સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દૂષિત બોજ

From Ekatra Wiki
Revision as of 13:03, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બે બૌદ્ધ સાધુઓ તેમના પરિભ્રમણ દરમિયાન એક નદી પાસે આવી પહોંચ્યા. વર્ષાની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી, અને નદીમાં ઠીક ઠીક પાણી હતું. સાધુઓએ પોતાનાં વસ્ત્રો સરખાં બાંધી લીધાં અને નદીને પાર કરવાની તૈયારી કરી, ત્યાં તેમને કાને કોઈના રુદનનો અવાજ પડયો. “કોઈક રડતું લાગે છે,” એક સાધુ બોલ્યો. “એ તો કોઈ સ્ત્રીનો અવાજ છે,” બીજાએ કહ્યું. “એની આપણે શા માટે ફિકર કરવી?” પહેલો સાધુ કહે, “પણ આપણે તપાસ તો કરવી જ જોઈએ.” સાધુઓએ આગળ જઈને જોયું તો નદીને કિનારે બેઠી બેઠી એક સુંદર યુવતી વિલાપ કરતી હતી. “શા માટે રડે છે તું, બહેન?” પહેલા સાધુએ પૂછ્યું. યુવતી રડતાં રડતાં જ બોલી : “મારી માંદી માને મળવા મારે સામે પાર જવું છે, પણ નદીમાં આટલું બધું પાણી છે! હવે હું શી રીતે જઈ શકીશ?” પહેલો સાધુ ઘડીભર ગૂંચવાયો. પણ પછી એને માર્ગ સૂઝી આવ્યો. યુવતીને તેણે પોતાને ખભે બેસી જવા કહ્યું. આ જોઈ બીજો સાધુ ક્રુદ્ધ થઈ તેનાથી જરા અળગો થઈ ગયો. સામે કિનારે પહોંચીને સાધુએ યુવતીને ઉતારી દીધી અને એ ચૂપચાપ આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં બીજો સાધુ તેની સાથે થઈ ગયો. ચાલતાં ચાલતાં તે ઉશ્કેરાટથી બોલ્યો, “છીઃ છી : આજે તેં ભારે દૂષિત કર્મ કર્યું છે. આપણાથી સ્ત્રીનો સ્પર્શ કરાય જ કેમ?” પહેલા સાધુએ કશો ઉત્તર વાળ્યો નહીં. ફરી પેલો બોલી ઊઠયો : “આપણા ગુરુ આ જાણશે, ત્યારે તને શું શિક્ષા નહીં કરે?” તોયે પહેલો સાધુ શાંત જ રહ્યો. વળી પેલાએ કહ્યું, “સ્ત્રીમાત્રનો સ્પર્શ આપણા વ્યવહારમાં ત્યાજ્ય છે. અને વળી આ તો યુવાન સ્ત્રી હતી. તેં આજે ઘોર પાપ કર્યું છે.” હવે પહેલો સાધુ શાંત અવાજે બોલ્યો : “ભાઈ, મેં તો એ સ્ત્રીને નદીને કિનારે ઉતારી દીધી — પણ તું હજુ એને ઊંચકીને શા માટે ચાલે છે?”