાવીએ છીએ, કોઈ વાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણા બાળકને આપણે કોઈ વાર વધુ પડતાં લાડ લડાવીએ છીએ, કોઈ વાર એની સાવ ઉપેક્ષા કરીએ છીએ, તો કોઈ વાર એને ધમકાવી ધોલધપાટ પણ કરી બેસીએ છીએ. એમ છતાં તે આપણને વળગેલું જ રહે છે. પોતાના પરના અત્યાચાર એ ભૂલી જાય છે, ને રિસાયું હોય તો સહેજ લાડ મળતાં ખડખડાટ હસતું આપણી ગોદમાં સમાઈ જાય છે. આપણા પ્રેમના કવચમાં બાળક માટે એના વિકાસને ઉપકારક એવી સુરક્ષિતતા ઘરમાં સર્જાય છે. પણ બાળક કાંઈ કાયમ માટે ઘરમાં રહેવા થોડું જ સર્જાયું છે? પા પા પગલી ભરતું, ઠુમક ઠુમક કરતું એ ઘર બહાર દોડે છે. પોતાનાં સમવયસ્કો સાથે રમવું એને ગમે છે, એ રમતમાં એને ઘર પણ યાદ નથી આવતું; ઘણી વાર તો એને બળજબરીથી ખેંચી લઈ આવવું પડતું હોય છે. પરંતુ બાળક આ રીતે હળતુંભળતું થાય, પોતાના સામાજિક સંબંધો કેળવે, તે પણ એના વિકાસ માટે જરૂરી છે.

ઘડીભર કલ્પના કરો કે એક ઘોર જંગલમાં ભાંખોડિયાં ભરતા કોઈ બાળક પર અચાનક આપણી નજર પડે છે. ચોમેર ભયાનકતા છે; વાઘ, વરુ, સાપ, સમડી આદિ હિંસક પશુપંખીથી વન ભરેલું છે; પણ એની કોઈ પણ જાતની સભાનતા વિના એ બાળક આમથી તેમ ભાંખોડિયાં ભરતું જ રહે છે. થોડુંક મોટું થતાં બાળક શાળાએ જતું થાય છે, ત્યારે એની સ્થિતિ એ ઘોર અરણ્યમાં હિંસક પ્રાણીઓ વચ્ચે ભાંખોડિયાં ભરતા બાળક જેવી નથી થતી? ઘરમાંથી બહાર નીકળતાંવેંત જ પિપરમીટ, બરફના ગોળા આદિની માખીથી બણબણતી લારી કે થાળવાળા ફેરિયા એની રાહ જોઈને જ ઊભાં હોય છે. એ વાંચતાં શીખે કે તરત એની નજર ઠેર ઠેર મુકાતી સિનેમા વગેરેની જાહેરાતો પર પડે છે. સહેજ મોટું થતાં વર્તમાનપત્રો પર એ નજર ફેરવતું થાય છે ને તેમાં પ્રગટ થતા સમાચારો — ખાસ કરીને ગુનાહિત કૃત્યોના — રસપૂર્વક વાંચતાં કોઈ વાર તે રોમાંચ અનુભવે છે, કોઈ વાર આઘાત પામે છે ને કમકમાટી અનુભવે છે. સહેજ મોટું થતાં રાજકીય પક્ષોના બખડજંતરમાં તે અટવાય છે, કુનેતાઓ એને જે સૂત્રો આપે તે લલકારે છે ને પથ્થરમારો કરતાં શીખે છે. શિક્ષણસંસ્થાઓમાં પડતી હડતાલમાં એ જોડાય છે, ઉપવાસ પર ઊતરે છે, ટોળાંઓમાં રઝળે છે. ત્યારે વાલીઓ એના ઉશ્કેરાટ કે મૂંઝવણને સમજવા કેટલા પ્રયત્ન કરતા હોય છે? કવિ ન્હાનાલાલે બાળકોને પ્રભુના પયગમ્બરો તરીકે ઉમળકાથી બિરદાવેલાં છે, પણ આપણે તો એ પયગમ્બર જેવાં બને તે આડે કરવા જેવું કશું બાકી નથી રાખતા! આ પરિસ્થિતિમાંથી સમાજ ત્યારે જ ઊગરી શકે જ્યારે એની પ્રત્યેક વ્યક્તિ પોતાના બાળક તરફની પોતાની ફરજ બજાવતી થાય, બાળકના સાચા હિતચિંતક તરીકે તેનો પ્રેમ મેળવે, અને સાહસ ને પરાક્રમ ઝંખતી તેમની જોમ ભરેલી ઊર્મિઓને સર્જનાત્મક ક્ષેત્રોમાં વહેવાની સુવિધા મળે એવી પરિસ્થિતિ સર્જે.

એન્ડ્રુ ગિલ્લિસ નામના કવિએ બે પ્રાર્થના લખી છે. એમાંની પહેલી એ મતલબની છે કે, “ગઈ કાલે રાતે મારા બાળકે પોતાની કોઈ બાલિશ ભૂલની મારી આગળ કબૂલાત કરી અને મારી સમક્ષ લળી અશ્રુભીની આંખે પ્રાર્થના કરી કે, વહાલા ભગવાન, મને મારા બાપુજી જેવો મરદ બનાવજો. હું જાણું છું કે તમે એ કરી શકો તેમ છો. તે પછી એ જ્યારે ઊંઘી ગયો ત્યારે એની પથારી પાસે ઘૂંટણિયે પડી મેં મારાં પાપનો એકરાર કર્યો અને નમ્ર ને નત મસ્તકે પ્રાર્થના કરી કે, હે પ્રભુ, મારા આ બાળક જેવો બાળક મને બનાવ — પવિત્રા, કપટરહિત ને શ્રદ્ધાસભર.” એ પિતા-પુત્રાનાં આ સંવેદનો હું વર્ષોથી દિનપ્રતિદિન અનુભવતો રહ્યો છું. લીલીછમ હરિયાળીથી ભરેલી અમારી શાળા વિદ્યાવિહારમાં મળસકે સાડા ત્રાણ વાગ્યાથી પંખીઓનો ઉમંગભર્યો કલરવ શરૂ થાય છે. પાંચ વાગે એટલે કુમાર અને કન્યા છાત્રાલયોનાં છાત્રોને ઉઠાડવાનો ઘંટ વાગે છે. છ વાગ્યે અમારું મેદાન કલ્લોલ કરતાં કિશોર-કિશોરીઓની રમતગમત અને વ્યાયામની પ્રવૃત્તિથી જાણે કે થનગનાટ કરવા માંડયું હોય છે, ને ચણ માટે ઊડતાં કે માળામાં કલ્લોલ કરતાં પંખીઓ તેમાં ઉમેરો કરે છે. એ પછી જ્યારે વિદ્યાલયનું કામ શરૂ થાય ત્યારે પ્રાર્થના-સંમેલનમાં ફૂલ જેવાં સુંદર, નિર્દોષ, ગભરુ બાળકોનાં દર્શનથી મન ભર્યું ભર્યું બની જાય છે. અને ત્યારે એ બાળકોના ભાવિનાં ચિત્રો મારા ચિત્તમાં કંડારાઈ જાય છે. એમાંના કોઈ બાળકને અંગે લાગે છે કે એના અંતરમાં સંગીતના મનોહર સૂર ઘૂંટાતા હશે. કોઈ બાળકના મનમાં સોનેરી પાંખ પસારીને નૃત્ય કરતી પરીઓનાં ચિત્રા અંકાતાં હશે. કોઈની કલ્પના રંગભરી પીંછીઓથી સર્જાતી કલાકૃતિઓમાં રમમાણ હશે. આવું ઘણું ઘણું મારા મનને એ બાળકોને વંદન કરવા પ્રેરે છે, તેમનામાંથી હું પ્રેરણા લઉં છું. એ બાળકો જ્યારે એમના પ્રેમ અને આદરથી મને પરિપ્લાવિત કરે છે, જીવનરાહના દિશાસૂચન અંગે મારી સાથે વાર્તાલાપ કરે છે, ત્યારે મને મારી મર્યાદાઓનું સતત ભાન થતું રહે છે, ને હું પ્રાર્થું છું કે ભગવાન મને એમના જેવી નિખાલસતા, એમના જેવી નિર્દોષતા, ઋજુતા અને સરળતા બક્ષે. આનો અર્થ એ નથી કે એ બાળકોનું બધું હંમેશાં શાંતિ ને સુંદરતાથી જ ભર્યું હોય છે. “ધમાલ ને ઘોંઘાટ ન કરીએ, તો અમે બાળક શાનાં!” — એવો ભાવ એ લોકો જ્યારે ધમ્માચકડી કરી વાતાવરણ ગજાવતાં હોય ત્યારે એમની આંખોમાં વરતાય છે. એ અડપલાં કરતાં હોય છે, ભાંગફોડ પણ કરતાં હોય છે, ને એવું કંઈક કંઈક કરતાં હોય છે. પણ એ બધું વેલા પરની દ્રાક્ષ ઉપરની રાખ જેવું છે. એ રાખ જીવાતો સામે દ્રાક્ષનું જેમ રક્ષણ કરે છે, તેમ બાળકોનાં તોફાન— મસ્તી વગેરે પણ બાળકોની ઢાલ હોય છે.

હવે બહુ નાની ઉંમરથી બાળકોને શાળામાં ભણવા મોકલવાની પ્રથા શરૂ થઈ છે. બાળક ભણવાની તક મેળવે, એ બહુ ઉમદા હેતુ છે. પરંતુ ભણવું એટલે શું, એ પ્રશ્નનો જે માતાપિતા ઝીણવટથી વિચાર નથી કરતાં તે, બાળકે બારાખડી શીખવામાં કેટલી પ્રગતિ કરી, તેને કેટલે સુધી ગણતાં આવડયું વગેરે ઉપર જ મોટે ભાગે ધ્યાન આપતાં હોય છે; અને તેમાં બાળકની પ્રગતિ કંઈક ધીમી જોતાં દુઃખી થાય છે. ખરી વાત એ છે કે બાળક આપણા વિચાર પ્રમાણે વિકસે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ, જ્યારે બાળક પોતાની આગવી રીતે વિકસવા ઇચ્છે છે. એને પોતાના રસ છે, પોતાના ખ્યાલ છે, પોતાની ઝંખનાઓ છે. એ બધું અવરોધાય ત્યારે બાળક હતાશ બને છે, જિદ્દી ને ચીડિયું બને છે અને માબાપે ઇચ્છેલી તેની પ્રગતિ મંદ બને છે. જેને આપણે પ્રાણાધિક લેખતાં હોઈએ, તે બાળકને જે વસ્તુની ખાસ જરૂર હોય તે જ ઘણી વખત આપણે નથી આપી શકતાં, એ કેવી મોટી કરુણતા છે! બાળક વિશેષ તો કશું નથી માગતું, માત્રા બે જ શબ્દ એના આતુર વદન પર આલેખાયેલા હોય છે : “મને સમજો.” આ વાત ખલિલ જિબ્રાને બહુ સુંદર રીતે મૂકી છે. એ કહે છે : “તમારાં બાળકો તમારાં નથી, પોતાને ઝંખતા જીવનનાં એ સંતાનો છે. એ તમારી મારફત આવે છે, પણ તમારામાંથી નથી આવતાં. એમને તમારા જેવાં બનાવવા મથશો નહીં. તેના દેહને તમે ભલે ઘરની ચાર દીવાલમાં રાખો — પણ તેના આત્માને નહીં, કારણ કે તમે જ્યાં સ્વપ્નામાં પણ પ્રવેશ કરી શકો તેમ નથી એવા આવતી કાલના ઘરમાં તેઓ વસે છે. તમે એમને તમારો પ્રેમ આપજો — પણ તમારા વિચારો નહીં, કારણ કે તેમને તેમના ખુદના વિચારો છે.” એટલે બાળકને બરાબર ઓળખી, તેની સ્વતંત્રતાની પૂરી કાળજી રાખી, તેની ઊર્મિઓ ને તેના રસોને પિછાની, એ સૌને આરોગ્યપ્રદ પ્રવાહોમાં વળવાની સુભીતિ કરી આપવાનો એક માત્રા ધર્મ આપણો છે. મેરી હોવિટ્ટ કહે છે તેમ આપણા હૃદયનો વિકાસ કરવા, આપણને સ્વાર્થરહિત બનવાનું શીખવવા તથા આપણને મૈત્રી ને કરુણાથી ભરેલા બનાવવા માટે ભગવાન બાળકને મોકલે છે. એને આપણે સુરક્ષિતતા આપવાની છે. એ નિર્ભય બને તેવું વાતાવરણ એની ફરતે સર્જવાનું છે. અને એની પ્રગતિ અંગે કોઈ પણ જાતની અધીરાઈ રાખ્યા વિના, એનો વિકાસ મુક્તપણે ને ખૂબ સંવાદિતાપૂર્વક થાય તે અંગે આપણે સતત સાવધ રહેવાનું છે. રવીન્દ્રનાથ કહે છે તેમ ફૂલની કળીની પાંખડીઓ ઉઘાડી આપવાનું કામ આપણું નથી; એ પાંખડીને આપમેળે ઊઘડવા દઈએ. પોતાના નિસર્ગદત્ત રસોને વિકસાવવાનું સ્વાતંત્ર્ય બાળકને હશે, તો પ્રગતિનાં સોપાન પર એ રમતાં રમતાં ચઢી જશે.