સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/જાગૃત કર, હે પિતા!

From Ekatra Wiki
Revision as of 11:58, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોમી રમખાણ દરમિયાન એક જુવાન ઓરતની હત્યા પોતે કરી છે, અઢીસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કોમી રમખાણ દરમિયાન એક જુવાન ઓરતની હત્યા પોતે કરી છે, અઢીસો હુલ્લડખોરોને મોખરે રહીને એક મહોલ્લાની લૂંટ ચલાવી છે, એવી બેધડક કબૂલાત કોઈ માણસે પોતાની આત્મકથામાં કરી હોય, એ પુસ્તકની પ્રસ્તાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી સુદર્શને લખેલી હોય, અને પુસ્તકના લેખક કિશન ગોપાલ રસ્તોગીને ભારત સરકારે એક સમિતિમાં નીમીને જાણે કે પુરસ્કૃત કર્યા હોય — એ તમે માની શકો છો? ભારતની સંસદના વિવિધ પક્ષોના પચાસ સભ્યોએ પ્રધાનમંત્રીને એક પત્રા લખીને શ્રી રસ્તોગી વિશેની આવી જાણકારી મોકલીને કહ્યું હતું કે ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ જેવી શિક્ષણખાતા હેઠળની શૈક્ષણિક સંસ્થાની પસંદગી સમિતિમાં સરકારે નીમેલા આવા લેખકને તેમાંથી દૂર કરવા જોઈએ. પરિણામે શું થયું તે તમે માની શકશો? ‘સંઘ’ના એક સ્વયંસેવક એ રસ્તોગીજીને શિક્ષણખાતાએ પસંદગી સમિતિમાંથી ખસેડીને પેલી કાઉન્સિલની બીજી બે સમિતિઓમાં ખાતાના સલાહકાર તરીકે સ્થાન આપ્યું! ‘પ્રચારક જીવન’ નામની પોતાની આત્મકથાના સાતમા પ્રકરણમાં રસ્તોગીજીએ એક પ્રસંગનું રોમહર્ષણ બયાન આપેલું છે. હિંદના ભાગલા પછીનાં રમખાણો દરમિયાન, હરદ્વાર અને રૂડકી વચ્ચે આવેલા કલિયાર નામના મુસ્લિમ મહોલ્લા ઉપર પોતાની આગેવાની હેઠળ ‘સંઘ’ના કાર્યકરોના એક ટોળાએ કેવી રીતે હલ્લો કરેલો અને તે વેળા એક મુસ્લિમ યુવતીને પોતે ઠંડે કલેજે કેવી રીતે ઠાર મારેલી, તેનું વર્ણન રસ્તોગીજીએ આમ આપ્યું છે : મુસલમાનોની વસ્તીવાળો એ એક પુરાણો મહોલ્લો હતો. છરા, ભાલા અને બંદૂકોથી સજ્જ બનીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા એ લોકો તૈયાર હતા. અમુક હિંદુ લત્તા પર હલ્લો કરવાના તેમના ઇરાદાની મને જાણ થઈ ત્યારે કેટલાક જાણીતા ગુંડાઓ સહિત ૨૫૦ માણસોને તૈયાર કરીને હું કલિયાર પર હુમલો લઈ ગયો. ત્યાં એક વિચિત્રા બાબત બની. એક ઘરની અંદરના માણસોને અમે ખતમ કરી રહ્યા હતા તે વખતે એક બહુ ખૂબસૂરત જુવાન છોકરી અમારી નજરે પડી. મારી આગેવાની હેઠળના હુમલાખોરો તત્કાલ મોહવશ બની ગયા. એ છોકરીને પોતાના કબજામાં લેવા તેઓ અંદરોઅંદર લડવા પણ લાગ્યા. અમારી સામે જે મુખ્ય કામ હતું તેની પર બધું ધ્યાન કેન્દ્રિત કરવા હુમલાખોરોને મેં ખૂબ સમજાવ્યા. મેં એમને ભાંડયા, ધમકાવ્યા, પણ એ લોકો મારું સાંભળે જ નહીં! અને અચાનક એ મુસીબતનો ઇલાજ મને જડી ગયો. આખરે તો એ છોકરી જ આ મુશ્કેલીના મૂળમાં હતી, અને તેને જ ખતમ કરવી જોઈએ. મારી બંદૂક ઉઠાવીને મેં તેને ઠાર મારી. શબ બનીને એ ઢળી પડી. પછી મારા સાથી પોતાના કર્તવ્ય ભણી પાછા વળ્યા. એક સ્ત્રીની હત્યા કરવી, એ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ હતું, પણ કટોકટીની ઘડીએ તેમ કરવું પડ્યું હતું અને હજી પણ મને તેનો ખેદ છે. દેશના પ્રખ્યાત અંગ્રેજી દૈનિક ‘સ્ટેઇટ્સમન’માં જે સમાચાર તા. ૨-૫-૨૦૦૧ના અંકમાં પહેલે પાને પ્રગટ થયા છે, તેમાંથી ઉપરની માહિતી આપી છે. વાચકોના ચિત્ત ઉપર તેની શી અસર પડશે? સંઘ પરિવારના પાકા રંગાયેલા જે ઝનૂની સભ્યો છે, તે તો ગાંધીજી જેવી વિશ્વવિભૂતિના હત્યારાઓ માટે પણ મગરૂરી અનુભવનારા છે. એટલે એક કુમળી કન્યાના આવા ખૂનથી એમનું રુવાંડું પણ કદાચ ન ફરકે. એમને તો તે એક ધર્મકૃત્ય પણ લાગે. સામી બાજુ, આવાં કૃત્યો પાછળની વિચારસરણીને ધિક્કારનારો એક વર્ગ છે; પણ તેને લાગે છે કે ‘સંઘ’વાળાઓ તો બહુ સ્પષ્ટ વિચારપૂર્વક આવું બધું કરતા હોય છે, એટલે તે અંગે વેદના કે રોષ વ્યક્ત કરવાથી તેમના પર કશી અસર પડવાની નથી. એ બે છેડાની વચ્ચે એક વિશાળ જનસમૂહ છે, જેને ધર્મને નામે બહેકાવીને ગુમરાહ બનાવવામાં ‘સંઘ’વાળાઓ ઠીક ઠીક સફળ થયા છે, તેમના ટેકાથી સત્તા મેળવી શક્યા છે અને માતેલા બન્યા છે. પોણી સદી પહેલાં જર્મની ને ઈટલીમાં ફાસીવાદના જે ઝેરનું વાવેતર થયું અને તેની મબલક ફસલને પરિણામે આખી દુનિયાને જે વેઠવું પડ્યું, તેનું પુનરાવર્તન ભારતની ધરતી પર બહુ યોજનાપૂર્વક આજે થઈ રહ્યું છે. તેને અટકાવવું હોય તો આ વિશાળ જનસમૂહની આંખ ઉઘાડવાના અથાક પ્રયત્નો સહુ વિચારવંતોએ કરવા પડશે. ‘સંઘ’વાળાઓ પર માત્રા શબ્દોના પ્રહારો કરીને બેસી રહેવાથી કાંઈ વળવાનું નથી. એવા પ્રયત્નો કરવાનો ઉમંગ જેમને થાય તે સહુએ પ્રથમ તો પોતાના વિચારો — આદર્શોની બાબતમાં સ્પષ્ટ બનવું જોઈએ. આપણે જોયું કે માત્રા અંગ્રેજોને હાંકી કાઢવાથી દેશમાં સ્વરાજ્ય સ્થપાઈ જતું નથી, તેમ ‘સંઘ’વાળાઓને સત્તા પરથી હઠાવવાથી જ પ્રજા સુખી થઈ જવાની નથી. સ્વરાજ અને સુરાજ્યની, ભારતના ભાવિની આપણી કલ્પના સુરેખ રીતે, સાદા શબ્દોમાં, એકદમ સંક્ષેપમાં પ્રજા પાસે મૂકવી જોઈએ અને આપણા પોતાના જીવનમાં તેનું પ્રતિબિંબ આજે પ્રજાને દેખાવું જોઈએ. આપણે એક કલ્પના રજૂ કરી દેશું, એટલે લોકો તેની પર તરત વારી જવાના છે, એવું પણ નથી. બલકે આપણે ઇચ્છીએ કે ખોટા ઉત્સાહમાં આવી જઈને લોકો ઝટઝટ એ વિચારો ગળે ઉતારી ન જાય. ખરેખરું સુરાજ્ય લાવવું હશે તો લોકોએ પોતાના કેટલાક મિથ્યા આચારવિચાર છોડવા પડશે, અને તે કેટલું આકરું છે તે તો આપણે પોતે કેટલી કુરુઢિઓનો ત્યાગ કરી શક્યા છીએ એ તપાસતાં સમજાશે. એટલે ધીરજ રાખીને અનેક પ્રસંગે લોકોને સમજાવતા રહેવાનું છે. આપણને જેમ સમજાવવાનો હક છે, તેમ લોકોને ધીમે ધીમે સમજવાનો, બિલકુલ ન સમજવાનો પણ, અધિકાર છે. વિચાર ગળે ઊતરતો જાય તેની સાથે પ્રજાને એ પણ ખ્યાલ મળતો રહેવો જોઈએ કે સુરાજય લાવવા માટે ઘણો ભોગ આપવો પડશે. સ્વરાજ માટે દેશે જેટલો ભોગ આપ્યો તેના કરતાં સુરાજ્ય માટે કદાચ વધારે ભોગ આપવો પડે. સ્વરાજ માટે આપણે જેમની સામે લડયા તે અંગ્રેજોની એક પ્રજા તરીકેની સંસ્કારિતા આજના શાસકોના કરતાં ઘણી ઊંચી હતી. આજે દેશ પર જેમનું વર્ચસ્વ છે તે રાજકીય બળો, અને તેમને પણ હથેળીમાં નચાવતાં આંતરિક ને આંતરરાષ્ટ્રીય આર્થિક બળોની નાગચૂડ આપણને ભરડો લઈ રહી છે. ઉંમરગામના કર્નલ પ્રતાપ સાવે જેવા અનેક નવલોહિયાનાં બલિદાન સુરાજ્ય માટે આપવાં પડશે. આપણું ધ્યેય જેટલું ઊંચું હશે તેટલાં શુદ્ધ સાધનો આપણે વાપરવાં પડશે. દેશના વિચારઘડતરમાં જેમણે ફાળો આપ્યો છે એવાં સજ્જન-સન્નારીઓ સાથે મળીને વિચાર અને આચારનું એક એવું અલ્પતમ જાહેરનામું પ્રજા પાસે મૂકે કે સુરાજ્યની દિશામાં ચોક્કસ કદમો ઉઠાવવાની વ્યાપક લોકસમૂહને પ્રેરણા મળે. કવિઓના કવિ, ગુરુઓના ગુરુદેવ રવીન્દ્રનાથની (શ્રી નગીનદાસ પારેખ — અનુવાદિત) આ પ્રાર્થના આપણાં અંતરમાં ગુંજી રહો : ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘરઘરના વાડાઓએ જ્યાં રાતદિવસ વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી, વાણી જ્યાં સીધી હૃદયના ઝરણમાંથી વહે છે, કર્મનો પ્રવાહ જ્યાં દિશાએ દિશાએ અજસ્રપણે સફળતા ભણી ધસે છે, તુચ્છ આચારની મરુ-રેતી જ્યાં વિચારનાં ઝરણાંને ચૂસી લેતી નથી — પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી, તું જ્યાં સકલ કર્મ અને વિચારનો અગ્રણી છે : તે સ્વાતં‌ય-સ્વર્ગમાં, હે પિતા, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને, ભારતને જાગૃત કર.