સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પાંડુરંગ આઠવલે/ભગવાન તે જ આપે

From Ekatra Wiki
Revision as of 13:02, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભગવાન આપણે માગીએ તે આપવાવાળા નથી. શંકરાચાર્યે नमस्कृताभ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભગવાન આપણે માગીએ તે આપવાવાળા નથી. શંકરાચાર્યે नमस्कृताभीष्टवरप्रदाभ्याम् કહ્યું છે. अभीष्टवरप्रदाभ्याम् એટલે મારું જેમાં કલ્યાણ હોય તે જ એ આપે, બાકી બીજું ન આપે. જેનાથી જીવનનો વિકાસ થાય તે જ ભગવાન આપે. સાધકના જીવનમાં આવો અનુભવ ઘણી વખત આવે. એનો પુણ્યસંચય થયેલો હોય અને ભગવાન પાસે એ કાંઈ માગણી કરતો હોય પણ તે મળતું ન હોય. આમ છતાં, ‘મારો આટલો પુણ્યસંચય થવા છતાં મને મળતું કેમ નથી?’ એવું તેને લાગતું નથી. માગ્યા પછી તરત આપે તે મા જ નહીં. માગ્યા પછી ના પાડે તેનું નામ જ મા! માગ્યા પછી તરત આપે તે બીજા. એ તો કહે — ‘લે, જા ને મર.’ એમનું શું જવાનું છે? પણ માની ભૂમિકા જ જુદી હોય. મા પાસે માગો તો પણ એ આપે જ એવું નહિ. અંગ્રેજીમાં એક કહેવત છે ‘Jam yesterday, jam tomorrow, no jam today.’ છોકરો ખૂબ ગળ્યું ખાય એટલે એની તબિયત બગડે. તેથી તે મીઠાઈ માગે ત્યારે એની મા કહે : ‘ગઈ કાલે મીઠાઈ હતી, આવતી કાલે પણ આપીશ, પણ આજે મીઠાઈ નહીં મળે.’ આવી રીતે મા જ ના પાડે. હોટેલવાળો ના ન પાડે. ભગવાન હોટેલવાળો નથી કે તમે પૈસા — પુણ્ય આપો કે તરત તમે માગો તે આપે. ભગવાન મા છે. હોટેલવાળાને તો પૈસા કમાવા છે — તમારું પેટ બગડે તો એના બાપુનું શું જાય? એને તો, તમે પૈસા આપો એટલે આપવું જ પડે. પણ ભગવાન આવી રીતે બંધાયેલા નથી કે એ માગો તે આપે જ. આ ભગવાનનું માતૃવાત્સલ્ય છે. તેથી જ શ્રી શંકરાચાર્યજી કહે છે ભગવાન अभीष्टवरप्रदाभ्यम् — એટલે કે જેમાં કલ્યાણ હોય તે જ આપવાવાળા છે.