સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/રોમેરોમ ઓળખી જનાર

From Ekatra Wiki
Revision as of 11:44, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કિનારા ઉપરનાં પ્રેમાળ મુખો ઝાંખાં થતાં ગયાં અને છેક દૃષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કિનારા ઉપરનાં પ્રેમાળ મુખો ઝાંખાં થતાં ગયાં અને છેક દૃષ્ટિ આગળથી લુપ્ત થયાં ત્યાં સુધી આંખ તાણીતાણીને જોતા, અને છેવટે આસપાસના પાણી સિવાય બધું દેખાતું બંધ થયું એટલે બોટ ઉપરની અમારી ઓરડીમાં બેઠા. કૂડીબંધ તારો અને કાગળો આવેલા હતા તે વાંચવા માંડ્યા. વાંચી રહ્યા બાદ મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ બાપુના હાથમાં આવ્યો. બાપુ કહે : “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.” મીરાંને કહે, “એનું ભાષાંતર મહાદેવ કરશે, પણ એનું કાવ્ય અને એની ભાષા તને શી રીતે આપી શકશે?… કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઑગસ્ટે હોટસન સાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને — પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધારપછેડો ઓઢીને — જોયા કીધું હોય એમ લાગે છે. “છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!” અને છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહીં હોય તેમ વિલાયત એ પૂરો કરવાને માટે જતા હોય, એ કવિની ભવ્ય કલ્પના હૃદય સોંસરી ચાલી જાય છે. પણ એ કટોરાનું ઝેર, પીનારને થોડું જ ચડવાનું છે? પીનાર તો કલ્પનામાં ન આવી શકતી શંભુની લીલા જગત આગળ પ્રત્યક્ષ કરશે : સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે, શી છે ગતાગમ રત્નના કામી જનો ને? તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે! હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ! ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ! ‘સૌમ્ય-રૌદ્ર’ ‘કરાલ-કોમલ’ને તો, ઘડીકમાં ખડખડાટ હસાવનારા અને ઘડી પછી બોર બોર જેવડાં આંસુ પડાવનારા બાપુની સાથે ચોવીસે કલાક રહેનારા જેટલા જાણે, તેટલા કોણ જાણે? એ રહેનારા, અ-કવિ હોઈ, બાપુની મૂર્તિનું અમર ચિત્ર નથી આપી શક્યા. જ્યારે બાપુની સાથે રહેવાનો લહાવો જેને નથી મળ્યો, પણ જેની અદ્ભુત કલ્પનાશક્તિ બાપુને રોમેરોમ ઓળખી ગઈ છે, તેવા કવિએ બાપુનું શાશ્વત ચિત્ર આલેખ્યું છે.