સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રિયકાન્ત મણિયાર/આ નભ ઝૂક્યું તે —

From Ekatra Wiki
Revision as of 04:24, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કાનજી ને પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!