સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મગનભાઈ પ્ર. દેસાઈ/ધન્યતા

From Ekatra Wiki
Revision as of 04:40, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વર્ધા શિક્ષણ યોજના અંગેનું પહેલું સંમેલન પૂરું થયું પછી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વર્ધા શિક્ષણ યોજના અંગેનું પહેલું સંમેલન પૂરું થયું પછી ગાંધીજી આવીને વર્ધામાં જમનાલાલજી બજાજના મકાનમાં બેઠા. એક પ્રકારનો નિશ્વાસ નાખીને તે બોલ્યા : “ભગવાને આ કેળવણીની બાબત મને આટલી મોડી કેમ સુઝાડી?” બીજું વાક્ય એ ઈશ્વરભક્તે સુધારીને ઉચ્ચાર્યું કે, “ભગવાનને દોષ દેનાર હું કોણ? ક્યારે શું કરવું જોઈએ અને શું નહીં, તે વસ્તુ એ જાણે છે. અને તેના વખતે તેણે આજે પણ મને સુઝાડી, એના સંકેત પ્રમાણે મને સૂઝી, એનો મારે મન ધન્યવાદ છે.” અને પછી એમણે કહ્યું કે, “મારી બધી જ વસ્તુઓમાં હિંદુસ્તાન માટે મોટામાં મોટી ભેટ હોય તો આ વર્ધા-શિક્ષણનો વિચાર છે.” ત્યાર પછી એ વાક્યને એમણે કદી સુધાર્યું નથી. ભાતભાતનાં દુઃખો સહન કરીને, ગાળો ખાઈને ગાંધીજીએ પુરુષાર્થ કર્યો. કેટલી યાતના, કેટલી ગેરસમજોમાંથી આ માણસનું જીવન પસાર થયું છે! આ બધી વસ્તુઓ યાદ આવે છે ત્યારે, હિંદુસ્તાનના ઇતિહાસની અંદર — આગળ ઉપર ઇતિહાસકાર જેને ભવ્યમાં ભવ્ય યુગ કહેશે એ યુગની અંદર જીવવાનું મળ્યું એ માટે હું ધન્યતા અનુભવું છું. [પોતાના ષષ્ઠિપૂર્તિ સમારંભમાં : ૧૯૫૯]