સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/વડા ધણીને વિનતિ

From Ekatra Wiki
Revision as of 04:01, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું : આ રે કાયાની કાવડે રે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું :
આ રે કાયાની કાવડે રે તારાં અમરત સારું.
વેરનાં વખિયાં ખેતર રે ખેડી-ગોડીને ખાંતે,
વ્હાલનાં બી વાવું હોંશથી રે હસીખુશી નિરાંતે.
ઊંડા તે ઘાવ વરામણા રે, દિલે દાહ જ્યાં કારી,
અંગે અંગે દઉં નિરમળા રે શીળા લેપ નિતારી.
ડાકણ બેઠી ડરામણી રે કૂડી શંકાની આડી,
વાટ ચીંધું વિશ્વાસની રે આગે પાય ઉપાડી.
માથું ઢાળી બેસે માનવી રે હાથ લમણે મૂકી,
રંગ દઈ વાંસો થાબડી રે ભેટ બાંધું બળૂકી.
અંધારું ચૂતું જ્યાં આભથી રે ગજવેલ શું ગાઢું!
બીજ સમી ત્યાં તો બંકડી રે આછી કોર હું કાઢું,
ઝૂરી મરે રણ-રેતમાં રે કોઈ જીવ ઉદાસી,
ઝરણું બની એની પાસમાં રે વેરું કલકલ હાસી.
વડા ધણી, મારી વિનતિ રે, આંસુ એકલો પ્રોઉં,
પરનાં આંસુડાં પ્રેમથી રે ધોડી ધોડીને લોઉં.
મોટો ભા થઈને મેરમ રે મારું ગાણું ન માંડું,
કો’કને સાંભળું, સમજું રે દઈ કાન ને કાંડું.
ભીખ માગું નહીં ભાવની રે કરી ઉછી-ઉધારાં,
હૈયું લૂંટાવું હું હેતથી રે, દિયે હાડ હોંકારા.
ઓછું થતું નહીં આપતાં રે, થાય અદકી મૂડી,
વાંકગુના સૌ વિસારતાં રે થાય જિંદગી રૂડી.
માલિક, આવી જો મોજથી રે મારો માંહ્યલો મેરે,
અમરલોકનું આયખું રે મારો આતમા વરે.

[‘મિલાપ’ માસિક : ૧૯૬૩]