સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવાનદીન/બાળક અને આપણે

From Ekatra Wiki
Revision as of 12:09, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સુધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સુધીમાં તો તે ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઈ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે.

રડવું એ બાળકની બોલી છે. એનું રડવું ક્યારેય એકસરખું નથી હોતું. દૂધ પીતું બાળક રડે છે ત્યારે કંઈક સૂચવવા માગે છે. ખાવાપીવા માટે તે એક રીતે રડે છે, તો સંડાસ કરવા માટે જુદી રીતે. કોઈ કીડી-મંકોડી કરડી હોય ત્યારે વળી એ સાવ જુદા પ્રકારનું રડે છે.

બાળક ગમે તેટલું તોતડું, અસ્પષ્ટ કે અશુદ્ધ બોલે તોપણ આપણે તો તેની સાથે શુદ્ધ જ બોલવું જોઈએ. આપણે જો શુદ્ધ બોલતાં રહીશું, તો બાળકનું તોતડાપણું આપોઆપ સુધરી જશે.

સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુદ્ધિશાળી હોય છે.

બાળક જન્મથી જ અસ્તેયવ્રતી હોય છે, કેમકે પોતે ધરાઈ ગયા પછી વધેલી ચીજ સાથે કોઈ સ્નાન-સૂતક ન હોય તેવી રીતે એને છોડીને તે ચાલતું થાય છે.

બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનાવવાની કોશિશ કરે છે, પોતાનાં કપડાં જાતે ધુએ છે.

શરીરને જેમાં શ્રમ પડે તેવા જ્ઞાન માટે બાળકને ખૂબ આકર્ષણ રહે છે. પાણી ભરવું, સફાઈ કરવી, વસ્તુ લઈ જવી, ઘાસ કાપવું — એવી બધી ક્રિયાઓ માટે તે જેટલું જલદી તત્પર બને છે તેટલું ભણવા માટે નથી થતું, કેમ કે ભણવામાં તેને શ્રમ કરવાની તક મળતી નથી.

બાળક જન્મથી જ નિર્ભય હોય છે, એટલે તેને કોઈથી ડરવાનું નથી હોતું. કુદરતી રીતે આપણા સૌને માટે અનિવાર્ય એવો કેટલોક ભય તેનામાં પણ હોય છે.

બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ.

નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઈક શીખતું હોય છે. તેથી બાળક અમુક કામ કરતાં ન શીખે તેવું આપણે ઇચ્છતાં હોઈએ, તો તેવું કામ તેની સામે કદી કરવું નહીં.

બાળક જ એક એવું પ્રાણી છે જેને કોઈ પોતાને મદદ કરે તે ગમતું નથી.

બાળક પોતાની આંગળીને દઝાડ્યા વિના, કેવળ ઉપદેશથી, અગ્નિથી દૂર રહેશે નહીં; પાણીમાં ડૂબ્યા વિના તેની મૂંઝવણ સમજશે નહીં; પોતાનો શ્વાસ રૂંધાયા વિના તેને હવાની કિંમત સમજાશે નહીં. આવું બધું તે આપણાથી છૂપું છૂપું કરે, તેના કરતાં સારો રસ્તો એ છે કે સમજણાં માવતર પોતાની હાજરીમાં જ તેને અગ્નિમાં આંગળી નખાવે, પાણીમાં ડૂબકી મરાવે, પેટીમાં પૂરીને ઢાંકણું બંધ કરી દે, જેથી અગ્નિનો તેમજ હવાપાણીના અભાવનો કીમતી અનુભવ તેને મળી જાય.

નાના બાળકના માથે હાથ ફેરવતાં ખ્યાલ આવી જશે કે માથાનો આગળનો ભાગ હાડકાં વિનાનો હોય છે. એના ઉપર આંગળાં રાખવાથી હૃદયના જેવા ધબકારા સંભળાશે. તેથી એ ભાગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકના માથા પર ટપલી મારવી નહીં — લાડમાં પણ ન મારવી; એનાથી બાળકના મગજને નુકસાન થાય છે.

તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઈએ અને રમતાં રમતાં સૂઈ જવું જોઈએ. જેને ગમે ત્યાં ઊંઘ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક.

બાળકને કાખમાં તેડીને માતા બજારમાં જાય ત્યારે તે બાળકનું બહુ મોટું શિક્ષણ કરે છે.

સાધારણ રીતે પોતાને ઉપયોગી ન હોય તેવી બીજા કોઈની વસ્તુ બાળક લેતું નથી. પણ જો આપણે તેને કીધા કરીએ કે, આ મારી ચોપડી છે તેને અડવાનું નથી — તો બાળક અચૂક એ ચોપડીઓ લેવાનું.

દરેક ઓજારનો ઉપયોગ શીખવાની બાળકને સ્વાભાવિક જ તાલાવેલી હોય છે. પણ જો કોઈ ઓજારનો એ ખોટો ઉપયોગ કરે તો ગુસ્સે થવાને બદલે તેનો સાચો ઉપયોગ બતાવવો જોઈએ. બાળક કુહાડીથી ઈંટ ઉખાડે, તો તેને સમજાવવું જોઈએ કે, કુહાડીથી તો લાકડાં કાપી શકાય, પણ ઈંટ ઉખાડવા માટે ત્રાકમનો ઉપયોગ કરવો જોઈએ; તારે ઈંટ ઉખેડવી હોય તો કુહાડી મૂકીને ત્રાકમ લઈ આવ.

બાળક પડવાથી ગભરાતું નથી એટલું જ નહીં, જે કરતાં તે પડ્યું હોય એ કામ પણ છોડતું નથી. બાળક પડી જાય ત્યારે તેને બેઠું કરવા દોડવું નહીં — તેની તરફ જોવું પણ નહીં. આમ કરવાથી તે રડયા વગર આપમેળે બેઠું થઈ જશે.

બાળકને વિનયવિવેકની શિખામણ આપવાની જરૂર નથી. બાળક સાથેનું આપણું વર્તન વિનયવાળું હશે, તો એ આપણી જેમ જ બીજાઓ સાથે વિનયથી વર્તશે.

ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઈએ. એટલે બાળક કોઈ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઈએ.

બાળક રમતું હોય ત્યારે એ તેમાં સંપૂર્ણપણે લીન થઈ ગયું હોય છે. એવે વખતે એ બીજાની વાત ન સાંભળે તો એ તેનો વાંક નહીં પણ ગુણ ગણવો. યોગીને ચિત્તની એકાગ્રતા સાધવા બહુ મહેનત કરવી પડે છે, જ્યારે બાળકને કુદરતી રીતે જ એ ગુણ મળેલો હોય છે.

કોઈ કુટેવ અંગે આપણે બાળકને મારીએ છીએ ત્યારે હકીકતમાં આપણે કોને મારતા હોઈએ છીએ તેનો ખ્યાલ આપણને હોય છે ખરો? ત્યારે માણસ પોતાની જાતને, પોતાની પત્નીને મારી રહ્યો હોય છે, અથવા પોતાનાં જ માતાપિતાની પિટાઈ કરી રહ્યો હોય છે. કારણ કે બાળક જે અવળચંડાઈ કરે તે ઘણુંખરું તો તેણે તેનાં માવતર કે દાદા-દાદી પાસેથી શીખેલી હશે.

જે બાળકોને પૂરતો પ્રેમ મળતો નથી તેને ભાતભાતની કુટેવો પડે છે. જે બાળકોને વધારે પડતો પ્રેમ મળે છે, તે એવો પ્રેમ આપનારાંની વાત બિલકુલ માનતાં નથી.


(અનુ. હાજીભાઈ બાદી)