સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/તેજમલ

From Ekatra Wiki
Revision as of 09:26, 3 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ઉગમણી દશ્યોના કાગદ આયા,
કાગદ આયા એવા ચોરે રે વંચાયા;
ચોરે રે વંચાઈ બાપુ ડશ ડશ રોયા.
શીદ રે રુવો છો મારા શમરથ બાપુ?

શરકારી નોકરિયો આયી, ઝૂઝવા કુણ જશે?
સાત સાત દીકરે બાપુ વોંઝિયા કે’વોંણા.
પે’લી ફોજે રે બાપુ, અમે ઝૂઝવાને જશું.
ઢાલ્યો લેઈ આલો બાપુ, બંદૂકો લેઈ આલો,
દીકરાનોં મેણો અમે દીકરી રે ભાગશું.
માથાની વૅણ્યો તેજબઈ, ઢોંકી ક્યમ ર’શીં?

માથાની વૅણ્યો બાપુ, મોડિયામો ર’શીં.
કપાળની ટીલડી દીકરી ઢોંકી ક્્યમ ર’શે?
કપાળની ટીલડી બાપુ, વડી કરી મેલશું.
નાક વીંધાયું દીકરી ઢોંક્યું ક્્યમ ર’શે?

અમારા બાપુને પેટે સોરું ના જીવતું;
નાક વેંધાઈ નોમ નથુભા રે પાડ્યા.
દોંત રંગાયા દીકરી, ઢોંક્યા ક્યમ ર’શીં?

નોનેરો અતોં તાણં મુશારે રે ર’તો;
ખોંતીલી મોમીએ દોંત રંગાયા.
હૈયાના હાર દીકરી, ઢોંક્યા ક્્યમ ર’શીં?

હૈયાના હાર બાપુ, ડગલામોં ર’શીં.
હાથોંના ચૂડીલા દીકરી, ઢોંક્યા ક્યમ ર’શીં?

હાથોંના ચૂડીલા બાપુ, બોયોમો ર’શીં.
પગોનાં કડૂલાં દીકરી, ઢોંક્યાં ક્્યમ ર’શીં?

પગોનાં કડૂલાં બાપુ, વડ કરી મેલશું.
ચાલો સખી આપણ સોની આટે જૈયે,
અસ્તરી પુરુષનો પારખોં રે લૈયે;
અસ્તરી અશે તો ટૂંપૈયા વશાવશે.

સવના સાથી તેજમલ ગંઠોડા વશાયા.
ચાલો સખી રે આપણ વોંણીલા આટે જૈયે,
અસ્તરી પુરુષનોં પારખોં રે લૈયે;
અસ્તરી અશે તો સુનરી વશાવશે.

સવના સાથી તેજમલ ધોતિયોં વસાયોં.
ચાલો સખી આપણ દરિયા કોંઠે જઈએ,
અસ્તરી પુરુષનોં પારખોં રે લૈયે;
અસ્તરી અશે તો પાટે બેશીનં ના’શે.

સવના સાથી તેજમલ ચારે કોંઠા ડો’ળ્યા,
પેલી રે તૅરી જૈને બંગડી ઝળકાવી.
ફટ રે ભૂંડોંની સોરી સેતરીનં ચાલી!

[પ્રાગજીભાઈ ભામ્ભી સંપાદિત ઈડર વિસ્તારનાં લોકગીતોનો સંગ્રહ ‘ફૂલડોં વેંણી વેંણી થાળ ભર્યો’: ૨૦૦૩]