સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/“શીંગડાં માંડતાં શીખવશું!”

From Ekatra Wiki
Revision as of 10:54, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગાંધી પાસેથી અમે સમજ્યા કે કેળવણીનું યુગાનુકૂળ સ્વરૂપ દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગાંધી પાસેથી અમે સમજ્યા કે કેળવણીનું યુગાનુકૂળ સ્વરૂપ દેશના અજ્ઞબહુજનસમાજને માટે એમનામાંથી જ સુજ્ઞ નેતાગીરી પૂરી પાડનારું હોવું જોઈએ. ગાંધીને પ્રતાપે અમને એવી સમજણ હતી કે વિદ્યાર્થીઓ ગામડાંમાં રહેવા, ગામડાંને સુધારવા અને ગામડાંની વકીલાત કરવા પ્રેરાય, તે ગામડાંની કેળવણીનું લક્ષ્ય હોવું જોઈએ. આ માટે અમારે અમારા શિક્ષણમાં નવો અભ્યાસક્રમ, નવી પદ્ધતિઓ, નવાં સાધનો, નવા શિક્ષકો તો ઊભાં કરવાનાં હતાં જ. પણ એનાં કરતાંયે વધારે મહત્ત્વનું કામ આ વિદ્યાર્થીઓમાં ગામડાં માટે પ્રેમ-ગૌરવ અને ગામડાંને ધોવાતાં અટકાવવા સારુ જરૂરી યુયુત્સાવૃત્તિ કેળવવાનાં હતાં. ગામડાંના વિદ્યાર્થીઓ બધા અતિ સામાન્ય કુટુંબનાં બાળકો હતાં. પણ જે આવતા તે અમને વહાલસોયા લાગતા. તેમને અમે જાતે જ પીરસતા. તેમને કપડાં ધોતાં, વાળ ઓળતાં શીખવતા. તેમની જોડે વરસતા વરસાદમાં દોટ મૂકીને અમે ડુંગરામાં જતા. સાથે ધૂબકા મારતાં ટેકરા વળોટતા, ગાયો ચારતા, ગાયો દોહતા, હૂતૂતૂ-લંગડી તો રમતા જ, પછડાતા, પછાડતા. વિદ્યાર્થીઓ વૅકેશનમાં ઘેર જાય ત્યારે અમે વિલાઈ જતા; દહાડા ન જતા. આવે ત્યારે ઝાંપે લેવા જતા. જરૂરીથી વધારેની જરૂર નહોતી અમને કોઈને. હું લગ્ન કરવા ગયો ત્યારે રેલભાડાના પૈસા ઉછીના લઈને ગયેલો. એવા મસ્તીના દિવસો હતા — “તે હિ નો દિવસા ગતાઃ!” કોઈ વાર બાળકોના વાલીઓ પૂછતા : “મારા છોકરાને નોકરી મળશે?” હું કહેતો : “મળે પણ ખરી, ન પણ મળે; પણ અમે નોકરી માટે ભણાવતા નથી.” “તો પછી એ શું કામ ભણે? ખેતી તો અમારે ઘેર રહીનેય જોતાં જોતાં શીખી જાય.” “ના, બાપા, નવી ખેતીની તમને પણ ખબર નથી. એ નવી ખેતી શીખશે. એ તમારે માથે નહીં પડે, પોતાનો રસ્તો કરી લેશે.” “પણ તમે બીજું શું શીખવો છો? ખેતીનું તો ઠીક, મારા ભાઈ; અહીં ઢેફાં ભાંગ્યાં કે ઘેર, બધુંય સરખું છે.” “જુઓ, બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું?” પછી તેવાની સામે આંખ નોંધી હું કહેતો : “— શીંગડાં માંડતાં શીખવીએ છીએ!” અને પછી પેલા બકરાના બચ્ચાની વાત કહેતો કે એ બ્રહ્મા પાસે જઈને પોતાને કૂતરાં, નાર, માતાજી, બધાં ખાઈ જાય છે — તેમાંથી બચવું કેમ, તે અંગે કાકલૂદી કરવા લાગ્યું. અને પછી બ્રહ્માએ આપેલા જવાબથી તેના કાન ભરાઈ જાય તેમ કહેતો : “બાપા, બ્રહ્માએ એ બચ્ચાને કહ્યું, ‘હું તો તારો દાદો છું ને? એ છતાંય તારું આ કૂણું કૂણું રાંકડું મોઢું જોઈને મનેય મન થાય છે તને એક બટકું ભરી લેવાનું! તો જરા શીંગડાં માંડતાં શીખ્ય. તને મેં શીંગડાં શા સારુ આપ્યાં છે? — બાપા, અમે આ શીંગડાં માંડતાં શીખવવાના છીએ.” મને પરમ સંતોષ છે કે આ શીંગડાં માંડવાનું શીખવતા શિક્ષણને પ્રતાપે અમે ગામડાંના કેટલાય વગર પૈસાના વકીલો કેળવી શક્યા. આ બધામાં શિરટોચ નીવડયા ભાઈ દુલેરાય માટલિયા. અમારું કામ તેમને અપૂરતું લાગ્યું — અને એમ હતું જ — એટલે ઊપડ્યા માલપરા. ત્યાં જઈને ધૂણી ધખાવી. શાળા-બાલમંદિર હાથમાં લીધાં. ખાદીકામ કર્યું. રાત્રી-પ્રાર્થનામાં ગામની કેળવણી શરૂ કરી. આખા ગામને કેળવવાનો આવો પ્રયોગ કદાચ બબલભાઈ સિવાય કોઈએ નહીં કર્યો હોય. માલપરાને તેમણે સ્વચ્છતાના, નિર્ભયતાના, પ્રભુશ્રદ્ધાના પાઠ શીખવ્યા. બહેનોને બધાં કામમાં બહાર કાઢી. ગામડાંની સભામાં માલપરા જેટલી બહેનોની સંખ્યા ભાગ્યે જ મળે. માલપરા જેવી ચોખ્ખી શેરીઓ ભાગ્યે જ કોઈ ગામમાં જોઈ છે. એવો પ્રશ્ન થાય કે એ માલપરામાં હવે તેવું જ છે ખરું? અને જો ન હોય તો આ બધી ઝંઝટ, દોડધામ, ઊથલપાથલનું મૂલ્ય શું?....એ જ દલીલને આગળ લંબાવીએ તો પૂછી શકાય કે ગાંધીથી શું થયું? ભાગલા પડ્યા, નિર્દયીઓએ લાખો નિર્દોષોની હત્યા કરી... અને આજેય દેશની આ દશા? ત્યાં માટલિયા કે અમારા જેવાં તરણાંનો શો હિસાબ? તો શું લોક-સંગ્રહનાં, લોક-કેળવણીનાં કામો છોડી દેવાં? મનુષ્ય શું ઉખર ભોંય જેવો છે? તેમાં કોઈ બી ઊગતાં જ નથી? મને એવું લાગે છે કે સંસ્કારિતા એ બહુધા પ્રાપ્ત સંસ્કાર છે. તે આપોઆપ વારસામાં આવતો નથી. તે માટે સંસ્કાર-વારસો આપવાની શિક્ષણવ્યવસ્થા, પરંપરા ઊભી કરવી પડે છે. એ ન થાય તો બીજી પેઢીએ જ પહેલાં હતી તેવી અસંસ્કારિતા પાછી પ્રવર્તે છે. બહુ બહુ મહેનત-મંથનને અંતે સંસ્કારિતા હાથ આવે છે, અને તે બહુ જતનથી આપીએ તો જ રહે છે.