સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/પંડનાં પાતાળપાણી

From Ekatra Wiki
Revision as of 03:57, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દુષ્કાળ ઉપર દુષ્કાળ વરસ આતમનાં! ઘોડાપૂર ગયાં ક્યાં ઘૂઘવતાં? શેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દુષ્કાળ ઉપર દુષ્કાળ વરસ આતમનાં!
ઘોડાપૂર ગયાં ક્યાં ઘૂઘવતાં?
શેવાળ હવે તો ખરસટ, સૂકોભટ રેતાળ
પડયો પટ દૂર દૂર, ભગ્નાશ હૃદય
ગોથું ખાતું, ચિત્કાર કરી ચકરાતું.
તાપ — બળી, તલખ-વલખતી સમળી — શું દુષ્કાળ!
ક્યાં જાવું? મન, જબ્બર બંધ તણી માયા છોડો!
મોડો મુખ જગ-વિસ્તરતાં છિલ્લર વારિ થકી.
પોતીકા નાના ખેતરમાં
આ ઊંડા ભમ્મર, તરછોડયા કૂવા પર ઝૂક્યાં
ઝાડઝાંખરાં, વેલા, કાળા વિષધર કેરા
કરો રાફડા સાફ; જવું ઊંડે ઊંડે ઊંડે.
પહાડની છાતી ચીરી, અંધારાં ભેદી
ધરતીની ધોરી નસ પામીને
સેંજળ છલકાવો! લાવો, જોડો પાછો
એ કાટ ચડેલો કોશ : કિચુડ-બોલે ગાશે
પંખી પાછાં, ક્યારી ક્યારીમાં રેલ
નાચતી મલકાશે; દુશ્કાળ ભલે ભેંકાર
ખડો જમદાઢ કચડતો માથા પર!
એકાકી, એકાંતઘોર મંડાણ પરે
મથવું પડશે એકલપંડે દિનરાત
રાતદિન જંપ વિના, જાગે નહીં જ્યાં લગ
ઝળહળ નિરમળ અનગળ જળ.
દુષ્કાળ! આવ, ધર ખોબો, પી જળ ઘટક ઘટક.
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૬૪]