સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/થાયે છે થેઈથેઈકાર

From Ekatra Wiki
Revision as of 12:52, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> થાયે છે થેઈથેઈકાર, — ધરા ને ગગનમાં થાયે છે થેઈથેઈકાર! બોલે છે મો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

થાયે છે થેઈથેઈકાર,
— ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર!
બોલે છે મોરલા મલ્હાર,
— કે આઘેરી સીમમાં
થાયે છે થેઈથેઈકાર!
વાદળના પડદાની આગળ આ વીજળી
નાચે, ને થાયે ચમકાર;
આવે અવાજ ઓલાં ઝરણાંની ઝાંઝનો
ને ઝાડવાં વગાડે કરતાલ!
— ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર!
કેવું અજબ છે આ વર્ષાનું જંતર, એને
બાંધ્યા છે લખલખ તાર;
એ રે અનેકમાંથી એક જ ઊઠે છે આ
હૈયાં હલાવતો ઝંકાર!
–ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર!
વાગે છે પાવા પવન કેરા ધીરા ધીરા,
— વાદળનો ઘેરો ઘમકાર;
શ્યામલના સૂર કેરી, ધરતીને આવરીને
ચાલી રહી છે વણજાર!
— ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર!

[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]