સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/લીધું તેથી અનેકગણું પાછું વાળનાર

From Ekatra Wiki
Revision as of 10:54, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખુદ અંગ્રેજોને પણ મુગ્ધ કરાવે એવું ઉત્તમ અંગ્રેજી લખી-બોલી જાણનાર મહાદેવભાઈ [દેસાઈ]એ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી, બંગાળી, હિંદી અને ઉર્દૂ ભાષાઓ પણ સારી રીતે જાણી લીધી હતી અને તે તે ભાષાના સાહિત્ય સરવરમાં તેઓ રસપૂર્વક અવગાહન કરી શકતા હતા. સાહિત્ય પ્રત્યેની આટલી ઉત્કટ અભીરુચિ છતાંય તેમણે સાહિત્યને પોતાના ઈષ્ટદેવતાને સ્થાને બેસાડ્યું નહોતું. સત્યની-સ્વરાજની સાધનારૂપે જેની જરૂર ન હોય એ વસ્તુ ગમે તેટલી આકર્ષક હોય તોયે એમણે ત્યાજ્ય ગણેલી. મહાદેવભાઈના સાહિત્યજીવનનું એક લક્ષણ આપણા સાહિત્યપ્રેમીઓએ ધ્યાનમાં લેવા જેવું છે. આપણે નવા જમાનાના માણસો વાચનના ખૂબ રસિયા ગણાઈએ છીએ. જેટલું આવ્યું તેટલું વાંચી નાખવું, એ આધુનિક સંસ્કારિતાનું એક લક્ષણ મનાય છે. પણ આપણામાંના મોટા ભાગના વાંચવાંચ કરીને ભાગ્યે જ વિશેષ કાંઈ કરી શકીએ છીએ. પછી વાચન એક વ્યસન બની જાય છે. વળી વિવેકદૃષ્ટિ રાખીને વાંચનારાઓનો મોટો ભાગ પણ બહુ ઓછું પાછું આપી શકે છે. આને સાહિત્યરસનો વૈભવ કે પરિગ્રહ ન કહેવાય? દેશવિદેશના લેખકોના ઉત્તમ ગ્રંથો વિદેશી ભાષામાં કોણ વાંચે? ઉપરાંત આપણા જ ઉપયોગી પણ કઠિન ગ્રંથો સૌ ક્યાંથી સમજે? આપણે જેટલું વાંચીએ તે પચાવીને સમાજને પાછું કેમ ન આપીએ? મહાદેવભાઈ તો જે કાંઈ લેતા તેનું અનેકગણું કરીને પાછું આપતા. ઉપયોગ વિનાનું એમણે ભાગ્યે જ કાંઈ વાંચ્યું હશે, અને જે વાંચ્યું હશે તેનો સમાજહિતાર્થે ઉપયોગ કર્યા વિના ભાગ્યે જ રહ્યા હશે. કોઈ ઉત્તમ પુસ્તક, કાવ્ય કે વિચાર મહાદેવભાઈ પાસે આવ્યા, એટલે તેના રસ અને આનંદમાં બીજા અનેક જણ ભાગીદાર બનવાના જ. કલા-સાહિત્યનો તેમણે જેટલો ઉપભોગ કર્યો, એનું અનેકગણું કરીને સમાજને ચરણે ધરી દીધું છે. [મહાદેવ દેસાઈ જન્મશતાબ્દીના પ્રકાશન
‘શુક્રતારક સમા મહાદેવભાઈ’ : ૧૯૯૧]