સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/રગેરગમાં… લોહીના લયમાં

From Ekatra Wiki
Revision as of 12:35, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સોજા મારું ગામ કલોલ તાલુકામાં છે. ગામ જૂનું, પણ તેનો કોઈ ઇત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સોજા મારું ગામ કલોલ તાલુકામાં છે. ગામ જૂનું, પણ તેનો કોઈ ઇતિહાસ નથી. નદી કે પહાડી નથી. પટેલો સારી ખેતી કરે. એક વખતનું ગાયકવાડી ગામ, ફરજિયાત કેળવણી, એટલે નિશાળે તો સૌ જઈ આવ્યાં હોય. બહેનો પણ. મારા બાપા શંકરભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક. શિક્ષક તરીકેનાં ઘણાં વર્ષો તેમણે બાજુના ગામ પલિયડમાં ગુજારેલાં, પણ સોજાથી આવજા કરે. શિક્ષક એટલા જ ખેડૂત. નિશાળેથી આવીને ખેતરમાં કામ કરે. બાપા સ્પષ્ટવક્તા, કડવા પણ લાગે. બાપાના સ્વભાવથી વિપરીત ગુણો મારામાં આવ્યા; હું કોઈને સ્પષ્ટ કહી શકતો નથી. એમના સ્વભાવમાં આળસ જરા પણ નહિ, આવતી કાલનું કામ આજે કરે; હું કામ તરત કરવાનું ટાળવામાં રાચું. બાપાએ કદી પોતાના વિચારો મારા પર લાદ્યા નથી, મને સ્વતંત્ર નિર્ણયો લેવા દીધા છે — એક મારા લગ્ન સિવાય. મોટા ઘરની પ્રતિષ્ઠા રાખવા ૧૪ વર્ષની વયે મારું લગ્ન કરાવી દીધેલું. પણ તે પછી હંમેશાં પોતાનો વિચાર દર્શાવી છેવટે “જેવી તમારી મરજી” એમ જ કહે. મારી બા રેવાબા બધી બાઓ જેવી. ખેતીના કામમાંથી છોકરાંની કાળજી રાખવાની નવરાશ ન મળે. નાની વયે હું પરગામ બોઋડગમાં રહેવા ગયેલો, તે આંસુ સારે. રજાઓની રાહ જુએ. પછી પણ રજાઓની રાહ જુએ — જ્યારે અમે પણ પુત્રપરિવારવાળા થયેલા. રાયણાં લઈ રાખે. નવી માટલીઓમાં પાણી ભરી રાખે. મા પાસેથી સાંભળેલું સીતાવનવાસનું લોકગીત મારી રગેરગમાં ભળી ગયેલું છે : “સોના ગેડી રૂપા દડુલો રે રામ રમવાને ચાલ્યા.”

દફતરમાં સ્લેટ-પેન લઈ, મહાદેવની પડાળીઓમાં ચાલતી પ્રાથમિક શાળાનાં પગથિયાં ચડેલો તે દૃશ્ય હજી યાદ છે. શાળાના પશા માસ્તર યાદ છે — એમની સોટીનો માર પણ. લગભગ બધા સાહેબો મારતા. ન આવડે તો તો મારે, અને આવડે તો પણ. અમારા ભાઈશંકર માસ્તર આપણો જવાબ ખરો પડે એટલે, જેનો જવાબ ખોટો હોય તેના ગાલ પર તમાચો મારવાનું આપણને કહે. પેલો તો આપણો મિત્રા હોય. તેને હળવેથી ટાપલી મારીએ, એટલે તમાચો કેમ મરાય તેનું નિદર્શન ભાઈશંકર આપણા ગાલે તમાચો મારી કરી બતાવે! તમ્મર આવી જાય. ત્યાં ધોરણ ચારમાં શિક્ષકને મોઢે પહેલી વાર હિંદી ભાષા સાંભળી. હિંદી પાઠયપુસ્તકનો કદાચ એ પહેલો પાઠ વાંચતા હતા. હિંદી સાંભળતાં જાણે કોઈક અબોધપૂર્વ ભાવ થતો હતો. એ દિવસે ઘરે આવી આખો વખત મોટેથી એ હિંદી વાક્યો બોલ્યાં કર્યાં અને એ ભાષાનાં ઉચ્ચારણનો સ્વાદ મમળાવ્યા કર્યો. એવી રીતે પહેલી વાર સંસ્કૃત ભાષાનું નામ સાંભળ્યું ગામને ઓટલે. પોતે સંસ્કૃત ભણ્યા છે એવી વાત પ્રાથમિક શાળાના એક બ્રાહ્મણ શિક્ષકે કરી, ત્યારે જાણે કોઈ દુષ્પ્રાપ્ય વિદ્યા એમને આવડે છે એવી લાગણી થયેલી — પંડયા માસ્તર સંસ્કૃત જાણે છે! પછી અંગ્રેજી શાળામાં જતાં પ્રાર્થના માટે પ્રથમ સરસ્વતીવંદનાનો સંસ્કૃત શ્લોક મોઢે કર્યો. મારી સ્મૃતિ પ્રમાણમાં સારી. ઘણી વાર તો કશુંક સાંભળું ને છપાઈ જાય. હિન્દીના પાઠ મોઢે થઈ જાય. અંગ્રેજી ભાષાનો પરિચય થવા લાગ્યો પછી અંગ્રેજીના પાઠ મોઢે થઈ જાય.

આ દિવસોમાં પણ ચોપડીઓ માટે અનહદ આકર્ષણ. પલિયડની લાઇબ્રેરીમાંથી બાપા મારે માટે ચોપડીઓ લાવે. એ નિશાળેથી આવે એટલે નવી ચોપડીઓની રાહ જોઉં. વ્યાસ વલ્લભરામનું ‘મહાભારત’ સાતમીમાં કંઈ કેટલીયે વાર વાંચ્યું. બાપાનો બહુ મોટો ઉપકાર, તે મને આઠમીથી કડી સર્વવિદ્યાલયમાં ભણવા મૂક્યો. કડી ભણવા જતાં તો જાણે કાશી ભણવા ગયા! જીવનઘડતરનો દૃઢ પાયો નખાયો. સર્વવિદ્યાલયનું વિશાળ વાચનાલય સાથેનું પુસ્તકાલય. પુષ્કળ પત્રપત્રકાઓ આવે. અમારા શિક્ષકો વાંચવા માટે પ્રોત્સાહિત કરે. સંસ્કૃતના શિક્ષક રામભાઈએ ભવભૂતિના ભાવજગતમાં પ્રવેશ કરાવ્યો. મોહનલાલ પટેલના હાથે ગુજરાતી ભણવાનો લહાવો, એટલે વિશ્વસાહિત્યમાં પ્રવેશવા માટેની ભૂમિકા. રજાઓમાં કડીથી ઘરે આવીએ ત્યારેયે વાચન ચાલે. મારા બાપુજી ત્યારે ગામની નિશાળમાં આવેલા અને પુસ્તકાલય સંભાળતા. પાંચેય કબાટની ચાવીઓ મારી પાસે.

આઠમા ધોરણમાં સંસ્કૃત ભાષા રીતસરની ભણવા મળી. અમારે ‘ગીર્વાણ ગીતાંજલિ’ ચાલતી, તેમાંના પસંદ કરેલા શ્લોકો મોઢે કરવાના. અઠવાડિયામાં એક જ પિરિયડ, પણ એની રાહ જોઉં. સંસ્કૃત કવિતા કંઠસ્થ થઈ ગઈ. પછી તો શ્લોકોનું એ પગેરું સંસ્કૃત કૃતિઓ સુધી લઈ ગયું, અને એક દિવસ સંસ્કૃતનો ખજાનો ખૂલી ગયો. ભવભૂતિ ઊઘડી ગયા, કાલિદાસ ઊઘડી ગયા. એ દિવાળીની રજાઓમાં જુવાર ટોતાં ટોતાં, ખેતર વચ્ચેના ઊંચા માચડા પર બેસી મણિલાલ નભુભાઈનો ‘ઉત્તરરામચરિત’નો અનુવાદ એક પ્રકારના કેફ સાથે વંચાતો ગયો. ન્હાનાલાલનું ‘મેઘદૂત’ હાથમાં આવેલું. બધું સમજાય નહિ, પણ સમજાયા વિનાયે સ્મૃતિમાં રહી જાય. સર્વવિદ્યાલયમાં હતા ને લખવાનું શરૂ થયેલું. શાળાના ગ્રંથાલયમાં એક દિવસ રવીન્દ્રનાથનું અંગ્રેજી કાવ્ય ‘બ્લાઇન્ડ ગર્લ’ વાંચવામાં આવ્યું, એનો ગુજરાતી અનુવાદ કર્યો. એસ.એસ.સી. પરીક્ષા પછી લાંબી રજામાં બંગાળી લિપિ શીખ્યો. બંગાળી ભાષાનું આકર્ષણ વધતું ગયું. પણ ક્યાં ભણવી? તે પહેલાં શાંતિનિકેતન એક પત્ર પણ લખેલો કે ત્યાં અભ્યાસ કરવા આવવાની ઇચ્છા છે, તો માર્ગદર્શન આપવા વિનંતી છે. જવાબ ક્યાંથી હોય? — પત્ર ગુજરાતીમાં લખેલો!

બાપાએ કહેલું કે, તને કૉલેજમાં ભણાવવાના ખર્ચાને પહોંચી વળવાનું મુશ્કેલ છે. ત્યાં મારા એક વખતના શિક્ષક મણિભાઈ પટેલે માણસાની નિશાળમાં શિક્ષકની જરૂર છે એમ કહી બોલાવી લીધો. હું શિક્ષક તરીકે રહી ગયો. હું સાહિત્યકાર હોઉં-ન-હોઉં, પણ જન્મજાત શિક્ષક છું. એટલે પૂરાં અઢાર વરસની પણ નહિ એવી નાની વયે માણસામાં શિક્ષક થવાથી મારી એ જન્મજાત વૃત્તિનો જ વિકાસ થયો. આજે ચાર દાયકા પછી પણ વર્ગ એ મારે માટે સ્વર્ગ સમાન છે. ભણાવવું એ મારે માટે સર્જનાત્મક આનંદરૂપ રહ્યું છે — તેની શરૂઆત માણસાની શાળાથી. ઉત્સાહ એવો કે નાના પગારમાંથી પણ પુસ્તકો ખરીદતો. ભણાવવાનો પાઠ મૂળ જેમાંથી લીધેલો હોય તે પુસ્તક આખું વાંચતો. આ નિશાળમાં ‘કુમાર’ની અકબંધ ફાઇલોનો ખજાનો મળ્યો. પણ સૌથી મૂલ્યવાન જે મળ્યું, તે વિદ્યાર્થીઓ. એવા છાત્રો — આપણે બોલીએ તે જાણે પી રહ્યા હોય! ભણાવવાનો ઉત્સાહ થાય. એ ઉત્સાહમાં કદી ઓટ આવી નહિ. વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો.

માણસામાં ભણાવતાં ભણાવતાં ભણવાનું શરૂ કર્યું..બીજા શિક્ષકો પણ એમાં જોડાયા. એકસ્ટર્નલ પરીક્ષાઓ એક પછી એક આપી. ચોથે વરસે તો અમે બી.એ.ની પરીક્ષા આપવા કાશી ગયા. ૧૯૫૫માં વડોદરામાં ભરાયેલા લેખક મિલનમાં હું માણસાથી ગયેલો. લેખકોને આમ મળવાનો પ્રથમ અનુભવ. આટલા બધા લેખકો સાથે ત્રણ દિવસ! આ બધાનાં કાવ્યો, વાર્તાઓ એવાં વાંચેલાં કે લગભગ મોઢે. ગામડે ગામથી ગયેલો હું તો માત્ર ચૂપચાપ સાંભળું. આમ ભણાવવાનું, ભણવાનું અને સાહિત્યજગતના સંપર્કમાં આવવાનું થતું ગયું. લખવાનું થોડું થોડું. પણ એમાંથી કશું પ્રગટ કરવાનું સાહસ થતું નહોતું.

માણસામાં એક મહત્ત્વાકાંક્ષા જન્મી કે કૉલેજમાં અધ્યાપક થવું. એ માટે એમ.એ. તો કરવું જ. એટલે માણસા છોડવું અનિવાર્ય હતું. અમદાવાદમાં નિર્વાહ માટે નોકરી આવશ્યક હતી, તે નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં મળી ગઈ. પરિવારને સોજા રાખી હું યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો. ૧૯૬૦માં એમ.એ.ની પરીક્ષા આપી. યુનિવર્સિટીમાં હિંદીમાં પ્રથમ આવ્યો. કૉલેજમાં અધ્યાપક બન્યો — એક સ્વપ્ન સિદ્ધ થયું. હવે પરિવાર સાથે અમદાવાદમાં રહેવાનું શરૂ કર્યું. અધ્યાપક થયા પછી એકવાર ‘બાંગ્લા સહજ શિક્ષા’ હાથમાં આવી, અને ઉનાળાની આખી રજાઓ એને આપી; પછી ‘રવીન્દ્ર રચનાવલિ’થી જ સીધો પ્રવેશ બંગાળીમાં કર્યો. રવીન્દ્રનાથને મૂળ બંગાળીમાં વાંચવા એ ભાષા આદરણીય નગીનદાસ પારેખ પાસે વિદ્યાર્થી બનીને શીખી. ૧૯૬૪થી ૧૯૭૮ સુધી નિયમિત સપ્તાહમાં એક કે બે વાર તેમની પાસે બંગાળી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો. દરમ્યાન બંગાળીમાંથી અનુવાદ પણ થતા રહ્યા. ૧૯૮૩માં વિશ્વભારતીના કુલપતિએ એક વર્ષની ફેલોશિપ આપી મને શાંતિનિકેતન નિમંત્રાત કર્યો. ૧૯૫૧માં એસ.એસ.સી.માં હતો ત્યારે ત્યાં જવા માટે પત્ર લખેલો, તેની વાત આ પ્રસંગે કવિ ઉમાશંકરને કરી. પૂછ્યું : શો જવાબ આવેલો? મેં કહ્યું : કોઈ જવાબ નહિ. એ બોલ્યા : કેમ — જવાબ ના આવ્યો? આ આવ્યોને ૧૯૫૧ના પત્રનો જવાબ ૧૯૮૩માં!… શાંતિનિકેતનમાં આખું વર્ષ રહી રવીન્દ્ર-સાહિત્યનું વિશેષ અધ્યયન કર્યું.

ભાષાઓના અધ્યયનમાં મારો પ્રથમ પ્રેમ સંસ્કૃત. કાલિદાસ-ભવભૂતિનું પરિશીલન હંમેશનું. એવી રીતે રવીન્દ્રનાથ. એ રીતે ગુજરાતીમાં કવિ ઉમાશંકરને અને હિન્દીમાં અગ્નેયજીને વાંચ્યા છે. કાલિદાસ અને રવીન્દ્રનાથ જેવા કવિઓ જાણે હરપળે ચેતનાના નેપથ્યમાં ઉપસ્થિત રહે છે. કશુંક રમણીય જોતાં એની વાત કરવાના શબ્દો ન જડે કે અધૂરા પડે, તો તેઓ તરત સહાયમાં સાક્ષાત. મારે જે કહેવું હોય તે એમની પાસેથી મળી જાય. ઘણી વાર તો મનમાં સંકલ્પ જેવું કરીને લખવા બેસું કે, આ લખાણમાં કાલિદાસ કે રવીન્દ્રનાથ તો નહિ જ. પણ એ તો લોહીમાં લય બનીને રહેલા છે — આવે જ. પ્રત્યક્ષ ન દેખાય, પરોક્ષ ઉપસ્થિત હોય. [‘ભોળાભાઈ પટેલ : સર્જક અને વિવેચક’ પુસ્તક]