સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવતીકુમાર શર્મા/અભાવો વચ્ચે જીવવાની ખુમારી

From Ekatra Wiki
Revision as of 11:30, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આજે આપણે જે સ્થિતિમાં છીએ, તેની સરખામણીમાં અને ભૌતિક અર્થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આજે આપણે જે સ્થિતિમાં છીએ, તેની સરખામણીમાં અને ભૌતિક અર્થમાં આપણા વડવાઓ ‘સુખી’ નહોતા. ગરીબી ત્યારે વધારે દારૂણ હતી, અસમાનતા વધારે વ્યાપક અને આકરી હતી. સમાજનો એક મોટો વર્ગ ગુલામ જેવું જીવન જીવતો હતો. સાધન-સુવિધાઓને નામે, આજની તુલનામાં, મીંડું હતું. સ્ત્રીઓ-બાળકોનાં મૃત્યુ-અપમૃત્યુનો દર ઘણો ઊંચો રહેતો. વહેમ-અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય છવાયેલું હતું. જીવન નર્યું પરિશ્રમી હતું. અભાવ એ જ જાણે જિંદગીનો પર્યાય હતો. આ સર્વની સરખામણીમાં આજે આપણામાંના કેટલાક નઃશંક રાહતભર્યું જીવન જીવીએ છીએ. પણ સાધનસમૃદ્ધિની છોળો વચ્ચેય આપણે સાચૂકલા સુખ અને નરવા સંતોષની અનુભૂતિ કેમ નથી કરી શકતા? આ સ્થિતિનું મૂળ આપણે અપનાવેલી કૃત્રામ જીવનશૈલીમાં રહેલું છે. આપણે રેઢિયાળ, ધ્યેયહીન જીવન વેંઢારી રહ્યા છીએ. નદીઓને આપણે અત્યાધિક પ્રદૂષિત કરી મૂકી છે. પ્રકૃતિ સાથેના આપણા સંબંધનો છેલ્લો તંતુ પણ કદાચ હવે તૂટી ગયો છે. આની તુલનામાં આપણા વડવાઓ ઘણું પ્રકૃતિપરાયણ જીવન જીવતા હતા. નિસર્ગ સાથેનો તેઓનો પ્રત્યક્ષ સંપર્ક અને ભાવાનુબંધ, બંને ઘણા સઘન હતા. બીજી ઘણી રીતે ભૂંડા-ભખ્ખ જેવા તેઓના જીવતરમાં પ્રકૃતિ સાથેનો આ અબાધિત સંવાદ જ જીવવાનું મુખ્ય બળ પૂરું પાડતો હતો. તેઓના જીવનમાં અભાવો તો પારાવાર હતા; પણ એ અભાવો તેની પ્રત્યેની અભાનતાને કારણે તેઓને ખટકતા નહોતા. અને બીજું, કુદરત સાથેના તાદાત્મ્ય દ્વારા તેઓ એ અભાવોને પણ ખુમારીથી જીરવી લેવાનું બળ પ્રાપ્ત કરી શકતા હતા. જીવનના ખરા સુખ, સંતોષ અને આનંદનો આ મૂળ સ્રોત જ આપણે ઘણે બધે અંશે ગુમાવી બેઠા છીએ. કુદરત અને આપણી વચ્ચે હવે હજારો ગાઉનાં છેટાં પડતાં જાય છે. ચોતરફ ફેલાઈ રહેલાં સર્વદેશીય પ્રદૂષણો પરત્વે આપણે આંખ— કાન-મન-હૃદયનાં બારીબારણાં બંધ કરતા જઈએ છીએ.

ધ્રુવ ભટ્ટનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ વાંચતાં મારા આ વિચારોને સમર્થન મળ્યું છે. ‘સમુદ્રાન્તિકે’ ગુજરાતી ભાષાનું કદાચ સૌપ્રથમ સર્જકીય પર્યાવરણવાદી પુસ્તક છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સંવાદનો પ્રગલ્ભ રીતે મહિમા કરતું પણ એ સંભવતઃ પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. દક્ષિણે ઉંબરગામથી છેક કચ્છ સુધી વિસ્તરેલી દરિયાને અડોઅડ ભૂમિપટ્ટી એ આપણી પ્રાદેશિક વિશિષ્ટતા છે. ત્યાં વસતાં માનવીઓનું નિસર્ગ સાથેનું તાદાત્મ્ય, તેમાંથી પ્રગટતી નિરામયતા અને તેની સામે નગરજીવનની કૃતકતા — આ બધું લેખકે કૌશલથી ઊપસાવ્યું છે. વળી ઉદ્યોગીકરણની આંધળી દોડ આવા નિસર્ગ-સમર્પિત વિસ્તારોને પણ કેવા ભરખી જઈ શકે તેમ છે, એના સંકેતો પણ લેખકે આપ્યા છે. કુંવારું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આવા વિસ્તારોમાં વિષવમન કરતાં ઔદ્યોગિક સંકુલો સ્થપાતાં જાય છે, તેથી એ સૌન્દર્ય તો જોખમાશે જ; તે સાથે ત્યાં વસતા લોકોની અત્યાર સુધીની કુદરતપરાયણ જીવનશૈલીમાં પણ શહેરી કૃતકતા પ્રવેશશે, જે તેમની નિરામયતા અને ખુમારીનો પહેલો ભોગ લેશે